પ્રકરણ ૩૮
ઈસુ પાસેથી યોહાન જાણવા માંગે છે
યોહાન બાપ્તિસ્મા આપનાર ઈસુ વિશે પૂછે છે
ઈસુ યોહાનના વખાણ કરે છે
બાપ્તિસ્મા આપનાર યોહાન એકાદ વર્ષથી કેદખાનામાં હતા. પણ, તેમને ઈસુનાં જોરદાર કામોની ખબર મળતી હતી. કલ્પના કરો, યોહાનના શિષ્યોએ જ્યારે જણાવ્યું હશે કે ઈસુએ નાઈનમાં વિધવાના દીકરાને સજીવન કર્યો, ત્યારે યોહાનને કેવું લાગ્યું હશે! જોકે, યોહાન ખુદ ઈસુના મોઢે સાંભળવા માંગતા હતા કે આ બધાનો મતલબ શું થાય. એટલે, યોહાને પોતાના બે શિષ્યોને મોકલ્યા. શા માટે? તેઓએ ઈસુને પૂછવાનું હતું: “જે આવનાર છે, તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”—લુક ૭:૧૯.
શું એ સવાલ અયોગ્ય લાગે છે? યોહાન પાકા ઈશ્વરભક્ત હતા. લગભગ બે વર્ષ પહેલાં, તેમણે ઈસુને બાપ્તિસ્મા આપતી વખતે તેમના પર ઈશ્વરની શક્તિ ઊતરતી જોઈ હતી અને સંમતિ આપતો ઈશ્વરનો અવાજ સાંભળ્યો હતો. આપણી પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે યોહાનની શ્રદ્ધા કમજોર થઈ હતી. નહિતર, ઈસુએ આ પ્રસંગે યોહાનના વખાણ કર્યા ન હોત. પરંતુ, જો યોહાનને કોઈ શંકા ન હોય, તો તેમણે ઈસુ વિશે આવો સવાલ કેમ પૂછ્યો?
કદાચ યોહાનને ઈસુના મોઢે સાંભળવું હતું કે ઈસુ પોતે જ મસીહ છે. કેદખાનાની દુઃખી હાલતમાં યોહાનને એનાથી હિંમત મળી શકે. યોહાનના સવાલ પાછળ બીજું એક કારણ પણ હતું. તે બાઇબલની ભવિષ્યવાણીઓથી જાણકાર હતા; ભવિષ્યવાણીઓ બતાવતી હતી કે જે ઈશ્વરથી અભિષિક્ત કરાયેલા હશે, તે રાજા અને ઉદ્ધાર કરનાર બનશે. ઈસુએ બાપ્તિસ્મા લીધાને ઘણા મહિના થયા, છતાં પણ યોહાન કેદમાં હતા. તેથી, યોહાનને જાણવું હતું કે ઈસુ પછી બીજું કોઈ આવશે કે કેમ, જે મસીહ વિશેની બધી ભવિષ્યવાણીઓ પૂરી કરશે.
ઈસુએ યોહાનના શિષ્યોને એવું ન કહ્યું, ‘ચોક્કસ, એ આવનાર હું જ છું.’ એના બદલે, ઈસુએ અનેક પ્રકારનાં દુઃખ-દર્દથી અને બીમારીમાંથી ઘણા લોકોને સાજા કરીને પુરાવો આપ્યો કે ઈશ્વરે તેમને મોકલ્યા છે. પછી, તેમણે શિષ્યોને જણાવ્યું: “જાઓ અને તમે જે જુઓ છો તથા સાંભળો છો, એ વિશે યોહાનને જણાવો: આંધળા હવે જુએ છે અને લંગડા ચાલે છે, રક્તપિત્તિયાને શુદ્ધ કરવામાં આવે છે અને બહેરા સાંભળે છે, મરણ પામેલા પાછા ઉઠાડાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.”—માથ્થી ૧૧:૪, ૫.
યોહાનના સવાલમાં એવી આશા પણ હોય કે ઈસુ જે કરતા હતા, એનાથી વધારે કરે અને કદાચ યોહાનને કેદખાનામાંથી છોડાવે. જોકે, ઈસુએ યોહાનને જણાવ્યું કે પોતે જે ચમત્કારો કરતા હતા, એનાથી વધારે આશા ન રાખે.
યોહાનના શિષ્યો ગયા પછી, ઈસુએ લોકોના ટોળાને ખાતરી કરાવી કે યોહાન તો પ્રબોધકથી પણ મોટા હતા. માલાખી ૩:૧ની ભવિષ્યવાણી પ્રમાણે, તે યહોવાના ‘દૂત’ હતા. માલાખી ૪:૫, ૬ની ભવિષ્યવાણી પ્રમાણે, તે એલિયા પ્રબોધક પણ હતા. ઈસુએ સમજાવ્યું: “હું તમને સાચે જ કહું છું કે સ્ત્રીઓથી જન્મેલા બધામાં યોહાન બાપ્તિસ્મા આપનારથી મહાન બીજું કોઈ થયું નથી; પણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે તેના કરતાં મહાન છે.”—માથ્થી ૧૧:૧૧.
ઈસુએ જણાવ્યું કે સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો હોય, એ યોહાન કરતાં મોટો હશે. આમ, તેમણે જણાવ્યું કે યોહાન સ્વર્ગના રાજ્યમાં નહિ હોય. યોહાને ઈસુ માટે માર્ગ તૈયાર કર્યો, પણ ખ્રિસ્ત સ્વર્ગનો માર્ગ ખોલે એ પહેલાં યોહાન મરણ પામ્યા. (હિબ્રૂઓ ૧૦:૧૯, ૨૦) પરંતુ, યોહાન વિશ્વાસુ પ્રબોધક હતા અને ઈશ્વરના રાજ્યમાં ધરતી પર તે જીવન મેળવશે.