ઈસુનો ઉપદેશ દિલમાં ઉતારીએ
‘જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે.’—યોહા. ૩:૩૪.
૧, ૨. ઈસુનો ઉપદેશ શાની સાથે સરખાવી શકાય? એ ‘ઈશ્વરનાં વચન’ હતાં એમ શા માટે કહી શકાય?
મોટા મોટા હીરામાંનો એક આફ્રિકાનો સ્ટાર હીરો છે. એ ૫૩૦ કૅરેટનો છે. એ ઘણો કીમતી છે. એનાથી પણ ઘણો કીમતી ઈસુનો પહાડ પરનો ઉપદેશ છે. શા માટે? ઈસુ વિષે બાઇબલ કહે છે: ‘જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે.’ (યોહા. ૩:૩૪-૩૬) ઈસુનો ઉપદેશ તો યહોવાહ પાસેથી આવ્યો હતો!
૨ ઈસુનો ઉપદેશ માંડ અડધા કલાકનો હશે. એમાં તેમણે હેબ્રી શાસ્ત્રવચનોનાં આઠ પુસ્તકોમાંથી એકવીસ વાર ટાંક્યું. એ બતાવે છે કે ઈસુનાં વચનો પોતાનાં નહિ, પણ ‘ઈશ્વરનાં વચનો’ હતાં. ચાલો આપણે એ અનમોલ મોતી જેવાં વચનો વિષે થોડું શીખીએ.
“પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર”
૩. ઈસુએ ક્રોધ વિષે ચેતવણી આપીને કઈ સલાહ આપી?
૩ આપણે યહોવાહની મદદથી આનંદ અને શાંતિ જેવા ગુણો કેળવી શકીએ છીએ. એટલે યહોવાહના ભક્તો તરીકે આપણે સુખી છીએ. (ગલા. ૫:૨૨, ૨૩) શિષ્યો ખુશીથી જીવે એવું ઈસુ ચાહતા હતા. એટલે તેમણે ક્રોધ વિષે ચેતવણી આપી. ક્રોધ તો આખરે નાશ તરફ લઈ જાય છે. (માત્થી ૫:૨૧, ૨૨ વાંચો.) પછી ઈસુએ કહ્યું: “જો તું તારૂં અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરૂદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારૂં અર્પણ ચઢાવ.”—માથ. ૫:૨૩, ૨૪.
૪, ૫. (ક) માત્થી ૫:૨૩, ૨૪માં જણાવેલું “અર્પણ” શું હતું? (ખ) જો કોઈ ભાઈને ખોટું લાગ્યું હોય તો તેની સાથે શાંતિ કરવી કેટલી મહત્ત્વની છે?
૪ યરૂશાલેમના મંદિરમાં “અર્પણ” ચડાવવામાં આવતાં. જેમ કે પ્રાણીઓનાં અર્પણ બહુ મહત્ત્વનાં હતાં. ખુદ યહોવાહે લોકોને એની આજ્ઞા કરી હતી. એટલે એ તેમની ભક્તિનો ભાગ હતા. તોપણ ઈસુએ કહ્યું કે ‘જો તારા ભાઈને ખોટું લાગ્યું હોય, તો યહોવાહને અર્પણ ચડાવતા પહેલાં, તેની સાથે સુલેહશાંતિ કર.’
૫ ‘સલાહ કર’ એનો અર્થ એ થાય કે સુલેહશાંતિ કરવી. એમાંથી આપણે શું શીખીએ છીએ? એ કે આપણે બીજાઓ સાથે જે રીતે વર્તીએ, એની યહોવાહ સાથેના આપણા સંબંધ પર અસર થાય છે. (૧ યોહા. ૪:૨૦) પહેલાંના જમાનામાં જો કોઈ યહોવાહને અર્પણ ચડાવે પણ પોતાના ભાઈ સાથે સારી રીતે ન વર્તે, તો એ અર્પણ નકામું હતું.—મીખાહ ૬:૬-૮ વાંચો.
આપણે નમ્ર બનવું જ જોઈએ
૬, ૭. જેને ખોટું લગાડ્યું હોય તેની સાથે સુલેહશાંતિ કરતી વખતે કેમ નમ્ર બનવાની જરૂર છે?
૬ જો કોઈ ભાઈને ખોટું લાગ્યું હોય તો તેની સાથે સુલેહશાંતિ કરવા નમ્ર બનવું જોઈએ. નમ્ર લોકો પોતાનો હક્ક મેળવવા એકબીજા સાથે લડતા-ઝઘડતા નથી. એકબીજાના સંબંધમાં તીરાડ પડવા દેતા નથી. પણ પહેલાંના કોરીંથ મંડળનો વિચાર કરો. પાઊલે તેઓને કહેવું પડ્યું કે “આ તમારામાં ખરેખરી ખોડ છે, કે તમે એકબીજા પર ફરિયાદ કરો છો. એમ કરવા કરતાં તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી? અને નુકસાન કેમ વેઠતા નથી?”—૧ કોરીં. ૬:૭.
૭ ઈસુએ એમ ન કહ્યું કે તકલીફ ઊભી થાય ત્યારે, એ સાબિત કરો કે સાચું કોણ, ખોટું કોણ. ના, પણ તેમણે કહ્યું કે આપણે ભાઈ સાથે સુલેહશાંતિ કરવી જોઈએ. તેમને જણાવીએ કે આપણા દિલમાં શું છે. એ પણ સમજીએ કે એ ભાઈને પણ દુઃખ લાગ્યું છે. મોટું દિલ રાખીને આપણે માફી માગી લઈએ.
“તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે તો . . . ”
૮. માત્થી ૫:૨૯, ૩૦માં ઈસુએ શું કહ્યું એ ટૂંકમાં જણાવો.
૮ ઈસુ જાણતા હતા કે માણસ માત્ર ભૂલને પાત્ર છે. એટલે તેમણે સારા સંસ્કાર વિષે આ સલાહ આપી: “જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમકે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારૂં આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે. અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમકે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારૂં આખું શરીર નરકમાં [ગેહેન્નામાં] ન નંખાય, એ તને ગુણકારક છે.”—માથ. ૫:૨૯, ૩૦.
૯. આપણી “આંખ” કે “હાથ” કઈ રીતે “ઠોકર” ખવડાવી શકે છે?
૯ અહીં “આંખ” આપણું ધ્યાન ક્યાં છે, એ બતાવે છે. “હાથ” આપણે જે કાંઈ કામ કરીએ એને રજૂ કરે છે. જો ધ્યાન ન રાખીએ તો “આંખ” અને “હાથ” આપણને “ઠોકર” ખવડાવશે. આપણે ‘ઈશ્વર સાથે ચાલવાનું’ છોડી દઈશું. (ઉત. ૫:૨૨; ૬:૯) એટલા માટે જે કાંઈ આપણને યહોવાહથી દૂર ખેંચી જાય, એને મનમાંથી કાઢી નાખવા કડક પગલાં લેવાં જ જોઈએ.
૧૦, ૧૧. વ્યભિચાર જેવા કોઈ પાપમાં ન પડીએ માટે શું કરવું જોઈએ?
૧૦ આપણે કઈ રીતે આંખોને આમતેમ ભટકતા રોકી શકીએ? ઈશ્વરભક્ત અયૂબે કહ્યું: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?” (અયૂ. ૩૧:૧) અયૂબ પરણેલા હતા અને યહોવાહના ઊંચાં ધોરણોને વળગી રહ્યા. આપણે પરણેલા હોઈએ કે નહિ, ચાલો અયૂબ જેવા જ બનીએ. કોઈ લફરામાં ફસાઈએ નહિ. એ માટે યહોવાહની શક્તિની મદદ માગીએ. એ આપણને તન-મન પર કાબૂ રાખવા મદદ કરશે.—ગલા. ૫:૨૨-૨૫.
૧૧ આનો પણ વિચાર કરો કે ‘શું હું વાસના જગાડતાં પુસ્તકો વાંચું છું? ટીવી અને ઇન્ટરનેટ પર એવી માહિતી જોયા કરું છું?’ યાકૂબના આ શબ્દો કદી ન ભૂલીએ: “દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઊપજાવે છે.” (યાકૂ. ૧:૧૪, ૧૫) યહોવાહનો કોઈ ભક્ત જો કોઈના ઉપર “ખોટી નજર કરે” તો તેણે તરત શું કરવું જોઈએ? તેણે જાણે કે પોતાની આંખ કાઢીને ફેંકી દેતા હોય, એમ કડક પગલાં લેવા જોઈએ.—માત્થી ૫:૨૭, ૨૮ વાંચો.
૧૨. વાસના સામે લડવા પાઊલની કઈ સલાહ માનવી જોઈએ?
૧૨ જો ધ્યાન ન રાખીએ તો આપણા હાથ ખોટાં કામો કરી બેસશે. એટલે યહોવાહના નિયમો પાળીએ. તેમના સંસ્કાર પ્રમાણે જ જીવીએ. પાઊલની આ સલાહ દિલમાં ઉતારીએ: “પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.” (કોલો. ૩:૫) “મારી નાખો” શબ્દો ભાર મૂકે છે કે આપણે કેવા કડક પગલા લેવા જોઈએ.
૧૩, ૧૪. આંખ કે હાથ જો ખોટાં કામ કરાવે, તો શું કરવું જોઈએ? એ કેમ મહત્ત્વનું છે?
૧૩ શરીરના કોઈ અંગમાં ચેપ લાગે તો આપણે જીવ બચાવવા એ અંગ કપાવી નાખીશું. એ જ રીતે આંખ કે હાથ જો ખોટાં કામ કરાવે, તો એને જાણે કાપીને ‘ફેંકી દઈએ.’ આમ આપણે યહોવાહની નજરે બધી રીતે શુદ્ધ રહીને તેમની કૃપા નહિ ગુમાવીએ. આપણે ગેહેન્ના અથવા કાયમ માટેના વિનાશમાંથી બચી જઈશું.
૧૪ આદમ પાસેથી મળેલા પાપના વારસાને કારણે, યહોવાહની નજરમાં શુદ્ધ રહેવા ઘણી મહેનત કરવી પડે છે. પાઊલે કહ્યું, “હું મારા દેહનું દમન કરૂં છું, તથા તેને વશ રાખું છું; રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાપિ હું પોતે નાપસંદ થાઉં.” (૧ કોરીં. ૯:૨૭) ચાલો આપણે હંમેશાં ઈશ્વરનું કહેવું માનીએ. એવું કંઈ ન કરીએ જે બતાવે કે આપણને ઈસુની કુરબાનીની કદર નથી.—માથ. ૨૦:૨૮; હેબ્રી ૬:૪-૬.
ઉદાર રીતે “આપો”
૧૫, ૧૬. (ક) ઉદાર બનવા વિષે ઈસુએ કેવો દાખલો બેસાડ્યો? (ખ) લુક ૬:૩૮ના શબ્દો શું કરવાનું જણાવે છે?
૧૫ ઈસુના વાણી-વર્તનમાંથી દેખાઈ આવતું હતું કે તે ઉદાર દિલના હતા. (૨ કોરીંથી ૮:૯ વાંચો.) એટલે તે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઇન્સાન માટે કુરબાની આપવા આવ્યા. ઈશ્વરની કૃપાથી અમુક ઇન્સાનને ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરવાનો મોકો મળ્યો છે. (રૂમી ૮:૧૬, ૧૭) ઈસુએ આપણને ઉદાર બનવા વિષે આમ કહ્યું:
૧૬ “આપો ને તમને અપાશે; સારૂં માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમકે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.” (લુક ૬:૩૮) ‘ખોળામાં ઠાલવવું’ એનો શું અર્થ થાય? ઈસુના જમાનામાં લોકો કંઈ વેચાતું લેતા ત્યારે, દુકાનદાર એ વ્યક્તિના ‘ખોળામાં ઠાલવતો.’ જો ઉદાર હોઈશું, તો ખરા સમયે બીજાઓ પણ આપણી સાથે ઉદાર રીતે વર્તશે.—સભા. ૧૧:૨.
૧૭. યહોવાહે ઉદાર બનવામાં કેવો દાખલો બેસાડ્યો છે? કેવી રીતે આપવાથી આપણને આનંદ થશે?
૧૭ યહોવાહને ઉદાર વ્યક્તિ પસંદ છે અને તે તેઓને બદલો આપશે. ઉદાર બનવામાં યહોવાહે સૌથી સારો દાખલો બેસાડ્યો. તેમણે પોતાના દીકરા ઈસુની કુરબાની આપી, જેથી “જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહા. ૩:૧૬) પાઊલે લખ્યું, “જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમકે ખુશીથી આપનારને દેવ ચાહે છે.” (૨ કોરીં. ૯:૬, ૭) આપણે ઉદાર રીતે સમય, શક્તિ અને પૈસા-ટકા યહોવાહની ભક્તિમાં વાપરીએ. એનાથી આપણો આનંદ વધે છે. યહોવાહ એનો બદલો આપશે.—નીતિવચન ૧૯:૧૭; લુક ૧૬:૯ વાંચો.
‘પોતાની આગળ રણશિંગડું ન વગાડીએ’
૧૮. શું કરીશું તો યહોવાહ પાસેથી ‘ફળ મળવાનું નથી’?
૧૮ “માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી.” (માથ. ૬:૧) અહીં ‘ધર્મકૃત્યોનો’ શું અર્થ થાય? યહોવાહની ઇચ્છા પ્રમાણેના કાર્યો. ઈસુ એમ નʼતા કહેતા કે લોકો જુએ ત્યારે કોઈને મદદ ન કરવી. ઈસુ તો એમ કહેતા હતા કે ‘તમે તમારૂં અજવાળું લોકોની આગળ પ્રકાશવા દો.’ (માથ. ૫:૧૪-૧૬) પણ આપણે લોકો ‘જુએ એવા હેતુથી,’ એક્ટિંગ ન કરીએ. એમ કરીશું તો, યહોવાહ પાસેથી આપણને કોઈ ‘ફળ મળવાનું નથી.’ લોકોની વાહ વાહ પામવા જ આપણે દેખાડો કરતા હોઈશું તો, યહોવાહ સાથે પાકો નાતો નહિ બાંધી શકીએ. તેમના રાજ્ય દ્વારા આવતા આશીર્વાદો નહિ પામીએ.
૧૯, ૨૦. (ક) ઈસુએ કહ્યું કે “દાનધર્મ” કરતી વખતે “રણશિંગડું ન વગાડ.” એનો શું અર્થ થાય? (ખ) ઈસુએ કેમ કહ્યું કે ‘જે જમણો હાથ કરે એ ડાબો ન જાણે’?
૧૯ આપણે સાચે જ કોઈને મદદ કરવા ચાહતા હોઈએ તો, આ સલાહ માનીશું: “એ માટે જ્યારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ; હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.” (માથ. ૬:૨) ગરીબ અને લાચાર લોકો માટે આવું “દાનધર્મ” કરવામાં આવતું. (યશાયાહ ૫૮:૬, ૭ વાંચો.) ઈસુ અને તેમના શિષ્યો પાસે પણ ગરીબોને મદદ કરવા અમુક ફંડ હતું. (યોહા. ૧૨:૫-૮; ૧૩:૨૯) જોકે ઈસુના સમયમાં દાનધર્મ કરવા પહેલાં કોઈ ‘રણશિંગડું ન વગાડતા.’ પણ ઈસુએ એનો દાખલો વાપર્યો. તે કહેતા હતા કે જે કંઈ દાનધર્મ કરીએ, એની જાહેરાત ન કરીએ. ઈસુએ ગુરુઓને ઢોંગી કહ્યા, કેમ કે તેઓ “સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં” દાનધર્મની જાહેરાત કરતા. તેઓ “પોતાનો બદલો પામી ચૂક્યા” હતા. તેઓને લોકો પાસેથી વાહ વાહ મળી. કદાચ ધર્મગુરુઓ સાથે સભાસ્થાનોમાં પહેલી લાઈનમાં સીટ મળી. પણ યહોવાહ પાસેથી તેઓને કોઈ બદલો મળવાનો ન હતો. (માથ. ૨૩:૬) પણ શિષ્યોએ કેવા બનવાનું હતું? ઈસુએ કહ્યું:
૨૦ “તું જ્યારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે; એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે.” (માથ. ૬:૩, ૪) ભલે આપણે મોટા ભાગે બંને હાથે કંઈ કરીએ, પણ અમુક કામ એક જ હાથે કરીએ છીએ. ઈસુ શીખવતા હતા કે એ જ રીતે દાનધર્મ કરીએ ત્યારે પણ, કોઈ નજીકના ફ્રેન્ડ કે સગાંને એની જાહેરાત ન કરીએ.
૨૧. “ગુપ્તમાં જોનાર” આપણને કેવા આશીર્વાદ આપશે?
૨૧ આપણે દેખાડો નહિ કરીએ તો, આપણા “દાનધર્મ” ખાનગી રહેશે. પણ “ગુપ્તમાં જોનાર” યહોવાહ આપણને બદલો આપશે. યહોવાહ “ગુપ્તમાં” એટલે કે સ્વર્ગમાં રહે છે. (યોહા. ૧:૧૮) તે આપણને કેવો બદલો આપશે? પોતાની સાથે પાકો નાતો બાંધવા મદદ કરશે. આપણાં પાપ માફ કરશે. નવી દુનિયામાં આપણને અમર જીવન આપશે. (નીતિ. ૩:૩૨; યોહા. ૧૭:૩; એફે. ૧:૭) લોકોની વાહ વાહ પામીએ એના કરતાં, એ કેટલા મોટા આશીર્વાદ!
ઈસુનાં અનમોલ વચનો
૨૨, ૨૩. ઈસુનાં અનમોલ વચનો કેમ દિલમાં ઉતારવા જોઈએ?
૨૨ ઈસુએ પહાડ પર આપેલા ઉપદેશમાં અનમોલ મોતી જેવાં વચનો છે. આ દુષ્ટ દુનિયામાં પણ એ વચનોથી આપણને લાભ થાય છે. એ આપણા દિલમાં ઉતારીશું, એ પ્રમાણે જીવીશું તો સુખી થઈશું.
૨૩ જે કોઈ ઈસુનાં વચનો “સાંભળે છે, ને પાળે છે” તેઓ આશીર્વાદ મેળવશે. (માત્થી ૭:૨૪, ૨૫ વાંચો.) તો ચાલો આપણે ઈસુની સલાહ જીવનમાં ઉતારીએ. ઈસુનાં આ અનમોલ વચનો વિષે હજુ વધારે આપણે હવે પછીના લેખમાં જોઈશું. (w09 2/15)
આપણે કેવો જવાબ આપીશું?
• કોઈને ખોટું લાગ્યું હોય તો તેની સાથે કેમ સુલેહશાંતિ કરવી જોઈએ?
• આપણી “જમણી આંખ” ઠોકર ન ખવડાવે એ માટે શું કરવું જોઈએ?
• દાનધર્મ કરતી વખતે શું ન કરીએ?
[પાન ૨૧ પર ચિત્ર]
ખોટું લાગ્યું હોય એ ભાઈ-બહેન સાથે કેમ સુલેહસંપ કરવો જોઈએ?
[પાન ૨૩ પર ચિત્ર]
ઉદાર વ્યક્તિને યહોવાહ આશીર્વાદ આપશે