પ્રકરણ ૨૮
ઈસુના શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી?
માથ્થી ૯:૧૪-૧૭ માર્ક ૨:૧૮-૨૨ લુક ૫:૩૩-૩૯
યોહાનના શિષ્યો ઈસુને ઉપવાસ વિશે પૂછે છે
ઈસવીસન ૩૦ના પાસ્ખાના તહેવારમાં ઈસુ ગયા, એને થોડો સમય વીતી ગયો હતો. ત્યારથી યોહાન બાપ્તિસ્મા આપનાર કેદખાનામાં હતા. યોહાન ચાહતા હતા કે તેમના શિષ્યો ઈસુને અનુસરે. પરંતુ, યોહાનને કેદ થઈ એના મહિનાઓ પછી પણ તેઓ બધાએ એમ કર્યું ન હતું.
હવે, ઈ.સ. ૩૧નો પાસ્ખાનો તહેવાર પાસે આવ્યો હતો. યોહાનના અમુક શિષ્યો ઈસુ પાસે આવ્યા અને પૂછ્યું: “અમે અને ફરોશીઓ ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો કેમ ઉપવાસ નથી કરતા?” (માથ્થી ૯:૧૪) ફરોશીઓ ધાર્મિક રિવાજ તરીકે ઉપવાસ કરતા હતા. પછીથી, ઈસુએ એવું ઉદાહરણ પણ આપ્યું, જેમાં એક ફરોશીએ પોતાને નેક માનીને પ્રાર્થના કરી: “હે ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા બધા જેવો નથી . . . અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું.” (લુક ૧૮:૧૧, ૧૨) યોહાનના શિષ્યો પણ રિવાજ તરીકે ઉપવાસ કરતા હશે. અથવા યોહાન કેદમાં હતા, એના શોકમાં ઉપવાસ કરતા હશે. યોહાનના શિષ્યોને એવો પણ સવાલ થયો હશે કે યોહાન પર જે વીત્યું હતું, એના શોકમાં સહભાગી થવા ઈસુના શિષ્યો કેમ ઉપવાસ કરતા ન હતા.
ઈસુએ દાખલો આપીને એનો જવાબ આપ્યો: “જ્યાં સુધી વરરાજા સાથે હોય છે ત્યાં સુધી તેના મિત્રોએ શોક કરવાની શી જરૂર છે? પણ, એવા દિવસો આવશે જ્યારે વરરાજાને તેઓ પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે.”—માથ્થી ૯:૧૫.
ખુદ યોહાને ઈસુને વરરાજા કહ્યા હતા. (યોહાન ૩:૨૮, ૨૯) ઈસુ શિષ્યોની સાથે હતા ત્યારે, તેઓએ ઉપવાસ કર્યા નહિ. પછીથી, ઈસુ મરણ પામશે ત્યારે, શિષ્યો શોક પાળશે અને તેઓને ખાવાની કોઈ ઇચ્છા નહિ થાય. પણ, ઈસુ જીવતા કરાશે ત્યારે, સમય-સંજોગ કેટલા બદલાઈ જશે! ત્યારે તેઓએ શોકમાં ઉપવાસ કરવાની કોઈ જરૂર નહિ હોય.
પછી, ઈસુએ આ બે ઉદાહરણો આપ્યાં: “જૂના કપડા પર કોઈ નવા કપડાનું થીંગડું મારતું નથી, કારણ કે એ થીંગડું તો સંકોચાઈને જૂના કપડાને ફાડશે અને એ વધારે ફાટશે. વળી, જૂની મશકોમાં લોકો નવો દ્રાક્ષદારૂ ભરતા નથી. જો તેઓ એમ કરે, તો મશકો ફાટી જશે અને દ્રાક્ષદારૂ ઢોળાઈ જશે અને મશકો નાશ પામશે. પણ, લોકો નવો દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરે છે અને એનાથી બંને સચવાય છે.” (માથ્થી ૯:૧૬, ૧૭) ઈસુ શું કહેવા માંગતા હતા?
યોહાન બાપ્તિસ્મા આપનારના શિષ્યોને ઈસુએ સમજાવ્યું. ઈસુએ તેઓને એ સમજવા મદદ કરી કે પોતાના શિષ્યો ઉપવાસની માન્યતા જેવા જૂના યહુદી રિવાજો પાળે, એવી કોઈએ પણ આશા ન રાખવી. ઈસુ જાણે ભક્તિના જુનવાણી, ઘસાઈ ગયેલા રીત-રિવાજોને થીંગડું મારીને સાંધવા આવ્યા ન હતા. ભક્તિની એ ગોઠવણનો જલદી જ નાશ થવાનો હતો. ઈસુ જે ભક્તિ વિશે વાત કરતા હતા, એને માણસોના રિવાજોવાળા એ સમયના યહુદી ધર્મ સાથે કોઈ લેવાદેવા ન હતી. તેમણે ન તો જૂના કપડા પર નવું થીંગડું મારવાની કોશિશ કરી, ન તો જૂની, કડક મશકમાં નવો દારૂ ભરવાની કોશિશ કરી.