યહોવાહની સેવામાં આનંદ કરતા રહો
“પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.”—ફિલિપી ૪:૪.
સિએરા લીયોનમાં રહેતા ૭૦ વર્ષના ખ્રિસ્તી ભાઈ જેમ્સે પોતાનું ઘર બનાવવા જીવનમાં સખત મહેનત કરી. છેવટે તે ચાર રૂમનું એક સાદું ઘર ખરીદી શકે એટલા પૈસા ભેગા કરી શક્યા ત્યારે, તેમણે અનુભવેલા આનંદનો વિચાર કરો! થોડા સમય પછી જેમ્સ પોતાના કુટુંબ સાથે ત્યાં રહેવા ગયા. પરંતુ થોડા જ સમય પછી એ દેશમાં અંદરો-અંદર લડાઈ ફાટી નીકળી જેમાં તેમનું ઘર તારાજ થઈ ગયું. તેમ છતાં તેમના કુટુંબે પોતાનો આનંદ ગુમાવ્યો નહિ. તેઓએ કઈ રીતે પોતાનો આનંદ જાળવી રાખ્યો?
૨ જેમ્સ અને તેમના કુટુંબે જે ગુમાવ્યું હતું એના કરતાં, તેઓ પાસે જે રહ્યું છે એની તેઓએ વધારે કદર કરી. જેમ્સ સમજાવે છે: “એ ખરાબ સમયમાં પણ, અમે સભાઓ રાખતા, બાઇબલ વાંચતા અને ભેગા મળીને પ્રાર્થના કરતા. તેમ જ અમારી પાસે જે કંઈ બચ્યું હતું એમાંથી બીજાને મદદ પણ કરતા હતા. આમ, અમે યહોવાહ સાથે વધારે ગાઢ સંબંધ બાંધીને અમારો આનંદ જાળવી રાખી શક્યા.” આ વિશ્વાસુ ખ્રિસ્તીઓએ પોતે મેળવેલા આનંદ વિષે મનન કરીને તેમ જ પરમેશ્વર યહોવાહ સાથેના પોતાના ગાઢ સંબંધને ધ્યાનમાં રાખીને “આનંદ” જાળવી રાખ્યો. (૨ કોરીંથી ૧૩:૧૧) આ મુશ્કેલીના સમયમાં આનંદ જાળવી રાખવો કંઈ સહેલું નથી. પરંતુ તેઓએ યહોવાહમાં આનંદ માણવાનું છોડી દીધું નહિ.
૩ શરૂઆતના ખ્રિસ્તીઓએ પણ જેમ્સ અને તેમના કુટુંબ જેવી જ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. તોપણ, પ્રેષિત પાઊલે હેબ્રી ખ્રિસ્તીઓને આ શબ્દો લખ્યા: “તમારી માલમિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) ત્યાર પછી પાઊલે તેઓના આનંદના ઉદ્ભવ વિષે જણાવતા કહ્યું, “કેમકે એ કરતાં વિશેષ સારૂં અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે, એ તમે જાણતા હતા.” (હેબ્રી ૧૦:૩૪) હા, પ્રથમ સદીના તે ખ્રિસ્તીઓને દૃઢ આશા હતી. તેઓ ખાતરીપૂર્વક અવિનાશી ધનની આશા રાખતા હતા. તેઓ પરમેશ્વરના સ્વર્ગીય રાજ્યમાં, કદી નાશ ન પામે એવા ‘જીવનના મુગટની’ આશા રાખતા હતા. (પ્રકટીકરણ ૨:૧૦) આજે, આપણી ખ્રિસ્તી આશા ભલે સ્વર્ગમાંની હોય કે પૃથ્વી પરની, એ મુશ્કેલીના સમયમાં પણ આપણો આનંદ જાળવી રાખવા મદદ કરી શકે છે.
“આશામાં આનંદ કરો”
૪ પ્રેષિત પાઊલે રોમમાં રહેતા ખ્રિસ્તી ભાઈઓને હંમેશ માટેના જીવનની “આશામાં આનંદ” માણવાનું ઉત્તેજન આપ્યું. (રૂમી ૧૨:૧૨) એ રોમમાં રહેતા ખ્રિસ્તી ભાઈઓ માટે સમયસરની સલાહ હતી. પાઊલે તેઓને લખ્યું એના લગભગ એક દાયકાની અંદર જ, તેઓ પર સખત સતાવણી આવી અને સમ્રાટ નિરોએ તેઓમાંના કેટલાકને રિબાવીને મારી નાખ્યા. તેમ છતાં પરમેશ્વર તેઓને જીવનનો મુગટ આપશે એવા વિશ્વાસે તેઓને ટકી રહેવા મદદ કરી. આજે આપણા વિષે શું?
૫ ખ્રિસ્તીઓ તરીકે, આપણે પણ સતાવણીની અપેક્ષા રાખી શકીએ. (૨ તીમોથી ૩:૧૨) વધુમાં, આપણને ખબર છે કે “પ્રસંગ તથા દૈવયોગની અસર સર્વને લાગુ પડે છે.” (સભાશિક્ષક ૯:૧૧) આપણા પ્રિયજનનું અકસ્માતમાં મરણ થઈ શકે. આપણા માબાપ કે નજીકના સગાંને પ્રાણઘાતક બીમારી થઈ શકે. આપણે આપણી રાજ્ય સંદેશની આશાને સતત દૃઢ નહિ કરતા રહીએ તો, સતાવણીમાં નિરુત્સાહ થઈ જઈ શકીએ. આપણે પોતાને પૂછવું જોઈએ કે, ‘શું હું “આશામાં આનંદ” માણું છું? હું એના પર મનન કરવા કેટલો સમય ફાળવું છું? શું હું ખરેખર માનું છું કે પરમેશ્વરની ન્યાયી નવી દુનિયા આવશે? શું હું ત્યાં હોવાની કલ્પના કરું છું? જેમ હું શરૂઆતમાં જગતના અંતની જેટલી અપેક્ષા રાખતો હતો, શું એટલી જ આજે પણ રાખું છું?’ આ છેલ્લો પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. શા માટે? કારણ કે આપણી તંદુરસ્તી સારી હોય, આરામદાયક જીવન જીવતા હોઈએ અને યુદ્ધ, ભૂખમરો, કે કુદરતી આફતની અસર ન થઈ હોય એવા વિસ્તારમાં રહેતા હોઈએ તો, હાલ પૂરતી પરમેશ્વરની આવનાર નવી દુનિયા વિષેની આપણી દૃષ્ટિ ઝાંખી થઈ શકે છે.
૬ વધુમાં પાઊલે રોમના ખ્રિસ્તીઓને ‘સંકટમાં ધીરજ રાખવાની’ સલાહ આપી. (રૂમી ૧૨:૧૨) કેમ કે પાઊલ સંકટોથી અજાણ ન હતા. એક વાર તેમણે સંદર્શનમાં એક માણસને જોયો કે જે તેમને “મકદોનિયા આવીને” ત્યાંના લોકોને યહોવાહ વિષે શીખવા મદદ કરવાનું આમંત્રણ આપતો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૯) તેથી, તે લુક, સીલાસ અને તીમોથીને ભેગા કરીને યુરોપ જવા નીકળ્યા. આ ઉત્સાહી મિશનરિઓ માટે કોણ રાહ જોઈ રહ્યું હતું? સતાવણી! તેઓ ફિલિપીના મકદોનિયા શહેરમાં પ્રચાર કરી રહ્યા પછી, પાઊલ અને સીલાસને ફટકા મારીને જેલમાં નાખવામાં આવ્યા. સ્પષ્ટપણે, ફિલિપીના કેટલાક રહેવાસીઓને રાજ્ય સંદેશમાં રસ ન હતો એટલું જ નહિ, પરંતુ તેઓએ એનો સખત વિરોધ કર્યો. શું એ બનાવથી ઉત્સાહી મિશનરિઓએ પોતાનો આનંદ ગુમાવ્યો? ના, તેઓને માર મારીને જેલમાં નાખી દીધા પછી, “મધરાતને સુમારે પાઊલ તથા સીલાસ પ્રાર્થના કરતાં હતા તથા દેવનાં સ્તોત્ર ગાતા હતા.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૫, ૨૬) જોકે, પાઊલ અને સીલાસને મારના કારણે થતા દુખાવાથી કંઈ આનંદ થતો ન હતો, પરંતુ આ બે મિશનરિઓ એના પર વધુ ધ્યાન આપતા ન હતા. તેઓએ યહોવાહ પર અને તે કઈ રીતે તેઓને આશીર્વાદ આપી રહ્યા હતા એના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આનંદપૂર્વક ‘સંકટમાં ધીરજ રાખીને’ પાઊલ અને સીલાસે ફિલિપીના તેમ જ બીજી જગ્યાના ભાઈઓ માટે સારું ઉદાહરણ બેસાડ્યું.
૭ પાઊલે લખ્યું: “પ્રાર્થનામાં લાગુ રહો.” (રૂમી ૧૨:૧૨) શું તમે મુશ્કેલીઓના સમયમાં પ્રાર્થના કરો છો? તમે કઈ બાબત વિષે પ્રાર્થના કરો છો? દેખીતી રીતે જ, તમે તમારી ખાસ સમસ્યાઓ વિષે પ્રાર્થનામાં યહોવાહને જણાવીને તેમની મદદ માંગતા હશો. પરંતુ, તમે તેમના તરફથી મળેલા આશીર્વાદો માટે પણ આભાર વ્યક્ત કરી શકો છો. મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે, યહોવાહ આપણા માટે જે સારી બાબતો કરે છે એ પર ધ્યાન આપવાથી “આશામાં આનંદ” કરવામાં મદદ મળે છે. દાઊદનું જીવન મુશ્કેલીઓથી ભરપૂર હતું. પરંતુ તેમણે લખ્યું: “હે યહોવાહ મારા દેવ, તારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તારા વિચારો એટલાં બધાં છે, કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.” (ગીતશાસ્ત્ર ૪૦:૫) તેથી, દાઊદની જેમ આપણે પણ નિયમિતપણે યહોવાહ પાસેથી મળેલા આશીર્વાદો પર મનન કરીશું તો, આપણે ખરેખર આનંદિત થઈશું.
યોગ્ય વલણ રાખો
૮ ઈસુએ પોતાના શિષ્યોને વિવિધ પરીક્ષણો આવે ત્યારે યોગ્ય વલણ રાખવાનું ઉત્તેજન આપ્યું. તે કહે છે: “જ્યારે લોક તમારી નિંદા કરશે, ને પૂઠે લાગશે, ને મારે લીધે તમારી વિરૂદ્ધ તરેહ તરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે.” (માત્થી ૫:૧૧) કયા કારણસર આપણે આનંદિત થવું જોઈએ? ગમે તેવા વિરોધ છતાં ટકી રહેવાથી, એ પુરાવો આપે છે કે યહોવાહનો પવિત્ર આત્મા આપણી સાથે છે. પ્રેષિત પીતરે પોતાના સમયના ખ્રિસ્તીઓને કહ્યું: “જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે; કેમકે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે.” (૧ પીતર ૪:૧૩, ૧૪) યહોવાહ પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને સહન કરવા મદદ કરશે, જેથી આપણે આપણો આનંદ જાળવી રાખી શકીએ.
૯ આપણે એકદમ ખરાબ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે પણ, આનંદ માણી શકીએ છીએ. એડોલ્ફ નામના ખ્રિસ્તીએ એવું જ કર્યું. તે એવા દેશમાં રહે છે જ્યાં વર્ષોથી યહોવાહના સાક્ષીઓની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હતો. એડોલ્ફ અને તેના ઘણા સંગાથીઓની ધરપકડ કરીને તેઓને લાંબા સમયની જેલની સજા ફટકારવામાં આવી, કેમ કે તેઓએ પોતાની બાઇબલ આધારિત માન્યતા સાથે તડજોડ કરવાની ના પાડી હતી. જેલનું જીવન ઘણું મુશ્કેલ હતું. પરંતુ પાઊલ અને સીલાસની જેમ આ ભાઈઓ પાસે પણ પરમેશ્વરનો આભાર માનવાને ઘણાં કારણો હતાં. તેઓએ અનુભવ્યું કે જેલના અનુભવે તેઓનો વિશ્વાસ મજબૂત કર્યો અને ઉદારતા, સહાનુભૂતિ તથા ભાઈબહેનો માટેના પ્રેમ જેવા મૂલ્યવાન ગુણો વિકસાવવા મદદ કરી છે. દાખલા તરીકે, એક ભાઈ ઘરેથી પાર્સલ મેળવતા ત્યારે, તે એમાંની વસ્તુઓ બીજા ભાઈબહેનો સાથે વહેંચવાનું શીખ્યા. તેઓ આ વધારાની જોગવાઈઓને “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર યહોવાહ પાસેથી આવી છે એ દૃષ્ટિએ જોતા હતા. આ પ્રકારના પ્રેમાળ કાર્યથી આપનાર અને મેળવનાર બંનેને આનંદ મળતો હતો. તેઓને તેઓની પ્રમાણિકતા તોડવા માટે જેલમાં નાખવામાં આવ્યા હતા, એના બદલે તેઓ આત્મિક રીતે વધારે દૃઢ થયા!—યાકૂબ ૧:૧૭; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
૧૦ ઈલા પણ એવા જ દેશમાં રહેતી હતી કે જ્યાં વર્ષોથી પ્રચાર કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે બીજાઓને પરમેશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરતી હતી, તેથી તેને જેલમાં પૂરવામાં આવી. આઠ મહિના સુધી તેની સખત પૂછપરછ કરવામાં આવી. છેવટે અદાલતે તેને દસ વર્ષની જેલની સજા કરી કે જ્યાં કોઈ પણ યહોવાહના સાક્ષી ન હતા. એ સમયે ઈલા ફક્ત ૨૪ વર્ષની હતી.
૧૧ જોકે, ઈલા પોતાની ભરજુવાની જેલની ચાર દીવાલોમાં જ પસાર કરવા ઇચ્છતી ન હતી. પરંતુ તે પોતાની પરિસ્થિતિ સુધારી શકે એમ પણ ન હોવાથી, તેણે પોતાની વિચારસરણીમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. તેથી, તેણે જેલને પોતાના પ્રચાર વિસ્તાર તરીકે જોવાનું શરૂ કર્યું. તે કહે છે, “ત્યાં ઘણાને પ્રચાર કરવાનો બાકી હતો, આમ, વર્ષો ઝડપથી પસાર થવા લાગ્યાં.” પાંચ વર્ષ પછી ફરીથી ઈલાની સખત પૂછપરછ કરવામાં આવી. જેલની ચાર દીવાલો તેના વિશ્વાસને તોડી શકી નથી એ જોઈને, ઈલાની પૂછપરછ કરનાર અધિકારીએ તેને કહ્યું: “અમે તને છોડી શકતા નથી કેમ કે તારામાં કંઈ ફેરફાર આવ્યો નથી. પરંતુ ઈલાએ દૃઢતાથી જવાબ આવ્યો, “પરંતુ હું બદલાઈ ગઈ છું! હું પહેલાં જેલમાં આવી એના કરતાં હવે મારું વલણ વધારે સારું છે અને મારો વિશ્વાસ પહેલાં કરતાં વધારે દૃઢ થયો છે! તમારે મને ન છોડવી હોય તો, યહોવાહના યોગ્ય સમય સુધી હું રાહ જોઈશ.” સાડા પાંચ વર્ષની જેલની સજાએ ઈલાનો આનંદ ઝૂંટવી લીધો નહિ! ગમે તેવી પરિસ્થિતિમાં તે સંતોષી રહેતા શીખી. શું તમે તેના ઉદાહરણમાંથી કંઈક શીખી શકો?—હેબ્રી ૧૩:૫.
૧૨ એવું ન વિચારશો કે ઈલા પાસે કોઈ કુદરતી બક્ષિશ હતી એના કારણે તે પોતાની મુશ્કેલીનો સામનો કરી શકી. તેને સજા કર્યા પહેલાં, મહિનાઓ સુધી તેની સખત પૂછપરછ કરવામાં આવી હતી. એ વિષે ઈલા કહે છે: “મને યાદ છે કે હું ધ્રૂજી જતી હતી, અને હું ગભરાયેલા કબૂતર જેવું અનુભવતી હતી.” તેમ છતાં, ઈલાને યહોવાહમાં દૃઢ વિશ્વાસ હતો. તે તેમનામાં ભરોસો રાખતાં શીખી. (નીતિવચન ૩:૫-૭) પરિણામે, પરમેશ્વર તેને પહેલાંના કરતાં વધારે વાસ્તવિક લાગ્યા. તે સમજાવે છે: “દર વખતે હું પૂછપરછના રૂમમાં પ્રવેશતી ત્યારે, મારા પર શાંતિ આવતી હોય એવું હું અનુભવતી હતી. . . . પરિસ્થિતિ જેટલી વધારે ખરાબ થતી એટલી હું વધારે શાંતિ અનુભવતી હતી.” યહોવાહ ખરેખર શાંતિના ઉદ્ભવ હતા. પ્રેષિત પાઊલ સમજાવે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”—ફિલિપી ૪:૬, ૭.
૧૩ જેલમાંથી મુક્ત થયેલી ઈલા મુશ્કેલીઓના સમયમાં પણ પોતાનો આનંદ જાળવી રાખી શકી. તે પોતાની શક્તિથી નહિ પરંતુ યહોવાહ પરમેશ્વરે આપેલી શક્તિથી એમ કરી શકી. પ્રેષિત પાઊલના કિસ્સામાં પણ એ સાચું હતું. તેમણે લખ્યું: “ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ સારૂ ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ. . . . કેમકે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.”—૨ કોરીંથી ૧૨:૯, ૧૦.
૧૪ આજે તમે, ઉપર ચર્ચા કરેલી મુશ્કેલીઓ કરતાં, કંઈક અંશે અલગ મુશ્કેલીઓનો સામનો કરતા હોય શકો. પછી ભલેને ગમે તે મુશ્કેલીઓ આવે, પરંતુ એનો સામનો કરવો કંઈ સહેલું નથી. દાખલા તરીકે, તમારા શેઠ બીજા ધર્મના કર્મચારી કરતાં હંમેશા તમારા કામની સખત ટીકા કરતા હોય શકે. વળી, બીજી જગ્યાએ કામ શોધવું તમારા માટે મુશ્કેલ પણ હોય શકે. પરંતુ તમે કઈ રીતે તમારો આનંદ જાળવી રાખી શકો? એડોલ્ફ અને તેમના સાથીઓને યાદ કરો કે જેઓને જેલના અનુભવે મહત્ત્વના ગુણો વિકસાવવા મદદ કરી. તમારા શેઠને “ખુશ કરવા અઘરું હોય” શકે. તેમ છતાં, તમે ખરેખર તેમને સંતોષ આપવાનો પ્રયત્ન કરતા રહેશો તો એની સાથે ધીરજ અને સહનશીલતા જેવા ખ્રિસ્તી ગુણો વિકસાવી શકશો. (૧ પીતર ૨:૧૮) વધુમાં, તમે વધારે સારા કામ કરનાર બની શકશો, જેથી બીજી જગ્યાએ સંતોષપ્રદ કામ મેળવવું સહેલું બને. ચાલો આપણે બીજી કેટલીક રીતોને જોઈએ જેનાથી આપણે યહોવાહની સેવામાં આપણો આનંદ જાળવી રાખી શકીએ.
તમારું જીવન સરળ બનાવો
૧૫ તમે એવા પ્રકારની નોકરી કે એવી જગ્યાએ કામ કરતા હોય શકો જ્યાં વધારે પસંદગી ન હોય. પરંતુ તમારા જીવનની બીજી એવી ઘણી બાબતો હશે જેના પર તમે અંકુશ રાખી શકો. નીચેના ઉદાહરણનો વિચાર કરો.
૧૬ એક ખ્રિસ્તી યુગલે એક વડીલને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા. ભોજન દરમિયાન, ભાઈ અને તેમની પત્નીએ કહ્યું કે તેઓ જીવનનાં દબાણોથી લદાઈ ગયા છે. તેઓની નોકરી તેઓનો સમય અને શક્તિ ખાઈ જતા હોવાથી, તેઓ બીજા કોઈ પ્રકારના કામમાં સમય ફાળવી શકતા ન હતા. તેઓને લાગતું હતું કે ક્યાં સુધી તેઓ પરિસ્થિતિનો સામનો કરી શકશે.
૧૭ તેમણે સલાહ માંગી ત્યારે, વડીલે કહ્યું, “તમારું જીવન સરળ બનાવો.” કઈ રીતે? પતિ અને પત્ની કામ પર આવવા-જવામાં દરરોજ ત્રણ કલાક પસાર કરતા હતા. વડીલ આ યુગલને સારી રીતે જાણતા હોવાથી તેઓને સલાહ આપી કે તેઓ નોકરીના સ્થળની નજીક રહેવા જઈ શકે, જેથી દરરોજ મુસાફરીમાં વેડફાતા સમયને બચાવી શકે. બચાવેલા સમયનો તેઓ બીજી મહત્ત્વની બાબતો કરવામાં કે પછી આરામ કરવામાં ઉપયોગ કરી શકે. જીવનનાં દબાણો તમારો આનંદ છીનવી લેતા હોય તો, તમે આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારા સંજોગોને ફરી તપાસી શકો.
૧૮ બે વાર વિચારીને નિર્ણય લેવાથી પણ આપણે દબાણને ઘટાડી શકીએ છીએ. દાખલા તરીકે, એક ખ્રિસ્તીએ ઘર બાંધવાનું નક્કી કર્યું. પહેલાં કદી પણ ઘર બાંધ્યું ન હતું છતાં, તેણે અટપટું ઘર બાંધવાનું પસંદ કર્યું. હવે તેને ખબર પડી કે પોતાના ઘરનો પ્લાન પસંદ કરતા પહેલાં પોતે બે વાર વિચાર કર્યો હોત તો બિનજરૂરી સમસ્યાઓને ટાળી શક્યા હોત. (નીતિવચન ૧૪:૧૫) બીજા એક ભાઈ પોતાના ખ્રિસ્તી ભાઈને લોન અપાવવા માટે જામીન થયા. ગોઠવણ અનુસાર, લોન લેનાર પૈસા ન ભરી શકે તો, જે જામીન પર રહ્યા હોય તેમણે પૈસા ભરવા પડે. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ પછીથી લોન લેનાર વ્યક્તિ પૈસા ભરી શકે એમ ન હતી. છેવટે, જામીન થનાર ભાઈને પૂરેપૂરી લોન ભરપાઈ કરી આપવાનું જણાવવામાં આવ્યું. એનાથી તેમના પર ભારે બોજ આવી પડ્યો. તેમણે જામીન થતા પહેલાં બધી જ બાબતોનો કાળજીપૂર્વક વિચાર કર્યો હોત તો, શું એ સમસ્યાને ટાળી શક્યા ન હોત?—નીતિવચન ૧૭:૧૮.
૧૯ આપણે થાકી જઈએ ત્યારે, ક્યારેય એવું વિચારવું ન જોઈએ કે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ, પ્રચાર કાર્ય અને સભાઓમાં હાજરી આપવાના સમયમાં કાપ મૂકીને આપણો તણાવ ઓછો કરીને આનંદ મેળવી શકીએ છીએ. કેમ કે આ બધી પ્રવૃત્તિઓ આપણને વિશ્વાસમાં દૃઢ કરવા મહત્ત્વનો ભાગ ભજવે છે. એના દ્વારા આપણે યહોવાહનો પવિત્ર આત્મા મેળવી શકીએ છીએ કે જેનાથી આનંદ મળે છે. (ગલાતી ૫:૨૨) ખ્રિસ્તી પ્રવૃત્તિઓ હંમેશા તાજગી આપનારી હોય છે. (માત્થી ૧૧:૨૮-૩૦) આપણે આત્મિક પ્રવૃત્તિઓથી તો નહિ પરંતુ નોકરી કે મનોરંજનથી થાકી જતા હોઈએ છીએ. પૂરતો આરામ લેવાથી આપણે તાજગી મેળવીએ છીએ. થોડો વધારે આરામ લેવો લાભદાયી છે. યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય એન. એચ. નોર તેમના મરણ સુધી બીજા મિશનરિઓને કહેતા હતા કે, “તમે નિરુત્સાહ થઈ જાવ ત્યારે, સૌ પ્રથમ થોડો આરામ લો. જોકે તમને એ જાણીને આશ્ચર્ય થશે પરંતુ સારી ઊંઘ લેવાથી તમે સહેલાઈથી કોઈ પણ સમસ્યાઓ હલ કરી શકશો!”
૨૦ ખ્રિસ્તીઓને ‘[સુખી] દેવની’ ઉપાસના કરવાનો લહાવો છે. (૧ તીમોથી ૧:૧૧) આપણે જોયું તેમ, કઠિન સમસ્યાઓમાં પણ આપણે આનંદ જાળવી રાખી શકીએ છીએ. તેથી, ચાલો આપણે રાજ્યની આશાને પ્રથમ રાખીએ. જરૂર પડે ત્યારે આપણી વિચારસરણીમાં ફેરફાર કરીએ, તેમ જ આપણું જીવન સાદું રાખીએ. એમ કરવાથી આપણે ભલેને ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ છતાં, પ્રેષિત પાઊલના શબ્દો પ્રમાણે કરી શકીશું, જે કહે છે, “પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.”—ફિલિપી ૪:૪.
આ પ્રશ્નો પર ઊંડો વિચાર કરો:
• શા માટે ખ્રિસ્તીઓએ રાજ્યની આશા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ?
• મુશ્કેલ સમયમાં પણ આનંદ જાળવી રાખવા આપણને શું મદદ કરી શકે?
• શા માટે આપણે આપણું જીવન સરળ બનાવવું જોઈએ?
• કયા વિસ્તારોમાં કેટલાકે પોતાનું જીવન સરળ બનાવ્યું છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. એક કુટુંબનું ઘર તારાજ થઈ ગયું છતાં, તેઓએ કઈ રીતે પોતાનો આનંદ જાળવી રાખ્યો?
૩. કઈ રીતે શરૂઆતના ખ્રિસ્તીઓએ પોતાનો આનંદ જાળવી રાખ્યો?
૪, ૫. (ક) શા માટે પાઊલે રોમના ખ્રિસ્તીઓને “આશામાં આનંદ” કરવાની સલાહ આપી કે જે તેઓ માટે સમયસરની હતી? (ખ) કઈ બાબતોને લીધે એક ખ્રિસ્તી પોતાની આશા ગુમાવી શકે?
૬. (ક) પાઊલ અને સીલાસે સતાવણીનો સામનો કર્યો ત્યારે, તેઓએ કઈ બાબત પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું? (ખ) પાઊલ અને સીલાસનું ઉદાહરણ આજે આપણને કઈ રીતે ઉત્તેજન આપે છે?
૭. શા માટે આપણે પ્રાર્થનામાં યહોવાહનો આભાર માનવો જોઈએ?
૮. કઈ બાબત ખ્રિસ્તીઓને સતાવણીનો આનંદથી સામનો કરવા મદદ કરે છે?
૯. પ્રમાણિકતાના લીધે જેલમાં પૂરવામાં આવેલા કેટલાક ભાઈઓએ કઈ રીતે આનંદ મેળવ્યો?
૧૦, ૧૧. એક બહેન પોતાની સખત પૂછપરછ થયા પછી જેલની લાંબી સજાનો કેવી રીતે સામનો કરી શકી?
૧૨. મુશ્કેલ પરિસ્થિતિમાં ખ્રિસ્તીઓ કઈ રીતે મનની શાંતિ મેળવી શકે છે?
૧૩. કઈ બાબત આપણને ખાતરી આપે છે કે સતાવણી આવે તોપણ આપણે એ સહન કરી શકીશું?
૧૪. અઘરા સંજોગોમાં એક ખ્રિસ્તી કઈ રીતે યોગ્ય વલણ રાખી શકે અને એના કેવાં પરિણામો આવી શકે?
૧૫-૧૭. એક યુગલ કઈ રીતે પોતાની સમસ્યા હલ કરવાનું શીખ્યું?
૧૮. શા માટે આપણે નિર્ણયો લેતા પહેલાં બે વાર વિચારવું જોઈએ?
૧૯. આપણે કઈ રીતે જીવનનાં દબાણોને ઘટાડી શકીએ છીએ?
૨૦. (ક) આપણે કઈ રીતે પોતાનો આનંદ જાળવી રાખી શકીએ એની સમીક્ષા કરો. (ખ) આનંદિત રહેવાનાં કયાં કારણો છે? (પાન ૧૭ પરનું બોક્સ જુઓ.)
[પાન ૧૭ પર બોક્સ/ચિત્રો]
આનંદિત થવાનાં બીજાં કારણો
ખ્રિસ્તી તરીકે આનંદી થવા માટે આપણી પાસે ઘણાં કારણો છે. નીચે આપેલાં કારણોનો વિચાર કરો:
૧. આપણે યહોવાહને ઓળખીએ છીએ.
૨. આપણે બાઇબલ સત્ય શીખ્યા છીએ.
૩. ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકવાથી આપણે આપણાં પાપોની માફી મેળવી શકીએ છીએ.
૪. પરમેશ્વરનું રાજ્ય રાજ કરે છે અને નવી દુનિયા જલદી જ આવશે!
૫. યહોવાહ આપણને આત્મિક પારાદેશમાં લાવ્યા છે.
૬. આપણે ઉત્તેજન આપતી ખ્રિસ્તી સંગતનો આનંદ માણીએ છીએ.
૭. આપણી પાસે પ્રચાર કાર્યમાં ભાગ લેવાનો લહાવો છે.
૮. આપણે જીવંત છીએ અને આપણી પાસે સારી તંદુરસ્તી પણ છે.
આનંદિત થવા માટે તમે બીજાં કયાં કારણો જણાવી શકો?
[પાન ૧૩ પર ચિત્ર]
પાઊલ અને સીલાસ જેલમાં પણ આનંદિત હતા
[પાન ૧૫ પર ચિત્રો]
શું તમે પરમેશ્વરની નવી દુનિયાની આનંદિત આશા પર ધ્યાન કેન્દ્રિત કરો છો?