શું તમે ઈસુ જેવા બની રહ્યા છો?
“તેણે . . . અતિ ઘણા લોકને દીઠા, ને તેને તેઓ પર કરુણા આવી, કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે શિખવવા લાગ્યો.”—માર્ક ૬:૩૪.
ઇતિહાસમાં ઘણા લોકોએ સુંદર ગુણો બતાવ્યા છે. એનું કારણ એ છે કે, મનુષ્યોને દેવની પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવ્યા છે. યહોવાહ દેવ પ્રેમ, દયા, ઉદારતા અને એવા અનેક ગુણો ધરાવે છે. તેથી, ઘણા લોકો પ્રેમ, માયાળુપણું, અને દયા જેવા દેવના ગુણો બતાવે છે. અમુક લોકો સારું અંતઃકરણ પણ ધરાવતા હોય છે. (ઉત્પત્તિ ૧:૨૬; રૂમી ૨:૧૪, ૧૫) તમે એ પણ જોયું હશે કે કેટલાક લોકો બીજાઓ કરતાં વધુ પ્રમાણમાં આ ગુણો બતાવતા હોય છે.
૨ તમે એવા લોકોને જાણતા હશો જેઓ બીમાર લોકોની મુલાકાત લે છે, તેઓને મદદ કરે છે, અપંગો પ્રત્યે દયા બતાવે છે, ગરીબોને દાન આપે છે. એવા લોકો પણ છે જેઓ દયાથી પ્રેરાઈને આખું જીવન રક્તપિત્ત થયેલા લોકો કે અનાથોની સેવામાં ગાળે છે. ઘણા હૉસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે. ઘણા ઘર વિનાના અથવા બીજા દેશોમાંથી નાસી છૂટેલા લોકોને મદદ કરે છે. ઘણા માને છે કે તેઓ ઈસુ જેવા બની રહ્યા છે જેમણે ખ્રિસ્તીઓ માટે નમૂનો બેસાડ્યો. આપણે બાઇબલમાં વાંચીએ છીએ કે ખ્રિસ્તે માંદાઓને સાજા કર્યા અને ભૂખ્યાને ભોજન આપ્યું. (માર્ક ૧:૩૪; ૮:૧-૯; લુક ૪:૪૦) ઈસુનો પ્રેમ અને દયા આપણને “ખ્રિસ્તનું મન” બતાવે છે, જે તેમના પિતાને પગલે ચાલી રહ્યા હતા.—૧ કોરીંથી ૨:૧૬.
૩ છતાં, ઈસુના પ્રેમ અને દયાથી પ્રેરાયેલા ઘણા લોકો ખ્રિસ્તના મનનું મુખ્ય પાસું ચૂકી ગયા છે? માર્કના છઠ્ઠા અધ્યાયમાં આપણે એની સમજ મેળવી શકીએ. આપણે ત્યાં વાંચીએ છીએ કે લોકો માંદાઓને સાજા કરવા ઈસુની પાસે લાવે છે. તેમ જ, તેમની પાસે આવનારા હજારો લોકો ભૂખ્યા થાય છે ત્યારે, ઈસુ ચમત્કાર કરીને તેઓને ખવડાવે છે. (માર્ક ૬:૩૫-૪૪, ૫૪-૫૬) માંદાઓને સાજા કરવા અને ભૂખ્યાઓને ભોજન આપવું એ ખરેખર દયાળુ કાર્ય છે. પરંતુ શું ઈસુએ લોકોને ફક્ત એ જ રીતે મદદ કરી હતી? આપણે કઈ રીતે તેમના જેવા માયાળુ અને દયાળુ બની શકીએ, અને એમ યહોવાહ દેવને અનુસરી શકીએ?
આત્મિક જરૂરિયાતો પૂરી પાડી
૪ ઈસુને લોકો પર ઘણી દયા આવી, કારણ કે તે તેઓની આત્મિક જરૂરિયાતો જાણતા હતા. એ શારીરિક જરૂરિયાતો કરતાં વધુ મહત્ત્વની હતી. માર્ક ૬:૩૦-૩૪નો અહેવાલ વાંચો. એ બનાવ ગાલીલના સમુદ્રકાંઠે, ૩૨ સી.ઈ.માં પાસ્ખાપર્વ પાસે હતું ત્યારે બન્યો હતો. પ્રેષિતો ઘણા જ ખુશ હતા, કારણ કે તેઓ લાંબી યાત્રા પૂરી કરીને ઈસુ પાસે આવ્યા હતા. પોતાના અનુભવો કહેવા તેઓ ઘણા જ આતુર હતા. જોકે, ત્યાં મોટું ટોળું ભેગું થયું હતું. તેથી, ઈસુ અને તેમના શિષ્યો જમી કે આરામ લઈ શક્યા નહિ. ઈસુએ પ્રેષિતોને કહ્યું: “તમે પોતે ઉજ્જડ ઠેકાણે એકાંતમાં આવો, ને થોડો વિસામો લો.” (માર્ક ૬:૩૧) કાપરનાહુમ પાસેથી એક હોડીમાં તેઓ ગાલીલના સમુદ્રની સામી બાજુએ એક શાંત જગ્યાએ ગયા. પરંતુ લોકો કિનારે કિનારે દોડીને હોડી કરતાં પણ વહેલા ત્યાં પહોંચી ગયા. તેઓને ત્યાં જોઈને ઈસુને કેવું લાગ્યું? પોતાના આરામમાં ભંગ પડવાથી શું તે ગુસ્સે થઈ ગયા? બિલકુલ નહિ!
૫ બીમાર લોકો સહિત, હજારો ઈસુની રાહ જોઈ રહ્યા હતા. તેઓને જોઈ ઈસુને ખૂબ દયા આવી. (માત્થી ૧૪:૧૪; માર્ક ૬:૪૪) ઈસુના હૃદયમાં ઉભરાયેલી દયા વિષે લખતા માર્કે કહ્યું: “તેણે . . . અતિ ઘણા લોકને દીઠા, ને તેને તેઓ પર કરુણા આવી, કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે શિખવવા લાગ્યો.” (માર્ક ૬:૩૪) ઈસુએ ફક્ત લોકોનું ટોળું જ ન જોયું. તેમણે તેઓની આત્મિક જરૂરિયાત જોઈ. તેઓની હાલત ખોવાયેલાં ઘેટાં જેવી હતી, જેઓની દેખરેખ કરનાર કોઈ ન હતું. તેઓની જરૂરિયાત પૂરી પાડનાર કે રક્ષણ આપનાર કોઈ ઘેટાંપાળક ન હતો. ઈસુ જાણતા હતા કે તેઓના ધર્મગુરુઓએ ખરી રીતે તો કાળજી રાખનાર ઘેટાંપાળક બનવું જોઈતું હતું. પરંતુ તેઓ નિર્દય નીકળ્યા. તેઓને સામાન્ય લોકો પ્રત્યે નફરત હતી, અને તેઓની આત્મિક જરૂરિયાતો પૂરી પાડી નહિ. (હઝકીએલ ૩૪:૨-૪; યોહાન ૭:૪૭-૪૯) એને બદલે, ઈસુએ લોકોને દયા બતાવી અને તેઓની સંભાળ રાખી. તેમણે તેઓને દેવના રાજ્ય વિષે શીખવવાનું શરૂ કર્યું.
૬ લુકે પણ આ બનાવ વિષે લખ્યું. તે પોતે ડૉક્ટર હતા, અને લોકોની સારવારમાં ઘણો જ રસ ધરાવતા હતા. તેમણે શાના પર વધુ ભાર આપ્યો? “ઘણા લોકો તેની [ઈસુની] પછવાડે ગયા; અને તેણે તેઓનો આવકાર કરીને તેઓને દેવના રાજ્ય સંબંધી વાત કરી, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યાં.” (ત્રાંસા અક્ષરો અમારા છે.) (લુક ૯:૧૧; કોલોસી ૪:૧૪) દરેક ચમત્કારનો અહેવાલ આવી માહિતી જણાવતો નથી. પરંતુ, આ પ્રેરિત અહેવાલમાં લુક પ્રથમ શું નોંધે છે? તેમણે નોંધ્યું કે ઈસુએ લોકોને શીખવ્યું.
૭ માર્ક ૬:૩૪ પણ એના પર ભાર મૂકે છે. એ કલમ સ્પષ્ટ કરે છે કે ઈસુએ ખાસ કઈ રીતે દયા બતાવી. લોકોની આત્મિક જરૂરિયાતો પૂરી પાડવા, તેમણે તેઓને શિક્ષણ આપ્યું. અમુક સમય અગાઉ, ઈસુએ કહ્યું હતું: “મારે બીજાં શહેરોમાં પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમકે એ સારૂ મને મોકલવામાં આવ્યો છે.” (લુક ૪:૪૩) છતાં, આપણે એમ ધારી લેવું ન જોઈએ કે, ઈસુએ રાજ્યનો પ્રચાર નામ પૂરતો કર્યો હતો. ના, તેમણે લોકો માટે ઊંડા પ્રેમના કારણે સુસમાચાર જણાવ્યા હતા. એ મહત્વનું હતું કે ભૂતોથી અસર પામેલા, બીમાર, ગરીબ અને ભૂખ્યા લોકો પણ દેવને ચાહવા અને તેમના રાજ્યનો સ્વીકાર કરવા મદદ પામે. એ ઘણું મહત્ત્વનું હતું, કારણ કે ફક્ત યહોવાહનું રાજ્ય તેમની સર્વોપરિતા દોષમુક્ત કરે છે, અને મનુષ્યો માટે કાયમી આશીર્વાદો લાવે છે.
૮ ઈસુ પૃથ્વી પર આવ્યા એનું મુખ્ય કારણ એ હતું કે, દેવના રાજ્યનો પ્રચાર કરે. પૃથ્વી પરના સેવાકાર્યના અંત સમયે ઈસુએ પીલાતને કહ્યું: “એજ માટે હું જનમ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું; જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.” (યોહાન ૧૮:૩૭) અગાઉના બે લેખોમાં આપણે જોયું કે ઈસુનો સ્વભાવ બહુ સારો હતો. તે કાળજી લેનાર, બીજાની લાગણી ધ્યાનમાં રાખનાર, ભરોસાપાત્ર અને ખૂબ પ્રેમાળ હતા. તેથી, લોકો તેમની પાસે જતા અચકાતા નહિ. આપણે સાચે જ ખ્રિસ્તનું મન સમજવા માગતા હોઈએ તો, તેમના એ ગુણોની કદર કરવી જોઈએ. તેમ જ, તેમની જેમ પ્રચાર અને શિક્ષણ કાર્યને પ્રથમ મૂકવું જોઈએ.
પ્રચાર કરવા શિષ્યોને ઉત્તેજન
૯ પ્રેમ અને દયાથી પ્રેરાઈને ઈસુએ પોતે જ પ્રચાર અને શિક્ષણ કાર્યને પ્રથમ મૂક્યું નહિ. પરંતુ, તેમણે શિષ્યોને પણ પોતાના જેવા બનવા ઉત્તેજન આપ્યું. તમને યાદ છે કે બાર પ્રેષિતોની પસંદગી પછી તેઓએ શું કરવાનું હતું? માર્ક ૩:૧૪, ૧૫ જણાવે છે: “તેણે બારને નીમ્યા. એ માટે કે તેઓ તેની સાથે રહે, અને તે તેમને ઉપદેશ કરવા મોકલે, અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાઢે.” (ત્રાંસા અક્ષરો અમારા છે.) અહીં શું પ્રથમ મૂકવામાં આવ્યું છે?
૧૦ સમય જતાં, ઈસુએ બાર પ્રેષિતોને પણ બીજાઓને સાજાં કરવાનો અને ભૂતોને કાઢવાનો અધિકાર આપ્યો. (માત્થી ૧૦:૧; લુક ૯:૧) પછી તેમણે તેઓને “ઈસ્રાએલના ખોવાયેલાં ઘેટાં” પાસે મોકલ્યા. ઈસુએ તેઓને સૂચના આપી: “તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો, કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માંદાંઓને સાજાં કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને ઉઠાડો, ભૂતોને કાઢો.” (માત્થી ૧૦:૫-૮; લુક ૯:૨) આમ, તેઓએ શું કર્યું? “તેઓએ નીકળીને [૧] એવો ઉપદેશ કર્યો, કે પસ્તાવો કરો. અને [૨] તેઓએ ઘણાં ભૂતો કાઢ્યાં, ને ઘણાં માંદાંઓને તેલ ચોળીને તેઓને સાજાં કર્યાં.”—માર્ક ૬:૧૨, ૧૩.
૧૧ જોકે, દરેક કિસ્સામાં શિક્ષણ કાર્યને પ્રથમ મૂકવામાં આવ્યું નથી. તેથી, શું આપણે એમ માની લેવું જોઈએ કે એ એટલું મહત્વનું નથી? (લુક ૧૦:૧-૯) આપણે ભૂલવું જોઈએ નહિ કે, બાઇબલ વારંવાર માંદાઓને સાજા કરવાથી શિક્ષણને આગળ મૂકે છે. આ અહેવાલ વિષે વિચાર કરો. બાર પ્રેષિતોને પ્રચાર માટે મોકલ્યા, એના થોડા સમય પહેલાં જ લોકોની દશાથી ઈસુને દયા આવી હતી. આપણે વાંચીએ છીએ: “ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતો, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો, ને હરેક પ્રકારનો રોગ તથા હરેક પ્રકારની બીમારી ટાળતો, સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો. અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી; કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા હતા. ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે, કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.”—માત્થી ૯:૩૫-૩૮.
૧૨ ઈસુની સાથે હોવાથી પ્રેષિતો કંઈક અંશે ખ્રિસ્તનું મન પ્રાપ્ત કરી શક્યા. તેઓ સમજી શક્યા કે લોકો પ્રત્યે પ્રેમ અને દયા બતાવવી એ તેઓનાં સારાં કાર્યોનું મુખ્ય પાસું છે. એમાં દેવના રાજ્ય વિષે પ્રચાર અને શિક્ષણનો સમાવેશ થાય છે. એની સાથે સાથે શારીરિક રીતે પણ મદદ કરી, જેમ કે બીમાર લોકોને સાજાં કર્યાં. આ રીતે ફક્ત જરૂરિયાત પૂરી પાડવાથી વધુ કરવામાં આવ્યું. તમે કલ્પના કરી શકો કે, કેટલાક લોકોને સાજાપણું અને ચમત્કારથી મળતા ભોજનમાં જ રસ હોય શકે. (માત્થી ૪:૨૪, ૨૫; ૮:૧૬; ૯:૩૨, ૩૩; ૧૪:૩૫, ૩૬; યોહાન ૬:૨૬) છતાં, ચમત્કારોએ લોકોને એ પારખવા મદદ કરી કે, ઈસુ એ દેવના પુત્ર હતા, જેમને મુસાએ “પ્રબોધક” કહ્યા હતા.—યોહાન ૬:૧૪; પુનર્નિયમ ૧૮:૧૫.
૧૩ ઈસુ “પ્રબોધક” હતા એ શા માટે મહત્ત્વનું હતું? ભવિષ્યવાણી પ્રમાણે, ઈસુની મુખ્ય ભૂમિકા કઈ હતી? શું ફક્ત લોકોને સાજાં કરવા, અને ભૂખ્યાને ભોજન આપવાના ચમત્કારો કરીને ‘પ્રબોધકે’ જાણીતા થવાનું હતું? પુનર્નિયમ ૧૮:૧૮ ભાખે છે: “હું તેમને સારૂ તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ; અને હું મારાં વચનો તેના મુખમાં મૂકીશ, ને જે સર્વ હું તેને ફરમાવું તે તે તેઓને કહેશે.” પ્રેષિતો પણ કોમળ લાગણી બતાવતા શીખ્યા. છતાં, તેઓને ખબર હતી કે ખ્રિસ્તનું મન તેઓના પ્રચાર અને શિક્ષણ કાર્યમાં દેખાઈ આવવું જોઈએ. તેઓ લોકો માટે કરી શકે, એવી સૌથી સારી બાબત એ જ હતી. એનાથી, બીમાર અને ગરીબ લોકોને એક ટંકનું ભોજન કે ટૂંકું જીવન જ નહિ, પણ કાયમી લાભ મળી શકે.—યોહાન ૬:૨૬-૩૦.
આજે ખ્રિસ્તનું મન વિકસાવો
૧૪ પ્રથમ સદી માટે, એટલે કે ઈસુ અને તેમના શિષ્યો માટે જ ખ્રિસ્તનું મન હતું એવું નથી. તેથી, પ્રેષિત પાઊલે લખ્યું: “અમને તો ખ્રિસ્તનું મન છે.” (૧ કોરીંથી ૨:૧૬) આપણે ખુશીથી સ્વીકારીએ છીએ કે, પ્રચાર કરીને, શિષ્ય બનાવવાની આજ્ઞા આપણને પણ આપવામાં આવી છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) તોપણ, આપણો હેતુ સ્પષ્ટ દેખાઈ આવવો જોઈએ. એ ફક્ત કરવા પૂરતુ જ નહિ, પણ એનું મુખ્ય કારણ દેવ માટેનો આપણો પ્રેમ હોવો જોઈએ. તેમ જ, ઈસુની જેવા બનવામાં દયાથી પ્રેરાઈને પ્રચાર કરવાનો અને શિક્ષણ આપવાનો પણ સમાવેશ થાય છે.—માત્થી ૨૨:૩૭-૩૯.
૧૫ ખરું કે લોકોની માન્યતા અલગ હોય, તેઓને કંઈ પડી ન હોય, કે વિરોધ કરતા હોય ત્યારે, દયા બતાવવી સહેલું નથી. તોપણ, આપણે લોકો માટેનો પ્રેમ અને દયા ગુમાવી દઈશું તો, આપણી ખ્રિસ્તી સેવાનો સૌથી મહત્ત્વનો હેતુ ગુમાવી બેસીશું. એમ હોય તો, આપણે કઈ રીતે દયા રાખવાનું શીખી શકીએ? આપણે લોકોને ઈસુની નજરે જોઈએ. તેમણે જોયું કે તેઓ “પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા હતા.” (માત્થી ૯:૩૬) શું આજે પણ ઘણા લોકો એવા જ નથી? જૂઠા ધર્મગુરુઓએ લોકોની દેખરેખ રાખી નથી, અને તેઓને અંધારામાં રાખ્યા છે. તેથી, તેઓ બાઇબલના જ્ઞાનથી અજાણ છે. એટલું જ નહિ, પણ દેવનું રાજ્ય જલદી જ પૃથ્વી પર સુખ-શાંતિ લઈ આવશે, એ વિષે પણ તેઓ જાણતા નથી. તેઓ દેવના રાજ્યની આશા વિના ગરીબી, કૌટુંબિક અશાંતિ, બીમારી અને મરણ જેવા દુઃખો સહન કરતા જાય છે. તેઓ માટે ખૂબ જ જરૂરી સંદેશ આપણી પાસે છે: સ્વર્ગમાં સ્થપાયેલા દેવના રાજ્યના સુસમાચાર જે જીવન બચાવે છે!
૧૬ તેથી, તમારી આસપાસના લોકોની આત્મિક જરૂરિયાતો વિષે વિચારો. શું તમારું હૃદય પ્રેરણા આપતું નથી કે, દેવના પ્રેમાળ હેતુ વિષે તેઓને જણાવવા બનતું બધું જ કરો? હા, આપણે દયા બતાવવાની છે. ઈસુની જેમ આપણને લોકો માટે લાગણી હશે તો, એ આપણી વાણી અને વર્તનથી, તથા જે રીતે શિક્ષણ આપીએ, એમાં દેખાઈ આવશે. આ સર્વથી આપણા સંદેશાની ‘અનંતજીવનને સારૂ નિર્માણ થએલા’ લોકો પર વધુ અસર પડશે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.
૧૭ ખરેખર, આપણે પ્રેમ અને દયાથી જીવવું જોઈએ. આપણે દુઃખી, બીમાર અને ગરીબ લોકો સાથે પ્રેમથી વર્તવું જોઈએ. તેમ જ, આપણે બની શકે એ કરીને તેઓના દુઃખમાં રાહત આપવી જોઈએ. વળી, જેઓનાં પ્રિયજન મરણ પામ્યા છે, તેઓને એ દુઃખ સહન કરવા પણ મદદ કરીએ. (લુક ૭:૧૧-૧૫; યોહાન ૧૧:૩૩-૩૫) તોપણ, કેટલાક માનવ ધર્મમાં માનનારાની જેમ પ્રેમ, દયાભાવ, અને માયાળુપણું બતાવવું, એ જ કંઈ બધુ નથી. પરંતુ, એ દૈવી ગુણોથી પ્રેરાઈને એવા કાર્યો કરવા, જેનાથી લોકોને કાયમી લાભ મળી શકે. એ કાર્યો છે, દેવના રાજ્યનો પ્રચાર કરવો અને શિક્ષણ આપવું. યહુદી ધર્મગુરુઓ વિષે ઈસુએ જે કહ્યું હતું, એ યાદ કરો: “ફૂદીનાનો તથા સૂવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની મોટી વાતો, એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, ને એ પડતાં મૂકવાં જોઈતાં ન હતાં.” (માત્થી ૨૩:૨૩) ઈસુએ બેમાંથી એક જ કરવાનું કહ્યું નહિ. એટલે કે, લોકોની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવી, અથવા જીવન બચાવનાર શિક્ષણ આપવું. ના, તેમણે પોતે બંને પ્રકારનાં કાર્યો કર્યાં. છતાં, એ સ્પષ્ટ છે કે, શિક્ષણ કાર્ય પ્રથમ હતું, કારણ કે એનાથી લોકોને કાયમી મદદ મળી શકી.—યોહાન ૨૦:૧૬.
૧૮ આપણે ખૂબ જ આભારી છીએ કે યહોવાહે આપણને ખ્રિસ્તનું મન પ્રગટ કર્યું છે! માત્થી, માર્ક, લુક અને યોહાનની સુવાર્તામાં આપણને સૌથી મહાન માણસ, ઈસુના વિચારો, સ્વભાવ, અને કાર્યોની ઊંડી સમજણ મળે છે. હવે, આપણે એ વાંચી, મનન કરી અને એને પાળીએ કે નહિ એ આપણા પર છે. આપણે અપૂર્ણ હોવા છતાં, ઈસુની જેમ વર્તવા બનતુ બધુ જ કરીએ. આપણે તેમની જેવા જ વિચારો, લાગણીઓ અને ગુણો કેળવીએ. ચાલો આપણે ખ્રિસ્તનું મન રાખીને એ જ રીતે જીવવાનો નિર્ણય કરીએ. દુનિયામાં એનાથી સારી રીતે જીવવાનો, કે લોકો સાથે વહેવાર રાખવાનો બીજો કોઈ જ માર્ગ નથી. ઈસુ ખ્રિસ્ત યહોવાહ દેવની ઇચ્છા મુજબ સંપૂર્ણ રીતે જીવ્યા. એ દયાળુ દેવની નિકટ જવાનો આપણા તથા બીજા લોકો માટે એનાથી સારો બીજો કોઈ માર્ગ નથી.—૨ કોરીંથી ૧:૩; હેબ્રી ૧:૩.
તમારો જવાબ શું છે?
• બાઇબલ પ્રમાણે, ઈસુએ લોકોને કઈ રીતે મદદ કરી?
• ઈસુએ શિષ્યોને સૂચના આપતા શાના પર ભાર મૂક્યો?
• આપણે કઈ રીતે “ખ્રિસ્તનું મન” બતાવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. શા માટે કેટલાક લોકો સુંદર ગુણો બતાવે છે?
૨. ઈસુ જેવા બનવા ઘણા શું કરે છે?
૩. ઈસુનાં કાર્યોમાંથી શીખવા આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૪. માર્ક ૬:૩૦-૩૪નું વર્ણન કરો.
૫. લોકો પ્રત્યે ઈસુને કેવી લાગણી થઈ અને તેમણે શું કર્યું?
૬, ૭. (ક) લોકોની જરૂરિયાતો પૂરી પાડવા ઈસુએ શું પ્રથમ મૂક્યું? (ખ) ઈસુના પ્રચાર અને શિક્ષણ કાર્ય પાછળ કઈ લાગણી હતી?
૮. ઈસુ પ્રચાર અને શિક્ષણ કાર્યને કઈ રીતે જોતા હતા?
૯. કોના માટે પ્રચાર અને શિક્ષણ કાર્ય પ્રથમ સ્થાને હતું?
૧૦, ૧૧. (ક) પ્રેષિતોને પ્રચાર કરવા મોકલ્યા ત્યારે, ઈસુએ તેઓને શું કરવા જણાવ્યું? (ખ) પ્રેષિતોને મોકલતી વખતે, શાના પર ભાર મૂકવામાં આવ્યો?
૧૨. ઈસુ અને પ્રેષિતોએ કરેલાં ચમત્કારોએ બીજો કયો હેતુ પૂરો પાડ્યો?
૧૩. પુનર્નિયમ ૧૮:૧૮ પ્રમાણે ‘પ્રબોધકે’ શું કરવાનું હતું?
૧૪. પ્રચાર કાર્યમાં આપણે કઈ રીતે ખ્રિસ્તનું મન રાખી શકીએ?
૧૫. આપણા પ્રચાર કાર્યમાં શા માટે દયા બતાવવી જોઈએ?
૧૬. શા માટે આપણે બીજાઓને સુસમાચાર જણાવવા જોઈએ?
૧૭. (ક) આપણે કઈ રીતોએ પ્રેમ અને દયા બતાવી શકીએ? (ખ) શા માટે એમ કહી શકાય કે, સારાં કાર્યો અને પ્રચાર કાર્ય બંને કરવાની જરૂર છે?
૧૮. ખ્રિસ્તના મન વિષે ચર્ચા કર્યા પછી, આપણે શું કરવું જોઈએ?
[પાન ૨૩ પર આખા પાનાનું ચિત્ર]
[પાન ૨૪ પર ચિત્ર]
ખ્રિસ્તીઓ બીજા લોકો માટે સૌથી સારું શું કરી શકે?