દુનિયાની ‘ઝેરી હવાથી’ દૂર રહીએ
“અમે જગતનો આત્મા [વલણ] નહિ, પણ જે આત્મા [શક્તિ] દેવ તરફથી છે તે પામ્યા છીએ.”—૧ કોરીંથી ૨:૧૨.
૧, ૨. (ક) ખાણિયાને બચાવનારાઓ કેમ સાથે ચકલીઓ લઈ જતા? (ખ) આપણા પર કયો ખતરો રહેલો છે?
સોએક વર્ષ પહેલાં, બ્રિટનમાં કોલસાની ઘણી ખાણો હતી. એમાં ઘણી વાર આગ લાગતી. ઝેરી ગેસ ફેલાતા. જેમ કે કાર્બન મનૉક્સાઇડ. ન તો એની ગંધ આવતી કે ન તો એ જોઈ શકાતો. શ્વાસમાં જાય કે શરીરમાં ઑક્સિજન ફેલાવાનું બંધ થઈ જાય. વ્યક્તિને ખબર પણ ન પડે એમ ઠપ થઈને પડી જાય ને મરણ પામે. ૧૯૧૧માં સરકારે એક કાયદો બહાર પાડ્યો. આગમાંથી ખાણિયાઓને બચાવવા જનારે બે ચકલી (કનેરી) સાથે લઈ જવી. કેમ એવું? આ ચકલીઓ પર કાર્બન મનૉક્સાઇડની અસર બહુ ઝડપથી થતી. એટલે પીંજરામાં જો એ ઢળી પડે, તો તરત જ બધા જીવ બચાવવા નાસી છૂટતા.
૨ આજે દુનિયામાં શેતાનના વિચારો ઝેરી હવાની જેમ ફેલાયા છે. આપણે યહોવાહના ભક્તો, ખાણિયાઓને બચાવવા જનારા જેવા છીએ. ઈસુ આપણને આવા ખતરનાક વાતાવરણમાં મોકલે છે, જેથી લોકોને બચાવી શકાય. (માથ. ૧૦:૧૬; ૧ યોહા. ૫:૧૯) તોપણ, ઈસુને આપણે જીવની જેમ વહાલા છીએ. એટલે તેમણે ઈશ્વરને કહ્યું: “તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું કહેતો નથી, પરંતુ શેતાનથી તમે તેઓનું રક્ષણ કરો એવી મારી પ્રાર્થના છે.”—યોહાન ૧૭:૧૫, IBSI.
૩, ૪. ઈસુએ શિષ્યોને કઈ ચેતવણી આપી? હવે કયા પ્રશ્નોનો વિચાર કરીશું?
૩ ઈસુએ શિષ્યોને કહ્યું: ‘જાગતા રહો કે આ બધું જે થવાનું છે, તેમાંથી બચવા તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવા’ તૈયાર થાવ. (લુક ૨૧:૩૪-૩૬) જો સાવધ ન રહીએ તો જગતનું વાતાવરણ ઈશ્વર સાથેનો આપણો નાતો કાપી નાખશે. એમ ન થાય માટે યહોવાહની શક્તિ માગીએ. આપણે જે શીખ્યા છે એ યાદ રાખવા, યહોવાહ જરૂર મદદ કરશે.—યોહા. ૧૪:૨૬.
૪ યહોવાહની એ શક્તિ મેળવવા આપણે શું કરવું જોઈએ? જગતની ઝેરી હવા શું છે અને કઈ રીતે એ ફેલાય છે? એનાથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ?—૧ કોરીંથી ૨:૧૨ વાંચો.a
કોના વિચારો પ્રમાણે જીવીશું, ઈશ્વરના કે શેતાનના?
૫, ૬. યહોવાહની શક્તિ આપણને કઈ રીતે મદદ કરી શકે? એ મેળવવા શું કરવું જોઈએ?
૫ પહેલી સદીની જેમ, આજે પણ યહોવાહની શક્તિ આપણને મદદ કરે છે. એનાથી આપણને ઈશ્વરને માર્ગે ચાલવા ને તેમનું કામ પૂરું કરવા હિંમત મળે છે. (રૂમી ૧૨:૧૧; ફિલિ. ૪:૧૩) યહોવાહની શક્તિથી આપણે પ્રેમ, દયા, ભલાઈ જેવા ગુણો કેળવીએ છીએ. (ગલા. ૫:૨૨, ૨૩) પણ જેઓને યહોવાહની મદદ જોઈતી નથી, તેઓને તે બળજબરી કરતા નથી.
૬ યહોવાહની શક્તિ મેળવવા શું કરવું જોઈએ? સૌથી પહેલા તો આપણે યહોવાહ પાસે એ માંગીએ. (લુક ૧૧:૧૩ વાંચો.) બીજું કે બાઇબલ વાંચીએ. (૨ તીમો. ૩:૧૬) ફક્ત બાઇબલ વાંચવાથી જ આપોઆપ યહોવાહની શક્તિ મળતી નથી. પણ તેમના વિચારોથી આપણું મન ઘડીએ. એ પણ સ્વીકારીએ કે ઈસુ દ્વારા યહોવાહ શક્તિ આપે છે. (કોલો. ૨:૬) એટલે ઈસુ પાસેથી શીખતા રહીએ. ઈસુને પગલે ચાલવા વધારેને વધારે પ્રયત્ન કરીએ. (૧ પીત. ૨:૨૧) એમ કરીશું તો યહોવાહ આપણને વધારેને વધારે શક્તિ આપશે.
૭. શેતાનના વિચારોની ઝેરી હવા કઈ રીતે બધે ફેલાયેલી છે?
૭ આ દુનિયામાં શેતાનના વિચારો ઝેરી હવાની જેમ બધે ફેલાયેલા છે. (એફેસી ૨:૧-૩ વાંચો.) કઈ રીતે? દુનિયામાં “દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર” બધે જ જોવા મળે છે. (૧ યોહા. ૨:૧૬) શેતાનની દુનિયા વ્યભિચાર, મૂર્તિપૂજા, મેલીવિદ્યા, અદેખાઈ, ક્રોધ અને ગુસ્સાથી ખદબદે છે. (ગલા. ૫:૧૯-૨૧) શેતાન લોકોને યહોવાહની આજ્ઞા તોડવા ઉશ્કેરે છે. અરે, લોકો ખુલ્લેઆમ યહોવાહ વિરુદ્ધ બોલે છે. (૨ તીમો. ૨:૧૪-૧૮) લોકો શેતાનને ઇશારે જેટલા વધારે નાચે, એટલા વધારે તેના જેવા બને છે.
૮. દરેકે શું પસંદ કરવાનું છે?
૮ એ દરેકે પસંદ કરવાનું છે કે આપણે યહોવાહના વિચાર પ્રમાણે જીવીશું કે પછી શેતાનના. અરે, જો કોઈ શેતાનની પકડમાં હોય તોપણ, યહોવાહની શક્તિ દ્વારા એમાંથી છૂટી શકે છે. અફસોસની વાત છે કે જેઓ યહોવાહને માર્ગે ચાલે છે, તેઓને પણ દુનિયાની ઝેરી હવા લાગી શકે છે. (ફિલિ. ૩:૧૮, ૧૯) ચાલો જોઈએ કે એનાથી બચવા આપણે શું કરવું જોઈએ.
‘શું મને ઝેરી હવા લાગી છે?’
૯-૧૧. કઈ રીતે પારખી શકીએ કે આપણને જગતની ઝેરી હવા લાગી છે કે કેમ?
૯ ખાણિયાઓને બચાવવા જનારાનો દાખલો ફરી વિચારો. તેઓને ખબર હતી કે ચકલી બેહોશ થાય કે તરત નાસી ન છૂટે તો તેઓનું આવી બન્યું. હવે આપણે દરેક પોતાને પૂછીએ: ‘હું કઈ રીતે પારખી શકું કે મને જગતની ઝેરી હવા લાગી છે કે નહિ?’
૧૦ તમે પહેલા-વહેલા યહોવાહ વિષે શીખ્યા ત્યારે કેવું લાગ્યું? બાપ્તિસ્મા પામ્યા પછી, તમે રોજ બાઇબલ વાંચતા. દિલ ખોલીને પ્રાર્થના કરતા. કોઈ મિટિંગ ચૂકતા નહિ ને એનો ભરપૂર આનંદ લેતા. એમ કરવાથી જગતની પકડમાંથી આઝાદ થયા.
૧૧ શું તમે હજુયે રોજ બાઇબલ વાંચો છો? (ગીત. ૧:૨) દિલથી પ્રાર્થના કરો છો? બધી મિટિંગમાં જાવ છો? (ગીત. ૮૪:૧૦) કે પછી ધીમે ધીમે સારી ટેવો બગડી ગઈ છે? જો એમ હોય, તો શું દુનિયાની ઝેરી હવા લાગી હોય શકે? ખરું કે મન મૂકીને યહોવાહની ભક્તિ કરવી સહેલું નથી, કેમ કે આપણા પર અનેક જવાબદારી હોય છે. એમાં આપણો મોટા ભાગનો સમય અને શક્તિ વપરાય જાય છે. તોયે ધ્યાન રાખીએ અને સારી ટેવો ફરીથી કેળવવા પૂરેપૂરો પ્રયત્ન કરીએ.
ખાવા-પીવામાં લિમિટ રાખીએ
૧૨. ઈસુએ ‘સાવધાન રહેવાનું’ શું કામ કહ્યું?
૧૨ શેતાનના જગતની ઝેરી હવાથી બચવા આપણે બીજું શું કરી શકીએ? ઈસુએ કહ્યું: ‘સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે. પણ હર વખત જાગતા રહો.’—લુક ૨૧:૩૪, ૩૫.
૧૩, ૧૪. ખાવા-પીવા વિષે કેવા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?
૧૩ ઈસુ કહેતા ન હતા કે ખાવા-પીવાનો આનંદ ન માણીએ. તેમને સુલેમાનના આ શબ્દો યાદ હતા: ‘પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં બીજું કંઈ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાય પીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.’ (સભા. ૩:૧૨, ૧૩) તોપણ ઈસુ જાણતા હતા કે જેને જગતની ઝેરી હવા લાગે, તેઓ ખાવા-પીવાની કોઈ લિમિટ રાખતા નથી.
૧૪ ઘણા લોકો ખાઉધરા અને દારૂડિયા હોય છે.b આપણા વિષે શું? આ પ્રશ્નોનો વિચાર કરીએ: ‘બાઇબલ અને આપણાં પુસ્તકો એ વિષે સલાહ આપે ત્યારે, મને કેવું લાગે છે? શું હું એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખું છું? શરાબ વિષે શું? લિમિટમાં પીઉં છું કે પછી કોઈ વાર “નશો” કરીને ધમાલ કરું છું? કોઈ મને એના વિષે કંઈ કહે તો હું ગુસ્સે થઈ જાઉં છું? એવું વિચારું છું એ તો બહુ કડક સલાહ કહેવાય! કે પછી કંઈ બહાનાં કાઢું છું? શું હું બીજાને પણ બહાના કાઢવા ઉત્તેજન આપું છું?’ ખાવા-પીવાની આદતો બતાવશે કે વ્યક્તિને જગતની ઝેરી હવાની અસર થઈ છે કે નહિ.—વધુ માહિતી: રૂમી ૧૩:૧૧-૧૪.
ખોટી ચિંતામાં ડૂબી ન જઈએ
૧૫. ઈસુએ કઈ સલાહ આપી અને શા માટે?
૧૫ જગતની ઝેરી હવા બીજી કઈ રીતે આપણને લાગી શકે? ખોટી ચિંતાથી. ખરું કે બધી જ ચિંતાઓ ખોટી નથી. જેમ કે, ‘યહોવાહની કૃપા પામવા મારે શું કરવું. કુટુંબની જવાબદારી સારી રીતે ઉપાડવા શું કરવું.’ (૧ કોરીં. ૭:૩૨-૩૪) ઈસુ જાણતા હતા કે મોટે ભાગે આપણે વધારે પડતી ખોટી ચિંતા કરીએ છીએ. એટલે તેમણે કહ્યું કે “ચિંતા ન કરો.” (માથ. ૬:૨૫) એમાંથી આપણે શું શીખીએ છીએ?
૧૬. લોકો શેતાનની કઈ ચાલમાં ફસાઈ જાય છે?
૧૬ તમારી પાસે જે હોય, એના પરથી આજે લોકો તમારી કિંમત કરે છે. એટલે બધાય સૌથી મોટી, સૌથી મોંઘી, લેટેસ્ટ ચીજ-વસ્તુઓ પાછળ દોડે છે. (નીતિ. ૧૮:૧૧) મોટા ભાગે લોકો શેતાનની એ ચાલમાં ફસાઈને, ખોટી ચિંતામાં ડૂબી જાય છે. આપણા વિષે શું? એવી ખોટી ચિંતા કરવાથી, આપણી શ્રદ્ધા ધીમે ધીમે ઠંડી પડી જશે.—માત્થી ૧૩:૧૮, ૨૨ વાંચો.
૧૭. ખોટી ચિંતાથી બચવા શું કરવું જોઈએ?
૧૭ ખોટી ચિંતાથી બચવા ઈસુની આ સલાહ માનીએ: “પહેલાં તેના [ઈશ્વરના] રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો.” એમ કરીશું તો યહોવાહ આપણી દેખભાળ કરશે. (માથ. ૬:૩૩) તેમનું ‘ન્યાયીપણું શોધવાનો’ શું અર્થ થાય? પૈસાની લેવડ-દેવડમાં ઇમાનદાર બનીએ. ખોટું બોલીને ટૅક્સ ભરવામાં ગોલમાલ નહિ કરીએ. વેપારધંધામાં પણ કાળું-ધોળું નહિ કરીએ. “હાનું હા” પાળીને, દેવું ચૂકવી દઈએ. (માથ. ૫:૩૭; ગીત. ૩૭:૨૧) ખરું કે ઇમાનદારીથી આપણે દુનિયાની નજરે અમીર નહિ બનીએ, પણ યહોવાહની નજરે અમીર બનીશું.
૧૮. ઈસુએ કયો દાખલો બેસાડ્યો? તેમના પગલે ચાલવાથી આપણને શું ફાયદો થશે?
૧૮ ચાલો હવે જોઈએ કે કઈ રીતે ‘ઈશ્વરના રાજ્યને પહેલાં શોધી’ શકીએ. ઈસુનો દાખલો લઈએ. તે સંન્યાસીની જેમ જીવતા ન હતા. તેમની પાસે સરસ મજાનો એક ઝભ્ભો હતો. (યોહા. ૧૯:૨૩) તે મિત્રો સાથે ખાવા-પીવાનો આનંદ માણતા. (માથ. ૧૧:૧૮, ૧૯) તોપણ યહોવાહની ભક્તિ જાણે ઈસુનું “અન્ન” હતી, બીજું બધું તો જાણે મરી-મસાલો. (યોહા. ૪:૩૪-૩૬) આપણે પણ ચીજ-વસ્તુઓ કે મોજશોખથી જ જીવન ભરી ન દઈએ. એના બદલે, ઈસુની જેમ તન-મન-ધનથી યહોવાહની ભક્તિ કરીએ. એનાથી આપણને કેવા આશીર્વાદો મળશે? યહોવાહ વિષે બીજાને શીખવવાનો આનંદ. મંડળનો પ્રેમ અને સાથ. સૌથી મહત્ત્વનું તો આપણી ભક્તિથી યહોવાહને થતો આનંદ! આ રીતે આપણે જેટલા યહોવાહની ભક્તિમાં તલ્લીન રહીશું, એટલા જગતની ઝેરી હવાથી દૂર રહીશું.
યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જીવીએ
૧૯-૨૧. યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જીવવા શું કરવું જોઈએ? એ પ્રમાણે કેમ જીવવું જોઈએ?
૧૯ ખોટાં કામ કરનારના વિચારો ખોટા હોય છે. એટલે જ આપણે વિચારો પર લગામ રાખીએ. પાઊલે ચેતવણી આપી કે “જેઓ માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે, તેઓનાં મન માનવી સ્વભાવના કાબૂમાં છે. જેઓ આત્મા [યહોવાહના માર્ગદર્શન] પ્રમાણે જીવે છે,” તેઓ એ રીતે ઘડાય છે.—રોમનો ૮:૫, કોમન લેંગ્વેજ.
૨૦ જગતના વિચારોની ઝેરી હવાથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ? આપણા મન પર કંટ્રોલ રાખીએ. દાખલા તરીકે, શું આપણે હિંસા કે સેક્સવાળી ફિલ્મો જોઈશું? ના, એ તો દિલોદિમાગમાં ગંદકી ફેલાવશે. એવી ગંદકીમાં યહોવાહ ક્યાંથી મદદ કરે! (ગીત. ૧૧:૫; ૨ કોરીં. ૬:૧૫-૧૮) આપણને યહોવાહની શક્તિ જોઈતી હોય તો શું કરવું જોઈએ? રોજ બાઇબલ વાંચવું. મનન કરવું. પ્રાર્થના કરવી. પ્રચારમાં જવું. કોઈ મિટિંગ ન ચૂકવી.
૨૧ શેતાનની દુનિયાના ઝેરી હવા જેવા વિચારો મનમાંથી સાવ કાઢી નાખીએ. એમાં આપણું જ ભલું છે. પાઊલે કહ્યું, “માનવી સ્વભાવને આધીન થતાં મરણ આવે છે; જ્યારે આત્માને [ઈશ્વરના માર્ગદર્શનને] આધીન થતાં જીવન તથા શાંતિ મળે છે.”—રોમનો ૮:૬, કોમન લેંગ્વેજ. (w08 9/15)
આપણને શું યાદ રહ્યું?
• કઈ રીતે યહોવાહની શક્તિ મળી શકે?
• દુનિયાની ઝેરી હવા આપણને કઈ રીતે લાગી શકે?
• જગતના વિચારોથી દૂર રહેવા શું કરવું જોઈએ?
[Footnotes]
a મૂળ હિબ્રૂ અને ગ્રીકમાંથી ગુજરાતી બાઇબલમાં ભાષાંતર થયેલો ‘આત્મા’ શબ્દ ખોટો અનુવાદ છે. આ લેખની કલમોમાં ‘આત્મા’ શબ્દ રાખવામાં આવ્યો છે. પણ મૂળ ભાષા પ્રમાણે આવો અર્થ થઈ શકે: શક્તિ, માર્ગદર્શન, વલણ.
b ખાઉધરાપણું એટલે શું? ખાઉધરી વ્યક્તિને ખાવાનો એટલો લોભ હોય છે કે ખાવામાં કોઈ લિમિટ ન રાખે. બધા જાડા માણસો ખાઉધરા હોતા નથી. અમુક બીમારીને કારણે કે વારસાને લીધે જાડા હોય છે. અરે સૂકલકડી માણસો પણ ખાઉધરા હોય શકે. વ્યક્તિના કદ પરથી કહી ન શકાય કે તે ખાઉધરી છે કે કેમ.—ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” નવેમ્બર ૧, ૨૦૦૪ જુઓ.