પ્રકરણ ૧૦૭
લગ્નની મિજબાનીમાં રાજા આમંત્રિત મહેમાનોને બોલાવે છે
લગ્નની મિજબાનીનું ઉદાહરણ
ઈસુનું સેવાકાર્ય પૂરું થવા આવ્યું તેમ, તે શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકોનો ઢોંગ ખુલ્લો પાડતા રહ્યા. એટલે, તેઓ તેમને મારી નાખવા ચાહતા હતા. (લુક ૨૦:૧૯) પણ, ઈસુ તેઓને ખુલ્લા પાડવાથી અટક્યા નહિ. તેમણે બીજું એક ઉદાહરણ આપ્યું:
“સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જેણે પોતાના દીકરાના લગ્નની મિજબાની ગોઠવી. તેણે લગ્નની મિજબાનીમાં જેઓને આમંત્રણ આપ્યું હતું, તેઓને બોલાવવા પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓ આવવા રાજી ન હતા.” (માથ્થી ૨૨:૨, ૩) ઈસુએ ઉદાહરણની શરૂઆતમાં “સ્વર્ગના રાજ્ય”નો ઉલ્લેખ કર્યો. એટલે, એ નિર્ણય પર આવી શકાય કે “રાજા” યહોવા ઈશ્વર હોવા જોઈએ. રાજાના દીકરા અને લગ્નની મિજબાનીમાં આમંત્રિત મહેમાનો કોણ હતા? એ પારખવું પણ અઘરું નથી કે રાજાના દીકરા એ યહોવાના દીકરા હતા. એ જ દીકરા, જે આ ઉદાહરણ જણાવી રહ્યા હતા. આમંત્રિત મહેમાનો એ લોકો હતા, જેઓ દીકરા સાથે સ્વર્ગના રાજ્યમાં હશે.
સૌથી પહેલા કોને આમંત્રણ મળ્યું હતું? જરા વિચારો, ઈસુ અને તેમના પ્રેરિતો કોને સ્વર્ગના રાજ્ય વિશે પ્રચાર કરતા હતા? યહુદીઓને. (માથ્થી ૧૦:૬, ૭; ૧૫:૨૪) એ પ્રજાએ ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં નિયમ કરારનો સ્વીકાર કર્યો હતો. આમ, “યાજકોનું રાજ્ય” બનવાનો પહેલો લહાવો તેઓને મળ્યો. (નિર્ગમન ૧૯:૫-૮) પણ, તેઓને ખરેખર ક્યારે “લગ્નની મિજબાની” માટે બોલાવવામાં આવ્યા? એ આમંત્રણ ઈસવીસન ૨૯માં આપવામાં આવ્યું, જ્યારે ઈસુએ સ્વર્ગના રાજ્ય વિશે પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું.
આમંત્રણ મળ્યું ત્યારે મોટા ભાગના યહુદીઓએ શું કર્યું? ઈસુએ જણાવ્યું તેમ, “તેઓ આવવા રાજી ન હતા.” મોટા ભાગના ધર્મગુરુઓએ અને લોકોએ ઈસુને મસીહ તરીકે અને ઈશ્વરે નિયુક્ત કરેલા રાજા તરીકે સ્વીકાર્યા નહિ.
પણ, ઈસુએ સૂચવ્યું કે યહુદીઓને ફરી વાર તક મળવાની હતી: “ફરીથી [રાજાએ] બીજા ચાકરોને આમ કહીને મોકલ્યા, ‘આમંત્રણ આપ્યું છે તેઓને જણાવો: “જુઓ! મેં ભોજન તૈયાર કર્યું છે; મારા બળદો અને તાજાંમાજાં પશુઓ કાપ્યાં છે અને બધું તૈયાર છે. લગ્નની મિજબાનીમાં આવો.”’ પરંતુ, તેઓએ ધ્યાન પર લીધું નહિ અને જતા રહ્યા, એક પોતાના ખેતરે ગયો તો બીજો પોતાના વેપારધંધે; બાકીનાએ તેના ચાકરોને પકડ્યા, તેઓનું ભારે અપમાન કર્યું અને તેઓને મારી નાખ્યા.” (માથ્થી ૨૨:૪-૬) એ બતાવતું હતું કે ખ્રિસ્તી મંડળની સ્થાપના પછી શું બનશે. એ સમયે પણ યહુદીઓ પાસે રાજ્યમાં જવાની તક હતી. પણ, મોટા ભાગના લોકોએ એ આમંત્રણ સ્વીકાર્યું નહિ, અરે, તેઓએ ‘રાજાના ચાકરોનું’ અપમાન પણ કર્યું.—પ્રેરિતોનાં કાર્યો ૪:૧૩-૧૮; ૭:૫૪, ૫૮.
પછી એ પ્રજાનું શું થયું? ઈસુએ જણાવ્યું: “રાજા ક્રોધે ભરાયો અને તેણે પોતાની સેનાઓ મોકલીને એ ખૂનીઓને મારી નાખ્યા અને તેઓના શહેરને બાળી મૂક્યું.” (માથ્થી ૨૨:૭) ઈ.સ. ૭૦માં રોમનોએ “તેઓના શહેર” યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે, યહુદીઓએ એનો અનુભવ કર્યો.
તેઓએ રાજાનું આમંત્રણ સ્વીકાર્યું ન હતું. શું એનો અર્થ એવો થાય કે હવે બીજા કોઈને આમંત્રણ નહિ મળે? ઈસુનું ઉદાહરણ બતાવે છે કે એવું ન હતું. એ વિશે તેમણે આગળ જણાવ્યું: “પછી, [રાજાએ] પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નની મિજબાની તો તૈયાર છે, પણ જેઓને આમંત્રણ આપ્યું હતું તેઓ એને લાયક ન હતા. તેથી, શહેરના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને જે કોઈ મળે એને લગ્નની મિજબાની માટે બોલાવી લાવો.’ એ પ્રમાણે પેલા ચાકરો રસ્તાઓ પર ગયા અને સારા કે ખરાબ જે કોઈ મળ્યા એ બધાને ભેગા કર્યા; અને જ્યાં લગ્ન હતું એ ઓરડો જમવા બેઠેલા મહેમાનોથી ભરાઈ ગયો.”—માથ્થી ૨૨:૮-૧૦.
નોંધ લેવા જેવું છે કે, સમય જતાં પ્રેરિત પીતર બીજી પ્રજાના લોકોને ખ્રિસ્તના અનુયાયીઓ બનવા મદદ કરવા લાગ્યા. એમાં જન્મથી યહુદી ન હોય અથવા યહુદી ધર્મ અપનાવ્યો ન હોય, એવા લોકો હતા. ઈ.સ. ૩૬માં રોમન લશ્કરી અધિકારી કર્નેલિયસ અને તેમના કુટુંબે ઈશ્વરની પવિત્ર શક્તિ મેળવી અને ઈસુએ ઉદાહરણમાં જણાવ્યું હતું તેમ, સ્વર્ગના રાજ્યમાં તેઓને સ્થાન મળ્યું.—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૧, ૩૪-૪૮.
ઈસુએ ધ્યાન દોર્યું કે મિજબાનીમાં આવેલા બધા લોકોને “રાજા” સ્વીકારશે નહિ. તેમણે કહ્યું: “જ્યારે રાજા મહેમાનોને જોવા આવ્યો, ત્યારે તેની નજર એક માણસ પર પડી, જેણે લગ્નનાં કપડાં પહેર્યાં ન હતાં. એટલે, તેણે તેને કહ્યું: ‘દોસ્ત, તું લગ્નનો પોશાક પહેર્યા વગર અંદર કેવી રીતે આવી ગયો?’ તેને કોઈ જવાબ સૂઝ્યો નહિ. ત્યારે રાજાએ પોતાના સેવકોને કહ્યું: ‘તેના હાથપગ બાંધી દો અને તેને બહાર અંધારામાં ફેંકી દો. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.’ કારણ કે ઘણાને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પસંદ કરાયેલા થોડા છે.”—માથ્થી ૨૨:૧૧-૧૪.
ઈસુ જે કંઈ કહી રહ્યા હતા, એનો શો અર્થ થાય અથવા એ કઈ રીતે લાગુ પડે છે, એ તેમને સાંભળનારા ધર્મગુરુઓ સમજ્યા નહિ હોય. તોપણ, ઈસુની વાતોથી તેઓએ શરમથી નીચું જોવું પડ્યું હતું અને ભારે નારાજ થયા હતા. એટલે, ઈસુથી છુટકારો પામવા તેઓ કંઈ પણ કરી છૂટવા તૈયાર હતા.