બાઇબલમાં જણાવેલા અહેવાલોને લગતી વિગતોને ફોટા, ચિત્રો, અવાજ વગરના વીડિયો અને ઍનિમેશન દ્વારા જણાવવામાં આવી છે.
બેથફગે, જૈતુનનો પહાડ અને યરૂશાલેમ
આ નાના વીડિયોમાં પૂર્વ તરફ એત-તૂરથી યરૂશાલેમ જવાનો રસ્તો બતાવ્યો છે, જે જૈતુન પહાડની એક ઊંચી જગ્યાએ લઈ જાય છે. માનવામાં આવે છે કે આજનું એત-તૂર કદાચ બાઇબલ સમયનું બેથફગે છે. બેથફગેથી પૂર્વમાં જૈતુન પહાડના પૂર્વ ઢોળાવ પર બેથાની ગામ આવે છે. ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમમાં હોય ત્યારે, મોટાભાગે બેથાની ગામમાં રહેતા. આજે એ ગામ અરબીમાં એલ-અઝારીયેહ (એલ-ઈઝારીયા) નામથી ઓળખાય છે, જેનો અર્થ થાય, “લાજરસની જગ્યા.” એમાં કોઈ શંકા નથી કે માર્થા, મરિયમ અને લાજરસના ઘરે ઈસુ રોકાયા હતા. (માથ ૨૧:૧૭; માર્ક ૧૧:૧૧; લુક ૨૧:૩૭; યોહ ૧૧:૧ ) તેઓના ઘરથી યરૂશાલેમ જતી વખતે કદાચ ઈસુ એ જ રસ્તે ગયા હશે, જે વીડિયોમાં બતાવ્યો છે. ઈસવીસન ૩૩માં, નીસાન ૯મીએ જ્યારે ગધેડા પર બેસીને ઈસુ જૈતુન પહાડ પર ગયા હતા, ત્યારે તે કદાચ બેથફગેથી યરૂશાલેમ તરફ જતા રસ્તે ગયા હશે.
૧. બેથાનીથી બેથફગે જતો રસ્તો
૨. બેથફગે
૩. જૈતુનનો પહાડ
૪. કિદ્રોનની ખીણ
૫. પર્વત પરનું મંદિર
એડીના હાડકામાં ખીલો
૧૯૬૮માં ઉત્તર યરૂશાલેમમાં થયેલા ખોદકામ વખતે માનવ એડી અને એની આરપાર થયેલો ૪.૫ ઇંચનો લોખંડનો ખીલો મળી આવ્યો હતો. એની નકલ કરેલો નમૂનો અહીં ફોટામાં આપ્યો છે. પુરાતત્વશાસ્ત્રનો આ વધુ એક પુરાવો છે, જે બતાવે છે કે વધસ્તંભ પર વ્યક્તિનો વધ કરવા માટે કદાચ ખીલાનો ઉપયોગ થતો હતો. લાગે છે કે ઈસુને વધસ્તંભ પર લટકાવવા માટે રોમનોએ એવા જ ખીલાનો ઉપયોગ કર્યો હતો. ઓસ્યુઅરી તરીકે ઓળખાતા પથ્થરના પાત્રમાં એ વસ્તુઓ મળી આવી હતી. વ્યક્તિના મરણ પછી, જ્યારે તેનું માંસ સડી જાય ત્યારે તેના સૂકાયેલાં હાડકાં એવા પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતાં. એ દર્શાવે છે કે, વધસ્તંભે મરણ પામેલી વ્યક્તિને દફનાવી શકાતી હતી.—માથ ૨૭:૩૫ .