પ્રકરણ ૪૪
સરોવરના તોફાનને ઈસુ શાંત કરે છે
માથ્થી ૮:૧૮, ૨૩-૨૭ માર્ક ૪:૩૫-૪૧ લુક ૮:૨૨-૨૫
ઈસુ ગાલીલ સરોવરના તોફાનને શાંત કરે છે
ઈસુ માટે એ દિવસ લાંબો અને થકવી નાખનારો હતો. સાંજ થઈ ત્યારે, તેમણે શિષ્યોને કહ્યું: “ચાલો, આપણે સામે પાર જઈએ,” એટલે કે, કાપરનાહુમ વિસ્તારની સામેની પાર.—માર્ક ૪:૩૫.
ગાલીલ સરોવરના પૂર્વ કિનારા પર ગેરસાનીઓનો પ્રદેશ આવેલો હતો. એ વિસ્તાર દકાપોલીસ તરીકે પણ ઓળખાતો હતો. દકાપોલીસનાં શહેરો ગ્રીક સંસ્કૃતિથી ભરપૂર હોવા છતાં, એમાં ઘણા યહુદીઓ પણ રહેતા હતા.
ઈસુએ કાપરનાહુમ છોડ્યું, એ લોકોના ધ્યાન બહાર રહ્યું નહિ. એટલે, લોકોએ પણ હોડીઓમાં સરોવરની સામે પાર જવાનું શરૂ કર્યું. (માર્ક ૪:૩૬) આમ તો એ અંતર એટલું બધું ન હતું. ગાલીલ સરોવર વહેતાં પાણીનું મોટું સરોવર હતું, જે આશરે ૨૧ કિલોમીટર લાંબું અને વધારામાં વધારે ૧૨ કિલોમીટર જેટલું પહોળું હતું. પરંતુ, એ ઊંડું હતું.
ખરું કે ઈસુ સંપૂર્ણ હતા, પણ સેવાકાર્યની દોડધામમાં તેમને થાક લાગે એ સમજી શકાય. એટલે, હોડી વહેતી થઈ પછી તે હોડીના પાછળના ભાગમાં જઈ ઓશિકા પર માથું મૂકીને ઘસઘસાટ ઊંઘી ગયા.
તેમના કેટલાક પ્રેરિતો સારી રીતે હોડી હંકારી શકતા હતા, પણ આ મુસાફરી આસાન ન હતી. સરોવરની આસપાસ પહાડો હતા; ગાલીલ સરોવરની સપાટી પરની હવા ઘણી વાર ગરમ થઈ જતી. કોઈ કોઈ વાર પહાડો પરથી નીચે ઠંડો પવન વાતો અને પાણીની ગરમ સપાટીને મળતો; એના લીધે સરોવરમાં અચાનક, ભારે તોફાનો આવતાં. આ વખતે પણ એવું જ થયું. થોડી જ વારમાં હોડી સાથે જોરશોરથી મોજાં અથડાવાં લાગ્યાં. અરે, “હોડી પાણીથી ભરાવા લાગી અને તેઓ જોખમમાં આવી પડ્યા.” (લુક ૮:૨૩) તોપણ, ઈસુ ઘસઘસાટ ઊંઘતા હતા!
નાવિકોએ અગાઉ પણ તોફાનોમાં હોડી હંકારી હતી. એ અનુભવ વાપરીને તેઓ હોડીને કાબૂમાં રાખવા પૂરા જોમથી મથતા હતા. પણ, આ તોફાન કંઈક અલગ જ હતું. જીવ જોખમમાં આવી પડવાથી, તેઓએ ઈસુને જગાડ્યા અને કહેવા લાગ્યા: “પ્રભુ, બચાવો, આપણે ડૂબવાની તૈયારીમાં છીએ!” (માથ્થી ૮:૨૫) શિષ્યોને ડર પેસી ગયો કે હવે તો ચોક્કસ ડૂબી મરીશું!
ઈસુએ જાગીને પ્રેરિતોને કહ્યું: “તમે કેમ ગભરાઓ છો? તમારી શ્રદ્ધા કેમ ખૂટી ગઈ છે?” (માથ્થી ૮:૨૬) પછી, ઈસુએ પવન અને સરોવરને આજ્ઞા કરી: “ચૂપ! શાંત થઈ જા!” (માર્ક ૪:૩૯) તોફાની પવન થંભી ગયો અને સરોવર શાંત થઈ ગયું! (માર્ક અને લુકે પણ આ જોરદાર બનાવનું વર્ણન કર્યું. પણ, તેઓએ બતાવ્યું કે ઈસુએ પહેલા તો ચમત્કારથી તોફાન શાંત કર્યું, પછી શિષ્યોને તેઓની ખૂટી ગયેલી શ્રદ્ધા વિશે જણાવ્યું.)
કલ્પના કરો, શિષ્યો પર આની કેવી અસર પડી હશે! તેઓએ પોતાની સગી આંખે જોયું કે કઈ રીતે સરોવરમાં આવેલું ભારે તોફાન એકદમ શાંત થઈ ગયું. તેઓમાં ડર છવાઈ ગયો. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “આ ખરેખર કોણ છે? પવન અને સરોવર પણ તેમનું કહેવું માને છે.” આખરે, તેઓ સરોવરની સામે પાર સલામત રીતે આવી પહોંચ્યા. (માર્ક ૪:૪૧–૫:૧) તેઓ સાથે નીકળેલી બીજી હોડીઓ કદાચ પશ્ચિમ કિનારે પાછી વળી ગઈ હોય શકે.
એ જાણીને મનને કેટલી શાંતિ મળે છે કે ઈશ્વરના દીકરાને વાતાવરણ પર અધિકાર છે! ઈસુ પોતાના રાજમાં ધરતી તરફ પૂરેપૂરું ધ્યાન આપશે ત્યારે, બધા લોકો સલામતીમાં રહેશે, કેમ કે કોઈ પણ ભયાનક કુદરતી આફતો આવશે નહિ!