વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • આખી દુનિયામાં યહોવાનો સંદેશો જણાવવા શું કરવામાં આવે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
    • પાઠ ૨૧. બે યહોવાની સાક્ષી બહેનો રસ્તાને કિનારે ટ્રૉલી લઈને ઊભી છે અને એક માણસ તેઓ સાથે વાત કરી રહ્યો છે.

      પાઠ ૨૧

      આખી દુનિયામાં યહોવાનો સંદેશો જણાવવા શું કરવામાં આવે છે?

      યહોવા ઈશ્વર બહુ જલદી પોતાના રાજ્ય દ્વારા આપણી બધી દુઃખ-તકલીફો દૂર કરવાના છે. એ કેટલી ખુશીની વાત છે! શું તમને નથી લાગતું કે એ ખુશખબર બધાએ જાણવાની જરૂર છે? ઈસુ પણ એવું જ ચાહતા હતા, એટલે તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ એ ખુશખબર બધાને જણાવે. (માથ્થી ૨૮:​૧૯, ૨૦) યહોવાના સાક્ષીઓ ઈસુની આજ્ઞા કઈ રીતે પાળે છે? ચાલો જોઈએ.

      ૧. માથ્થી ૨૪:૧૪માં લખેલા શબ્દો આજે કઈ રીતે સાચા પડી રહ્યા છે?

      ઈસુએ કહ્યું હતું: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે.” (માથ્થી ૨૪:૧૪) અમે યહોવાના સાક્ષીઓ ખુશી ખુશી આ મહત્ત્વનું કામ કરી રહ્યા છીએ. અમે આખી દુનિયામાં ૧,૦૦૦ કરતાં વધુ ભાષાઓમાં ખુશખબર ફેલાવીએ છીએ. આટલા મોટા પાયે આ કામ કરવા ઘણો સમય લાગે, સખત મહેનત કરવી પડે અને ઘણી યોજનાઓ બનાવવી પડે. શું યહોવાની મદદ વગર આ કામ પૂરું થઈ શકે? જરાય નહિ.

      ૨. દરેકને ખુશખબર જણાવવા અમે શું કરીએ છીએ?

      અમે જ્યાં પણ લોકો મળે ત્યાં તેઓને ખુશખબર જણાવીએ છીએ. પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ અમે “ઘરે ઘરે” જઈને ખુશખબર જણાવીએ છીએ. (પ્રેરિતોનાં કાર્યો ૫:૪૨) આ રીતે અમે દર વર્ષે લાખો-કરોડો લોકોને યહોવાનો સંદેશો જણાવીએ છીએ. અમુક વાર લોકો ઘરે નથી મળતા. એટલે અમે બજારોમાં અને બીજી જગ્યાઓએ પણ યહોવાનો સંદેશો જણાવીએ છીએ. યહોવા કોણ છે અને ધરતી પર કેવા આશીર્વાદો લાવશે, એ ઘણા લોકો નથી જાણતા. એ વિશે બધાને જણાવવા અમે બનતું બધું જ કરીએ છીએ.

      ૩. ખુશખબર જણાવવાની જવાબદારી કોની છે?

      ખુશખબર જણાવવાની જવાબદારી એ બધા જ લોકોની છે, જેઓ ઈસુના પગલે ચાલે છે. અમારા માટે એ કામ બહુ મહત્ત્વનું છે, કેમ કે લોકોના જીવન-મરણનો સવાલ છે. એટલે લોકોને ખુશખબર જણાવવા અમે બનતું બધું કરીએ છીએ. (૧ તિમોથી ૪:૧૬ વાંચો.) એ કામ માટે અમે કોઈ પૈસા લેતા નથી. કેમ કે બાઇબલમાં લખ્યું છે: “તમને મફત મળ્યું છે, મફત આપો.” (માથ્થી ૧૦:​૭, ૮) ઘણા લોકો અમારો સંદેશો સાંભળતા નથી, તોપણ અમે ખુશખબર જણાવતા રહીએ છીએ. એમ કરીને અમે યહોવાની આજ્ઞા પાળીએ છીએ અને તેમનું દિલ ખુશ કરીએ છીએ.

      વધારે જાણો

      આખી દુનિયામાં ખુશખબર જણાવવા યહોવાના સાક્ષીઓ કેટલી મહેનત કરે છે? યહોવા કઈ રીતે અમને મદદ કરે છે? ચાલો જોઈએ.

      ક. કોસ્ટા રિકાના લીલાછમ પહાડી વિસ્તારમાં બે યહોવાના સાક્ષી એક માણસને ખુશખબર જણાવી રહ્યા છે. ખ. યહોવાના સાક્ષીઓના બે યુગલ અમેરિકામાં વહાણ લાંગરવાની જગ્યાએ માછીમારોને પ્રચાર કરી રહ્યાં છે. ગ. બેનિનના એક ગામમાં બે યહોવાના સાક્ષીઓ એક માણસને ખુશખબર જણાવી રહ્યા છે. ઘ. થાઇલૅન્ડના એક તરતા બજારમાં એક યહોવાની સાક્ષી એક સ્ત્રીને ખુશખબર જણાવી રહી છે. ચ. યાપમાં એક મોટા પથ્થરની સામે બે યહોવાના સાક્ષીઓ એક સ્ત્રીને ખુશખબર જણાવી રહ્યા છે. છ. સ્વીડનમાં એક નહેર નજીક બરફવાળા રસ્તા પર બે યહોવાના સાક્ષીઓ એક સ્ત્રીને ખુશખબર જણાવી રહ્યા છે.

      અલગ અલગ દેશોમાં પ્રચારકામ: (ક) કોસ્ટા રિકા, (ખ) અમેરિકા, (ગ) બેનિન, (ઘ) થાઇલૅન્ડ, (ચ) યાપ, (છ) સ્વીડન

      ૪. બધા લોકોને ખુશખબર જણાવવા અમે મહેનત કરીએ છીએ

      દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકોને ખુશખબર જણાવવા યહોવાના સાક્ષીઓ સખત મહેનત કરે છે. વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.

      વીડિયો: “પૃથ્વીના છેડા સુધી” ખુશખબર ફેલાવીએ (૭:૩૮)

      • આ વીડિયોમાં જોયું તેમ, યહોવાના સાક્ષીઓ લોકોને ખુશખબર જણાવવા ખૂબ મહેનત કરે છે. એમાંથી તમને શું ગમ્યું?

      માથ્થી ૨૨:૩૯ અને રોમનો ૧૦:૧૩-૧૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

      • પ્રચારકામથી કઈ રીતે દેખાઈ આવે છે કે અમે બધા લોકોને પ્રેમ કરીએ છીએ?

      • જેઓ ખુશખબર ફેલાવે છે, તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?​—કલમ ૧૫ જુઓ.

      ૫. અમે ઈશ્વરના સાથી કામદારો છીએ

      ઘણા અનુભવો બતાવે છે કે યહોવાના માર્ગદર્શનથી પ્રચારકામ આગળ વધી રહ્યું છે. ચાલો ન્યૂ ઝીલૅન્ડનો એક અનુભવ જોઈએ. પૉલ નામના ભાઈ બપોરના સમયે ઘર ઘરનું પ્રચારકામ કરતા હતા. એ સમયે તેમને એક સ્ત્રી મળી. એ સ્ત્રીએ સવારે જ ઈશ્વરનું નામ યહોવા લઈને પ્રાર્થના કરી હતી કે કોઈક આવીને તેને યહોવા વિશે શીખવે. પૉલભાઈ કહે છે: “એ સ્ત્રીએ પ્રાર્થના કરી એના ત્રણ કલાક પછી મેં તેમના ઘરનું બારણું ખખડાવ્યું.”

      ૧ કોરીંથીઓ ૩:૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • પૉલભાઈની જેમ ઘણાં ભાઈ-બહેનોને આવા અનુભવો થયા છે. એનાથી કઈ રીતે ખબર પડે છે કે પ્રચારકામ યહોવાના માર્ગદર્શનથી થઈ રહ્યું છે?

      પ્રેરિતોનાં કાર્યો ૧:૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • પ્રચારકામ પૂરું કરવા આપણને યહોવાની મદદની કેમ જરૂર છે?

      જાણવા જેવું

      અઠવાડિયા દરમિયાન થતી સભામાં શીખવવામાં આવે છે કે ખુશખબર કઈ રીતે જણાવવી. શું તમે કદી એ સભામાં આવ્યા છો? શું તમને લાગે છે કે ત્યાં મળતી તાલીમથી ફાયદો થાય છે?

      સભામાં બે યહોવાના સાક્ષી બહેનો પોતાના ભાગ દ્વારા બતાવી રહ્યાં છે કે લોકોને ખુશખબર કઈ રીતે જણાવવી.

      ૬. અમે ઈશ્વરની આજ્ઞા પાળીએ છીએ, એટલે પ્રચાર કરીએ છીએ

      પહેલી સદીમાં ઈસુના શિષ્યો જાણતા હતા કે તેઓને પ્રચાર કરવાનો પૂરેપૂરો હક છે. પણ વિરોધીઓએ તેઓનો એ હક છીનવી લેવાની કોશિશ કરી, ત્યારે શિષ્યોએ ‘પ્રચાર માટે કાયદેસર હક મેળવ્યો.’ (ફિલિપીઓ ૧:૭) આજે યહોવાના સાક્ષીઓ પણ એમ જ કરે છે.a

      વીડિયો જુઓ.

      વીડિયો: પ્રચારકામને મળી કાનૂની મંજૂરી (૨:૨૮)

      પ્રેરિતોનાં કાર્યો ૫:૨૭-૪૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • અમે કેમ પ્રચારકામ બંધ નહિ કરીએ?​—કલમ ૨૯, ૩૮ અને ૩૯ જુઓ.

      જો કોઈ પૂછે: “યહોવાના સાક્ષીઓ કેમ ઘરે ઘરે જાય છે?”

      • તમે શું કહેશો?

      આપણે શીખી ગયા

      ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી કે તેઓ આખી દુનિયામાં ખુશખબર જણાવે. એ કામ કરવા યહોવા પોતાના લોકોને માર્ગદર્શન આપે છે.

      તમે શું કહેશો?

      • દરેક જણને ખુશખબર જણાવવા શું કરવામાં આવે છે?

      • પ્રચારકામથી કઈ રીતે દેખાઈ આવે છે કે અમે બીજા લોકોને પ્રેમ કરીએ છીએ?

      • શું તમને લાગે છે કે ખુશખબર જણાવવાથી ખુશી મળે છે? શા માટે?

      આટલું કરો

      વધારે માહિતી

      યહોવાના સાક્ષીઓ કઈ રીતે મોટાં શહેરોમાં ખુશખબર જણાવે છે, એ જાણવા આ વીડિયો જુઓ.

      જાહેરમાં ખુશખબર જણાવવાની ખાસ ગોઠવણ​—પૅરીસ (૫:૧૧)

      યહોવાના સાક્ષીઓએ શરણાર્થીઓને મદદ કરવા શું કર્યું છે?

      શરણાર્થીઓને દેખાયું આશાનું એક કિરણ (૫:૫૯)

      માર્ગરીટાબહેને આખું જીવન યહોવાની સેવા કરી અને એનાથી તેમને ખુશી મળી. ચાલો તેમનો અનુભવ સાંભળીએ.

      મારા જીવનનો સૌથી સારો નિર્ણય (૬:૨૯)

      એવા અમુક મુકદ્દમા વિશે જાણો, જેમાં યહોવાના સાક્ષીઓને જીત મળી છે અને જેના લીધે તેઓ રોકટોક વગર ખુશખબર જણાવી શકે છે.

      “ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરનારાઓ કોર્ટનો દરવાજો ખખડાવે છે” (ઈશ્વરનું રાજ્ય રાજ કરે છે, પ્રકરણ ૧૩, હિંદી)

      a યહોવા ઈશ્વરે પોતે અમને ખુશખબર જણાવવાનો અધિકાર આપ્યો છે. એટલે ખુશખબર જણાવવા માટે યહોવાના સાક્ષીઓને સરકારની મંજૂરીની જરૂર નથી.

  • બાપ્તિસ્મા—કેમ અને ક્યારે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
    • પાઠ ૨૩. એક સ્ત્રીને પાણીમાં ડૂબકી મરાવીને બાપ્તિસ્મા આપવામાં આવી રહ્યું છે અને હવે તે એક યહોવાની સાક્ષી બને છે.

      પાઠ ૨૩

      બાપ્તિસ્મા​—કેમ અને ક્યારે?

      ઈસુએ શીખવ્યું હતું કે તેમના શિષ્ય બનવા બાપ્તિસ્મા લેવું જરૂરી છે. (માથ્થી ૨૮:૧૯, ૨૦ વાંચો.) પણ બાપ્તિસ્મા એટલે શું? બાપ્તિસ્મા લેવા મારે શું કરવું જોઈએ?

      ૧. બાપ્તિસ્મા એટલે શું? એ કઈ રીતે આપવામાં આવે છે?

      “બાપ્તિસ્મા” શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી આવેલો છે, જેનો અર્થ થાય, “પાણીમાં ડૂબકી મરાવવી.” ઈસુનું બાપ્તિસ્મા પણ એવી જ રીતે થયું હતું. તેમને યર્દન નદીમાં ડૂબકી મરાવી અને પછી તરત તે “પાણીમાંથી બહાર આવ્યા.” (માર્ક ૧:૯, ૧૦) ઈસુની જેમ તેમના ખરા શિષ્યો પણ એ જ રીતે બાપ્તિસ્મા લે છે. તેઓને પણ પાણીમાં ડૂબકી મરાવવામાં આવે છે.

      ૨. બાપ્તિસ્મા લઈને એક વ્યક્તિ શું બતાવે છે?

      બાપ્તિસ્મા લઈને એક વ્યક્તિ બતાવે છે કે તેણે પોતાનું જીવન યહોવાને સોંપી દીધું છે, એટલે કે સમર્પણ કર્યું છે. પણ તે સમર્પણ કઈ રીતે કરે છે? બાપ્તિસ્મા પહેલાં તે એકાંતમાં યહોવાને પ્રાર્થના કરે છે અને જણાવે છે કે તે હંમેશાં યહોવાને ભજવા માંગે છે. તે વચન આપે છે કે તે ફક્ત યહોવાની જ ભક્તિ કરશે અને યહોવાની ઇચ્છા પૂરી કરવાને તે સૌથી વધારે મહત્ત્વ આપશે. તે નિર્ણય લે છે કે ‘પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરશે’ તેમજ ઈસુની આજ્ઞાઓ પાળશે અને તેમના જેવા ગુણો બતાવશે. (માથ્થી ૧૬:૨૪) જ્યારે એક વ્યક્તિ સમર્પણ કરે છે અને બાપ્તિસ્મા લે છે, ત્યારે યહોવા અને મંડળનાં ભાઈ-બહેનો સાથે તેનો સંબંધ વધારે મજબૂત થાય છે.

      ૩. બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે શું કરવું જોઈએ?

      બાપ્તિસ્મા લેતા પહેલાં જરૂરી છે કે તમે યહોવા વિશે શીખો અને તેમનામાં શ્રદ્ધા મજબૂત કરો. (હિબ્રૂઓ ૧૧:૬ વાંચો.) તમે જેમ જેમ એવું કરશો, તેમ તેમ યહોવા માટે તમારો પ્રેમ વધતો જશે. પછી તમને પોતાને ઇચ્છા થશે કે તમે યહોવા વિશે બીજાઓને જણાવો અને બાઇબલમાં આપેલી તેમની આજ્ઞાઓ પાળો. (૨ તિમોથી ૪:૨; ૧ યોહાન ૫:૩) જ્યારે તમે ‘યહોવાના નામને શોભે એ રીતે જીવશો,’ ત્યારે સમર્પણ કરવાનો અને બાપ્તિસ્મા લેવાનો નિર્ણય લઈ શકશો.​—કોલોસીઓ ૧:​૯, ૧૦.a

      વધારે જાણો

      બાઇબલમાં ઈસુના બાપ્તિસ્મા વિશે જે લખ્યું છે, એમાંથી આપણે શું શીખી શકીએ? બાપ્તિસ્મા એક મહત્ત્વનું પગલું છે. જો કોઈએ એ પગલું ભરવું હોય, તો તેણે શું કરવું જોઈએ?

      ૪. ઈસુના બાપ્તિસ્મા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

      ઈસુનું બાપ્તિસ્મા કેવી રીતે થયું એ જાણવા માથ્થી ૩:૧૩-૧૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

      • ઈસુનું બાપ્તિસ્મા થયું ત્યારે શું તે નાનું બાળક હતા?

      • શું ઈસુનું બાપ્તિસ્મા પાણી છાંટીને કરવામાં આવ્યું હતું? તેમનું બાપ્તિસ્મા કેવી રીતે થયું હતું?

      ઈસુએ બાપ્તિસ્મા પછી પૃથ્વી પર એક ખાસ કામ શરૂ કર્યું, જે યહોવાએ તેમને સોંપ્યું હતું. લૂક ૩:૨૧-૨૩ અને યોહાન ૬:૩૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • બાપ્તિસ્મા લીધા પછી ઈસુ માટે કયું કામ સૌથી વધારે મહત્ત્વનું હતું?

      ૫. તમે પણ બાપ્તિસ્મા લઈ શકો છો!

      સમર્પણ અને બાપ્તિસ્મા વિશે તમને કદાચ થાય, ‘શું હું બાપ્તિસ્મા લઈ શકીશ?’ જો એમ હોય, તો ચિંતા ન કરો. યહોવા વિશે શીખતા રહો. સમય જતાં તમને પોતાને લાગશે કે તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો. ચાલો જોઈએ કે અમુક લોકોએ આ મહત્ત્વનું પગલું ભરવા શું કર્યું છે. વીડિયો જુઓ.

      વીડિયો: યહોવા સાથે પાકી દોસ્તી બાંધો (૧:૧૧)

      યોહાન ૧૭:૩ અને યાકૂબ ૧:૫ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:

      • બાપ્તિસ્મા લેવા તમારે શું કરવું જોઈએ?

      ક. એક સ્ત્રી એકાંતમાં યહોવાને પ્રાર્થનામાં સમર્પણ કરી રહી છે. ખ. એ જ સ્ત્રીને પાણીમાં ડૂબકી મરાવીને બાપ્તિસ્મા આપવામાં આવી રહ્યું છે અને હવે તે એક યહોવાની સાક્ષી બને છે.
      1. ક. સમર્પણ કરવા આપણે પ્રાર્થનામાં યહોવાને જણાવીએ છીએ કે હંમેશાં તેમની ભક્તિ કરીશું

      2. ખ. બાપ્તિસ્મા લઈને બતાવીએ છીએ કે આપણે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે

      ૬. બાપ્તિસ્મા લીધા પછી તમે યહોવાના કુટુંબનો ભાગ બનશો

      આખી દુનિયાના યહોવાના સાક્ષીઓ એક મોટું કુટુંબ છે. ભલે અમે જુદા જુદા દેશોમાં રહેતા હોઈએ અને અમારો ઉછેર અલગ અલગ રીતે થયો હોય, પણ અમારી માન્યતાઓ એકસરખી છે અને અમે બાઇબલમાં આપેલા નિયમો પાળીએ છીએ. બાપ્તિસ્મા લઈને તમે પણ આ મોટા કુટુંબનો ભાગ બની શકો છો. ગીતશાસ્ત્ર ૨૫:૧૪ અને ૧ પિતર ૨:૧૭ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:

      • આ કલમો પ્રમાણે બાપ્તિસ્મા પછી એક વ્યક્તિને કેવા આશીર્વાદ મળે છે?

      ચિત્ર: ક. બાપ્તિસ્મા પામેલી એક બહેન એ વિચારીને ખુશ થાય છે કે હવે મંડળનાં ભાઈ-બહેનો સાથે તેનો સંબંધ વધારે મજબૂત છે. ૧. તે એક બહેનને પોતાના દિલની વાત જણાવી રહી છે. ૨. તે એક વૃદ્ધ બહેનને ચાલવા સહારો આપી રહી છે. ૩. તે અલગ અલગ ઉંમરનાં ભાઈ-બહેનો સાથે જમી રહી છે. ૪. તે એક બહેન સાથે મળીને એક માણસને ખુશખબર જણાવી રહી છે. ૫. મહાસંમેલનમાં તે અલગ અલગ દેશથી આવેલી બહેનો સાથે ફોટા પાડી રહી છે.

      અમુક લોકો કહે છે: “હું હજી બાપ્તિસ્મા લેવા તૈયાર નથી.”

      • તમારા વિશે શું? શું તમને લાગે છે કે બાપ્તિસ્મા એક મહત્ત્વનું પગલું છે અને એ માટે તમારે મહેનત કરવી જોઈએ?

      આપણે શીખી ગયા

      ઈસુએ શીખવ્યું હતું કે તેમના શિષ્ય બનવા બાપ્તિસ્મા લેવું જરૂરી છે. બાપ્તિસ્મા લેતા પહેલાં જરૂરી છે કે યહોવામાં શ્રદ્ધા વધારીએ, તેમની આજ્ઞાઓ પાળીએ અને તેમને પોતાનું જીવન સમર્પણ કરીએ.

      તમે શું કહેશો?

      • બાપ્તિસ્મા કેવી રીતે આપવામાં આવે છે? બાપ્તિસ્મા લેવું કેમ જરૂરી છે?

      • બાપ્તિસ્મા લઈને એક વ્યક્તિ શું બતાવે છે?

      • સમર્પણ અને બાપ્તિસ્મા પહેલાં શું કરવું જોઈએ?

      આટલું કરો

      વધારે માહિતી

      બાપ્તિસ્મા એટલે શું એ જાણવા આ લેખ વાંચો.

      “બાપ્તિસ્મા એટલે શું?” (jw.org/gu પર આપેલો લેખ)

      બાપ્તિસ્મા લેવા એક વ્યક્તિએ શું કરવું જોઈએ?

      “યહોવા માટેનાં પ્રેમ અને કદર તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે” (ચોકીબુરજ, માર્ચ ૨૦૨૦)

      એક માણસને બાપ્તિસ્મા લેવા કઈ વાતે મદદ કરી, એ વિશે જાણો.

      “તેઓ ચાહતા હતા કે હું પોતે બાઇબલની વાતો તપાસું” (ચોકીબુરજનો લેખ)

      બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ? બાપ્તિસ્મા લેવા તમે શું કરી શકો? એ વિશે જાણો.

      “શું મારે બાપ્તિસ્મા લેવું જોઈએ?” (jw.org/gu પર આપેલો લેખ)

      a જો કોઈ વ્યક્તિએ બીજા કોઈ પંથમાં બાપ્તિસ્મા લીધું હોય, તોપણ તેણે ફરી બાપ્તિસ્મા લેવું જોઈએ. કેમ કે એ પંથમાં તેને બાઇબલની સાચી વાતો શીખવવામાં આવી ન હતી.​—પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧-૫ અને પાઠ ૧૩ જુઓ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો