સુખી બનાવતા ઈસુના અનમોલ વિચારો
‘ઈસુ પહાડ પર ચઢી ગયા. શિષ્યો પણ તેમની પાસે આવ્યા અને તેમણે તેઓને ઉપદેશ કર્યો.’—માથ. ૫:૧, ૨.
૧, ૨. (ક) ઈસુએ કેવા સંજોગોમાં પહાડ પરનો ઉપદેશ આપ્યો હતો? (ખ) ઈસુએ એ ઉપદેશની શરૂઆત કેવી રીતે કરી?
એ ૩૧ની સાલનો સમય હતો. ઈસુ હવે ગાલીલથી યરૂશાલેમ પાસ્ખાપર્વ ઉજવવા જાય છે. (યોહા. ૫:૧) પછી પાછા ગાલીલ જાય છે. બાર પ્રેષિતો પસંદ કરવા તે આખી રાત યહોવાહને પ્રાર્થના કરે છે. બીજા દિવસે ઈસુ બીમાર લોકોને સાજા કરે છે. તેમની આસપાસ શિષ્યો છે. લોકોનાં ટોળેટોળાં છે. તે પહાડ પર બેસીને તેઓને શીખવે છે.—માથ. ૪:૨૩–૫:૨; લુક ૬:૧૨-૧૯.
૨ એ ઉપદેશને પહાડ પરનો ઉપદેશ પણ કહેવાય છે. ઈસુએ શરૂઆતમાં જણાવ્યું કે વ્યક્તિએ સુખી થવું હોય તો શું કરવું જોઈએ. ઘણા કહેશે કે જે વ્યક્તિના જીવનમાં ‘શાંતિ, સંતોષ અને નિરાંત હોય,’ એ સુખી કહેવાય. પરંતુ ઈસુએ કહ્યું કે સુખી થવા યહોવાહ સાથે પાકો નાતો હોવો જ જોઈએ. (માત્થી ૫:૧-૧૨ વાંચો.)a ઈસુએ સુખી થવાની નવ રીતની ચર્ચા કરી. બે હજાર વર્ષ પછી પણ, આજે એનો એટલો જ ફાયદો થાય છે. ચાલો એ અનમોલ વિચારોની એક પછી એક ચર્ચા કરીએ.
“આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે”
૩. “આત્મામાં જેઓ રાંક છે” એનો મતલબ શું થાય?
૩ “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે; કેમકે આકાશનું રાજ્ય તેઓનું છે.” (માથ. ૫:૩) “આત્મામાં જેઓ રાંક છે” એનો મતલબ શું થાય? એ એવા લોકોને બતાવે છે, જેઓ યહોવાહના માર્ગદર્શન અને દયા માટે તરસે છે.
૪, ૫. (ક) યહોવાહના માર્ગદર્શન અને દયા માટે તરસે છે, તેઓ કેમ સુખી છે? (ખ) યહોવાહમાં શ્રદ્ધા કેળવવા શું કરવું જોઈએ?
૪ યહોવાહના માર્ગદર્શન અને દયા માટે તરસે છે તેઓ સુખી છે, “કેમકે આકાશનું રાજ્ય તેઓનું છે.” જેઓએ ઈસુને મસીહ માન્યા, એવા શરૂઆતના શિષ્યોને કેવા આશીર્વાદનો મોકો મળ્યો? યહોવાહના રાજમાં તેઓ ઈસુની સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. (લુક ૨૨:૨૮-૩૦) આપણામાંથી મોટા ભાગના એ રાજમાં પૃથ્વી પર અમર જીવનની રાહ જોઈએ છીએ. એ માટે આપણે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ. તેમનામાં જ શ્રદ્ધા રાખીએ. એમ કરીશું તો, સાચે જ સુખી બનીશું.
૫ આજે ઘણાને યહોવાહમાં શ્રદ્ધા નથી. મોટા ભાગે લોકો તેમના જ્ઞાનની કદર કરતા નથી. (૨ થેસ્સા. ૩:૧, ૨; હેબ્રી ૧૨:૧૬) યહોવાહમાં શ્રદ્ધા કેળવવા શું કરવું જોઈએ? બાઇબલ સ્ટડી કરીએ. જે શીખીએ એ હોંશથી બીજાને જણાવીએ. યહોવાહના ભક્તો સાથે ભેગા મળીને શીખતા રહીએ.—માથ. ૨૮:૧૯, ૨૦; હેબ્રી ૧૦:૨૩-૨૫.
‘શોક કરનારાને ધન્ય છે’
૬. ‘શોક કરનારા’ કોણ છે? તેઓને કેમ સુખી ગણવામાં આવે છે?
૬ “જેઓ શોક કરે [નિસાસો નાખે] છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ દિલાસો પામશે.” (માથ. ૫:૪) ઈશ્વરના માર્ગદર્શન અને દયા માટે તરસનારા લોકો ‘નિસાસા પણ નાખે’ છે. તેઓ લાચારી કે ગરીબીને લીધે નહિ, પણ એ જાણવાને લીધે નિસાસા નાખે છે કે પોતાને આદમથી વારસામાં પાપ મળ્યું છે. બીજું કે એ વારસાને લીધે દુનિયાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે! તોપણ તેઓને કેમ સુખી ગણવામાં આવે છે? એનું કારણ કે તેઓ યહોવાહ સાથે નાતો બાંધીને દિલાસો પામ્યા છે. તેઓને યહોવાહમાં પૂરી શ્રદ્ધા છે. ઈસુમાં પૂરો ભરોસો છે.—યોહા. ૩:૩૬.
૭. શેતાનની દુનિયા વિષે તમને કેવું લાગે છે?
૭ જો આપણને આ દુનિયા ગમતી હોય, તો આપણે નિસાસા નાખતા નથી. પણ યોહાને લખ્યું: “જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.” (૧ યોહા. ૨:૧૬) શેતાનની દુનિયા, ઈશ્વરને ભૂલી ગયેલો માનવ સમાજ છે. ‘જગતના આત્મા’ કે વલણની આપણને પણ અસર થઈ શકે છે. જો આપણે યહોવાહથી દૂર જવા માંડીએ, તો તરત જ શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો યહોવાહને દિલ ખોલીને પ્રાર્થના કરીએ. બાઇબલ વાંચીને એનો વિચાર કરીએ. મંડળના વડીલો પાસેથી મદદ માગીએ. ભલે ગમે એ કારણે નિસાસા નાખતા હોઈએ, જો યહોવાહ સાથે આપણો નાતો પાકો હશે, તો ‘દિલાસો મેળવી’ શકીશું.—૧ કોરીં. ૨:૧૨; ગીત. ૧૧૯:૫૨; યાકૂ. ૫:૧૪, ૧૫.
“જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે”
૮, ૯. ‘નમ્ર’ વ્યક્તિ કોને કહેવાય? “નમ્ર” લોકો કેમ સુખી છે?
૮ “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.” (માથ. ૫:૫) “નમ્ર” હોવાનો અર્થ એ નથી કે બીજાને સારું લગાડવા બધું ચલાવી લેવું. (૧ તીમો. ૬:૧૧) નમ્ર લોકો હંમેશાં રાજીખુશીથી યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે. તેમની ભક્તિ કરે છે. ભાઈ-બહેનો અને બીજા લોકો સાથે પ્રેમથી વર્તે છે. તેઓ પાઊલની સલાહ પાળે છે.—રૂમી ૧૨:૧૭-૧૯ વાંચો.
૯ “નમ્ર” લોકો સુખી છે, કેમ કે “તેઓ પૃથ્વીનું વતન પામશે.” ઈસુ સૌથી નમ્ર હોવાથી, યહોવાહે તેમને પૃથ્વીનો વારસો આપ્યો છે. (ગીત. ૨:૮; માથ. ૧૧:૨૯; હેબ્રી ૨:૮, ૯) અમુક નમ્ર ભક્તો ‘ખ્રિસ્તની સાથે પૃથ્વીના વારસાના ભાગીદાર’ બનશે. (રૂમી ૮:૧૬, ૧૭) ઈસુ તેઓ સાથે પૃથ્વી પર રાજ કરશે ત્યારે, ઘણા નમ્ર લોકો એમાં સુખેથી અમર જીવશે.—ગીત. ૩૭:૧૦, ૧૧.
૧૦. આપણો સ્વભાવ તીખો હશે તો શું થશે? નમ્ર નહિ હોવાથી, ભાઈ પર કેવી અસર થશે?
૧૦ આપણે પણ ઈસુ જેવા નમ્ર બનીએ. પણ આપણો સ્વભાવ તીખો હોય તો? જો એમ હોય તો બધા આપણાથી દૂર દૂર ભાગશે. જો કોઈ ભાઈનો એવો સ્વભાવ હશે તો તેમને વડીલ કે સેવકાઈ ચાકર તરીકે પસંદ કરવામાં નહિ આવે. (૧ તીમો. ૩:૧, ૩) પાઊલે તીમોથીને સલાહ આપી કે ક્રીત મંડળના ભાઈ-બહેનોને આમ જણાવે: તેઓ “ટંટાખોર [ઝઘડાખોર] નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી” વર્તે. (તીત. ૩:૧, ૨) સાચે જ નમ્ર વ્યક્તિ બીજાઓ માટે આશીર્વાદ બને છે!
તેઓને “ન્યાયીપણાની” ભૂખ છે
૧૧-૧૩. (ક) ન્યાયીપણાની ભૂખ અને તરસ હોવાનો શું અર્થ થાય? (ખ) ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા લોકો કઈ રીતે “ધરાશે”?
૧૧ “જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ ધરાશે.” (માથ. ૫:૬) ઈસુના મને ‘ન્યાયીપણાનો’ શું અર્થ થતો હતો? એ જ કે યહોવાહના નિયમ પાળવા અને તેમની ઇચ્છા પૂરી કરવી. એક ઈશ્વરભક્તે યહોવાહને કહ્યું કે “તમારી આજ્ઞાઓ માટે હું કેટલો બધો તલપું છું.” (ગીત. ૧૧૯:૨૦, IBSI) શું આપણને પણ યહોવાહના ન્યાયીપણા માટે એવી જ ભૂખ ને તરસ છે?
૧૨ ઈસુએ કહ્યું કે યહોવાહના ન્યાયીપણા માટે ભૂખ્યા ને તરસ્યા લોકો સુખી છે, કેમ કે તેઓ “ધરાશે.” ૩૩ની સાલના પેન્તેકોસ્ત પછી એ શક્ય બન્યું. એ સમયથી યહોવાહે પોતાની શક્તિથી ‘ન્યાયીપણા વિષે જગતને ખાતરી કરી આપી.’ (યોહા. ૧૬:૮) યહોવાહે પોતાના ભક્તોને શક્તિ આપી, જેથી તેઓ ગ્રીક શાસ્ત્રવચનો લખે. એ “ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.” (૨ તીમો. ૩:૧૬) તેમ જ યહોવાહની શક્તિ ‘તેમની ઇચ્છા પ્રમાણે, ન્યાયીપણામાં સરજાયેલું નવું માણસપણું’ કે સ્વભાવ કેળવવા મદદ કરે છે. (એફે. ૪:૨૪) આપણે દરેક પોતાનાં પાપોનો સાચા દિલથી પસ્તાવો કરીએ તો, ઈસુની કુરબાનીને લીધે યહોવાહ આપણને માફ કરશે. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે!—રૂમી ૩:૨૩, ૨૪ વાંચો.
૧૩ ઈસુએ કહ્યું કે ‘પહેલાં ઈશ્વરના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો.’ (માથ. ૬:૩૩) યહોવાહના રાજ્યમાં બધા જ તેમના ન્યાયી ધોરણો પ્રમાણે જીવતા હશે. બધાની ન્યાયીપણાની ભૂખ અને તરસ પૂરેપૂરી રીતે છીપાવવામાં આવશે. ત્યાં સુધી ચાલો આપણે યહોવાહના ધોરણો પ્રમાણે જીવવા બનતું બધું કરીએ. એમ કરીને યહોવાહની ભક્તિમાં બીઝી રહીશું અને સુખી થઈશું.—૧ કોરીં. ૧૫:૫૮.
‘દયાળુ’ લોકો કેમ સુખી છે?
૧૪, ૧૫. બીજાઓને દયા બતાવવા શું કરવું જોઈએ? ‘દયાળુ’ લોકો કેમ સુખી છે?
૧૪ “દયાળુઓને ધન્ય છે; કેમકે તેઓ દયા પામશે.” (માથ. ૫:૭) ‘દયાળુને’ બીજાઓ માટે હમદર્દી હોય છે. ઈસુને બીમાર લોકો પર દયા આવી અને તેઓને સાજા કર્યા. (માથ. ૧૪:૧૪) યહોવાહ પસ્તાવો કરનાર વ્યક્તિને દયા બતાવીને માફ કરે છે. એ જ રીતે આપણે એકબીજાને માફ કરીએ ત્યારે દયા બતાવીએ છીએ. (નિર્ગ. ૩૪:૬, ૭; ગીત. ૧૦૩:૧૦) તેમ જ લાચાર અને દુઃખી લોકોને વાણી-વર્તનથી દયા બતાવીએ. પણ લોકોને બાઇબલમાંથી શીખવીએ, એ દયા બતાવવાની સૌથી સારી રીત છે. ઈસુને લોકો પર દયા આવી અને ‘તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.’—માર્ક ૬:૩૪.
૧૫ ઈસુએ સાચું જ કહ્યું કે “દયાળુઓને ધન્ય છે; કેમકે તેઓ દયા પામશે.” આપણે બીજા સાથે દયાભાવથી વર્તીશું તો તેઓ પણ એ જ રીતે વર્તશે. એમ કરીશું તો યહોવાહ આપણો ન્યાય કરતી વખતે પણ દયા બતાવશે. (યાકૂ. ૨:૧૩) જેઓ બીજાને દયા બતાવે છે, તેઓને જ યહોવાહ માફી આપશે. તેઓ જ અમર જીવન પામશે.—માથ. ૬:૧૫.
‘શુદ્ધ મનના’ લોકો કેમ સુખી છે?
૧૬. ‘શુદ્ધ મન’ હોવાનો શું અર્થ થાય? જેઓ ‘શુદ્ધ મનના’ છે તેઓ કઈ રીતે ‘ઈશ્વરને જોશે’?
૧૬ ‘મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ ઈશ્વરને જોશે.’ (માથ. ૫:૮) ‘મન શુદ્ધ’ હશે તો એ આપણા વાણી-વર્તનમાં, વિચારોમાં દેખાઈ આવશે. આપણે “શુદ્ધ હૃદયથી” બધાને ‘પ્રેમ’ બતાવીશું. (૧ તીમો. ૧:૫) પછી આપણે શુદ્ધ મનથી ‘ઈશ્વરને જોઈશું.’ જોકે આપણે યહોવાહને નજરોનજર જોઈ શકતા નથી, ‘કેમ કે ઈશ્વરને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહિ.’ (નિર્ગ. ૩૩:૨૦) ઈસુનો સ્વભાવ યહોવાહ જેવો જ હોવાથી, તેમણે કહ્યું: “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.” (યોહા. ૧૪:૭-૯) આપણે તો યહોવાહનાં કાર્યોથી જાણે કે તેમને જોઈએ છીએ. (અયૂ. ૪૨:૫) સ્વર્ગમાં જનારાઓનું સજીવન થશે ત્યારે, તેઓ સાચે જ યહોવાહને જોશે.—૧ યોહા. ૩:૨.
૧૭. મન શુદ્ધ હશે તો આપણે કેવી રીતે જીવીશું?
૧૭ ‘શુદ્ધ મનના’ લોકો યહોવાહના કહેવા પ્રમાણે જીવે છે. એટલે તેઓ પોતાનાં મન મેલાં થવા દેતા નથી. (૧ કાળ. ૨૮:૯; યશા. ૫૨:૧૧) આપણું મન શુદ્ધ હશે તો, આપણા બોલવા-ચાલવા પરથી એ દેખાઈ આવશે. યહોવાહની ભક્તિ કોઈ ઢોંગ વગર ચોખ્ખા મનથી કરીશું.
‘સલાહ કરાવનારાઓ’ ઈશ્વરના દીકરા બનશે
૧૮, ૧૯. ‘સલાહ કરાવનારાઓ’ કઈ રીતે વર્તે છે?
૧૮ ‘સલાહ કરાવનારાઓને ધન્ય છે; કેમકે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.’ (માથ. ૫:૯) ‘સલાહ કરાવનારાઓ’ પોતાના વાણી-વર્તનથી ઓળખાય છે. આપણે જો એવા હોઈએ, તો બધાની સાથે હળીમળીને રહીશું. કોઈને કદી ‘ભૂંડાઈને બદલે ભૂંડાઈ નહિ વાળીએ.’ એના બદલે “સઘળાનું કલ્યાણ” કે ભલું કરીશું.—૧ થેસ્સા. ૫:૧૫.
૧૯ માત્થી ૫:૯માં ‘સલાહ કરાવનારાઓ’ માટેના ગ્રીક શબ્દનો અર્થ થાય, ‘સુલેહશાંતિ કરનાર.’ તેઓ શાંતિ જાળવી રાખવા બનતું બધું કરશે. એકબીજાને શાંતિથી વર્તવા ઉત્તેજન આપશે. એવું કંઈ પણ નહિ કરે જેનાથી “મિત્રોમાં અંતર” પડે. (નીતિ. ૧૬:૨૮) આપણે સંપીને રહેવા, ‘સઘળાની સાથે શાંતિથી વર્તીએ.’—હેબ્રી ૧૨:૧૪.
૨૦. હમણાં કોણ ‘ઈશ્વરના દીકરા’ બને છે? ભાવિમાં બીજા કોણ ઈશ્વરના દીકરા બનશે?
૨૦ બધા સાથે હળીમળીને રહેનારા સુખી છે, કેમ કે ‘તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.’ સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો ‘પ્રેમ તથા શાંતિ આપનાર ઈશ્વર’ યહોવાહને પૂરા દિલથી ભજે છે. તેમની સાથે પાકો નાતો બાંધ્યો છે. તેઓ ઈસુની કુરબાનીમાં પૂરો ભરોસો મૂકે છે. એટલે યહોવાહે તેઓને પોતાના “દીકરા” તરીકે સ્વીકાર્યા છે. (૨ કોરીં. ૧૩:૧૧; યોહા. ૧:૧૨) પૃથ્વી પર રહેનારાં “બીજાં ઘેટાં” વિષે શું? હજાર વર્ષના રાજમાં ઈસુ તેઓના “સનાતન પિતા” બનશે. એ રાજના અંતે ઈસુ બધુંય યહોવાહને પાછું સોંપી દેશે. પછી પૃથ્વી પર રહેનારા પણ યહોવાહના દીકરા બનશે.—યોહા. ૧૦:૧૬; યશા. ૯:૬; રૂમી ૮:૨૧; ૧ કોરીં. ૧૫:૨૭, ૨૮.
૨૧. યહોવાહના માર્ગદર્શનથી જીવનારા કેવી રીતે વર્તે છે?
૨૧ જો આપણે યહોવાહના માર્ગદર્શનથી કે ‘આત્માથી જીવતા’ હોઈશું, તો આપણે બધા સાથે હળીમળીને રહીશું. આપણે ‘અદેખાઈ રાખીશું’ નહિ. ‘એકબીજાને ખીજવીશું’ કે ચીડવીશું નહિ. (ગલા. ૫:૨૨-૨૬) એના બદલે “સઘળાં માણસોની સાથે હળીમળીને” રહીશું.—રૂમી ૧૨:૧૮.
સતાવણી છતાં સુખી
૨૨-૨૪. (ક) ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ કેમ સુખી છે? (ખ) હવે પછીના બે લેખોમાં શાના વિષે શીખીશું?
૨૨ “ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓને ધન્ય છે; કેમકે આકાશનું રાજ્ય તેઓનું છે.” (માથ. ૫:૧૦) પછી ઈસુએ જણાવ્યું: “જ્યારે લોક તમારી નિંદા કરશે, ને પૂઠે લાગશે, ને મારે લીધે તમારી વિરૂદ્ધ તરેહ તરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ; કેમકે આકાશમાં તમારો બદલો મોટો છે; કેમકે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા.”—માથ. ૫:૧૧, ૧૨.
૨૩ “ન્યાયીપણાને લીધે” યહોવાહના પ્રબોધકોની સતાવણી થઈ હતી. એ જ રીતે આપણી પણ સતાવણી થશે. લોકો અફવા ફેલાવશે. નિંદા કરશે. એ બધામાં પણ યહોવાહને વળગી રહીશું તો, તેમનું નામ મોટું મનાશે. એના લીધે આપણને ઘણો જ આનંદ થશે. (૧ પીત. ૨:૧૯-૨૧) આપણે રાજી-ખુશીથી યહોવાહની ભક્તિ કરતા જ રહીએ, ભલે ગમે એવી તકલીફો આવે. ઈસુ સાથે રાજ કરનારાને તકલીફો આવવાથી, તેઓની ખુશીમાં કોઈ કમી નહિ આવે. તેમ જ પૃથ્વી પર અમર જીવન મેળવવાની રાહ જોનારાની ભક્તિમાં કોઈ કમી નહિ આવે. યહોવાહ દરિયા દિલ છે. તેમની અપાર કૃપા આપણા પર છે.
૨૪ ઈસુના પહાડ પરના ઉપદેશમાંથી હજુ ઘણું શીખવાનું છે. હવે પછીના બે લેખોમાં અમુક બીજી બાબતો શીખીશું. ચાલો જોઈએ કે એ ઉપદેશ આપણા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકાય. (w09 2/15)
કેવી રીતે સમજાવીશું?
• યહોવાહના માર્ગદર્શન અને દયા માટે તરસનારા કેમ સુખી છે?
• “નમ્ર” વ્યક્તિ કેમ સુખી છે?
• સતાવણી છતાં યહોવાહના ભક્તો કેમ સુખી છે?
• સુખી થવાની રીતોમાંથી તમને કઈ વધારે ગમે છે?
[ફુટનોટ]
a અહીં “ધન્ય” માટે વાપરવામાં આવેલા ગ્રીક શબ્દનો અર્થ થાય સુખી, આનંદી, ખુશ. એ અર્થમાં “ધન્ય” શબ્દ આ અને પછીના લેખમાં વપરાયો છે.
[પાન ૧૭ પર ચિત્ર]
ઈસુએ સુખી થવાની નવ રીત બતાવી. આજે પણ એનાથી એટલો જ ફાયદો થાય છે
[પાન ૧૮ પર ચિત્ર]
લોકોને યહોવાહ વિષે શીખવીને દયા બતાવીએ