પ્રકરણ ૮૪
શિષ્ય બનવામાં શું સમાયેલું છે?
શિષ્ય બનવામાં શું સમાયેલું છે
ફરોશીઓના એક આગેવાનને ત્યાં જમવા ગયા ત્યારે, ઈસુએ મહત્ત્વના બોધપાઠ શીખવ્યા હતા. પછી, ઈસુ યરૂશાલેમ જવા નીકળ્યા ત્યારે, મોટું ટોળું તેમની સાથે મુસાફરીમાં જોડાયું. શા માટે? શું તેઓ ખરેખર તેમના શિષ્યો બનવા માંગતા હતા, પછી ભલે એ માટે કંઈ પણ કરવું પડે?
તેઓ મુસાફરીમાં આગળ વધ્યા તેમ, ઈસુએ જે કહ્યું એ સાંભળીને કેટલાકને આંચકો લાગ્યો હશે: “જો કોઈ મારી પાસે આવે અને પોતાના પિતાને અને માતાને અને પત્નીને અને બાળકોને અને ભાઈઓને અને બહેનોને, હા, પોતાને પણ ધિક્કારે નહિ, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.” (લુક ૧૪:૨૬) પણ, એમ કહેવા પાછળ ઈસુનો હેતુ શું હતો?
ઈસુ એમ કહેતા ન હતા કે તેમના શિષ્ય બનનારે સગાં-વહાલાંને પ્રેમ ન કરવો જોઈએ. તેમનો કહેવાનો અર્થ એ હતો કે, તેઓએ સગા-વહાલાઓ કરતાં ઈસુને વધારે પ્રેમ કરવો જોઈએ. જો તેઓ એમ ન કરે, તો ઈસુના ઉદાહરણમાં જણાવેલા માણસ જેવા બને છે, જેણે લગ્ન કર્યા હોવાથી મહત્ત્વના આમંત્રણનો નકાર કર્યો હતો. (લુક ૧૪:૨૦) યહુદીઓના પૂર્વજ યાકૂબે પણ લેઆહને “નાપસંદ” કરી અને રાહેલને પ્રેમ કર્યો, એટલે કે તે રાહેલને લેઆહ કરતાં વધારે પ્રેમ કરતા હતા.—ઉત્પત્તિ ૨૯:૩૧.
ધ્યાન આપો, ઈસુએ કહ્યું હતું કે શિષ્યો ‘પોતાના જીવનને પણ’ ધિક્કારે. એટલે કે સાચા શિષ્યોએ પોતાના જીવનથી પણ વધારે પ્રેમ ઈસુ પર રાખવાનો હતો. જરૂર પડ્યે પોતાનું જીવન આપી દેવા તૈયાર રહેવાનું હતું. એ સ્પષ્ટ છે કે ખ્રિસ્તના શિષ્ય બનવું એક મોટી જવાબદારી છે. એના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ, એને સામાન્ય ગણી લેવું ન જોઈએ.
શિષ્ય બનવાને લીધે તકલીફો અને સતાવણી આવશે, કેમ કે ઈસુએ કહ્યું હતું: “જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.” (લુક ૧૪:૨૭) હા, ઈસુએ સહન કર્યું એવું અપમાન સહેવા તેમના સાચા શિષ્યોએ તૈયાર રહેવું જોઈએ. ઈસુએ એમ પણ જણાવ્યું કે પોતે દુશ્મનોને હાથે માર્યા જશે.
એટલે, ઈસુ સાથે મુસાફરી કરતા ટોળાએ ખૂબ ધ્યાનથી વિચાર કરવાનો હતો કે ખ્રિસ્તના શિષ્ય બનવાનો શો અર્થ થાય. ઈસુએ એના પર વધારે ભાર મૂકતા એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, “દાખલા તરીકે, તમારામાંથી એવો કોણ છે, જે બુરજ બાંધવા ચાહે પણ પહેલા બેસીને એનો ખર્ચ નહિ ગણે, જેથી તે જોઈ શકે કે એ પૂરો કરવા જેટલું તેની પાસે છે કે નહિ? નહિ તો તે કદાચ એનો પાયો નાખે, પણ એને પૂરો નહિ કરી શકે.” (લુક ૧૪:૨૮, ૨૯) આમ, ઈસુ સાથે યરૂશાલેમ જતાં લોકોએ તેમના શિષ્ય બનતા પહેલાં, એ જવાબદારી ઉપાડવા વિશે બરાબર નિર્ણય લેવાનો હતો. તેમણે એ વિશે બીજું ઉદાહરણ પણ આપ્યું:
“એવો કયો રાજા છે, જે બીજા રાજા સામે લડાઈ કરવા જતાં પહેલાં, બેસીને સલાહ નહિ લે કે ૨૦,૦૦૦ સૈનિકો લઈને આવતા રાજા સામે શું તે ૧૦,૦૦૦ સૈનિકો સાથે ઊભો રહી શકશે? હકીકતમાં, જો તે એમ ન કરી શકતો હોય, તો બીજો રાજા હજુ દૂર હશે ત્યારે તે એલચીઓનું જૂથ મોકલશે અને સુલેહ કરવાનો પ્રયત્ન કરશે.” પછી, ઈસુએ મુખ્ય મુદ્દા પર ભાર મૂકતા કહ્યું: “એવી જ રીતે, ભૂલશો નહિ, તમારામાંથી જે કોઈ પણ પોતાની બધી સંપત્તિનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય બની શકતો નથી.”—લુક ૧૪:૩૧-૩૩.
ઈસુએ એ વાતો ફક્ત પોતાની સાથે આવેલાં ટોળાં માટે જ કહી ન હતી. ખ્રિસ્ત પાસેથી શીખનાર દરેકે તેમણે કહેલી વાતો પ્રમાણે કરવા તૈયાર રહેવું જોઈએ. તેઓએ ઈસુના શિષ્યો બનવું હોય તો, પોતાની માલમિલકત, અરે, જીવન પણ જતું કરવા તૈયાર રહેવું જોઈએ. એ વિશે તેઓએ પ્રાર્થનાપૂર્વક વિચાર કરવો જોઈએ.
ઈસુએ પહાડ પરના ઉપદેશમાં પોતાના શિષ્યો વિશે કહ્યું હતું કે તેઓ “દુનિયાનું મીઠું” છે. (માથ્થી ૫:૧૩) હવે, તેમણે એ વિશે વધુ જણાવ્યું. તે કહેતા હતા કે જેમ મીઠાનો ઉપયોગ ખોરાકને સાચવવા થાય છે, તેમ શિષ્યોના સેવાકાર્યથી પણ લોકોનું રક્ષણ થાય છે. એટલે કે, શિષ્યોનું સેવાકાર્ય લોકોની ભક્તિને અને નૈતિક ધોરણોને ભ્રષ્ટ થતા અટકાવે છે. ઈસુનું સેવાકાર્ય પૂરું થવાની અણીએ હતું ત્યારે, તેમણે કહ્યું: “બેશક, મીઠું સારું છે. પણ જો મીઠું બેસ્વાદ થઈ જાય, તો શાનાથી એનો સ્વાદ પાછો લાવશો?” (લુક ૧૪:૩૪) તેમને સાંભળનારા જાણતા હતા કે એ સમયે મળતું અમુક મીઠું શુદ્ધ ન હતું, એમાં કચરો ભળેલો હતો અને એ બહુ કામનું ન હતું.
ઈસુ કહી રહ્યા હતા કે જેઓ લાંબા સમયથી તેમના શિષ્યો છે, તેઓએ પણ પોતાની શ્રદ્ધામાં અડગ રહેવું જોઈએ. જો તેઓ નબળા પડી જાય, તો બેસ્વાદ થઈ ગયેલા મીઠાની જેમ નકામા થઈ જશે. દુનિયા તેઓની મજાક પણ ઉડાવે. એનાથી પણ વધારે તો, તેઓ ઈશ્વર સામે ઊભા રહેવા યોગ્ય રહેશે નહિ અને ઈશ્વરના નામને કલંક લગાડશે. એવું ન થાય માટે શું કરવું જોઈએ? ઈસુએ કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.”—લુક ૧૪:૩૫.