પાઠ ૧૭
ઈસુમાં કેવા ગુણો છે?
ઈસુએ જે વાતો કહી અને જે કામો કર્યાં, એનાથી જોવા મળે છે કે તેમનામાં કેવા સુંદર ગુણો છે. એ ગુણો વિશે શીખીશું તો આપણને પણ ઈસુ અને તેમના પિતા યહોવા સાથે દોસ્તી કરવાનું મન થશે. ઈસુમાં કેવા કેવા ગુણો છે? આપણે કઈ રીતે તેમના પગલે ચાલી શકીએ? ચાલો જોઈએ.
૧. ઈસુ કઈ રીતે તેમના પિતા જેવા છે?
ઈસુ અબજો વર્ષો સુધી તેમના પિતા યહોવા સાથે સ્વર્ગમાં હતા અને તેમની પાસેથી ઘણી વાતો શીખ્યા હતા. એટલે ઈસુ તેમના પિતા યહોવાની જેમ જ વિચારે છે અને કામ કરે છે. તેમનામાં પણ યહોવા જેવી જ લાગણીઓ છે. (યોહાન ૫:૧૯ વાંચો.) ઈસુ એ હદે પોતાના પિતા જેવા છે કે તેમણે કહ્યું: “જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” (યોહાન ૧૪:૯) એટલે જો ઈસુને ઓળખીશું, તો યહોવાને પણ સારી રીતે ઓળખી શકીશું. દાખલા તરીકે, ઈસુ દયાળુ હતા અને લોકોની ખૂબ કાળજી રાખતા હતા. એ બતાવે છે કે યહોવા પણ દયાળુ છે અને તમારી ખૂબ જ કાળજી રાખે છે.
૨. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે યહોવાને ખૂબ પ્રેમ કરે છે?
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે દરેક સંજોગમાં પોતાના પિતા યહોવાની આજ્ઞાઓ પાળી. અરે, અઘરા સંજોગોમાં પણ તેમણે યહોવાનું કહ્યું કર્યું. આમ તેમણે બતાવ્યું કે તે યહોવાને ખૂબ જ પ્રેમ કરે છે. ઈસુએ કહ્યું: “દુનિયાને જાણ થાય કે હું પિતા પર પ્રેમ રાખું છું, એ માટે હું પિતાની આજ્ઞા પ્રમાણે જ કરું છું.” (યોહાન ૧૪:૩૧) ઈસુને પોતાના પિતા વિશે વાત કરવી ખૂબ ગમતું હતું અને તે લોકોને યહોવાના દોસ્ત બનવા મદદ કરતા હતા.—યોહાન ૧૪:૨૩.
૩. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે લોકોને પ્રેમ કરે છે?
બાઇબલ કહે છે, ઈસુ ‘મનુષ્યોને ખૂબ ચાહે છે.’ (નીતિવચનો ૮:૩૧) ઈસુએ કઈ રીતે લોકો માટે પ્રેમ બતાવ્યો? તેમણે તેઓની હિંમત વધારી અને તેઓને મદદ કરવા બનતું બધું કર્યું. તેમણે ઘણા ચમત્કારો પણ કર્યા. એ ચમત્કારો તેમણે પોતાની શક્તિ બતાવવા જ નહિ, તે લોકોની તકલીફો સમજે છે એ બતાવવા પણ કર્યા. (માર્ક ૧:૪૦-૪૨) તે લોકોને માન આપતા અને કોઈની સાથે ભેદભાવ ન કરતા. તેમણે પોતાના શબ્દોથી નમ્ર લોકોને દિલાસો આપ્યો, એક આશા આપી. તે લોકોને એટલો બધો પ્રેમ કરતા હતા કે તેમણે તેઓ માટે પોતાનો જીવ પણ આપી દીધો. ઈસુ આજે પણ બધાને પ્રેમ કરે છે, ખાસ કરીને એવા લોકોને જેઓ યહોવાની આજ્ઞા પાળે છે.—યોહાન ૧૫:૧૩, ૧૪ વાંચો.
વધારે જાણો
ઈસુનો સ્વભાવ કેવો છે? આપણે કઈ રીતે તેમની જેમ બીજાઓને પ્રેમ કરી શકીએ અને ઉદાર બની શકીએ? ચાલો જોઈએ.
૪. ઈસુ પોતાના પિતાને પ્રેમ કરે છે
ઈસુના દાખલાથી જોવા મળે છે કે તે ઈશ્વરને ખૂબ પ્રેમ કરે છે. એ પણ શીખવા મળે છે કે આપણે કઈ રીતે યહોવાને પ્રેમ બતાવી શકીએ. લૂક ૬:૧૨ અને યોહાન ૧૫:૧૦; ૧૭:૨૬ વાંચો. દરેક કલમ વાંચ્યા પછી આ સવાલ પૂછો:
ઈસુની જેમ કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ?
૫. ઈસુને બીજાઓની ચિંતા છે
ઈસુ પોતાના કરતાં બીજાઓની વધારે ચિંતા કરતા. એકવાર તે ખૂબ થાકી ગયા હતા. પણ તેમણે લોકો માટે સમય કાઢ્યો અને તેઓને મદદ કરી. માર્ક ૬:૩૦-૪૪ વાંચો. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:
૬. ઈસુ ખૂબ ઉદાર છે
ઈસુ પાસે બહુ વસ્તુઓ ન હતી. પણ તેમની પાસે જે કંઈ હતું, એ તે દિલ ખોલીને આપતા હતા. તે ચાહે છે કે આપણે પણ ઉદાર બનીએ. પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:
ઈસુએ કહ્યું તેમ આપણે ખુશી મેળવવા શું કરવું જોઈએ?
વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
ભલે આપણી પાસે બહુ વસ્તુઓ ન હોય, પણ આપણે કઈ રીતે દિલ ખોલીને બીજાઓની મદદ કરી શકીએ?
જાણવા જેવું
બાઇબલમાં જણાવ્યું છે કે આપણે ઈસુના નામમાં યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. (યોહાન ૧૬:૨૩, ૨૪ વાંચો.) એમ કરીને આપણે ઈસુનો આભાર માનીએ છીએ. કેમ કે તેમણે જે કર્યું એના લીધે જ આપણે યહોવાને સારી રીતે ઓળખી શક્યા છીએ અને તેમના દોસ્ત બની શક્યા છીએ.
અમુક લોકો કહે છે: “આપણાં દુઃખોથી ભગવાનને ક્યાં ફરક પડે છે?”
ઈસુએ પૃથ્વી પર જે કર્યું એનાથી કઈ રીતે જાણવા મળે છે કે યહોવાને આપણી ચિંતા છે?
આપણે શીખી ગયા
ઈસુ યહોવાને અને લોકોને ખૂબ જ પ્રેમ કરે છે. તેમનો સ્વભાવ યહોવા જેવો જ છે. એટલે જો ઈસુને સારી રીતે ઓળખીશું, તો યહોવાને પણ સારી રીતે ઓળખી શકીશું.
તમે શું કહેશો?
ઈસુની જેમ આપણે કઈ રીતે યહોવાને પ્રેમ બતાવી શકીએ?
ઈસુની જેમ આપણે કઈ રીતે લોકોને પ્રેમ બતાવી શકીએ?
ઈસુનો કયો ગુણ તમને સૌથી વધારે ગમ્યો?
વધારે માહિતી
ચાલો ઈસુના અમુક ગુણો પર ધ્યાન આપીએ, જેથી તેમના પગલે ચાલી શકીએ.
“ઈસુને પગલે ચાલવા . . .” (ઈસુ—માર્ગ, સત્ય અને જીવન, પાન ૩૧૭)
જાણો કે ઈસુના નામમાં કેમ પ્રાર્થના કરવી જોઈએ.
શું બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમનો દેખાવ કેવો હતો?
ઈસુ સ્ત્રીઓ સાથે જે રીતે વર્ત્યા, એમાંથી આપણે શું શીખી શકીએ?
“ઈશ્વર ચાહે છે કે સ્ત્રીઓ સાથે માનથી વર્તવામાં આવે” (ચોકીબુરજ, ઑક્ટોબર ૧, ૨૦૧૨)