શું પિશાચવાદ આપણી આત્મિક જરૂરિયાતો સંતોષી શકે?
આપણને દરેકને આત્મિક અને ભૌતિક બાબતોની જરૂર છે. તેથી જ ઘણા લોકો આ પ્રકારના પ્રશ્નો પૂછતા હોય છે કે જીવનનો હેતુ શું છે, શા માટે લોકો યાતના ભોગવે છે અને મરણ પામ્યા પછી આપણું શું થાય છે? ઘણા નિખાલસ લોકો આ અને આવા પ્રશ્નોના જવાબો મેળવવા, મરણ પામેલી વ્યક્તિઓના આત્મા સાથે વાત થઈ શકશે એવી અપેક્ષામાં પિશાચી માધ્યમોનો સંપર્ક સાધે છે. એને પિશાચવાદ કહેવામાં આવે છે.
ઘણા દેશોમાં પિશાચવાદમાં માનનારા લોકો જોવા મળે છે, તેઓ મંડળો અને ચર્ચોમાં ભેગા મળે છે. દાખલા તરીકે, બ્રાઝિલમાં અંદાજે ૪૦,૦૦,૦૦૦ પિશાચવાદીઓ, હીપોલીટ લીઓન ડેનિઝર રેવાઈ નામના ૧૯મી સદીના ફ્રેન્ચ શિક્ષણકાર અને ફિલસૂફનાં શિક્ષણને અનુસરે છે. લેખક તરીકે તેનું નામ એલન કારડેક છે. કારડેકને ૧૮૫૪માં પિશાચી સભાઓમાં રસ પડવા માંડ્યો. પાછળથી તેણે ઘણી જગ્યાએ પિશાચી માધ્યમોને પ્રશ્નો પૂછ્યા અને જે જવાબો મળ્યા એ તેણે ૧૮૫૭માં પ્રકાશિત થયેલા પિશાચી આત્માઓનું પુસ્તક (અંગ્રેજી)માં નોંધ્યા. તેણે પિશાચી માધ્યમોનું પુસ્તક (અંગ્રેજી) અને પિશાચવાદ અનુસાર સુવાર્તા (અંગ્રેજી) નામનાં બીજાં બે પુસ્તકો પણ લખ્યાં.
પિશાચવાદ વુડુ, મેલીવિદ્યા, જાદુ કે શેતાનવાદ જેવા ધાર્મિક આચરણો સાથે સંકળાયેલો છે. તેમ છતાં, એલન કારડેકનાં શિક્ષણને અનુસરનારાઓ કહે છે કે તેઓની માન્યતાઓ અલગ છે. તેઓનાં પ્રકાશનોમાં હંમેશાં બાઇબલનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેઓ ઈસુને “આખી માનવજાત માટે માર્ગદર્શક અને ઉદાહરણ” તરીકે ઉલ્લેખે છે. તેઓ કહે છે કે ઈસુનું શિક્ષણ “દૈવી સિદ્ધાંતોનું શુદ્ધ વક્તવ્ય છે.” પિશાચવાદનાં લખાણોને એલન કારડેક માણસજાતને પરમેશ્વર તરફથી મળેલા ત્રીજા પ્રકટીકરણ તરીકે જુએ છે, એ પ્રથમ બે પ્રકટીકરણોમાં મુસાનાં શિક્ષણો અને ઈસુનાં શિક્ષણોનો સમાવેશ થાય છે.
પિશાચવાદમાં પડોશી પ્રત્યેનો પ્રેમ અને સદ્ભાવના કામ કરવાને મહત્ત્વ અપાતું હોવાથી ઘણા લોકો એ તરફ આકર્ષાય છે. પિશાચવાદીઓની એક માન્યતા છે: “સદ્ભાવ વગર તારણ નથી.” ઘણા પિશાચવાદીઓ સામાજિક કાર્યો કરતા હોય છે, તેઓ હૉસ્પિટલો, શાળાઓ અને એવી સંસ્થાઓ સ્થાપવા મદદ કરે છે. આ પ્રકારના પ્રયત્નો પ્રશંસાપાત્ર છે. પરંતુ, શું પિશાચવાદીઓની માન્યતાઓ અને બાઇબલમાં નોંધેલા ઈસુનાં શિક્ષણ વચ્ચે કંઈ સરખાપણું જોવા મળે છે? ચાલો, એ માટેનાં બે ઉદાહરણો જોઈએ: મરણ પામેલાઓ માટેની આશા અને યાતનાનું કારણ.
મરણ પામેલાઓ માટે કઈ આશા?
ઘણા પિશાચવાદીઓ પુનર્જન્મમાં માને છે. એક પિશાચવાદી પ્રકાશન જણાવે છે: “પુનર્જન્મ જ એક એવી માન્યતા છે કે જે દૈવી ન્યાય વિષેના આપણા પ્રશ્નોના સંતોષપ્રદ જવાબો પૂરા પાડે છે; એ જ એક એવો સિદ્ધાંત છે કે જે ભવિષ્ય વિષે સમજાવે છે અને આપણી આશાઓ દૃઢ બનાવે છે.” પિશાચવાદીઓ સમજાવે છે કે વ્યક્તિ મરણ પામે છે ત્યારે, જેમ પતંગિયું કોશેટામાંથી બહાર નીકળી જાય છે તેમ તેનો આત્મા કે “અવતાર લીધેલો આત્મા” શરીરને છોડીને જતો રહે છે. તેઓ માને છે કે આ આત્માઓ, પાછળથી ગયા જન્મના પાપથી શુદ્ધ થવા માટે માનવ તરીકે પુનર્જન્મ લે છે. પરંતુ તેઓને ગયા જન્મના પાપ યાદ રહેતા નથી. પિશાચવાદ અનુસાર સુવાર્તા (અંગ્રેજી) પુસ્તક કહે છે, “ભૂતકાળમાં જે થઈ ગયું એને ભૂલી જવાનું, પરમેશ્વર યોગ્ય ગણે છે.”
એલન કારડેકે લખ્યું, “પુનર્જન્મનો નકાર કરવાનો અર્થ ખ્રિસ્તે જે કહ્યું એનો નકાર કરવો થાય છે.” પરંતુ, સાચી બાબત એ છે કે ઈસુ ક્યારેય “પુનર્જન્મ” શબ્દ બોલ્યા નથી અને આ પ્રકારના વિચારનો તો તેમણે ઉલ્લેખ માત્ર કર્યો નથી. (પાન નં ૨૨ પરનું બોક્સ, શું બાઇબલ પુનર્જન્મ વિષે શીખવે છે? જુઓ.) એને બદલે, ઈસુએ મરણ પામેલા લોકોના પુનરુત્થાન વિષે શીખવ્યું. ઈસુએ પોતાના પૃથ્વી પરના સેવાકાર્ય દરમિયાન નાઈનની એક વિધવાના છોકરાનું, સભાસ્થાનના અધિકારીની નાની છોકરીનું અને તેમના પોતાના ખાસ મિત્ર લાજરસનું, એમ ત્રણ વ્યક્તિઓનું પુનરુત્થાન કર્યું. (માર્ક ૫:૨૨-૨૪, ૩૫-૪૩; લુક ૭:૧૧-૧૫; યોહાન ૧૧:૧-૪૪) ચાલો આમાંના એક નોંધપાત્ર બનાવને તપાસીએ અને ઈસુએ “પુનરુત્થાન” વિષે જે કહ્યું એનો શું અર્થ થાય છે એ જાણીએ.
લાજરસનું પુનરુત્થાન
ઈસુએ સાંભળ્યું કે તેમનો મિત્ર લાજરસ માંદો છે. બે દિવસ પછી, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; પણ હું તેને ઊંઘમાંથી જગાડવા સારૂ જવાનો છું.” ઈસુ શું કહેવા માંગતા હતા એ શિષ્યો સમજ્યા નહિ, તેથી તેમણે સાદી ભાષામાં કહ્યું; “લાજરસ મરી ગયો છે.” ઈસુ લાજરસની કબર પાસે આવ્યા ત્યારે તો, તે ચાર દિવસથી મરી ગયો હતો. તોપણ, ઈસુએ કબરના પ્રવેશદ્વાર પાસેના પથ્થરને ખસેડવાનું કહ્યું. પછી તેમણે ઊંચા સાદે પોકાર્યું: “લાજરસ, બહાર આવ.” ત્યારે કંઈક અદ્ભુત બાબત બની. “જે મરી ગએલો હતો તે કફનથી હાથે ને પગે વિંટાએલો બહાર આવ્યો; અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.”—યોહાન ૧૧:૫, ૬, ૧૧-૧૪, ૪૩, ૪૪.
સ્પષ્ટપણે, આ કોઈ પુનર્જન્મ ન હતો. ઈસુએ કહ્યું હતું કે મરણ પામેલો લાજરસ ઊંઘતો, અભાનાવસ્થામાં હતો. બાઇબલમાં જણાવ્યું છે તેમ, ‘તેની ધારણાઓ નાશ થઈ હતી.’ તેનું “સ્મરણ લોપ” થયું હતું. (ગીતશાસ્ત્ર ૧૪૬:૪; સભાશિક્ષક ૯:૫) પુનરુત્થાન પામેલો લાજરસ પુનર્જન્મ પામેલો બીજા કોઈનો આત્મા ન હતો. તેનું વ્યક્તિત્વ એ જ હતું, તેની ઉંમર અને યાદશક્તિ પણ એ જ હતી. તેણે કાયમ માટે ગુમાવેલું જીવન પાછું મેળવ્યું હતું અને તેના મરણથી દુઃખી થયેલા લોકો પાસે તે પાછો આવ્યો.—યોહાન ૧૨:૧, ૨.
સમય જતા, લાજરસ ફરીથી મરી ગયો. તો પછી, તેના પુનરુત્થાને કયો હેતુ પૂરો કર્યો? ઈસુએ પુનરુત્થાન કરીને, પરમેશ્વરના એ વચનમાં આપણો ભરોસો વધાર્યો કે ચોક્કસ સમયે તેમના વફાદાર સેવકો મરણમાંથી ઊઠી આવશે. ઈસુના એ ચમત્કારોને કારણે તેમના આ શબ્દો વધુ ભરોસાપાત્ર બન્યા: “પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે.”—યોહાન ૧૧:૨૫.
ભવિષ્યના પુનરુત્થાન સંબંધી ઈસુએ કહ્યું: “એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે; અને જેઓએ સારાં કામ કર્યાં છે, તેઓ જીવનનું ઉત્થાન પામવા સારૂ, અને જેઓએ ભૂંડાં કામ કર્યાં છે, તેઓ દંડનું ઉત્થાન પામવા સારૂ, નીકળી આવશે.” (યોહાન ૫:૨૮, ૨૯) લાજરસનું થયું હતું તેમ, મરણ પામેલા લોકોનું પુનરુત્થાન થશે. એ સભાન આત્મા અને પુનરુત્થાન પામેલા શરીરનું મિશ્રણ નહિ હોય કે જે સડીને જમીનમાં ભળી ગયું હતું. આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તામાં મરણ પામેલાઓનું પુનરુત્થાન કરવાની ક્ષમતા છે કે જેમનામાં અનંત ડહાપણ અને શક્તિ છે.
શું ઈસુએ શીખવેલો પુનરુત્થાનનો સિદ્ધાંત, માણસજાત પ્રત્યે વ્યક્તિગત રીતે પરમેશ્વરનો અગાધ પ્રેમ દર્શાવતો નથી? પરંતુ શરૂઆતમાં ઉલ્લેખ કરેલા બીજા પ્રશ્ન વિષે શું?
યાતનાનું કારણ શું છે?
અણસમજુ, બિનઅનુભવી કે દુષ્ટ લોકો જે બધી બાબતો કરે છે, એ કારણે મોટા ભાગના માનવીઓ પર દુઃખ અને તકલીફો આવે છે. ઘણા કરુણ બનાવો વિષે શું કે જેને માટે માનવોનો સીધેસીધો વાંક ન કાઢી શકાય? દાખલા તરીકે, શા માટે અકસ્માતો અને કુદરતી આફતો આવે છે? શા માટે કેટલાંક બાળકો ખોડખાંપણવાળા જન્મે છે? એલન કારડેકે આ બાબતોને એક શિક્ષા ગણી. તેણે લખ્યું: “આપણને શિક્ષા થઈ હોય તો, ચોક્કસ આપણે કંઈ પાપ કર્યું હોવું જોઈએ. એ પાપ અત્યારે ન કર્યું હોય તો એ પાછલા જન્મમાં કર્યું હશે.” પિશાચવાદીઓને આ રીતે પ્રાર્થના કરવાનું શીખવવામાં આવ્યું છે: “હે પરમેશ્વર, તમે ન્યાયી છો. તમે મને જે માંદગી મોકલી છે એ માટે હું લાયક હોઈશ. . . . એને હું મારા ભૂતકાળનાં પાપોના પ્રાયશ્ચિત્ત તરીકે, મારા વિશ્વાસની કસોટી તરીકે અને તમારી ઇચ્છાને આધીનતા તરીકે સ્વીકારું છું.”—પિશાચવાદ અનુસાર સુવાર્તા (અંગ્રેજી).
શું ઈસુએ આવી બાબતો શીખવી હતી? ના. ઈસુ બાઇબલના આ કથનને સારી રીતે જાણતા હતા: “પ્રસંગ તથા દૈવયોગની અસર સર્વને લાગુ પડે છે.” (સભાશિક્ષક ૯:૧૧) તે જાણતા હતા કે અમુક સમયે અણધારી બાબતો આવી પડે છે. એ પાપોની શિક્ષાને કારણે આવતી નથી.
ઈસુના જીવનના આ બનાવને વિચારો: “તે રસ્તે જતો હતો એવામાં તેણે એક જન્મથી આંધળા માણસને દીઠો. તેના શિષ્યોએ તેને પૂછ્યું, કે રાબ્બી, જે પાપને લીધે એ માણસ આંધળો જન્મ્યો, તે પાપ કોણે કર્યું? એણે કે એનાં માબાપે?” ઈસુએ જે જવાબ આપ્યો એ બહુ બોધદાયક હતો: “એણે કે એનાં માબાપે પાપ કર્યું, તેથી નહિ; પણ દેવનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. એમ કહીને તે ભોંય પર થૂંક્યો, અને તે થૂંકથી કાદવ બનાવીને, તેણે તે કાદવ તે આંધળાની આંખો પર ચોપડ્યો; અને તેને કહ્યું, કે તું જઈને શીલોઆહ અર્થાત મોકલેલાના કુંડમાં ધો. ત્યારે તે ગયો, અને ધોઈ દેખતો થઈને ઘેર આવ્યો.”—યોહાન ૯:૧-૩, ૬, ૭.
ઈસુના આ શબ્દોએ બતાવ્યું કે તે માણસ જન્મથી આંધળો હતો એ માટે તે કે તેના માબાપ જવાબદાર ન હતા. આ રીતે ઈસુએ ગયા જનમના પાપની શિક્ષા વિષેના વિચારને કોઈ ટેકો ન આપ્યો. હકીકતમાં, ઈસુ જાણતા હતા કે બધા માનવીઓને વારસામાં પાપ મળ્યું છે અને એ પાપ આદમથી વારસામાં મળ્યું છે, તેઓએ પૂર્વજન્મમાં કરેલું પાપ નહિ. આદમના પાપને કારણે, બધા જ માનવો શારીરિક રીતે અપૂર્ણ જન્મે છે, માંદા પડે છે અને છેવટે મરી જાય છે. (અયૂબ ૧૪:૪; ગીતશાસ્ત્ર ૫૧:૫; રૂમી ૫:૧૨; ૯:૧૧) હકીકતમાં, એ પરિસ્થિતિનો ઉકેલ લાવવા તો ઈસુને પૃથ્વી પર મોકલવામાં આવ્યા હતા. યોહાન બાપ્તિસ્મકે કહ્યું કે ઈસુ “હલવાન” હતા “કે જે જગતનું પાપ હરણ કરે છે!”—યોહાન ૧:૨૯.a
નોંધ લો કે ઈસુએ એવું કહ્યું ન હતું કે પરમેશ્વરે જાણી જોઈને માણસને આંધળો બનાવ્યો, જેથી ઈસુ ક્યારેક આવીને તેને સાજો કરી શકે. જો એમ હોય તો, એ કેટલું નિર્દય કૃત્ય ગણાશે! શું એનાથી કોઈ પરમેશ્વરની સ્તુતિ કરશે? ના, એને બદલે, આંધળા માણસને ચમત્કારિક રીતે સાજો કરવામાં આવ્યો ત્યારે એનાથી ‘દેવના કામ પ્રગટ થયાં.’ ઈસુએ કરેલા બીજા ઘણા ચમત્કારોની જેમ આ ચમત્કારે પણ યાતના ભોગવી રહેલી માનવજાત માટેનો પરમેશ્વરનો નિખાલસ પ્રેમ પ્રગટ કર્યો. એ ઉપરાંત દરેક માનવોની માંદગી અને યાતનાઓનો એના નિયુક્ત સમયે અંત લાવવાના તેમના વચનમાં ભરોસો વધાર્યો.—યશાયાહ ૩૩:૨૪.
આપણા સ્વર્ગીય પિતા યહોવાહ યાતનાઓને બદલે, જેઓ ‘માગે છે તેઓને સારાં વાનાં’ આપે છે એ જાણીને શું આપણને દિલાસો નથી મળતો? (માત્થી ૭:૧૧) આંધળાઓ દેખતા થશે, બહેરાઓ સાંભળતા થશે અને લંગડો ચાલશે, કૂદશે અને દોડશે ત્યારે, સર્વોપરીના નામને કેટલો મહિમા મળશે!—યશાયાહ ૩૫:૫, ૬.
આપણી આત્મિક જરૂરિયાતો સંતોષવી
ઈસુએ જાહેર કર્યું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માત્થી ૪:૪) હા, આપણે દેવનો શબ્દ, બાઇબલ વાંચીએ અને એના સુમેળમાં જીવન જીવીએ તો આપણી આત્મિક જરૂરિયાતો સંતોષાશે. પિશાચી આત્માઓના માધ્યમોનો સંપર્ક સાધવાથી આપણી આત્મિક જરૂરિયાતો સંતોષાશે નહિ. ખરેખર, એલન કારડેકે પરમેશ્વરના નિયમના પહેલા પ્રકટીકરણ તરીકે જેનો ઉલ્લેખ કર્યો એ મુસાના નિયમમાં આવા પિશાચી આચરણોની સખત નિંદા કરવામાં આવી છે.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૩.
પિશાચવાદીઓ સહિત ઘણા લોકો માને છે કે પરમેશ્વર સર્વોપરી, અનંત, કાયમી સંપૂર્ણ, દયાળુ, સારા અને ન્યાયી છે. પરંતુ બાઇબલ તેમના વિષે એનાથી પણ વધુ બતાવે છે. એ બતાવે છે કે તેમને એક વ્યક્તિગત નામ, યહોવાહ છે અને ઈસુની જેમ આપણે પણ એ નામને આદર આપવો જોઈએ. (માત્થી ૬:૯; યોહાન ૧૭:૬) એ પરમેશ્વરને એવી સાચી વ્યક્તિ તરીકે વર્ણવે છે કે જેમની સાથે માનવો ગાઢ સંબંધનો આનંદ માણી શકે. (રૂમી ૮:૩૮, ૩૯) બાઇબલ વાંચનથી, આપણને જાણવા મળે છે કે પરમશ્વર દયાળુ છે અને “તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૦) પોતાના લેખિત શબ્દ બાઇબલ દ્વારા સર્વોપરી યહોવાહ તેમનો પ્રેમ, સર્વોપરિતા અને વાજબીપણું પ્રગટ કરે છે. તે આજ્ઞાંકિત માનવોને માર્ગદર્શન આપીને તેઓનું રક્ષણ કરે છે. યહોવાહ અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તને ઓળખવાનો અર્થ “અનંતજીવન” થાય છે.—યોહાન ૧૭:૩.
પરમેશ્વરના હેતુઓ વિષે બાઇબલ આપણને જરૂરી બધી જ માહિતી પૂરી પાડે છે અને એ પણ જણાવે છે કે આપણે તેમને ખુશ કરવા હોય તો શું કરવું જોઈએ. બાઇબલને કાળજીપૂર્વક તપાસવાથી એ આપણા પ્રશ્નોના સાચા અને સંતોષપ્રદ જવાબો પૂરા પાડે છે. બાઇબલ સાચું શું છે અને ખોટું શું છે એનું માર્ગદર્શન આપે છે અને આપણા માટે નક્કર આશા આપે છે. એ આપણને ખાતરી આપે છે કે નજીકના ભવિષ્યમાં પરમેશ્વર “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી [રહી હશે].” (પ્રકટીકરણ ૨૧:૩, ૪) ઈસુ ખ્રિસ્ત મારફતે, યહોવાહ માનવજાતિને વારસામાં મળેલા પાપ અને અપૂર્ણતાથી મુક્ત કરશે અને આજ્ઞાધીન માનવોને પારાદેશ પૃથ્વી પર અનંતજીવનનો વારસો આપશે. એ સમયે, તેઓની શારીરિક અને આત્મિક બંને જરૂરિયાતોને સંતોષવામાં આવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; નીતિવચન ૨:૨૧, ૨૨; માત્થી ૫:૫.
[ફુટનોટ]
a પાપ અને મરણ કઈ રીતે આવ્યું એની ચર્ચા માટે, યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું પ્રકરણ ૬ જુઓ.
[પાન ૨૨ પર બોક્સ]
શું બાઇબલ પુનર્જન્મ વિષે શીખવે છે?
શું બાઇબલની કોઈ કલમ પુનર્જન્મના સિદ્ધાંતને ટેકો આપે છે? આ સિદ્ધાંતને માનનારાઓ જે કલમોનો ઉપયોગ કરે છે એમાંની કેટલીક કલમોનો વિચાર કરો:
“કેમકે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન લગી પ્રબોધ કર્યો છે. . . . એલીયાહ જે આવનાર છે તે એજ છે.”—માત્થી ૧૧:૧૩, ૧૪.
શું યોહાન બાપ્તિસ્મક ફરી જન્મેલા એલીયાહ હતા? તેમને પૂછવામાં આવ્યું કે, “તું એલીયાહ છે?” ત્યારે યોહાને સ્પષ્ટપણે જવાબ આપ્યો: “હું તે નથી.” (યોહાન ૧:૨૧) તેમ છતાં, એમ ભાખવામાં આવ્યું હતું કે યોહાન “એલીયાહના આત્માએ તથા પરાક્રમે” મસીહની અગાઉ આવશે. (લુક ૧:૧૭; માલાખી ૪:૫, ૬) બીજા શબ્દોમાં કહીએ તો, યોહાન બાપ્તિસ્મકે એલીયાહના જેવું કામ કર્યું, એ અર્થમાં તે એલીયાહ હતા.
“જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. મેં તને કહ્યું, કે તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના.”—યોહાન ૩:૩, ૭.
એક પ્રેષિતે પાછળથી લખ્યું: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો; તેણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઇસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારૂ, . . . આપણને પુનર્જન્મ આપ્યો છે.” (૧ પીતર ૧:૩, ૪; યોહાન ૧:૧૨, ૧૩) સ્પષ્ટપણે, ઈસુએ ઉલ્લેખ કરેલો નવો જન્મ એ એક આત્મિક અનુભવ હતો અને એ તેમના અનુયાયીઓ જીવતા હતા ત્યારે જ તેઓ અનુભવવાના હતા, તે ભવિષ્યના પુનર્જન્મ વિષે ઉલ્લેખ કરતા ન હતા.
“માણસ મરણ પામે છે ત્યારે, તે કાયમ જીવે છે: મારા પૃથ્વી પરના દિવસો પૂરા થશે ત્યારે, હું ફરીથી પાછા ફરવાની રાહ જોઈશ.”—પિશાચવાદ અનુસાર સુવાર્તા (અંગ્રેજી)માં અયૂબ ૧૪:૧૪નું “ગ્રીક ભાષાંતર.”
સંપૂર્ણ બાઇબલ એ કલમને આ રીતે જણાવે છે: “મનુષ્ય મૃત્યુ પામે પછી એ ફરી પાછો જીવતો થઈ શકે? હું છૂટવાના દહાડા આવે ત્યાં સુધી રાહ જોઉં, વેઠના દહાડા પૂરા થાય ત્યાં સુધી ધીરજ ધરું.” એ કલમનો સંદર્ભ વાંચો. તમે જોશો તો મરણ પામેલ વ્યક્તિ “છૂટવાના દહાડા” સુધી કબરમાં રાહ જુએ છે. (કલમ ૧૩) રાહ જોતી વખતે, તેઓ અસ્તિત્વ ધરાવતા નથી. “મનુષ્ય એકવાર મૃત્યુ પામે છે પછી એ ખલાસ થઈ જાય છે. એ મરી જાય પછી એ ક્યાં રહ્યો?”—અયૂબ ૧૪:૧૦, સંપૂર્ણ બાઇબલ.
[પાન ૨૧ પર ચિત્ર]
પુનરુત્થાનની આશા એ પ્રગટ કરે છે કે પરમેશ્વર આપણામાં વ્યક્તિગતપણે ઊંડો રસ ધરાવે છે
[પાન ૨૩ પર ચિત્રો]
પરમેશ્વર માનવોની બધી યાતનાઓને કાઢી નાખશે