સોનેરી નિયમને પ્રચારકાર્યમાં લાગુ પાડીએ
“જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માથ. ૭:૧૨.
૧. આપણે પ્રચારમાં લોકો સાથે જે રીતે વર્તીએ છીએ એનાથી, શું કોઈ ફરક પડે છે? અનુભવ જણાવો. (શરૂઆતનું ચિત્ર જુઓ.)
અમુક વર્ષો પહેલાં ફિજીનું એક સાક્ષી યુગલ લોકોને ઈસુના સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપી રહ્યું હતું. એ ઝુંબેશ દરમિયાન તેઓ એક સ્ત્રી જોડે તેના ઘરની બહાર વાત કરી રહ્યાં હતાં એટલામાં વરસાદ શરૂ થયો. આપણા ભાઈએ એક છત્રી તે સ્ત્રીને આપી અને તેમણે પત્ની સાથે બીજી છત્રીમાં સહારો લીધો. સ્મરણપ્રસંગની સાંજે તે સ્ત્રીને સભામાં જોઈને એ યુગલ ખૂબ ખુશ થયું. એ સ્ત્રીએ પછીથી જણાવ્યું કે યુગલે કહેલી વાત તેને ખાસ કંઈ યાદ રહી નહિ. પરંતુ, તેઓ તેની સાથે જે રીતે વર્ત્યાં એ તેના દિલને એટલું સ્પર્શી ગયું કે તેને સભામાં આવવું પડ્યું. એ યુગલે પ્રચારમાં સોનેરી નિયમ લાગુ પાડ્યો માટે તેઓને સારું પરિણામ મળ્યું.
૨. સોનેરી નિયમ શું છે અને એને લાગુ પાડવા, શું કરવું જોઈએ?
૨ સોનેરી નિયમ શું છે? એ તો ઈસુએ આપેલી આ સલાહ છે: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માથ. ૭:૧૨) આપણે એ નિયમ લાગુ પાડવા શું કરી શકીએ? એ માટે આપણે બે બાબતો કરવી જોઈએ. પહેલી કે, આપણે આનો વિચાર કરવો જોઈએ: “જો હું સામેની વ્યક્તિની જગ્યાએ હોત, તો મારા પ્રત્યે બીજાઓનાં કેવાં વર્તનની ઇચ્છા રાખત?” બીજી કે, બને ત્યાં સુધી આપણે સામેની વ્યક્તિ જોડે એવું જ વર્તન કરવું જોઈએ.—૧ કોરીં. ૧૦:૨૪.
૩, ૪. (ક) સમજાવો કે શા માટે સોનેરી નિયમ ફક્ત ભાઈ-બહેનો સાથેના વર્તન પૂરતો જ નથી. (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ મોટા ભાગે આપણે ભાઈ-બહેનો સાથે સોનેરી નિયમ પ્રમાણે વર્તીએ છીએ. પરંતુ, શું ઈસુએ એ નિયમ ફક્ત ભાઈ-બહેનો પૂરતો જ આપ્યો હતો? ના. તે તો જણાવી રહ્યા હતા કે બીજા લોકો સાથે આપણું વર્તન કેવું હોવું જોઈએ. એમાં આપણા વિરોધીઓ સાથેના વર્તનનો પણ સમાવેશ થાય છે. (લુક ૬:૨૭, ૨૮, ૩૧, ૩૫ વાંચો.) તેથી, બહુ જરૂરી છે કે આપણે પ્રચારમાં મળતા લોકો સાથે પણ એ નિયમ પ્રમાણે વર્તીએ. શા માટે? કારણ કે, તેઓમાંના ઘણા કદાચ ખુશખબરને સ્વીકારે “અને અનંતજીવન” પામે.—પ્રે.કૃ. ૧૩:૪૮.
૪ હવે આપણે આ ચાર સવાલોની ચર્ચા કરીશું, જેને પ્રચાર કરતી વખતે ધ્યાનમાં રાખી શકાય: “હું કોની સાથે વાત કરી રહ્યો છું? હું તેની સાથે ક્યાં વાત કરી રહ્યો છું? તેની સાથે ક્યારે વાત કરવી જોઈએ? તેની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ?” એ સવાલોની ચર્ચા કરવાથી આપણને સમજવા મદદ મળશે કે વ્યક્તિને કેવું વર્તન ગમે છે. અને એ જાણ્યા પછી આપણે પારખી શકીશું કે તેની સાથે વાત કરવાની સૌથી સારી રીત કઈ છે.—૧ કોરીં. ૯:૧૯-૨૩.
હું કોની સાથે વાત કરી રહ્યો છું?
૫. આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?
૫ પ્રચારમાં આપણે બધી વ્યક્તિઓને એક જ જેવી ગણી લઈએ નહિ. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક વ્યક્તિનાં ઉછેર અને મુશ્કેલીઓ જુદાં જુદાં હોય છે. (૨ કાળ. ૬:૨૯) કોઈને સંદેશો જણાવતા પહેલાં વિચાર કરો કે, “જો હું એ વ્યક્તિની જગ્યાએ હોત તો સામેની વ્યક્તિ પાસેથી કેવા વલણની ઇચ્છા રાખત? શું મને ગમશે કે કોઈ મારી આસપાસના વિસ્તારને આધારે મારા વિશે કોઈ ધારણા કરી લે? કે પછી, હું ઇચ્છીશ કે તે મને જાણ્યા પછી મારા વિશે કોઈ મંતવ્ય બનાવે?” એ સવાલો આપણને સોનેરી નિયમ પાળવા મદદ કરશે.
૬, ૭. પ્રચારમાં કોઈ વ્યક્તિ આપણી સાથે ગુસ્સાથી કે કઠોર રીતે વર્તે ત્યારે શું કરવું જોઈએ?
૬ દરેક ઈશ્વરભક્ત બાઇબલની આ સલાહ લાગુ પાડવા બનતું બધું કરે છે: ‘તમારું બોલવું હંમેશાં કૃપાળુ હોય.’ (કોલો. ૪:૬) પરંતુ, આપણે અપૂર્ણ હોવાથી અને કદાચ દિવસ ખરાબ ગયો હોવાથી, એવી વાત કહી બેસીએ જેના લીધે પછી પસ્તાવો થાય. (યાકૂ. ૩:૨) એવાં કિસ્સામાં આપણે ઇચ્છીએ છીએ કે સામેની વ્યક્તિ સમજે કે આપણે કાયમ એવું કરતાં નથી. આપણે એવું ક્યારેય નહિ ચાહીએ કે તે આપણને ગુસ્સાવાળી કે કઠોર વ્યક્તિ સમજી લે. આપણે આશા રાખીએ છીએ કે બીજાઓ આપણને સમજે. તેથી, શું આપણે પણ બીજાઓને સમજવું ન જોઈએ?
૭ માની લો કે, પ્રચારમાં કોઈ વ્યક્તિ તમારી સાથે ગુસ્સાથી અથવા કઠોર રીતે વર્તે છે. શું તમે સમજવાનો પ્રયત્ન નહિ કરો કે તે શા માટે એ રીતે વર્તે છે? બની શકે કે, સ્કૂલમાં અથવા કામની જગ્યાએ તે તણાવનો સામનો કરતી હોય. કે પછી, તે બીમાર હોય શકે. ભાઈ-બહેનો એવી વ્યક્તિઓ સાથે પણ નમ્રતા અને માનથી વર્તે છે. એમ કરવાથી ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે તે વ્યક્તિ બીજી કોઈ વાર સાક્ષીઓને મળે ત્યારે, સંદેશો સાંભળવા તૈયાર થાય છે.—નીતિ. ૧૫:૧; ૧ પીત. ૩:૧૫.
૮. ‘સર્વ પ્રકારના લોકોʼને આપણે શા માટે ખુશખબર જણાવવાથી અચકાતા નથી?
૮ આપણે દરેક પ્રકારની વ્યક્તિઓને ખુશખબર જણાવીએ છીએ. પાછલાં કેટલાક વર્ષોમાં, ચોકીબુરજની શૃંખલા “બાઇબલ જીવન સુધારે છે”માં ૬૦ જેટલા અનુભવો જોવા મળે છે. એ લેખોમાં એવા અમુક લોકોના અનુભવો છે, જેઓ પહેલાં ચોર, દારૂડિયા, ડ્રગ્સના બંધાણી અથવા ગુંડાઓ હતા. કેટલાક રાજકીય નેતા કે ધર્મગુરુ હતા. તો બીજા અમુક, અસંસ્કારી જીવન જીવતા કે પછી નામ કમાવવામાં ડૂબેલા રહેતા. છતાં, એ બધાએ સંદેશો સાંભળ્યો, બાઇબલ અભ્યાસ કર્યો, પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા અને સત્યમાં આવ્યા. તેથી, આપણે ક્યારેય એવું પહેલેથી ધારી ન લઈએ કે અમુક વ્યક્તિ ખુશખબર સાંભળશે જ નહિ. (૧ કોરીંથી ૬:૯-૧૧ વાંચો.) એના બદલે, આપણે જાણીએ છીએ કે ‘સર્વ પ્રકારના લોકો’ ખુશખબરનો સ્વીકાર કરી શકે છે.—૧ કોરીં. ૯:૨૨.
હું તેની સાથે ક્યાં વાત કરી રહ્યો છું?
૯. આપણે શા માટે લોકોનાં ઘર પ્રત્યે માન બતાવવું જોઈએ?
૯ પ્રચારકાર્યમાં આપણે મોટા ભાગે લોકોના ઘરે જઈને તેઓ સાથે વાત કરીએ છીએ. (માથ. ૧૦:૧૧-૧૩) જરા વિચારો કે, ઘર આપણા માટે કેટલું મહત્ત્વનું હોય છે! કારણ કે, ઘરમાં આપણને સલામતી મળે છે અને અંગત જીવનમાં કોઈની દખલગીરી હોતી નથી. તેથી, બીજાઓ આપણાં ઘર અને સાધન-સામગ્રી પ્રત્યે માન બતાવે છે ત્યારે આપણને ગમે છે. એવી જ રીતે આપણે પણ પ્રચારકાર્યમાં લોકોનાં ઘર અને સાધન-સામગ્રી પ્રત્યે માન બતાવીએ.—પ્રે.કૃ. ૫:૪૨.
૧૦. ઘરમાલિક નારાજ ન થાય માટે આપણે શું કરી શકીએ?
૧૦ આપણે ગુનાથી ભરેલી દુનિયામાં જીવી રહ્યા છીએ. તેથી, ખુશખબર જણાવતી વખતે આપણને ઘણા લોકો અજાણી વ્યક્તિ ગણીને શંકાની નજરે જુએ છે. (૨ તીમો. ૩:૧-૫) એટલે આપણે એવું કંઈ ન કરીએ જેનાથી તેઓની શંકામાં વધારો થાય. દાખલા તરીકે, બારણું ખખડાવીએ અને કોઈ ન આવે ત્યારે આપણને કદાચ બારીમાંથી ડોકિયું કરવાનું અથવા ઘરના પાછલા દરવાજે જવાનું મન થાય. પણ વિચાર કરો કે જો ઘરમાલિક તમને એમ કરતા જુએ તો શું તેને ગમશે? પડોશીઓ શું વિચારશે? ખરું કે, આપણે દરેકને સંદેશો આપવા માંગીએ છીએ. (પ્રે.કૃ. ૧૦:૪૨) આપણે સારા ઇરાદાથી તેઓને ખુશખબર આપવા માંગીએ છીએ. (રોમ. ૧:૧૪, ૧૫) તેમ છતાં, આપણે નથી ઇચ્છતા કે આપણા વિસ્તારમાં કોઈને નારાજ કરીએ. પ્રેરિત પાઊલે લખ્યું: “અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી.” (૨ કોરીં. ૬:૩) આપણે લોકોનાં ઘર અને સાધન-સામગ્રી પ્રત્યે માન બતાવીશું તો, લોકોને આપણો સંદેશો સાંભળવો ગમશે.—૧ પીતર ૨:૧૨ વાંચો.
તેની સાથે ક્યારે વાત કરવી જોઈએ?
૧૧. આપણે કેમ ચાહીએ છીએ કે બીજાઓ આપણા સમયની કદર કરે?
૧૧ ઈશ્વરભક્તો તરીકે આપણું જીવન ઘણું વ્યસ્ત છે. આપણી જવાબદારીઓ પૂરી કરવા આપણે અગાઉથી નક્કી કરીએ છીએ કે કયું કામ ક્યારે કરીશું. (એફે. ૫:૧૬; ફિલિ. ૧:૧૦) અણધાર્યા સંજોગોને કારણે, નક્કી કરેલાં કામ નથી કરી શકતા ત્યારે હતાશ થઈ જવાય છે. આપણે ઇચ્છીએ છીએ કે બીજાઓ આપણા સમયની કદર કરે અને વધુ પડતો સમય ન લે. હવે એ ધ્યાનમાં રાખતા, શું પ્રચારમાં આપણે સોનેરી નિયમ લાગુ પાડીને બીજાઓના સમયની કદર કરીએ છીએ?
૧૨. આપણે કઈ રીતે પારખી શકીએ કે લોકોને મળવાનો કયો સમય સૌથી સારો રહેશે?
૧૨ આપણે પારખવું જોઈએ કે ઘરમાલિકને મળવાનો કયો સમય સૌથી સારો રહેશે. આપણા પ્રચાર વિસ્તારમાં લોકો ક્યારે ઘરે મળે છે? સંદેશો સાંભળવા કયો સમય તેઓ માટે સહેલો રહેશે? એ બધી બાબતો ધ્યાનમાં રાખીને જો આપણે પ્રચારકાર્યનો સમય નક્કી કરીશું તો ઘણું સારું રહેશે. દુનિયાના અમુક વિસ્તારોમાં, મોડી બપોરે અથવા વહેલી સાંજે ઘર-ઘરના પ્રચારમાં જવાથી સારાં પરિણામ મળે છે. જો તમારા વિસ્તારમાં પણ એમ હોય તો, એ સમયે ઘર-ઘરના પ્રચારમાં જવા, શું તમે બનતું કરી શકો? (૧ કોરીંથી ૧૦:૨૪ વાંચો.) એમ કરવા જો આપણે કંઈક જતું કરીશું, તો ખાતરી રાખી શકીએ કે યહોવા એ બદલ ચોક્કસ આશીર્વાદ આપશે.
૧૩. ઘરમાલિકને માન આપવા આપણે બીજું શું કરી શકીએ?
૧૩ ઘરમાલિકને માન આપવા આપણે બીજું શું કરી શકીએ? રસ બતાવનાર વ્યક્તિ મળે ત્યારે તેને સારી સાક્ષી આપીએ. પરંતુ, એનો અર્થ એમ નથી કે તેનો ઘણો સમય લઈ લઈએ. કારણ કે, તેને કદાચ બીજાં મહત્ત્વનાં કામ પણ હોય શકે. જો તે કહે કે તેને બીજાં કામ પણ છે, તો આપણે ખાતરી આપીએ કે થોડોક જ સમય લઈશું અને પછી એ પ્રમાણે કરીએ. (માથ. ૫:૩૭) વાતચીતના અંતે સારું રહેશે કે, આપણે તેને ફરી મળવાનો સમય પૂછી લઈએ. અમુક ભાઈ-બહેનોને આવું કંઈક કહેવાથી ફાયદો થયો છે: “મને તમને ફરી મળવું ગમશે. શું હું ફરી આવું એ પહેલાં તમને મૅસેજ કે ફોનથી જણાવું?” લોકોના સમયને ધ્યાનમાં રાખીને પોતાનાં કામોમાં ફેરગોઠવણ કરીએ છીએ ત્યારે, પાઊલના દાખલાને અનુસરીએ છીએ. ‘લોકો તારણ પામે માટે તેમણે પોતાનું નહિ, પણ તેઓનું હિત જોયું.’—૧ કોરીં. ૧૦:૩૩.
તેની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ?
૧૪-૧૬. (ક) ઘરમાલિકને શા માટે આપણા આવવાનો હેતુ પહેલાથી જણાવવો જોઈએ? દાખલો આપો. (ખ) એક પ્રવાસી નિરીક્ષકને કઈ રજૂઆતથી ફાયદો થયો?
૧૪ એક દૃશ્યની કલ્પના કરો. તમને એક ફોન આવે છે અને તે વ્યક્તિ પૂછે કે, “ખાવામાં તમને શું ભાવે છે?” તમને થશે કે, “આ વ્યક્તિ કોણ છે અને ખરેખર શું ચાહે છે?” તેથી, તમે વાત કરતા અચકાશો. પરંતુ, તેને તોડી ન પાડવા કદાચ થોડી ઘણી વાત કરશો અને ફોન કટ કરવાનો સંકેત આપશો. હવે, બીજા દૃશ્યની કલ્પના કરો. કોઈ ફોન કરીને તમને પહેલા પોતાની ઓળખ આપે છે. તેમ જ, કહે કે તેનું કામ બધાને ફોન કરીને એ માહિતી આપવાનું છે કે તંદુરસ્ત રહેવા કેવો ખોરાક લેવો. એ માહિતી તમારા ભલા માટે છે, એવું સાંભળ્યા પછી હવે તમે તેની વાત પર ધ્યાન આપશો. સ્વાભાવિક છે કે, પોતાની ઓળખ છુપાવે નહિ એવી વ્યક્તિ સાથે વાત કરવી ગમે. એવી જ રીતે, પ્રચારમાં મળતી વ્યક્તિઓને માન બતાવવા, આપણે શું કરી શકીએ?
૧૫ ઘણા વિસ્તારોમાં ઘરમાલિકને આપણા આવવાનો હેતુ સાફ જણાવવો પડે. ખરું કે, આપણે ઘરમાલિક માટે મહત્ત્વનો સંદેશો લાવ્યા છીએ. પરંતુ, જરા વિચારો કે આવવાનો હેતુ જણાવ્યા વગર સીધો આ સવાલ પૂછીએ કે, “જો તમારી પાસે શક્તિ હોય તો તમે દુનિયામાંથી કઈ મુશ્કેલીને દૂર કરવા માંગશો?” તો તેને કેવું લાગશે. ખરું કે, એવા સવાલો પૂછવાનો આપણો હેતુ, તેના વિચારો જાણવાનો અને પછી બાઇબલમાંથી તેને મદદ આપવાનો છે. પરંતુ, ઘરમાલિકને કદાચ થશે: “આ અજાણી વ્યક્તિ કોણ છે અને મને કેમ આવો સવાલ પૂછે છે? આ બધું શું ચાલી રહ્યું છે?” જ્યારે કે, આપણે તો ચાહીએ છીએ કે વ્યક્તિને આપણી સાથે વાત કરવાનું ગમે. (ફિલિ. ૨:૩, ૪) એ માટે આપણે શું કરી શકીએ?
૧૬ એક પ્રવાસી નિરીક્ષકને આ રીતે રજૂઆત કરવાથી ફાયદો થયો છે. ઘરમાલિકને “કેમ છો?” કહ્યા પછી તે સાચો માર્ગ કયો છે? પત્રિકા આપે છે. એ પછી તે કહે છે, “આજે, અમે દરેકને આ પત્રિકા આપીએ છીએ. ઘણા લોકોને થતાં છ સવાલોની એમાં ચર્ચા કરવામાં આવી છે. આ તમારા માટે છે.” ભાઈ જણાવે છે કે આવવાનો હેતુ પહેલા જ જણાવી દેવાથી લોકો સારી રીતે સાંભળે છે. પછી, ભાઈ એ પત્રિકા તરફ ધ્યાન દોરતા પૂછે છે, ‘આ છ સવાલોમાંથી તમને કયો સવાલ થયો છે?’ ઘરમાલિક જે સવાલ પસંદ કરે એના પર ભાઈ બાઇબલમાંથી ચર્ચા કરે છે. જો ઘરમાલિક અચકાતો હોય તો ભાઈ જાતે જ સવાલ પસંદ કરીને ચર્ચા ચાલુ રાખે છે. એમાં કોઈ શંકા નથી કે વાતચીત શરૂ કરવાના બીજા પણ ઘણા રસ્તા છે. કેટલાક વિસ્તારોમાં રજૂઆત શરૂ કરતા પહેલા “કેમ છો?” કહ્યાં ઉપરાંત કંઈક વધારે વાતચીત કરવી પડે. તેથી સારું રહેશે કે વિસ્તારના લોકો પ્રમાણે આપણી રજૂઆતમાં ફેરફાર કરીએ.
પ્રચારકાર્યમાં સોનેરી નિયમ પાળતા રહીએ
૧૭. લેખમાં જોઈ ગયા એમ સોનેરી નિયમ પાળવાની અમુક રીતો કઈ છે?
૧૭ પ્રચારમાં સોનેરી નિયમ પાળવાની આપણે કઈ અમુક રીતો જોઈ ગયા? આપણે બધી વ્યક્તિઓને એક જ જેવી ગણી ન લઈએ. લોકોનાં ઘર અને સાધન-સામગ્રી પ્રત્યે માન બતાવીએ. એવા સમયે જઈએ જ્યારે લોકો ઘરે મળે અને તેઓને સંદેશો સાંભળવો સહેલો પડે. વિસ્તારના લોકો પ્રમાણે આપણી રજૂઆતમાં ફેરફાર કરીએ.
૧૮. પ્રચારમાં મળતા લોકો સાથે સોનેરી નિયમ પ્રમાણે વર્તવાથી કેવા ફાયદા થાય છે?
૧૮ પ્રચારમાં મળતા લોકો સાથે એવું વર્તન રાખીએ જેવું આપણે સામેની વ્યક્તિ પાસેથી ઇચ્છીએ છીએ. એમ કરવાથી ઘણા ફાયદા થાય છે. દયાળુ અને બીજાઓનો વિચાર કરનારા બનીએ છીએ ત્યારે, આપણું અજવાળું તેઓ પર પ્રકાશવા દઈએ છીએ. એમ કરીને આપણે બાઇબલ સિદ્ધાંતો પાળીએ છીએ અને ઈશ્વરપિતાને મહિમા આપીએ છીએ. (માથ. ૫:૧૬) લોકોને આપણે માન આપીએ છીએ ત્યારે તેઓમાંના ઘણા આપણી પાસેથી સત્ય શીખવા તૈયાર થાય છે. (૧ તીમો. ૪:૧૬) રાજ્યનો સંદેશો લોકો ભલે સ્વીકારે કે ન સ્વીકારે, પણ આપણને એક વાતનો સંતોષ છે કે પ્રચારકાર્યમાં બનતું બધું કરીએ છીએ. (૨ તીમો. ૪:૫) આપણે પ્રેરિત પાઊલને અનુસરીએ, જેમણે લખ્યું: ‘સુવાર્તા માટે હું સર્વ કરું છું, જેથી મારું સાંભળનારાઓને એમાં સહભાગી કરી શકું.’ (૧ કોરીં. ૯:૨૩) ચાલો, આપણે પ્રચારમાં હંમેશાં સોનેરી નિયમ પાળતા રહીએ.