ઈસુએ નમ્રતાનો દાખલો બેસાડ્યો
“જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.”—યોહા. ૧૩:૧૫.
૧, ૨. ઈસુએ મરણની આગલી રાત્રે પ્રેરિતોને કયો બોધપાઠ શીખવ્યો?
ઈસુ પોતાના મરણની આગલી રાત, પ્રેરિતો સાથે યરૂશાલેમના એક ઉપલા ઓરડામાં વિતાવે છે. સાંજે જમતી વખતે તે ઊભા થઈને પોતાનો ઝભ્ભો ઉતારીને એક બાજુ મૂકે છે. તે કમર પર રૂમાલ બાંધે છે. વાસણમાં પાણી લે છે અને શિષ્યોના પગ ધોઈને રૂમાલથી લૂછે છે. પછી તે ઝભ્ભો પહેરી લે છે. ઈસુએ કેમ પ્રેરિતોના પગ ધોયા?—યોહા. ૧૩:૩-૫.
૨ એ સમજાવતા ઈસુએ આમ કહ્યું: ‘મેં તમને શું કર્યું છે, એ તમે સમજ્યા છો? મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.’ (યોહા. ૧૩:૧૨-૧૫) ઈસુએ અચકાયા વગર નમ્રભાવે પ્રેરિતોના પગ ધોઈને ભૂલાઈ નહિ એવો બોધપાઠ શીખવ્યો. એનાથી, ઈસુએ તેઓને આવનાર દિવસોમાં નમ્ર રીતે વર્તવા ઉતેજન આપ્યું.
૩. (ક) ઈસુએ કઈ રીતે બે પ્રસંગોએ બતાવ્યું કે નમ્ર બનવું મહત્ત્વનું છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ ઈસુએ પ્રેરિતોના પગ ધોઈને આ પહેલી વાર નમ્રતાનો પાઠ શીખવ્યો ન હતો. પહેલાં પણ પ્રેરિતોએ એકબીજાથી ચડિયાતા બનવાનું વલણ બતાવ્યું ત્યારે, ઈસુએ નાના બાળકને પોતાની બાજુમાં બેસાડીને કહ્યું: “જે કોઈ મારે નામે આ બાળકનો અંગીકાર [સ્વીકાર] કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે; કેમ કે તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે.” (લુક ૯:૪૬-૪૮) ઈસુ જાણતા હતા કે ફરોશીઓ એકબીજાથી ચડિયાતા બનવાનો પ્રયત્ન કરતા. એટલે ઈસુએ સમય જતાં પોતાના સેવાકાર્યમાં કહ્યું: “જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.” (લુક ૧૪:૧૧) એ સ્પષ્ટ બતાવે છે કે ઈસુ ચાહતા હતા કે તેમના અનુયાયીઓ અભિમાની અને ઘમંડી નહિ, પણ નમ્ર બને. આપણે ઈસુને અનુસરવાનું ચાહતા હોવાથી, ચાલો તેમનો નમ્રતાનો ગુણ ઝીણવટથી તપાસીએ. એ પણ જોઈશું કે નમ્રતા બતાવનારને જ નહિ, બીજાઓને પણ લાભ થાય છે.
“હું પાછો હઠ્યો” નહિ
૪. ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે કઈ રીતે નમ્રતા બતાવી?
૪ યહોવાના એકાકીજનિત દીકરાએ, પૃથ્વી પર આવ્યા પહેલાંથી નમ્રતા બતાવી હતી. તેમણે સ્વર્ગમાં યહોવા સાથે અગણિત વર્ષો વિતાવ્યાં હતાં. યહોવા અને ઈસુના ગાઢ સંબંધ વિશે યશાયાનું પુસ્તક આમ કહે છે: “હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતાં જાણું, માટે પ્રભુ યહોવાએ મને ભણેલાની જીભ આપી છે; તે દર સવારે મને જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની પેઠે સાંભળું. પ્રભુ યહોવાએ મારા કાન ઉઘાડ્યા છે, તેથી મેં ફિતૂર [બળવો] કર્યું નહિ, ને હું પાછો હઠ્યો” નહિ. (યશા. ૫૦:૪, ૫) યહોવા શીખવતા હતા ત્યારે ઈસુએ નમ્રતા બતાવી અને ધ્યાન આપીને શીખ્યા. ઈશ્વર પાસેથી તે શીખવા માટે ખૂબ જ આતુર અને હોંશીલા હતા. ઈસુએ ખૂબ જ ધ્યાનથી એ જોયું હશે જ્યારે, યહોવાએ નમ્રભાવે પાપી મનુષ્યને દયા બતાવી!
૫. શેતાન સાથે તકરાર ઉભી થઈ ત્યારે ઈસુએ કેવી રીતે નમ્રતા બતાવી?
૫ યહોવાના બધા જ સ્વર્ગદૂતોનું વલણ ઈસુ જેવું ન હતું. એક સ્વર્ગદૂત ઈશ્વર પાસેથી શીખવાને બદલે પોતાને વધારે પડતું મહત્ત્વ આપવા લાગ્યો અને પછી તે શેતાન બન્યો. તેણે નમ્રતા બતાવી નહિ, પણ અભિમાનથી ફૂલાઈ ગયો. તેણે યહોવાની સામે બળવો કર્યો. જ્યારે કે ઈસુ પોતાની સત્તાથી સંતુષ્ટ હતા. તે સ્વર્ગમાં પ્રમુખદૂત હતા તોપણ, “શેતાનની સાથે મુસાના શબ વિશે તકરાર” થઈ ત્યારે, એવું કંઈ ન કર્યું જેનો તેમને અધિકાર ન હતો. એને બદલે, ઈસુએ નમ્રતા બતાવી. તેમણે વિશ્વના સર્વોચ્ચ ન્યાયાધીશ યહોવાના હાથમાં ખુશીથી એ બાબત છોડી દીધી, જેથી યહોવા તેમના સમયે અને તેમની રીતે એને થાળે પાડે.—યહુદા ૯ વાંચો.
૬. મસીહની જવાબદારી ઉપાડવા માટે ઈસુએ કઈ રીતે નમ્રતા બતાવી?
૬ ઈસુ સ્વર્ગમાં હતા ત્યારથી જ પૃથ્વી પર મસીહ તરીકેના જીવન વિશેની ભવિષ્યવાણીઓ જાણતા હતા. એટલે, તે પહેલેથી જાણતા હતા કે તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તોપણ, તેમણે પૃથ્વી પર આવવાની અને વચનના મસીહ તરીકે મરણ પામવાની સોંપણી સ્વીકારી. શા માટે? ઈશ્વરના એકાકીજનિત દીકરાની નમ્રતા વિશે પ્રેરિત પાઊલે લખ્યું: ‘પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા.’—ફિલિ. ૨:૬, ૭.
ઈસુએ મનુષ્ય તરીકે ‘પોતાને નમ્ર કર્યા’
૭, ૮. ઈસુએ બાળપણમાં અને સેવાકાર્ય દરમિયાન કઈ રીતે નમ્રતા બતાવી?
૭ પાઊલે લખ્યું કે ‘ઈસુ માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા, વધસ્તંભના મરણને, આધીન થઈને પોતાને નમ્ર કર્યા.’ (ફિલિ. ૨:૮) ઈસુએ પોતાના બાળપણથી જ આપણા માટે નમ્રતાનો દાખલો બેસાડ્યો છે. ખરું કે તેમનાં માબાપ યુસફ અને મરિયમ અપૂર્ણ હતાં. તોપણ, ઈસુ નમ્રભાવે ‘તેઓને આધીન રહ્યા.’ (લુક ૨:૫૧) યુવાનો માટે એ કેટલો સરસ દાખલો! રાજીખુશીથી માબાપની આજ્ઞા માનતા બાળકોને ઈશ્વર ચોક્કસ આશીર્વાદ આપશે.
૮ મોટા થયા પછી પણ ઈસુએ પોતાની નહિ, પણ યહોવાની ઇચ્છા જીવનમાં પ્રથમ મૂકીને નમ્રતા બતાવી. (યોહા. ૪:૩૪) ઈસુએ પોતાના સેવાકાર્ય દરમિયાન બધાને યહોવાનું નામ જણાવ્યું. તેમણે નમ્ર દિલના લોકોને યહોવાના ગુણો અને મનુષ્ય માટેના હેતુ વિશે ખરું શિક્ષણ આપ્યું. યહોવા વિશે ઈસુ જેવું શીખવતા એવું જીવતા. દાખલા તરીકે, નમૂનાની પ્રાર્થનામાં ઈસુએ સૌથી પહેલી વિનંતી જણાવતા કહ્યું કે ‘ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાય.’ (માથ. ૬:૯) ઈસુએ પોતાના અનુયાયીઓને શીખવ્યું કે તેઓ માટે યહોવાનું નામ પવિત્ર મનાય, એ સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. ઈસુએ પોતાના જીવનમાં એમ કર્યું હતું. પૃથ્વી પરના સેવાકાર્યના અંતિમ ભાગમાં ઈસુએ પ્રાર્થનામાં યહોવાને કહ્યું: “મેં તેઓને [પ્રેરિતોને] તારું નામ જણાવ્યું છે, અને જણાવીશ.” (યોહા. ૧૭:૨૬) ઈસુએ સેવાકાર્ય દરમિયાન પૃથ્વી પર જે કંઈ કર્યું, એનો બધો જશ યહોવાને આપ્યો.—યોહા. ૫:૧૯.
૯. મસીહ વિશે ઝખાર્યાએ કઈ ભવિષ્યવાણી કરી અને એ કઈ રીતે ઈસુ દ્વારા પૂરી થઈ?
૯ મસીહ વિશેની ભવિષ્યવાણીમાં ઝખાર્યાએ આમ લખ્યું: “હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરૂશાલેમની પુત્રી, જયપોકાર કર; જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે; તે નમ્ર છે, અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે.” (ઝખા. ૯:૯) ૩૩ની સાલના પાસ્ખાપર્વ પહેલાં ઈસુ યરૂશાલેમમાં આવ્યા ત્યારે, એ ભવિષ્યવાણી પૂરી થઈ. લોકોએ ઝાડની ડાળીઓ અને પોતાનાં કપડાં રસ્તા પર પાથર્યાં. ઈસુના પ્રવેશથી શહેરમાં ખળભળાટ મચી ગયો. અરે, લોકોએ તેમનો રાજા તરીકે આવકાર કર્યો ત્યારે પણ, ઈસુએ નમ્રતા બતાવી.—માથ. ૨૧:૪-૧૧.
૧૦. ઈસુ મરતા દમ સુધી વફાદાર રહ્યા એનાથી શું સાબિત થયું?
૧૦ વધસ્તંભ પર મરતા દમ સુધી ઈસુએ આજ્ઞાપાલન અને નમ્રતા બતાવી. તેમણે એ હદે સાબિત કરી બતાવ્યું કે મનુષ્ય આકરી કસોટીમાં પણ યહોવાને વફાદાર રહી શકે છે. શેતાને આરોપ મૂક્યો હતો કે મનુષ્ય સ્વાર્થ ખાતર યહોવાને ભજે છે. એ આરોપને ઈસુએ પોતાના જીવનથી જૂઠો સાબિત કર્યો. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪) ઈસુ સંપૂર્ણ રીતે યહોવાને વફાદાર રહ્યા હતા. એનાથી તેમણે સાબિત કરી આપ્યું કે ફક્ત યહોવાને આખા વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે. પોતાના દીકરાની વફાદારી જોઈને યહોવા બહુ ખુશ થયા!—નીતિવચનો ૨૭:૧૧ વાંચો.
૧૧. ઈસુમાં વિશ્વાસ મૂકનારા લોકો માટે તેમના મરણથી કયો માર્ગ ખૂલ્યો?
૧૧ ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે, પાપ અને મરણમાંથી મનુષ્યોને આઝાદ કરવાની કિંમત પણ ચૂકવાઈ. (માથ. ૨૦:૨૮) ઈસુના બલિદાનને લીધે, યહોવા પોતાનાં ન્યાયી ધોરણો પ્રમાણે આપણાં પાપ માફ કરી શકે છે અને આપણને કાયમ માટે જીવવાની તક મળે છે. પાઊલે લખ્યું: “એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું.” (રોમ. ૫:૧૮) ઈસુના મરણને લીધે, અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે સ્વર્ગમાં અમર જીવનનો અને “બીજાં ઘેટાં”ને માટે પૃથ્વી પર કાયમ જીવવાનો માર્ગ ખુલ્યો.—યોહા. ૧૦:૧૬; રોમ. ૮:૧૬, ૧૭.
‘હું મનમાં નમ્ર છું’
૧૨. મનુષ્ય સાથેના વહેવારમાં ઈસુએ કઈ રીતે નમ્રતા બતાવી?
૧૨ ઈસુએ ‘વૈતરૂં કરનારા તથા ભારથી લદાયેલા’ સર્વ લોકોને આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું: “મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.” (માથ. ૧૧:૨૮, ૨૯) નમ્રતા અને પ્રેમાળ સ્વભાવને કારણે ઈસુ મનુષ્યો સાથે કોઈ પક્ષપાત કર્યા વગર અને કોમળતાથી વર્ત્યા. તે શિષ્યો પાસેથી ગજા બહારની અપેક્ષાઓ રાખતા ન હતા. ઈસુ તેઓના વખાણ કરતા અને ઉત્તેજન આપતા. તેઓને કદી અહેસાસ થવા ન દીધો કે તેઓ નકામા છે. તે જરા પણ ક્રૂર કે જુલમી ન હતા. અરે, તેમણે તો પોતાના અનુયાયીઓને ખાતરી અપાવી કે તેમની સાથે ગાઢ સંબંધ જોડવાથી અને તેમના શિક્ષણ પ્રમાણે ચાલવાથી તાજગી મળશે. કારણ, તેમની ઝુંસરી ઉપાડવી સહેલી હતી. સ્ત્રી હોય, પુરુષ હોય કે બાળકો હોય બધા લોકોને ઈસુ સાથે ગમતું.—માથ. ૧૧:૩૦.
૧૩. ઈસુએ લાચાર લોકોને કેવી રીતે દયા બતાવી?
૧૩ ઈસ્રાએલના સામાન્ય લોકોની લાચારી જોઈને ઈસુને તેઓ પર બહુ દયા આવી. તેમણે પ્રેમથી તેઓની જરૂરિયાતોને ધ્યાન આપ્યું. યરેખો પાસે ઈસુ બે અંધ પુરુષો, બારતીમાય અને તેના સાથીદારને મળ્યા. તેઓ ઈસુની મદદ માટે સતત કાલાવાલા કરવા લાગ્યા. લોકોએ તેઓને કડક શબ્દોમાં ધમકાવ્યા અને શાંત રહેવાનું કહ્યું. એવા સંજોગમાં અંધ પુરુષોની વિનંતી અવગણવી બહુ આસન હતું! પણ ઈસુએ તેઓને પાસે લાવવાની આજ્ઞા કરી. તેઓ પર દયા આવવાને લીધે ઈસુએ તેઓને દેખતા કર્યા. ખરેખર, ઈસુએ પોતાના પિતા યહોવાની જેમ લાચાર લોકોને દયા બતાવી.—માથ. ૨૦:૨૯-૩૪; માર્ક ૧૦:૪૬-૫૨.
“જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે”
૧૪. ઈસુના નમ્ર સ્વભાવને લીધે કયા આશીર્વાદો શક્ય બન્યા?
૧૪ ઈસુ ખ્રિસ્તનું નમ્ર વલણ ઘણા લોકો માટે આનંદ અને આશીર્વાદોનું કારણ બન્યું છે. યહોવા પોતાના વહાલા અને નમ્ર દીકરાને આધીન થતા જોઈને બહુ હરખાયા. ઈસુના પ્રેરિતો અને શિષ્યો પણ તેમના નમ્ર અને કોમળ સ્વભાવથી તાજગી પામ્યા. ઈસુએ પોતાના દાખલા, શિક્ષણ અને દિલના વખાણથી શિષ્યોને ઈશ્વરભક્તિમાં પ્રગતિ કરવા ઉત્તેજન આપ્યું. સામાન્ય લોકો પણ ઈસુની નમ્રતાથી લાભ પામ્યા. કારણ, તેઓએ ઈસુની મદદ, શિક્ષણ અને ઉત્તેજન સ્વીકાર્યાં હતાં. ખરું કહીએ તો, ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકનારા બધા જ લોકોને કાયમી લાભ મળશે.
૧૫. નમ્ર રહેવાથી ઈસુને કયો લાભ થયો?
૧૫ ઈસુ વિશે શું? તેમના નમ્ર સ્વભાવથી શું તેમને લાભ થયો? હા, જરૂર. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.” (માથ. ૨૩:૧૨) ઈસુના કિસ્સામાં પણ એ શબ્દો સાચા પડ્યા. એ વિશે પાઊલ સમજાવે છે: ‘ઈશ્વરે ઈસુને ઘણા ઊંચા કર્યા, અને સર્વ નામો કરતાં તેમને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે સ્વર્ગમાંના, ભૂમિ પરનાં તથા ભૂમિ તળેનાં સર્વે ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.’ ઈસુ સમગ્ર જીવન દરમિયાન નમ્ર અને વફાદાર રહ્યા હોવાથી, યહોવાએ તેમને ઊંચા કર્યા અને સર્વ સ્વર્ગદૂતો અને મનુષ્યો પર સત્તા આપી.—ફિલિ. ૨:૯-૧૧.
ઈસુ ‘સત્ય અને નમ્રતાથી સવારી’ કરશે
૧૬. શું બતાવે છે કે ઈસુ ભાવિમાં પણ નમ્રતા બતાવતા રહેશે?
૧૬ ઈસુ ભાવિમાં પણ નમ્રતા બતાવતા રહેશે. તે સ્વર્ગમાંથી પોતાના દુશ્મનો સામે કઈ રીતે પગલાં ભરશે, એ વિશે ભવિષ્યવાણી કરતા એક ઈશ્વરભક્તે સ્તુતિગીતમાં ગાયું: “સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થા.” (ગીત. ૪૫:૪) સત્ય અને ન્યાયીપણા સાથે ઈસુ નમ્રતાથી આર્માગેદન તરફ સવારી કરશે. હજાર વર્ષના રાજ્યને અંતે મસીહ રાજા “સઘળી રાજ્યસત્તા તથા સઘળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે,” ત્યારે શું બનશે? શું ત્યારે પણ તે નમ્રતા બતાવશે? હા, કેમ કે બાઇબલ જણાવે છે કે તે ‘ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે.’—૧ કોરીંથી ૧૫:૨૪-૨૮ વાંચો.
૧૭, ૧૮. (ક) યહોવાના ભક્તો માટે ઈસુના ઉદાહરણને અનુસરવું કેમ ખૂબ મહત્ત્વનું છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
૧૭ આપણા વિશે શું? શું આપણે પણ ઈસુના ઉદાહરણને અનુસરીને નમ્રતા બતાવીશું? રાજા ઈસુ આર્માગેદનના યુદ્ધમાં ન્યાયચુકાદો લાવશે ત્યારે, જેઓ નમ્ર અને ન્યાયી છે તેઓ જ બચશે. એટલે, બચવા માટે નમ્રતા કેળવવી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, ઈસુએ જે રીતે નમ્રતા બતાવી એનાથી તેમને અને બીજાઓને પણ લાભ થયો. જો આપણે પણ નમ્રતા બતાવીશું, તો ઘણી રીતે લાભ થશે.
૧૮ ઈસુના ઉદાહરણને અનુસરવા આપણને શું મદદ કરી શકે? જીવનમાં અનેક નડતરો આવે તોપણ, આપણે કેવી રીતે નમ્રતા કેળવી શકીએ? હવે પછીના લેખમાં એ સવાલોની ચર્ચા કરીશું. (w12-E 11/15)