વિભાજિત દુનિયામાં કોઈનો પક્ષ ન લઈએ
“જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.”—માથ. ૨૨:૨૧.
૧. આપણે કઈ રીતે ઈશ્વર અને માનવીય સરકારોને આધીન રહી શકીએ?
બાઇબલ શીખવે છે કે આપણે માનવીય સરકારોને આધીન રહેવું જોઈએ. બાઇબલ એ પણ શીખવે છે કે માણસોના કરતાં આપણે ઈશ્વરનું વધારે માનવું જોઈએ. (પ્રે.કૃ. ૫:૨૯; તીત. ૩:૧) પણ, એમ કઈ રીતે કરી શકીએ? આપણે કોને આધીન રહેવું જોઈએ એ વિશે સમજાવતો એક સિદ્ધાંત ઈસુએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું: “જે કાઈસારના તે કાઈસારને તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.”[1] (માથ. ૨૨:૨૧) જ્યારે આપણે સરકારી નિયમો પાળીએ છીએ, સરકારી અધિકારીઓ સાથે માનથી વર્તીએ છીએ અને કરવેરા ભરીએ છીએ, ત્યારે “કાઈસારના તે કાઈસારને” ભરી આપીએ છીએ. (રોમ. ૧૩:૭) પરંતુ, જો સરકાર એવું કંઈક કરવા કહે જે ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ હોય, ત્યારે આપણે એ પ્રમાણે કરવાનું નકારીએ છીએ, પણ માનપૂર્વક એમ કરીએ છીએ.
૨. રાજકારણમાં આપણે કોઈનો પક્ષ નથી લેતા, એ કઈ રીતે બતાવી શકીએ?
૨ ‘જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપવાની’ એક રીત છે, આ દુનિયાના રાજકારણમાં કોઈ પણ રીતે ભાગ ન લેવો. આપણે કોઈનો પક્ષ નથી લેતા, પણ તટસ્થ રહીએ છીએ. (યશા. ૨:૪) યહોવાએ મનુષ્યોના રાજને ચાલવા દીધું છે, એટલે આપણે એનો વિરોધ કરતા નથી. તેમ જ, આપણે દેશભક્તિને લગતી કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી. (રોમ. ૧૩:૧, ૨) આપણે સરકારો બદલવાનો પ્રયત્ન કરતા નથી અને ચૂંટણીમાં મતદાન કરતા નથી. તેમ જ, આપણે કોઈ પણ રાજકીય સરકારનો પક્ષ લેતા નથી અથવા પોતે નેતા બનવાનો કે આપણું કામ કઢાવવા બીજા કોઈ નેતાને ટેકો આપવાનો પ્રયત્ન કરતા નથી.
૩. આપણે શા માટે રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી?
૩ ઈશ્વર ચાહે છે કે આપણે રાજકારણમાં કોઈનો પક્ષ ન લઈએ. શા માટે? એની પાછળ ઘણાં કારણો રહેલાં છે. પહેલું કારણ, આપણે ઈસુના પગલે ચાલીએ છીએ અને તે આ ‘જગતનો ભાગ ન હતા.’ તેમણે રાજકારણ કે યુદ્ધમાં કદીયે કોઈનો પક્ષ લીધો ન હતો. (યોહા. ૬:૧૫; ૧૭:૧૬) બીજું કારણ, આપણે ઈશ્વરની સરકારને ટેકો આપીએ છીએ, કોઈ માનવીય સરકારને નહિ. તેથી, આપણે જ્યારે બીજાઓને જણાવીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય જ મનુષ્યોની બધી મુશ્કેલીઓનો અંત લાવશે, ત્યારે આપણું અંતઃકરણ શુદ્ધ રહે છે. જૂઠા ધર્મો રાજકારણમાં ભાગ લે છે અને એટલે લોકોમાં ભાગલા પડે છે. પણ, આપણે રાજકારણમાં ભાગ લેતા નથી અને એટલે દુનિયાભરનાં આપણાં ભાઈ-બહેનો સાથે એકતામાં રહીએ છીએ.—૧ પીત. ૨:૧૭.
૪. (ક) આપણે કઈ રીતે જાણી શકીએ કે તટસ્થ રહેવું વધારે અઘરું બનશે? (ખ) તટસ્થ રહેવા આપણે શા માટે હમણાંથી જ તૈયારી કરવી જોઈએ?
૪ બની શકે કે, આપણે એવા વિસ્તારમાં રહેતા હોઈએ કે જ્યાં લોકો આપણને રાજકીય બાબતે કોઈનો પક્ષ લેવા દબાણ ન કરે. જોકે, શેતાનની દુષ્ટ દુનિયાનો અંત નજીક આવી રહ્યો છે તેમ, આપણા માટે તટસ્થ રહેવું વધારે અઘરું બની રહ્યું છે. કારણ કે, આજે લોકો ‘ક્રૂર, ઉદ્ધત’ અને જિદ્દી બની ગયા હોવાથી લોકોમાં ભાગલા પડી રહ્યા છે. (૨ તીમો. ૩:૩, ૪) અમુક દેશની રાજનીતિમાં અચાનક ફેરફારો થવાથી ત્યાં રહેતા આપણાં અમુક ભાઈ-બહેનોને એની અસર થઈ છે. એટલે જ, અઘરા સંજોગોમાં પણ તટસ્થ રહેવા આપણે હમણાંથી જ પોતાને તૈયાર કરવાની જરૂર છે. ચાલો, એવી ચાર બાબતોનો વિચાર કરીએ, જે આપણને તૈયાર થવા મદદ કરશે.
માનવીય સરકારોને યહોવાની નજરે જોઈએ
૫. માણસોએ રચેલી સરકારોને યહોવા કઈ નજરે જુએ છે?
૫ તટસ્થ રહેવાની પહેલી રીત છે કે માનવીય સરકારોને યહોવાની નજરે જોઈએ. યહોવાએ મનુષ્યોનું સર્જન કર્યું ત્યારે તેમણે તેઓને એકબીજા પર રાજ કરવાનો હક આપ્યો ન હતો. (યિર્મે. ૧૦:૨૩) તે બધા મનુષ્યોને એક કુટુંબ તરીકે જુએ છે. પરંતુ, માનવીય સરકારોએ લોકોમાં ભાગલા પાડ્યા છે. કેમ કે તેઓનું માનવું છે કે તેઓનો દેશ સૌથી સારો છે. અમુક સરકારો સારી લાગે તોપણ, તેઓ મનુષ્યોની બધી જ સમસ્યાઓ થાળે પાડી શકતી નથી. વધુમાં, એ સરકારો તો ઈશ્વરના રાજ્યની દુશ્મનો બની છે. એ રાજ્યે ૧૯૧૪માં રાજ કરવાનું શરૂ કર્યું છે અને બહુ જલદી જ દુનિયાની બધી જ સરકારોનો સર્વનાશ કરશે.—ગીતશાસ્ત્ર ૨:૨, ૭-૯ વાંચો.
૬. સરકારી અધિકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૬ માનવીય સરકારોને ઈશ્વર ચાલવા દે છે. કેમ કે, તેઓ અમુક હદે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખી શકે છે. એના લીધે આપણે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવી શકીએ છીએ. (રોમ. ૧૩:૩, ૪) અરે, ઈશ્વર આપણને અધિકારીઓ માટે પણ પ્રાર્થના કરવા જણાવે છે, જેથી આપણે શાંતિથી ઈશ્વરની ભક્તિ કરી શકીએ. (૧ તીમો. ૨:૧, ૨) અન્યાયનો ભોગ બનીએ ત્યારે, આપણે સરકારી સત્તાઓ પાસે મદદ માંગી શકીએ છીએ. પાઊલે પણ એવું જ કર્યું હતું. (પ્રે.કૃ. ૨૫:૧૧) ખરું કે બાઇબલ જણાવે છે કે માનવીય સરકારો શેતાનની મુઠ્ઠીમાં છે. (લુક ૪:૫, ૬) જોકે, બાઇબલમાં ક્યાંય એમ નથી જણાવ્યું કે શેતાન દરેકે દરેક સરકારી અધિકારીને પોતાની મુઠ્ઠીમાં રાખે છે. તેથી, આપણી વાતથી બીજાને એવો અણસાર આવવો ન જોઈએ કે ફલાણો અધિકારી શેતાનના પંજામાં છે. કારણ કે, બાઇબલ શીખવે છે કે આપણે બીજાઓનું અપમાન ન કરવું જોઈએ.—તીત. ૩:૧, ૨.
૭. આપણે કેવા વિચારો ટાળવા જોઈએ?
૭ કોઈ પણ રાજકારણી કે રાજકીય પાર્ટી જે કરવા ચાહે છે એ આપણા લાભમાં હોય તોપણ, આપણે તેઓનો પક્ષ નથી લેતા. આમ, આપણે ઈશ્વરને આધીન રહીએ છીએ. જોકે, અમુક વાર એમ કરવું સહેલું નથી હોતું. દાખલા તરીકે, એવી સરકારનો વિચાર કરો જેણે લોકો પર જુલમ ગુજાર્યો હોય. કદાચ યહોવાના સાક્ષીઓ પણ એ જુલમનો ભોગ બન્યા હોય. એવી સરકાર વિરુદ્ધ લોકો બળવો પોકારે ત્યારે, આપણે ચોક્કસ એમાં જોડાતા નથી. પણ, શું આપણે એમ વિચારીશું કે એ બળવો યોગ્ય છે અને તેઓ સફળ થાય તો સારું? (એફે. ૨:૨) જો આપણે તટસ્થ રહેવા માંગતા હોઈએ, તો એવો વિચાર પણ ન કરીએ કે એક પક્ષ બીજા પક્ષ કરતાં વધારે સારો છે. આપણી તટસ્થતા આપણાં વાણી-વર્તનમાં દેખાઈ આવવી જોઈએ.
“હોશિયાર” અને “સાલસ”
૮. તટસ્થ રહેવું અઘરું હોય ત્યારે, આપણે કઈ રીતે “હોશિયાર” અને “સાલસ” બની શકીએ?
૮ તટસ્થ રહેવાની બીજી એક રીત છે કે, આપણે “સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ” થઈએ. (માથ્થી ૧૦:૧૬, ૧૭ વાંચો.) મુશ્કેલીઓનો અગાઉથી વિચાર કરીને આપણે “હોશિયાર” બનીએ છીએ. અને એ મુશ્કેલીઓમાં તટસ્થ રહીને આપણે “સાલસ” કે નિર્દોષ રહીએ છીએ. ચાલો આપણે એવા અમુક સંજોગોની ચર્ચા કરીએ અને જોઈએ કે તટસ્થ રહેવા આપણે શું કરી શકીએ.
૯. વાતચીતમાં આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?
૯ વાતચીત. લોકો રાજકારણ વિશે ચર્ચા શરૂ કરે ત્યારે, આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે, ઈશ્વરના રાજ્ય વિશે કોઈની સાથે વાત કરીએ ત્યારે, એમ નહિ કહીએ કે આપણે કોઈ નેતા કે રાજકીય પક્ષના વિચારો સાથે સહમત કે અસહમત છીએ. મુશ્કેલીઓ થાળે પાડવા માણસો શું કરી રહ્યા છે એની ચર્ચા કરવાને બદલે, તેઓને બાઇબલમાંથી બતાવીએ કે ઈશ્વરનું રાજ્ય કઈ રીતે મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવશે. આજે લોકો અલગ અલગ મુદ્દા વિશે દલીલ કરવા માંગતા હોય છે. જેમ કે, સજાતીય લગ્નો કે ગર્ભપાત. એ વિશે તેઓ સાથે દલીલ કરવાને બદલે તેઓનું ધ્યાન બાઇબલ ધોરણો તરફ દોરીએ. તેમ જ, તેઓને જણાવીએ કે કઈ રીતે આપણે એ ધોરણો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. જો કોઈ એમ કહે કે અમુક કાયદાઓ નાબૂદ કરવા જોઈએ અથવા બદલવા જોઈએ, તો આપણે કોઈનો પક્ષ નહિ લઈએ. આપણે એવી જિદ્દ પણ નહિ કરીએ કે તે વ્યક્તિ પોતાના વિચારો બદલે.
૧૦. મીડિયા દ્વારા રજૂ થતી માહિતીની અસર આપણા પર ન થાય, એનું ધ્યાન કઈ રીતે રાખી શકીએ?
૧૦ મીડિયા. અમુક વાર સમાચાર એકતરફી હોય છે. એને એ રીતે રજૂ કરવામાં આવે છે જાણે એ કોઈ એક પક્ષને સમર્થન આપતા હોય. એવું ખાસ કરીને એવા દેશોમાં બને છે, જ્યાં સમાચારો પર સરકારનું નિયંત્રણ હોય. કોઈ સમાચાર સંસ્થા અથવા પત્રકાર કોઈ એક પક્ષને સમર્થન આપે ત્યારે, આપણે તેમના જેવું વિચારવા ન લાગીએ એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આ સવાલનો વિચાર કરો: “કોઈ પત્રકારની રાજકારણ પરની ટીકા શું મને એટલે સાંભળવી ગમે છે, કેમ કે હું પણ તેની સાથે સહમત હોઉં છું?” જો તમે તટસ્થ રહેવા ચાહતા હો, તો રાજકારણને લગતા એકતરફી અહેવાલો જોવાનું કે વાંચવાનું ટાળો. એને બદલે, એવા અહેવાલો શોધવાનો પ્રયત્ન કરો, જે કોઈનો પક્ષ લેતા ન હોય. તમે જે સાંભળો છો એની સરખામણી બાઇબલમાં આપેલાં ‘સત્ય વચનોનાં ધોરણો’ જોડે કરો.—૨ તીમો. ૧:૧૩.
૧૧. જો ધનદોલત આપણા માટે ખૂબ મહત્ત્વની હોય, તો કઈ રીતે તટસ્થ રહેવું અઘરું બની શકે?
૧૧ ધનદોલતનો મોહ. જો આપણું મન પોતાની ધનદોલત પર જ હશે, તો તટસ્થ રહેવું કદાચ અઘરું બનશે. વર્ષ ૧૯૭૦ પછી મલાવીનાં ભાઈ-બહેનો સાથે જે બન્યું એનો વિચાર કરો. રાજકીય પક્ષમાં ન જોડાવવાને લીધે ઘણાં ભાઈ-બહેનોએ પોતાનાં ઘરબાર ગુમાવવા પડ્યાં. અફસોસ કે, કેટલાંકે પોતાનું આરામદાયક જીવન છોડ્યું નહિ. રૂથ નામના આપણાં એક બહેન એ સમયને યાદ કરતા કહે છે, ‘કેટલાંક ભાઈ-બહેનો પોતાનું બધું છોડીને અમારી જેમ રેફ્યુજી કૅમ્પમાં આવ્યાં હતાં. પણ પછીથી તેઓ રાજકીય પક્ષમાં જોડાયાં અને પોતાના ઘરે પાછાં ફર્યાં. કેમ કે, અગવડભર્યું એ જીવન તેઓ જીવવા માંગતા ન હતાં.’ પરંતુ, મોટા ભાગના ઈશ્વરભક્તો તેઓના જેવા નથી. તેઓ તટસ્થ રહે છે, પછી ભલેને એના લીધે તેઓએ પૈસાની તંગી સહેવી પડે કે પોતાનું બધું ગુમાવવું પડે.—હિબ્રૂ ૧૦:૩૪.
૧૨, ૧૩. (ક) યહોવા બધા માણસોને કઈ નજરે જુએ છે? (ખ) આપણે કઈ રીતે પારખી શકીએ કે આપણામાં ગર્વની લાગણી ઘર કરી રહી છે કે કેમ?
૧૨ ગર્વ. લોકો પોતાના દેશ, જાતિ, સંસ્કૃતિ કે શહેર માટે ગર્વ અનુભવતા હોય છે અને એની બડાઈ હાંકતા હોય છે. પરંતુ, યહોવા કોઈ વ્યક્તિ કે જાતિને બીજી કરતાં ચડિયાતી ગણતા નથી. તેમના માટે આપણે બધા એકસમાન છીએ. ખરું કે, યહોવાએ આપણને એકબીજાથી અલગ બનાવ્યા છે. અને આપણે એ વિવિધતાનો આનંદ માણીએ છીએ અને એની પ્રશંસા કરીએ છીએ. તે એવું નથી ચાહતા કે આપણે પોતાની સંસ્કૃતિ સાવ તજી દઈએ. જોકે, તે એવું પણ નથી ચાહતા કે આપણે પોતાને બીજાઓ કરતાં ચડિયાતા ગણીએ.—રોમ. ૧૦:૧૨.
૧૩ આપણે કદીયે પોતાના દેશ માટે એટલો બધો ગર્વ અનુભવવો ન જોઈએ કે એને બીજાઓ કરતાં ચડિયાતો ગણવા લાગીએ. જો આપણને એવું લાગવા લાગશે, તો આપણા માટે તટસ્થ રહેવું બહુ અઘરું બની જશે. પહેલી સદીનાં ભાઈ-બહેનો સાથે એવું જ બન્યું હતું. અમુક હિબ્રૂ ભાઈઓ ગ્રીક વિધવા સાથે ભેદભાવ રાખતા હતા. (પ્રે.કૃ. ૬:૧) આપણે કઈ રીતે પારખી શકીએ કે આપણામાં ગર્વની લાગણી ઘર કરી રહી છે કે કેમ? જો બીજા દેશના કોઈ ભાઈ કે બહેન તમને સલાહ આપે, તો તમને કેવું લાગશે? શું તમે તરત જ એમ વિચારશો કે “અમે તો અહીંયા પહેલેથી જ વધારે સારું કરી રહ્યા છીએ?” અને શું પછી એ સલાહને નકારી દેશો? એવા કિસ્સામાં, આ મહત્ત્વની સલાહ યાદ રાખો: “નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.”—ફિલિ. ૨:૩.
યહોવા તમને મદદ કરશે
૧૪. પ્રાર્થના કઈ રીતે આપણને મદદ કરી શકે? બાઇબલનો કયો દાખલો એની સાબિતી આપે છે?
૧૪ તટસ્થ રહેવાની ત્રીજી રીત છે કે, યહોવા પર આધાર રાખીએ. પ્રાર્થનામાં યહોવાની પવિત્ર શક્તિ માંગો, જે તમને ધીરજ અને સંયમ જેવા ગુણો કેળવવા મદદ કરશે. સરકાર કોઈ બેઈમાની કે અન્યાય કરે ત્યારે, એનો સામનો કરવા આ ગુણો તમને મદદ કરશે. તટસ્થ રહેવું અઘરું બનાવે એવી પરિસ્થિતિને પારખવા અને એમાં યોગ્ય નિર્ણય લેવા યહોવા પાસે ડહાપણ માંગો. (યાકૂ. ૧:૫) બની શકે કે, યહોવા પ્રત્યેની વફાદારી જાળવવાને લીધે તમને કદાચ જેલમાં પૂરવામાં આવે અથવા બીજી કોઈ સજા ફટકારવામાં આવે. એમ હોય તો, યહોવા પાસે પ્રાર્થનામાં હિંમત માંગો, જેથી તમે બીજાઓને સાફ સાફ સમજાવી શકો કે તમે શા માટે કોઈનો પક્ષ લેતા નથી. તમે ખાતરી રાખી શકો કે શ્રદ્ધામાં ટકી રહેવા યહોવા તમને મદદ કરશે.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૭-૩૧ વાંચો.
૧૫. તટસ્થ રહેવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે? (“બાઇબલે તેઓને શ્રદ્ધામાં મક્કમ કર્યા” બૉક્સ પણ જુઓ.)
૧૫ આપણી હિંમત વધારવા યહોવાએ આપણને બાઇબલ આપ્યું છે. તટસ્થ રહેવા મદદ કરે એવી બાઇબલની કલમો પર મનન કરો. એમાંથી શીખવાનો અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. કેમ કે, તમારી પાસે બાઇબલ નહિ હોય એવા સંજોગોમાં પણ એ કલમો તમને મદદ કરશે. ભાવિ વિશે ઈશ્વરે આપણને જે આશા આપી છે એને મજબૂત બનાવવા પણ બાઇબલ મદદ કરે છે. સતાવણીઓમાં ટકી રહેવા એ આશા બહુ જરૂરી છે. (રોમ. ૮:૨૫) તમે નવી દુનિયામાં જેનો આનંદ માણવા માંગો છો, એનું વર્ણન કરતી કલમો પસંદ કરો અને જાણે તમે ત્યાં હો એવી કલ્પના કરો.
યહોવાના વિશ્વાસુ ભક્તો પાસેથી શીખીએ
૧૬, ૧૭. વફાદાર ઈશ્વરભક્તોના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૬ તટસ્થ રહેવાની ચોથી રીત છે કે, બાઇબલમાં આપેલા વિશ્વાસુ ઈશ્વરભક્તોના દાખલા પર મનન કરીએ. એ ઈશ્વરભક્તોએ તટસ્થ રહેવા ઘણી હિંમત બતાવી હતી અને સારા નિર્ણયો લીધા હતા. શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોનો વિચાર કરો. તેઓએ મૂર્તિને નમવાનો નકાર કર્યો હતો, જે બાબેલોનની સત્તાને દર્શાવતી હતી. (દાનીયેલ ૩:૧૬-૧૮ વાંચો.) આજે તેઓના દાખલાથી ઘણા સાક્ષીઓને હિંમત બતાવવા અને ધ્વજવંદન ન કરવા મદદ મળી છે. ઈસુ પણ રાજકારણ અને ભાગલા પાડતા વિવાદોથી દૂર રહ્યા હતા. તે જાણતા હતા કે તેમનો સારો દાખલો તેમના અનુયાયીઓને મદદ કરશે. તેમણે કહ્યું હતું: “હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”—યોહા. ૧૬:૩૩.
૧૭ આપણા સમયમાં પણ ઘણા સાક્ષીઓએ યહોવાને વફાદાર રહીને, પોતાની તટસ્થતા જાળવી રાખી છે. એમાંના અમુકને તો જેલમાં નાંખવામાં આવ્યા છે અને રિબાવવામાં આવ્યા છે. અરે, અમુકને તો મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે! તેઓના દાખલા આપણી હિંમત વધારવા મદદ કરી શકે છે. તુર્કીમાં રહેતા આપણા એક ભાઈએ કહ્યું: ‘હિટલરના લશ્કરમાં જોડાવવાનો નકાર કરવાને લીધે, આપણા એક યુવાન ભાઈ ફ્રાંઝ રાઇટરને મારી નાખવામાં આવ્યા હતા. તેમના મરણની આગલી રાતે તેમણે પોતાની માતાને જે પત્ર લખ્યો હતો એમાં તેમની અતૂટ શ્રદ્ધા અને યહોવા પરનો ભરોસો દેખાઈ આવતો હતો. મેં નિર્ણય લીધો હતો કે, જો હું એવા સંજોગોમાં આવી પડીશ, તો હું પણ એ ભાઈની જેમ અડગ રહીશ.’[2]
૧૮, ૧૯. (ક) મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે તમને તટસ્થ રહેવા મદદ કરી શકે? (ખ) તમે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે?
૧૮ તટસ્થ રહેવા તમારા મંડળનાં ભાઈ-બહેનો તમને મદદ કરી શકે. જો તમે મુશ્કેલ સંજોગોમાં હો, તો વડીલોને જણાવો. તેઓ તમને બાઇબલમાંથી સલાહ આપશે. એટલું જ નહિ, જો તમારા મંડળમાં બીજા કોઈને તમારા સંજોગો વિશે જાણ થશે, તો તેઓ પણ તમને ઉત્તેજન આપશે. તમારા માટે પ્રાર્થના કરવા તેઓને જણાવો. એવી જ રીતે, તમારે પણ ભાઈ-બહેનોને સાથ-સહકાર આપવો જોઈએ અને તેઓ માટે પ્રાર્થના કરવી જોઈએ. (માથ. ૭:૧૨) આપણી વેબસાઇટ પર તમને એવાં ઘણાં ભાઈ-બહેનોનાં નામની યાદી મળશે, જેઓ જેલમાં છે. એ માટે તમે jw.org પર જઈને “ન્યુઝરૂમ” મથાળા હેઠળ “લીગલ ડેવલપમેન્ટ્સ” વિભાગ જુઓ. ત્યાં તમને આ લેખ જોવા મળશે: “જેહોવાઝ વિટ્નેસીસ ઇમપ્રિઝન્ડ ફોર ધેર ફેઇથ—બાય લોકેશન.” એ યાદીમાંથી અમુક નામ પસંદ કરો. એ ભાઈ-બહેનોને હિંમત મળે અને શ્રદ્ધામાં ટકી રહે એ માટે યહોવાને વિનંતી કરો.—એફે. ૬:૧૯, ૨૦.
૧૯ આપણે જગતના અંત તરફ ધસી રહ્યા છીએ તેમ, સરકારો તેઓનો પક્ષ લેવા આપણા પર વધુને વધુ દબાણ કરશે. એટલે, આ વિભાજિત જગતમાં તટસ્થ રહેવા આપણે અત્યારથી જ તૈયારી કરવી જોઈએ.
^ [૧] (ફકરો ૧) ઈસુએ જ્યારે કાઈસારનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે તે સરકારો વિશે વાત કરતા હતા. ઈસુના સમયમાં કાઈસારનું રાજ હતું અને એ સૌથી ઉચ્ચ સત્તા હતી.
^ [૨] (ફકરો ૧૭) જેહોવાઝ વિટ્નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્સ કિંગ્ડમ પુસ્તકનું પાન ૬૬૨ અને ગૉડ્સ કિંગ્ડમ રુલ્સ! પુસ્તકના પ્રકરણ ૧૪માં બૉક્સ જુઓ.