આપણે કઈ રીતે વર્તવું જોઈએ?
“જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.”—લુક ૬:૩૧.
૧, ૨. (ક) ઈસુનાં પ્રવચનોમાં કયું સૌથી જાણીતું છે? (ખ) આ અને એના પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
ઈસુ સાચે જ મહાન ગુરુ હતા. લોકોને તેમનાં પ્રવચન ખૂબ ગમતાં. એક દાખલો લઈએ. જ્યારે ઈસુના દુશ્મનોએ તેમને ગિરફતાર કરવા સિપાઈઓને મોકલ્યા, ત્યારે તેઓ ખાલી હાથે પાછા ફર્યા. તેઓએ કહ્યું, “એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.” (યોહાન ૭:૩૨, ૪૫, ૪૬) આ બનાવ પહેલાં પણ ઈસુએ અનેક પ્રવચનો આપ્યાં હતાં. એમાંનું એક બહુ જાણીતું છે, જેને પહાડ પરનો ઉપદેશ કહેવાય છે. એ આપણને માત્થીના પાંચથી સાતમા અધ્યાયોમાં મળી આવે છે. એમાંના અમુક ભાગો લુક ૬:૨૦-૪૯માં પણ જોવા મળે છે.a
૨ ઈસુએ પહાડ પરના ઉપદેશમાં સરસ શિક્ષણ આપ્યું. એમાં તેમણે આપણાં વાણી-વર્તન વિષે આમ શીખવ્યું, “જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.” (લુક ૬:૩૧) ઈસુએ ફક્ત એમ કરવાનું કહ્યું જ નહિ, પણ પોતે જીવી બતાવ્યું. તેમણે બીમાર લોકોને સાજા કર્યા. ગુજરી ગયેલાને જીવતા કર્યા. સૌથી મહત્ત્વનું તો તેમણે યહોવાહના રાજ્ય વિષે લોકોને શીખવ્યું. (લુક ૭:૨૦-૨૨ વાંચો.) ઈસુના પગલે ચાલીને આપણે પણ યહોવાહના રાજ્ય વિષે લોકોને શીખવીએ છીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આ અને એના પછીના લેખમાં આપણે પહાડ પરના ઉપદેશ વિષે શીખીશું. ખાસ કરીને પ્રચાર કરવા વિષે અને આપણાં વાણી-વર્તન વિષે શીખીશું.
નમ્ર સ્વભાવ કેળવીએ
૩. નમ્ર બનવાનો અર્થ શું થાય?
૩ ઈસુએ કહ્યું, “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.” (માત્થી ૫:૫) નમ્ર બનવાનો અર્થ શું થાય? નમ્ર વ્યક્તિ ગરીબડી ગાય જેવી ઢીલી-પોચી નથી હોતી. તે જલદી ગુસ્સે નથી થતી. પણ બધાની સાથે પ્રેમથી વર્તે છે. ‘ભૂંડાઈને બદલે’ કોઈનું ભૂંડું કરતી નથી. આવા લોકો ઈશ્વરને ગમે છે.—રૂમી ૧૨:૧૭-૧૯.
૪. નમ્ર સ્વભાવની વ્યક્તિ કેમ સુખી છે?
૪ ઈસુ ‘મનમાં નમ્ર ને રાંકડા’ છે, એટલે ‘સઘળાંનો વારસો’ તેમને મળશે. (માત્થી ૧૧:૨૯; હેબ્રી ૧:૨; ગીતશાસ્ત્ર ૨:૮) બાઇબલ પહેલેથી જણાવે છે કે ‘મનુષ્યપુત્ર’ એટલે ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે, જે તેમને વારસામાં મળશે. (દાનીયેલ ૭:૧૩, ૧૪, ૨૧, ૨૨, ૨૭) ઈસુ સાથે રાજ કરવા ૧,૪૪,૦૦૦ નમ્ર વ્યક્તિઓ પૃથ્વી પરથી લેવામાં આવશે. તેઓ “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” થશે. (રૂમી ૮:૧૬, ૧૭; પ્રકટીકરણ ૧૪:૧) પણ બાકીના નમ્ર લોકોનું શું? “તેઓ પૃથ્વીનું વતન પામશે” અને ઈસુના રાજમાં સુખેથી જીવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.
૫. ઈસુ જેવા નમ્ર બનવાથી શું લાભ થશે?
૫ આપણો સ્વભાવ તીખો હશે તો બધા દૂર દૂર ભાગશે. પણ ઈસુના જેવા નમ્ર હોઈશું તો, બધાને આપણી સાથે મજા આવશે. મંડળમાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકીશું. ઈશ્વરની મદદથી આપણે નમ્રતા કેળવી શકીશું. નમ્ર સ્વભાવ કેળવીને આપણે ઈશ્વરના માર્ગમાં ‘ચાલીએ અને જીવીએ છીએ.’ (ગલાતી ૫:૨૨-૨૫ વાંચો.) ચાલો આપણે દરેક યહોવાહને ગમે એવો જ સ્વભાવ કેળવીએ.
દયાળુ લોકો સુખી છે
૬. ‘દયાળુ’ વ્યક્તિ કેવી હોય છે?
૬ ઈસુએ એમ પણ કહ્યું, “દયાળુઓને ધન્ય છે; કેમ કે તેઓ દયા પામશે.” (માત્થી ૫:૭) દયાળુ વ્યક્તિને નિરાધાર લોકો માટે હમદર્દી હોય છે. ઈસુ દયાથી ભરપૂર હતા. તેમને ‘લોકો પર દયા આવવાથી’ તેઓને સાજા કર્યા. (માત્થી ૧૪:૧૪; ૨૦:૩૪) આપણે પણ લોકોને દયા બતાવવી જોઈએ.—યાકૂબ ૨:૧૩.
૭. લોકોને જોઈને ઈસુને કેવું લાગ્યું? તેમણે શું કર્યું?
૭ એક દાખલો લઈએ. થાક્યા-પાક્યા ઈસુ આરામ કરવા જતા હતા. એવામાં લોકોનું ટોળું તેમની પાસે આવ્યું. તેઓને જોઈને “તેને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા.” એટલે “તે તેઓને ઘણી વાતો વિષે શિખવવા લાગ્યો.” (માર્ક ૬:૩૪) શું આપણને પણ ઈસુની જેમ જ લાગે છે? ચાલો આપણે પણ લોકોને યહોવાહ અને તેમના રાજ્ય વિષે જણાવીએ.
૮. દયાળુ વ્યક્તિ કેમ સુખી છે?
૮ ઈસુએ કહ્યું, “જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે.” (માત્થી ૬:૧૪) બીજાને દયા બતાવીને તેઓને માફ કરીશું તો, તેઓ કદાચ આપણને પણ દયા બતાવશે. (લુક ૬:૩૮) દયાળુ લોકો યહોવાહની “દયા પામશે.” તેમની કૃપાથી તેઓનાં પાપ માફ થશે. આમ દયાળુ લોકો સુખી થશે.
હળી-મળીને રહેનારા સુખી છે
૯. બધા સાથે હળી-મળીને રહેવા આપણે શું કરીશું?
૯ ઈસુએ સુખી થવાનું બીજું એક કારણ આપ્યું: ‘સલાહ કરાવનારાઓને ધન્ય છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.’ (માત્થી ૫:૯) ‘સલાહ કરાવનારાઓ’ માટેના ગ્રીક શબ્દનો અર્થ થાય, ‘સંપીને રહેવા બનતું બધું જ કરનારા.’ એવા બનવા આપણે કોઈનું નામ બદનામ નહિ કરીએ. “મિત્રોમાં અંતર” પડે, એવું કંઈ ચલાવી નહિ લઈએ. (નીતિવચનો ૧૬:૨૮) આપણા ભાઈ-બહેનો અને બીજા બધા સાથે હળી-મળીને રહીશું. (હેબ્રી ૧૨:૧૪) ખાસ તો યહોવાહ અને આપણી વચ્ચે અંતર પડવા નહિ દઈએ.—૧ પીતર ૩:૧૦-૧૨ વાંચો.
૧૦. હળી-મળીને રહેનારા કેમ સુખી થશે?
૧૦ ઈસુએ કહ્યું તેમ, હળી-મળીને રહેનારા ‘ઈશ્વરના દીકરા કહેવાશે.’ સ્વર્ગમાં જનારા સંપથી રહે છે અને ઈસુમાં શ્રદ્ધા રાખે છે. એટલે તેઓને ‘ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર અપાયો છે.’ (યોહાન ૧:૧૨; ૧ પીતર ૨:૨૪) હળી-મળીને રહેતા “બીજાં ઘેટાં” વિષે શું? તેઓને પણ ઈસુમાં શ્રદ્ધા છે. હજાર વર્ષના રાજમાં ઈસુ તેઓના “સનાતન પિતા” બનશે. (યોહાન ૧૦:૧૪, ૧૬; યશાયાહ ૯:૬; પ્રકટીકરણ ૨૦:૬) હજાર વર્ષ પછી તેઓ પણ ઈશ્વરનાં બાળકો કહેવાશે.—૧ કોરીંથી ૧૫:૨૭, ૨૮.
૧૧. ઈશ્વરનું “જ્ઞાન” લેવાથી આપણે કેવા બનીશું?
૧૧ યહોવાહ ‘શાંતિના ઈશ્વર’ છે. (ફિલિપી ૪:૯) તેમની સાથે પાકો નાતો બાંધવા આપણે પણ બધા સાથે શાંતિથી રહેવું જોઈએ. એમ કરવા ઈશ્વર પાસેથી આવતું “જ્ઞાન” લઈએ અને સુખી થઈએ.—યાકૂબ ૩:૧૭.
‘તમારું અજવાળું પ્રકાશવા દો’
૧૨. (ક) ઈસુએ અજવાળું ફેલાવવા વિષે શું કહ્યું? (ખ) સત્યનો પ્રકાશ ફેલાવવા શું કરવું જોઈએ?
૧૨ ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે જગતનું અજવાળું છો.” “લોકોની આગળ” એ ફેલાવો. એ અજવાળું શું છે? એ યહોવાહનું સત્ય છે, જેનાથી સર્વનું ભલું થઈ શકે. એ ફેલાવવાથી લોકો શિષ્યોની “રૂડી કરણીઓ” જોઈ શક્યા. (માત્થી ૫:૧૪-૧૬ વાંચો.) આપણે પણ લોકોને યહોવાહ વિષે શીખવીને અને પ્રેમ બતાવીને એવો જ પ્રકાશ ફેલાવીએ. (ગીતશાસ્ત્ર ૪૩:૩) “સર્વ દેશોમાં” એટલે કે “આખા જગતમાં” લોકોને શીખવવાની તક ન ગુમાવીએ.—માત્થી ૨૬:૧૩; માર્ક ૧૩:૧૦.
૧૩. પ્રચાર કરીએ ત્યારે લોકો શું જુએ છે?
૧૩ ઈસુએ કહ્યું, “પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.” એ તરત જ દેખાઈ આવે છે. એ જ રીતે પ્રચાર કરીએ ત્યારે આપણા ગુણો ને સારાં કામો તરત લોકોની નજરે ચડે છે.—તીતસ ૨:૧-૧૪.
૧૪. (ક) ઈસુના જમાનામાં લોકો કેવો દીવો વાપરતા? (ખ) આ “માપ” શું છે? આપણે શું નહિ કરીએ?
૧૪ ઈસુના જમાનામાં લોકો માટીનો દીવો વાપરતા. દીવામાં જૈતુનનું તેલ પૂરતા. ‘ઘરમાંનાં બધાંને અજવાળું’ મળે, એ માટે દીવાને લાકડા કે લોખંડના સ્ટૅન્ડ પર મૂકતા. કોઈ “દીવો કરીને તેને માપ તળે” મૂકતું નહિ. આ “માપ” શું હતું? એ નવેક લિટરના પીપડા જેટલો મોટો ટોપલો હતો. ઈસુએ કહ્યું કે દીવાને કોઈ ટોપલા નીચે સંતાડતું ન હતું તેમ, યહોવાહનું સત્ય સંતાડવું ન જોઈએ પણ બધે જ ફેલાવવું જોઈએ. સતાવણી કે વિરોધ થાય ત્યારે પણ, આપણે યહોવાહનું સત્ય છુપાવવું ન જોઈએ, પૂરા જુસ્સાથી જણાવવું જોઈએ.
૧૫. આપણી “રૂડી કરણીઓ” જોઈને અમુક લોકો શું કરે છે?
૧૫ દીવાનો દાખલો આપીને ઈસુએ શિષ્યોને શીખવ્યું, “તેમ જ તમે તમારૂં અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.” આજે અમુક લોકો આપણી “રૂડી કરણીઓ” જોઈને યહોવાહની “સ્તુતિ” કરવા માંડ્યા છે. એટલે યહોવાહનું સત્ય જગતમાં ‘જ્યોતિઓની જેમ’ ફેલાવીએ.—ફિલિપી ૨:૧૫.
૧૬. આપણે “જગતનું અજવાળું” હોવાથી શું કરવું જોઈએ?
૧૬ આપણે “જગતનું અજવાળું” હોવાથી, પ્રચાર કરીએ અને લોકોને યહોવાહના ભક્તો બનવા મદદ કરીએ. પાઊલે કહ્યું, “પ્રકાશનાં સંતાનોને ઘટે તેમ ચાલો. કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.” (એફેસી ૫:૮, ૯) એ બતાવે છે કે આપણું વર્તન યહોવાહને પસંદ પડે એવું હોવું જોઈએ. પીતરની આ સલાહ પણ માનીએ: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરૂદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.” (૧ પીતર ૨:૧૨) પણ મંડળમાં કોઈ સાથે બનતું ન હોય તો શું કરી શકાય?
‘તારા ભાઈ સાથે સમજૂતી કર’
૧૭-૧૯. (ક) માત્થી ૫:૨૩, ૨૪ પ્રમાણે “અર્પણ” શું હતું? (ખ) અર્પણ ચડાવવાનો નિયમ પાળતા પહેલાં વ્યક્તિએ શું કરવાનું હતું?
૧૭ ઈસુએ એમ પણ કહ્યું કે કોઈએ દિલમાં ઝેર ન રાખવું જોઈએ. જો ખોટું લાગવાને લીધે બે ભાઈઓમાં અંતર પડી ગયું હોય, તો ઝડપથી સુલેહશાંતિ કરી લેવી જોઈએ. (માત્થી ૫:૨૧-૨૫ વાંચો.) અરે, યહોવાહને અર્પણ ચડાવવા કોઈ જાય તોપણ, પહેલાં ભાઈ સાથે સુલેહશાંતિ કરીને પછી જ એ અર્પણ ચડાવવું જોઈએ.
૧૮ “અર્પણ” મોટે ભાગે પ્રાણીનું રહેતું. એ અર્પણ બહુ મહત્ત્વનું હતું, કેમ કે ખુદ યહોવાહે એની આજ્ઞા કરી હતી. મુસાના નિયમ પ્રમાણે અર્પણ ચડાવવું, એ ભક્તિનો એક ભાગ હતું. પરંતુ, કોઈ અર્પણ લઈને વેદી પાસે આવે ત્યારે, તેને યાદ આવે કે કોઈને તેનાથી ખોટું લાગ્યું છે. હવે તે શું કરશે? ઈસુએ કહ્યું, “વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારૂં અર્પણ ચઢાવ.” આમ નિયમ પાળવા પહેલાં, તેના ભાઈની સાથે સુલેહશાંતિ કરવી એ વધારે મહત્ત્વનું હતું.
૧૯ શું અમુક અર્પણ ચડાવતી વખતે કે અમુક ભૂલ થઈ હોય ત્યારે જ આમ કરવાનું હતું? ના, એવું ન હતું. ઈસુએ કહ્યું કે એ વ્યક્તિ મંદિરની “વેદી આગળ” પોતાનું અર્પણ મૂકીને, પહેલા સુલેહશાંતિ કરે. પછી આવીને એ ચડાવે. એટલે કે કોઈ પણ અર્પણ ચડાવતા પહેલાં કોઈ પણ ભૂલ યાદ આવે, એ સુધારી લેવી જોઈએ.
૨૦. કોઈ પર ગુસ્સો આવ્યો હોય તો કેમ જલદીથી સમાધાન કરી લેવું જોઈએ?
૨૦ જો કોઈ પણ જાણીજોઈને બીજાનું દિલ દુખાવે, તો તેના અર્પણની કોઈ કિંમત ન હતી. (મીખાહ ૬:૬-૮) એટલે જ ઈસુએ કહ્યું, “જલદી સમાધાન કરી લો.” (માથ્થી ૫:૨૫, IBSI) પાઊલે પણ કહ્યું કે “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો.” (એફેસી ૪:૨૬, ૨૭) યહોવાહને પસંદ પડે એવી ભક્તિ કરવા, આપણે મંડળમાં એકબીજા સાથે સારા સંબંધ રાખવા જ જોઈએ. કોઈના વાંકને કારણે તમને ગુસ્સો આવ્યો હોય તોપણ, જલદીથી સમજૂતી કરી લેવી જોઈએ. ગુસ્સાને દિલમાં ઘર કરવા ન દઈએ, નહિ તો શેતાન એનો ફાયદો ઉઠાવશે.—લુક ૧૭:૩, ૪.
બધાની સાથે પ્રેમભાવથી વર્તીએ
૨૧, ૨૨. (ક) આપણે કઈ રીતે ઈસુનો ઉપદેશ લાગુ પાડી શકીએ? (ખ) આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?
૨૧ પહાડ પરના ઉપદેશમાંથી આપણે શું શીખ્યા? બધા સાથે પ્રેમભાવથી વર્તીએ. નમ્ર અને દયાળુ બનીએ. હળીમળીને રહીએ. યહોવાહનું સત્ય જણાવીને આપણો પ્રકાશ ફેલાવીએ. મંડળમાં બધાની સાથે સારો સંબંધ રાખીએ. ખરું કે એમ કરવું સહેલું નથી. પણ યહોવાહ અને ઈસુ આપણા ગજા ઉપરાંત કરવાનું કહેતા નથી. એટલે પ્રાર્થના કરીએ અને પ્રયત્ન કરીએ. યહોવાહના આશીર્વાદથી ચોક્કસ એમ કરી શકીશું.
૨૨ એટલે વિચારો કે ‘હું બધા સાથે કેવો વર્તાવ કરું છું?’ ભાઈ-બહેનો સાથે સારો સંબંધ રાખીશું તો યહોવાહ આપણી ભક્તિ સ્વીકારશે. હવે પછીના લેખમાં આપણે ઈસુના પ્રવચનમાંથી શીખીશું કે બીજા લોકો સાથે કેવો વર્તાવ કરવો જોઈએ.—માર્ક ૧૨:૩૧. (w08 5/15)
[ફુટનોટ]
a આ અને આના પછીના લેખની તૈયારી કરતા પહેલાં, માત્થી ૫-૭ અને લુક ૬:૨૦-૪૯ વાંચવાથી તમને ફાયદો થશે.
કેવો જવાબ આપશો?
• નમ્ર બનવાનો અર્થ શું થાય?
• ‘દયાળુ’ વ્યક્તિ કેમ સુખી છે?
• સત્યનો પ્રકાશ કઈ રીતે ફેલાવી શકીએ?
• મંડળમાં આપણે કેમ ‘જલદીથી સમાધાન કરી લેવું’ જોઈએ?
[પાન ૧૦ પર ચિત્ર]
સમજૂતી કરવા બનતું બધું જ કરીએ