પ્રકરણ ૪૫
ઈસુને દુષ્ટ દૂતો પર સત્તા છે
માથ્થી ૮:૨૮-૩૪ માર્ક ૫:૧-૨૦ લુક ૮:૨૬-૩૯
ઈસુ દુષ્ટ દૂતોને માણસમાંથી કાઢીને ભૂંડોમાં મોકલે છે
શિષ્યો સરોવરના ભારે તોફાનમાંથી બચી ગયા પછી, માંડ માંડ કિનારે પહોંચ્યા; ત્યાં વળી તેઓને એક ડરામણો અનુભવ થયો. દુષ્ટ દૂતો વળગેલા બે હિંસક માણસો નજીકના કબ્રસ્તાનમાંથી નીકળી આવ્યા અને ઈસુ તરફ દોડ્યા! આ અહેવાલ તેઓમાંના એક પર ખાસ ધ્યાન દોરે છે, જે કદાચ વધારે હિંસક હતો અને લાંબા સમયથી દુષ્ટ દૂતોના કાબૂમાં હતો.
એ બિચારો કપડાં પહેર્યાં વગર રખડ્યા કરતો. તે રાત-દિવસ ‘કબ્રસ્તાનમાં બૂમો પાડ્યા કરતો અને પથ્થરોથી પોતાને ઈજા પહોંચાડતો.’ (માર્ક ૫:૫) તે એટલો ખતરનાક હતો કે લોકોને એ રસ્તે જવાની બીક લાગતી. અમુક લોકોએ તેને બાંધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે સાંકળો તોડી નાખતો અને તેના પગ પરની બેડીઓના ટુકડે-ટુકડા કરી નાખતો. તેને કાબૂમાં રાખવાની કોઈનામાં તાકાત ન હતી.
એ માણસ દોડીને ઈસુ પાસે આવ્યો અને તેમના પગે પડ્યો; જે દુષ્ટ દૂતોએ તેને કાબૂમાં રાખ્યો હતો, તેઓએ તેની પાસે મોટા અવાજે બૂમ પડાવી: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને ઈશ્વરના સોગંદ દઉં છું કે મને પીડા આપીશ નહિ.” ઈસુને દુષ્ટ દૂતો પર સત્તા હતી, એ બતાવતા તેમણે હુકમ કર્યો: “ઓ ખરાબ દૂત, એ માણસમાંથી બહાર નીકળ.”—માર્ક ૫:૭, ૮.
હકીકતમાં, એ માણસને ઘણા દુષ્ટ દૂતો વળગેલા હતા. ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું?” જવાબ હતો કે, “મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ.” (માર્ક ૫:૯) રોમન સેના હજારો સૈનિકોની બનેલી હતી. એટલે સમજી શકાય કે આ માણસને ઘણા દુષ્ટ દૂતો હેરાન કરતા અને તેને થતી પીડાની મજા ઉઠાવતા. તેઓએ ઈસુને કાલાવાલા કર્યા કે, “તેઓને અનંત ઊંડાણમાં જવાની આજ્ઞા ન કરે.” તેઓ જાણતા હતા કે તેઓનું અને તેઓના આગેવાન શેતાનનું ભાવિ કેવું છે.—લુક ૮:૩૧.
ત્યાં નજીકમાં લગભગ ૨,૦૦૦ ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું; નિયમશાસ્ત્ર પ્રમાણે ભૂંડ અશુદ્ધ પ્રાણી ગણાતું અને યહુદીઓ ભૂંડો રાખતા પણ નહિ. દુષ્ટ દૂતોએ કહ્યું: “અમને ભૂંડોમાં જવાની રજા આપ, જેથી અમે તેઓમાં દાખલ થઈએ.” (માર્ક ૫:૧૨) ઈસુએ તેઓને જવા દીધા અને તેઓ ભૂંડોમાં દાખલ થયા. એટલે, ૨,૦૦૦ ભૂંડોએ ટેકરીની ધાર પરથી દોટ મૂકી અને નીચે સરોવરમાં ડૂબી મર્યાં.
એ જોઈને ભૂંડો ચરાવનારા માણસોએ દોડી જઈને શહેરમાં અને સીમમાં એના વિશે ખબર આપી. લોકો જોવા આવ્યા કે શું થયું. તેઓએ આવીને જોયું તો, જે માણસમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા, તે સાજો થયો હતો અને સમજદારીથી વર્તતો હતો. અરે, તેણે કપડાં પહેર્યાં હતાં અને ઈસુના ચરણે બેઠો હતો!
જે લોકોએ આ સાંભળ્યું અથવા એ માણસને જોયો, તેઓમાં ડર છવાઈ ગયો, કેમ કે તેઓને સમજ ન પડી કે આ બધાનો અર્થ શું થાય. તેઓએ ઈસુને એ વિસ્તારમાંથી ચાલ્યા જવાની અરજ કરી. ઈસુ હોડીમાં જવા લાગ્યા ત્યારે, જે માણસને અગાઉ દુષ્ટ દૂતો વળગેલા હતા તે આવ્યો. તેણે તેમની સાથે જવાની વિનંતી કરી. પરંતુ, ઈસુએ તેને જણાવ્યું: “ઘરે તારાં સગાઓ પાસે જા અને યહોવાએ તારા માટે જે કંઈ કર્યું છે અને તારા પર જે દયા બતાવી છે, એ વિશે તેઓને જણાવ.”—માર્ક ૫:૧૯.
ઈસુ જેઓને સાજા કરતા, તેઓને એ વિશે કોઈને કહેવાની મોટા ભાગે ના પાડતા. ઈસુ એવું ચાહતા ન હતા કે લોકો આવા બનાવોને લીધે લાગણીમાં તણાઈ જઈને તેમના પર શ્રદ્ધા મૂકે. પણ આ કિસ્સામાં, જે માણસને અગાઉ દુષ્ટ દૂતો વળગેલા હતા, તે પોતે જીવતી-જાગતી સાબિતી હતો કે ઈસુ પાસે યહોવાની શક્તિ હતી; એ માણસ એવા લોકોને સાક્ષી આપી શકે, જેઓને ઈસુ પોતે મળી શકવાના ન હતા. ભૂંડો માર્યાં જવાની ખબરથી ગુસ્સે ભરાયેલા લોકોને પણ એ માણસની સાક્ષીથી મદદ મળી શકે. એટલે, એ માણસ ગયો અને ઈસુએ તેના માટે જે કર્યું હતું, એ આખા દકાપોલીસમાં જણાવવા લાગ્યો.