પ્રકરણ ૨૭
ઈસુ માથ્થીને આમંત્રણ આપે છે
માથ્થી ૯:૯-૧૩ માર્ક ૨:૧૩-૧૭ લુક ૫:૨૭-૩૨
કર ઉઘરાવનાર માથ્થીને ઈસુ બોલાવે છે
પાપીઓને મદદ કરવા ખ્રિસ્ત તેઓ સાથે ભેગા મળે છે
લકવો થયેલા માણસને સાજો કર્યા પછી, ઈસુ થોડો સમય ગાલીલ સરોવર પાસે કાપરનાહુમના વિસ્તારમાં રહ્યા. લોકોનાં ટોળાં ફરી તેમની પાસે આવ્યાં અને તે તેઓને શીખવવા લાગ્યા. પછી, રસ્તામાં આગળ જતાં તેમણે માથ્થીને કર ભરવાની કચેરીમાં બેઠેલા જોયા. માથ્થીને લેવી પણ કહેવામાં આવતા. ઈસુએ તેમને એક અજોડ આમંત્રણ આપ્યું: “મારો શિષ્ય થા.”—માથ્થી ૯:૯.
એવું લાગે છે કે પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાનની જેમ, માથ્થી પણ ઈસુના શિક્ષણ વિશે અને એ વિસ્તારમાં કરેલાં કામો વિશે થોડુંઘણું જાણતા હતા. તેઓની જેમ, માથ્થી તરત જ ઈસુની પાછળ ચાલ્યા. માથ્થીએ ખુશખબરના પુસ્તકમાં આમ લખ્યું: “ત્યારે તે [માથ્થી પોતે] ઊભો થયો અને તેમની [ઈસુની] પાછળ ગયો.” (માથ્થી ૯:૯) માથ્થીએ કર ઉઘરાવવાનું કામ છોડી દીધું અને ઈસુના શિષ્ય બની ગયા.
એના થોડા સમય પછી, કદાચ આ ખાસ આમંત્રણની કદર બતાવવા, માથ્થીએ પોતાના ઘરે એક મોટી મિજબાની રાખી. ઈસુ અને તેમના શિષ્યોની સાથે બીજા કોને કોને બોલાવવામાં આવ્યા હતા? માથ્થીના અગાઉના અમુક સાથીઓને અને કર ઉઘરાવનારા બીજાઓને. તેઓ રોમન અધિકારીઓ માટે કર ઉઘરાવતા, જેઓને લોકો ધિક્કારતા. એમાં બંદરે આવતાં વહાણો પર, મુખ્ય રસ્તાઓ પરથી આવતા સામાનના કાફલા પર અને પરદેશથી આવતા માલસામાન પર કરવેરાનો સમાવેશ થતો. યહુદીઓને કર ઉઘરાવનારાઓ કેવા લાગતા? લોકો તેઓને ધિક્કારતા, કેમ કે તેઓ ઘણી વાર બેઇમાનીથી કરવેરા કરતાં વધારે પૈસા માંગતા. એ મિજબાનીમાં ‘પાપીઓ’ પણ હતા, જેઓ ખરાબ કામો કરનાર તરીકે જાણીતા હતા.—લુક ૭:૩૭-૩૯.
ઈસુને એવા લોકો સાથે મિજબાની માણતા જોઈને, પોતાને નેક ગણતા ફરોશીઓએ શિષ્યોને પૂછ્યું: “તમારા ગુરુ કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાય છે?” (માથ્થી ૯:૧૧) તેઓના શબ્દો કાને પડતા ઈસુએ જવાબ આપ્યો: “વૈદની જરૂર સાજા લોકોને નથી હોતી, પણ જેઓ માંદા છે તેઓને હોય છે. એટલે જાઓ અને આ વાતનો અર્થ જાણો: ‘હું દયા ઇચ્છું છું, બલિદાન નહિ,’ કેમ કે હું નેક લોકોને નહિ પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.” (માથ્થી ૯:૧૨, ૧૩; હોશીઆ ૬:૬) ફરોશીઓ ઈસુને “ગુરુ” કહેતા તો ખરાં, પણ દિલથી એવું માનતા નહિ. પરંતુ, જે સાચું છે એ વિશે તેઓ ઈસુ પાસેથી ચોક્કસ શીખી શક્યા હોત.
માથ્થીએ કર ઉઘરાવનારાઓને અને પાપીઓને શા માટે આમંત્રણ આપ્યું હતું? એ માટે કે તેઓ ઈસુનું સાંભળે અને ઈશ્વરની ભક્તિ કરવા વધારે શીખે, “કેમ કે તેઓમાંના ઘણા તેમના શિષ્યો બન્યા હતા.” (માર્ક ૨:૧૫) તેઓ યહોવા ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધે, એ માટે ઈસુ મદદ કરવા ચાહતા હતા. પોતાને નેક ગણતા ફરોશીઓ તેઓને ધિક્કારતા, પણ ઈસુએ એમ કર્યું નહિ. તેમનું દિલ કરુણા અને દયાથી પીગળી ગયું; જેઓ ઈશ્વરની ભક્તિમાં જાણે બીમાર હતા, તેઓ માટે તે વૈદ જેવા બન્યા.
ઈસુએ કર ઉઘરાવનારાઓને અને પાપીઓને દયા બતાવી. તેમણે તેઓનાં પાપ ચલાવી લીધાં નહિ, પણ બીમાર લોકોને બતાવી હતી, એવી કોમળ લાગણી બતાવી. દાખલા તરીકે, યાદ કરો કે તેમણે રક્તપિત્તિયાને અડકીને કહ્યું હતું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” (માથ્થી ૮:૩) શું આપણે પણ એવું જ દયાળુ વલણ ન રાખવું જોઈએ? ખાસ કરીને ઈશ્વરની ભક્તિમાં જેઓને મદદ જોઈએ છે, તેઓને શું ખુશીથી મદદ ન કરવી જોઈએ?