પ્રાર્થના વિષે ઈસુએ શું શીખવ્યું?
ઈસુએ શીખવેલી પ્રાર્થના આપણે માત્થી ૬:૯-૧૩માં વાંચી શકીએ છીએ. આ પ્રાર્થના કહેતા પહેલાં ઈસુએ સલાહ આપી: “તમે પ્રાર્થના કરો ત્યારે વિધર્મીઓની માફક લવારો ન કરો. કેમ કે તેઓ માને છે કે ઘણું બોલવાથી પ્રાર્થનાનો જવાબ મળે છે.”—માથ્થી ૬:૭, IBSI.
આપણે પ્રભુની પ્રાર્થનાને ગોખીને એનું શબ્દે શબ્દ રટણ કરીએ, એવું ઈસુ જરાય ચાહતા ન હતા. ખરું કે, તેમણે એક વાર કોઈ શિષ્યને એની એ જ પ્રાર્થના શીખવી હતી. (લુક ૧૧:૨-૪) તોપણ, આપણે માત્થી અને લુકના પુસ્તકમાં જોઈએ તો આ પ્રાર્થનાના શબ્દો અલગ હતા. ઈસુ અને તેમના શિષ્યોએ પ્રાર્થના કરાવી ત્યારે પણ, તેઓ આ ખાસ પ્રાર્થનાના શબ્દોને વળગી રહ્યા ન હતા.
પ્રભુની ખાસ પ્રાર્થનાને શા માટે બાઇબલમાં લખવામાં આવી છે? આ પ્રાર્થનાથી ઈસુ આપણને શીખવે છે કે પરમેશ્વર કેવી પ્રાર્થનાને સ્વીકારે છે. આ પ્રાર્થનામાં આપણને જીવન વિષેના અમુક પ્રશ્નોના જવાબ જોવા મળે છે. ચાલો આપણે પ્રભુની પ્રાર્થનાના દરેક ભાગની ચર્ચા કરીએ.
પરમેશ્વરનું નામ શું છે?
“ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ.” (માત્થી ૬:૯) પ્રભુની પ્રાર્થનામાં શરૂઆતમાં પરમેશ્વરને “અમારા બાપ” તરીકે સંબોધવાથી આપણને તેમની સાથે ગાઢ સંબંધ બાંધવા મદદ મળે છે. જેમ એક બાળક તેના પ્રેમાળ માબાપ સાથે પ્યારથી બંધાયેલું હોય છે, એ જ રીતે આપણે પણ યહોવાહ વિષે અનુભવવું જોઈએ. તે આપણું સાંભળશે જ, એવી શ્રદ્ધાથી તેમને પ્રાર્થના કરવી જોઈએ. રાજા દાઊદે કહ્યું: “હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે.”—ગીતશાસ્ત્ર ૬૫:૨.
ઈસુએ આપણને પરમેશ્વરનું નામ પવિત્ર મનાવવા પ્રાર્થના કરવાનું શીખવ્યું. પરંતુ પરમેશ્વરનું નામ શું છે? બાઇબલ કહે છે: “તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.” (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) શું તમે બાઇબલમાં ‘યહોવાહ’ નામ વાંચ્યું છે?
પરમેશ્વરનું નામ યહોવાહ, બાઇબલના સૌથી જૂના લખાણોમાં લગભગ ૭,૦૦૦ વાર જોવા મળે છે. ઘણા ભાષાંતરકારોએ તેઓના બાઇબલ અનુવાદમાંથી આ નામ કાઢી નાખ્યું છે. તેથી, એ કેટલું મહત્ત્વનું છે કે આપણે સર્જનહારના નામને પવિત્ર મનાવવા વિષે પ્રાર્થના કરીએ. (હઝકીએલ ૩૬:૨૩) આ પ્રાર્થના પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ ત્યારે તેમના નામનો ઉપયોગ કરવો જોઈએ.
પટ્રિશ્યા નામની સ્ત્રી કૅથલિક ધર્મમાં મોટી થઈ હતી. પ્રભુની પ્રાર્થના તો તેને મોઢે હતી. યહોવાહના સાક્ષીઓએ તેને બાઇબલમાંથી પરમેશ્વરનું નામ બતાવ્યું ત્યારે તેને કેવું લાગ્યું? પટ્રિશ્યા કહે છે, “પહેલા તો હું માની જ ન શકી. મેં મારું બાઇબલ ખોલીને જોયું. અરે, એમાં પણ પરમેશ્વરનું નામ આપેલું હતું. પછી સાક્ષીઓએ મને માત્થી ૬:૯, ૧૦ બતાવી. તેઓએ સમજાવ્યું કે પરમેશ્વરનું નામ પ્રભુની પ્રાર્થના સાથે જોડાયેલું છે. એ જાણીને હું બહુ ખુશ થઈ અને તેઓને મેં બાઇબલમાંથી શીખવવા કહ્યું.”
પૃથ્વી પર પરમેશ્વરની ઇચ્છા પૂરી થવી
“તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં થાય છે તેમ અહીં પૃથ્વી પર તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.” (માથ્થી ૬:૧૦, IBSI) પ્રાર્થનાના આ શબ્દો કઈ રીતે પૂરા થશે? ઘણા લોકો સ્વર્ગને એકદમ શાંતિની જગ્યા તરીકે જુએ છે. શાસ્ત્ર સ્વર્ગનું વર્ણન યહોવાહના ‘પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાન’ તરીકે કરે છે. (યશાયાહ ૬૩:૧૫) એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ કે “જેમ સ્વર્ગમાં” તેમ પૃથ્વી પર પણ પરમેશ્વરની ઇચ્છા પૂરી થાઓ. પરંતુ એ કઈ રીતે થશે?
યહોવાહના પ્રબોધક દાનીયેલે ભાખ્યું: “આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.” (દાનીયેલ ૨:૪૪) આ સ્વર્ગની સરકાર આખી પૃથ્વી પર શાંતિ અને સલામતી લાવવા જલદી જ પગલાં ભરશે.—૨ પીતર ૩:૧૩.
પરમેશ્વરનું રાજ્ય આવે અને તેમની ઇચ્છા પૃથ્વી પર પૂરી થાય એવી પ્રાર્થના કરવાથી આપણો વિશ્વાસ ડગમગશે નહિ. પ્રેષિત યોહાને લખ્યું: ‘મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું, કે લખ; કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.’—પ્રકટીકરણ ૨૧:૩-૫.
આપણી જરૂરિયાતો વિષે પ્રાર્થના
પરમેશ્વરનું નામ પવિત્ર મનાય અને તેમની ઇચ્છા પૂરી થાય, એ આપણા જીવનની પહેલી ઇચ્છા હોવી જોઈએ. ઈસુએ પ્રાર્થનામાં એમ જ શીખવ્યું હતું. તેમણે એમ પણ શીખવ્યું કે આપણે પ્રાર્થનામાં યહોવાહને આપણી જરૂરિયાતો વિષે પણ વિનંતી કરી શકીએ.
“દિવસની અમારી રોટલી આજ અમને આપ.” (માત્થી ૬:૧૧) તો શું આપણે ધન-દોલત માટે પ્રાર્થના કરવી જોઈએ? બિલકુલ નહિ! અહીં ઈસુ આપણને ‘દિવસની રોટલી રોજ રોજ આપવા’ માટે પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપે છે. (લુક ૧૧:૩) એના સુમેળમાં, આપણે પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરી શકીએ કે પરમેશ્વર આપણી જરૂરિયાતો પૂરી પાડશે. એ માટે આપણે પ્રેમથી તેમની બધી આજ્ઞાઓ પણ પાળીશું.
પૈસાની તંગી વિષે વધારે પડતી ચિંતા કરીશું તો, આપણે પરમેશ્વરની સેવામાં ઢીલા પડી શકીએ છીએ. પણ જો આપણે જીવનમાં યહોવાહની ભક્તિને પ્રથમ રાખીશું તો, આપણી જીવન જરૂરિયાતની પ્રાર્થના તે ચોક્કસ સાંભળશે. ઈસુએ કહ્યું: “તમે પહેલાં [પરમેશ્વરના] રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” (માત્થી ૬:૨૬-૩૩) જોકે, આપણે સર્વ પાપી છીએ અને આપણને માફીની જરૂર હોવાથી પરમેશ્વરના ન્યાયીપણાને પ્રથમ શોધવું એ કંઈ સહેલી વાત નથી. (રૂમી ૫:૧૨) પ્રભુની પ્રાર્થનામાં માફી માંગવાનો પણ સમાવેશ થાય છે.
આપણી પ્રાર્થનાઓ અને માફી
“અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર.” (માત્થી ૬:૧૨) લુકના પુસ્તકમાં આ જ પ્રાર્થના ‘ઋણોનો’ ઉલ્લેખ “પાપ” તરીકે કરે છે. (લુક ૧૧:૪) શું યહોવાહ ખરેખર આપણાં પાપ માફ કરશે?
પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદે બહુ ગંભીર પાપ કર્યાં હતાં. તોપણ તેમણે પસ્તાવો કર્યો અને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરી: “હે પ્રભુ, તું ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છે, તને અરજ કરનાર સર્વ પર તું ઘણો કૃપાળુ છે.” (ગીતશાસ્ત્ર ૮૬:૫) ખરેખર, આ શબ્દોથી દિલને કેવો દિલાસો મળે છે! આપણે પાપોનો પસ્તાવો કરીને ઈશ્વર તરફ ફરીએ છીએ ત્યારે, તે આપણને “ક્ષમા કરવા તત્પર” હોય છે. આપણા સર્વ પાપોને તે પૂરેપૂરા માફ કરી શકે છે.
ઈસુએ કહ્યું કે પરમેશ્વર આપણને માફ કરે એ માટે આપણે પણ કંઈક કરવાની જરૂર છે. પરમેશ્વરની માફી મેળવવા માટે આપણે પણ બીજાઓને માફ કરવા જોઈએ. (માત્થી ૬:૧૪, ૧૫) અયૂબ સાથે તેના ત્રણ મિત્રોએ સારો વ્યવહાર કર્યો ન હતો. તેમ છતાં, અયૂબે તેઓને માફ કર્યા અને તેઓ માટે પ્રાર્થના પણ કરી. (અયૂબ ૪૨:૧૦) આજે કોઈ એવું કંઈ કરે કે વર્તે જેનાથી આપણને દુઃખ થાય. પણ આપણે એ મનમાં ભરી રાખવાને બદલે તેમને દિલથી માફ કરી દેવા જોઈએ. એમ કરવાથી પરમેશ્વર આપણાથી ખુશ થશે અને આપણે તેમની દયા અનુભવીશું.
પરમેશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે એ જાણીને આપણે તેમને જે પસંદ છે એ કરવા પ્રેરાવું જોઈએ. આપણે અપૂર્ણ હોવા છતાં તેમને પ્રસન્ન કરી શકીએ છીએ. (માત્થી ૨૬:૪૧) ઈસુએ પ્રભુની પ્રાર્થનામાં બતાવ્યું તેમ, આ બાબતે પણ યહોવાહ આપણને મદદ કરી શકે છે.
સારું કરવા મદદ
“અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર.” (માત્થી ૬:૧૩) યહોવાહ આપણને પાપમાં ન પડવા અથવા લાલચોનો સામનો કરવા માટે મદદ કરે છે. તે કહે છે: “દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી.” (યાકૂબ ૧:૧૩) યહોવાહ આપણા પર દુઃખો જરૂર આવવા દે છે. પરંતુ, તે આપણને લાલચમાં કે દુઃખોમાં નાખનાર ‘ભૂંડા’ શેતાનથી છોડાવી શકે છે.
પ્રેષિત પીતરે ખ્રિસ્તીઓને વિનંતી કરી: “સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીતર ૫:૮) અરે, શેતાને તો ઈસુ ખ્રિસ્તને પણ લલચાવવાની કોશિશ કરી હતી! એ પાછળ તેનો શું ઇરાદો હતો? એ જ કે ઈસુ યહોવાહને બદલે તેની ભક્તિ કરે. (માત્થી ૪:૧-૧૧) આજે પણ શેતાનનો ઇરાદો એ જ છે.
આજે આખું જગત શેતાનના હાથમાં છે. યહોવાહ ધિક્કારે છે એવા કામ કરવા શેતાન આપણને લલચાવે છે. (૧ યોહાન ૫:૧૯) ચાલો આપણે કાયમ યહોવાહનું માર્ગદર્શન શોધીએ. એમાંય કોઈ લાલચનો સામનો કરતા હોઈએ ત્યારે યહોવાહની મદદ માંગવી ખૂબ જરૂરી છે. આપણે બાઇબલ પ્રમાણે ચાલીને યહોવાહની ભક્તિ કરીશું તો, તે આપણને શેતાનનો સામનો કરવા અને તેની હાથમાંથી છોડાવવા જરૂર મદદ કરશે. બાઇબલ કહે છે: “દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ.”—૧ કોરીંથી ૧૦:૧૩.
પરમેશ્વરમાં વિશ્વાસ હોવો જરૂરી છે
આપણા પ્રેમાળ પિતા, યહોવાહ આપણા સૌનું ભલું જ ચાહે છે! અરે, તેમણે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પ્રાર્થના કરવાનું પણ શીખવ્યું છે. તો પછી, શું આપણે યહોવાહને પ્રસન્ન કરવા પ્રેરાવું ન જોઈએ? જરૂર. પણ આપણે કઈ રીતે યહોવાહને પ્રસન્ન કરી શકીએ?
બાઇબલ જણાવે છે: “વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી; કેમ કે દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.” (હેબ્રી ૧૧:૬) આવો વિશ્વાસ કઈ રીતે કેળવી શકીએ? એ વિષે પણ બાઇબલ કહે છે, “સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે.” (રૂમી ૧૦:૧૭) જેઓ વિશ્વાસથી યહોવાહની ભક્તિ કરવા ચાહે છે, તેઓ સર્વને યહોવાહના સાક્ષીઓ ખુશી ખુશી બાઇબલમાંથી મદદ કરે છે.
પ્રભુની પ્રાર્થના વિષે આટલું જાણ્યા પછી અમે આશા રાખીએ છીએ કે, તમે યહોવાહની ભક્તિ કરવા વધારે પ્રેરાશો. તમે યહોવાહને ‘ખંતથી શોધીને,’ તેમના આશીર્વાદો વિષે વધારે જ્ઞાન લઈને તેમનામાં તમારો વિશ્વાસ દૃઢ કરી શકો. તમે યહોવાહ અને તેમના હેતુઓ વિષે વધારે શીખો તેમ, અમારી પ્રાર્થના છે કે તમે સદા માટે તેમની સાથે ગાઢ સંબંધનો આનંદ માણો.—યોહાન ૧૭:૩.
[પાન ૫ પર બ્લર્બ]
“ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપ. અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર.”—માત્થી ૬:૯-૧૩
[પાન ૭ પર ચિત્ર]
યહોવાહને દિલથી ચાહનારા સર્વની જરૂરિયાતો તે પૂરી પાડે છે
[પાન ૭ પર ચિત્ર]
શેતાનનો સામનો કરવા પણ પરમેશ્વર મદદ કરે છે
[પાન ૭ પર ચિત્ર]
બીજાઓ આપણને દુઃખ પહોંચાડે ત્યારે, આપણે અયૂબની જેમ તેઓને માફ કરીશું તો, યહોવાહની દયા પામીશું