આજના સમયમાં પ્રાચીન સલાહ
ચિંતા ના કરો
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘તમારા જીવનની ચિંતા ન કરો.’—માથ્થી ૬:૨૫.
એનો શું અર્થ થાય? ઈસુએ પહાડ પરના ઉપદેશમાં એ શબ્દો કહ્યા હતા. બાઇબલના એક શબ્દકોશ પ્રમાણે “ચિંતા” માટેના ગ્રીક ક્રિયાપદનો આ અર્થ થઈ શકે: ‘વ્યક્તિ પર રોજબરોજના જીવનમાં ગરીબી, ખોરાકની અછત કે બીજી મુશ્કેલીઓ આવી પડે છે ત્યારે, તેને થતી લાગણી.’ ભાવિમાં શું બનશે એ વિશે વિચાર્યા કરવું, એને પણ ચિંતા કહેવાય. પોતાની જરૂરિયાતો વિશે અને પોતાના કુટુંબીજનોની કાળજી રાખવા વિશે ચિંતા કરવી સ્વાભાવિક છે. (ફિલિપી ૨:૨૦) પણ, “ચિંતા ન કરો” એમ કહીને ઈસુ તેમના શિષ્યોને સલાહ આપી રહ્યા હતા કે, તેઓ વધારે પડતી ચિંતા ન કરે. કેમ કે, કાલે શું થશે એની ચિંતામાં ડૂબી જવાથી હાલની ખુશીઓ છીનવાઈ શકે છે.—માથ્થી ૬:૩૧, ૩૪.
શું એ સલાહ આજે ઉપયોગી છે? ઈસુની સલાહ પાળીને આપણે સમજદારી બતાવીએ છીએ. શા માટે? એનું કારણ આપતાં અમુક પુસ્તકો સૂચવે છે કે, વધારે પડતી ચિંતા કરવાથી ચેતાતંત્ર સતત કામ કર્યા કરે છે. એના લીધે ‘તંદુરસ્તી બગડી શકે, ચાંદાં પડી શકે, હૃદયરોગ અને અસ્થમા જેવી બીમારી થઈ શકે છે.’
ઈસુએ આપણને વધારે પડતી ચિંતા ન કરવાનું એક સરસ કારણ આપ્યું: ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. તેમણે પૂછ્યું હતું: ‘ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના આયુષ્યને એક હાથભર લંબાવી શકે છે?’ (માથ્થી ૬:૨૭) ચિંતામાં ડૂબેલા રહેવાથી આપણે જીવનને સહેજ પણ લંબાવી શકતા નથી. અરે, એનાથી તો આપણી તબિયત પર ખરાબ અસર પડે છે. હકીકતમાં, આપણને જેનો ડર હોય એવું કદાચ બને પણ નહિ. એક નિષ્ણાત એ વિશે આમ કહે છે: ‘ભાવિ વિશે ચિંતા કરવી નકામી છે. કારણ કે, આપણે ભાવિને જેટલું ખરાબ ધારીએ છીએ મોટા ભાગે એ એટલું ખરાબ હોતું નથી.’
આપણે કઈ રીતે ચિંતા કરવાનું ટાળી શકીએ? પહેલી રીત, ઈશ્વર પર ભરોસો રાખો. ઈશ્વર ફૂલોને સુંદર રંગોથી સજાવે છે અને પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે. તો જેઓ તેમની ભક્તિને પોતાના જીવનમાં પ્રથમ રાખે છે, તેઓની જરૂરિયાતો શું તે પૂરી નહિ પાડે? (માથ્થી ૬:૨૫, ૨૬, ૨૮-૩૦) બીજી, ફક્ત આજની જ ચિંતા કરો. ઈસુએ કહ્યું હતું, “આવતી કાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.” શું તમે આ વિચાર સાથે સહમત નહિ થાઓ કે, “દહાડાને માટે તે દહાડાનું દુઃખ બસ છે”?—માથ્થી ૬:૩૪.
ઈસુની સલાહ પાળીને આપણે પોતાના શરીરને નુકસાન થવાથી બચાવી શકીએ છીએ. ઉપરાંત, આપણને મનની શાંતિ મળે છે, જેને બાઇબલ “ઈશ્વરની શાંતિ” કહે છે.—ફિલિપી ૪:૬, ૭. (wp16-E No. 1)