“ઈશ્વરે જેને જોડ્યું છે” એને માન આપો
“ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.” —માર્ક ૧૦:૯.
૧, ૨. હિબ્રૂઓ ૧૩:૪માંથી આપણને કયું ઉત્તેજન મળે છે?
આપણે બધા યહોવાને માન આપીએ છીએ. કેમ કે તે માનના હકદાર છે. જો એમ કરીશું તો તે પણ આપણને માન આપશે. (૧ શમૂ. ૨:૩૦; નીતિ. ૩:૯; પ્રકટી. ૪:૧૧) તે ચાહે છે કે આપણે બીજા લોકોને પણ માન આપીએ, જેમ કે સરકારી અધિકારીઓને. (રોમ. ૧૨:૧૦; ૧૩:૭) એવું પણ એક પાસું છે જેમાં આપણે માન આપવાની ખાસ જરૂર છે, એ છે લગ્ન.
૨ પ્રેરિત પાઊલે લખ્યું હતું: “બધા લોકો લગ્નને માન આપે અને લગ્નસંબંધ પર કોઈ ડાઘ લાગવા ન દે.” (હિબ્રૂ. ૧૩:૪) પાઊલ ફક્ત કહેવા ખાતર કહી રહ્યા ન હતા, પણ તે ઈશ્વરભક્તોને સારી સલાહ આપી રહ્યા હતા. પાઊલે જણાવ્યું કે તેઓએ લગ્નબંધનને માન આપવું જોઈએ અને કીમતી ગણવું જોઈએ. શું તમે લગ્નને માન આપો છો? પરિણીત લોકો, શું તમે પોતાના લગ્નને કીમતી ગણો છો?
૩. લગ્ન વિશે ઈસુએ કઈ મહત્ત્વની સલાહ આપી હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૩ જો તમે લગ્નને કીમતી ગણતા હો, તો એ સારું કહેવાય! તમે ઈસુ ખ્રિસ્તના દાખલાને અનુસરી રહ્યા છો. ઈસુ લગ્નને માનની નજરે જોતા હતા. એકવાર ફરોશીઓએ ઈસુને છૂટાછેડા વિશે સવાલ પૂછ્યો. ઈસુએ જવાબમાં ઈશ્વરના શબ્દો ટાંક્યા. પ્રથમ લગ્ન વખતે ઈશ્વરે આ શબ્દો કહ્યા હતા: “એ કારણે માણસ પોતાનાં માતાપિતાને છોડી દેશે અને બંને એક શરીર થશે.” ઈસુએ એમ પણ કહ્યું: “ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”—માર્ક ૧૦:૨-૧૨ વાંચો; ઉત. ૨:૨૪.
૪. લગ્ન વિશે યહોવાનો હેતુ શો હતો?
૪ ઈસુએ કહ્યું કે ઈશ્વરે લગ્નની ગોઠવણ કરી છે અને એ કાયમી બંધન છે. ઈશ્વરે આદમ અને હવાના લગ્ન કરાવ્યા ત્યારે, એવું કહ્યું ન હતું કે તેઓ ચાહે તો છૂટાછેડા લઈ શકે. યહોવાનો હેતુ હતો કે તેઓનું લગ્નજીવન કાયમ ટકી રહે.
કેટલાક ફેરફારો
૫. લગ્ન પર મરણની કેવી અસર પડી?
૫ આદમે પાપ કર્યું એટલે ઘણા ફેરફારો થયા. એક ફેરફાર એ હતો કે માણસજાતમાં મરણ આવ્યું અને એની અસર લગ્નજીવન પર પડી. પ્રેરિત પાઊલે એ વિશે સમજાવ્યું કે મરણની સાથે લગ્નનો પણ અંત આવે છે અને જીવિત લગ્નસાથીને ફરી લગ્ન કરવાની છૂટ છે.—રોમ. ૭:૧-૩.
૬. મુસાના નિયમશાસ્ત્રથી આપણને ઈશ્વર વિશે શું શીખવા મળે છે?
૬ ઈશ્વરે ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું હતું. એમાં તેમણે લગ્ન વિશે પણ જણાવ્યું હતું. ઈશ્વરે નિયમશાસ્ત્ર આપ્યું એ પહેલાં એકથી વધારે પત્ની રાખવાનો રિવાજ હતો. ઇઝરાયેલી પુરુષને એમ કરવાની છૂટ હતી. પણ નિયમશાસ્ત્રથી સ્ત્રીઓ અને બાળકોનું રક્ષણ થતું હતું. દાખલા તરીકે, એક ઇઝરાયેલી પુરુષ દાસી સાથે લગ્ન કરે છે. સમય જતાં તે બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તોપણ તેણે પહેલી પત્નીને ખાધાખોરાકી પૂરી પાડવાની હતી. ઈશ્વર ચાહતા હતા કે એવી વ્યક્તિ પોતાની પહેલી પત્નીની સારસંભાળ રાખે. (નિર્ગ. ૨૧:૯, ૧૦) આજે મુસાનું નિયમશાસ્ત્ર આપણને લાગુ પડતું નથી. પણ એનાથી આપણને શીખવા મળે છે કે ઈશ્વર લગ્નને મૂલ્યવાન ગણે છે. એનાથી લગ્નને માનની નજરે જોવાનું આપણને ઉત્તેજન મળે છે.
૭, ૮. (ક) છૂટાછેડા વિશે પુનર્નિયમ ૨૪:૧માં શું જણાવ્યું છે? (ખ) છૂટાછેડાને યહોવા કઈ નજરે જુએ છે?
૭ છૂટાછેડા વિશે નિયમશાસ્ત્રમાં શું જણાવ્યું હતું? યહોવાનો હેતુ એવો ન હતો કે પતિ-પત્ની છૂટાછેડા લે. છતાં, જો ઇઝરાયેલી પુરુષને પોતાની પત્નીના કોઈ શરમજનક વર્તનની જાણ થાય, તો નિયમશાસ્ત્ર પ્રમાણે છૂટાછેડા આપવાની તેને છૂટ હતી. (પુનર્નિયમ ૨૪:૧ વાંચો.) શરમજનક વર્તન કોને કહેવાય એ વિશે નિયમશાસ્ત્ર કંઈ જણાવતું નથી. એવું વર્તન કોઈ નાનીસૂની ભૂલ નહિ, પણ કોઈ શરમજનક કે ખરાબ કામ હોય શકે. (પુન. ૨૩:૧૪) ઈસુનો સમય આવ્યો ત્યાં સુધીમાં તો હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. યહુદીઓ “કોઈ પણ કારણથી” પોતાની પત્નીને છૂટાછેડા આપતા હતા. (માથ. ૧૯:૩) આપણે એ યહુદીઓ જેવા બનવા માંગતા નથી.
૮ પ્રબોધક માલાખીના સમયમાં પહેલી પત્નીને છૂટાછેડા આપવા સામાન્ય થઈ ગયું હતું. યહોવાને ભજતી ન હોય એવી યુવાન સ્ત્રીઓ સાથે લગ્ન કરવા તેઓ એમ કરતા હતા. પણ એ વિશે ઈશ્વરે પોતાના વિચારો સાફ-સાફ જણાવ્યા હતા: ‘હું છૂટાછેડાને ધિક્કારું છું.’ (માલા. ૨:૧૪-૧૬) આદમ-હવાના લગ્ન વખતે યહોવાએ કહ્યું હતું: ‘પુરુષ પોતાની પત્ની સાથે રહેશે; અને તેઓ એક શરીર થશે.’ (ઉત. ૨:૨૪) લગ્ન વિશે યહોવાના વિચારો આજે પણ બદલાયા નથી. ઈસુના વિચારો પણ તેમના પિતા જેવા જ હતા. તેમણે કહ્યું: “ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”—માથ. ૧૯:૬.
છૂટાછેડા આપવાનું ફક્ત એક કારણ
૯. માર્ક ૧૦:૧૧, ૧૨માં જણાવેલા ઈસુના શબ્દોનો શો અર્થ થાય?
૯ અમુકને કદાચ થાય, ‘છૂટાછેડા અને ફરી લગ્ન કરવા વિશે શાસ્ત્ર શું કહે છે?’ ધ્યાન આપો કે ઈસુએ કહ્યું હતું: “જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજીને પરણે છે, તે પહેલી વિરુદ્ધ વ્યભિચાર કરે છે અને જો કોઈ સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપ્યા પછી કદી પણ બીજાને પરણે, તો તે વ્યભિચાર કરે છે.” (માર્ક ૧૦:૧૧, ૧૨; લુક ૧૬:૧૮) એનાથી જોવા મળે છે કે ઈસુ લગ્નને માનની નજરે જોતા હતા. તે ચાહતા હતા કે બીજાઓ પણ એમ કરે. જો કોઈ પુરુષ પોતાની નિર્દોષ પત્નીને છૂટાછેડા આપીને બીજા લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે. એ જ વાત સ્ત્રીને પણ લાગુ પડે છે. પણ એવા કિસ્સામાં છૂટાછેડાથી કંઈ લગ્નનો અંત આવતો નથી. કારણ કે ઈશ્વરની નજરે તેઓ હજુ પણ ‘એક શરીર’ છે. ઈસુએ કહ્યું હતું કે જો પુરુષ પોતાની નિર્દોષ પત્નીને છૂટાછેડા આપે, તો તે પોતાની પત્નીને વ્યભિચાર કરવાના જોખમમાં મૂકે છે. એનો શો અર્થ થાય? છૂટાછેડા પામેલી સ્ત્રી કદાચ પોતાના ભરણપોષણ માટે બીજા લગ્ન કરવાનું વિચારે. જો તે લગ્ન કરે તો એ વ્યભિચાર ગણાય.
૧૦. છૂટાછેડા આપવાનું અને ફરી લગ્ન કરવાનું કયું એક કારણ છે?
૧૦ ઈસુએ જણાવ્યું કે છૂટાછેડા આપવાનું ફક્ત એક જ કારણ છે. તેમણે કહ્યું: “હું તમને કહું છું કે જે પોતાની પત્નીને વ્યભિચાર સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે લગ્ન બહાર જાતીય સંબંધ બાંધે છે.” (માથ. ૧૯:૯) પહાડ પરના ઉપદેશમાં પણ તેમણે એ વાત કહી હતી. (માથ. ૫:૩૧, ૩૨) બંને પ્રસંગે તેમણે “વ્યભિચાર” વિશે વાત કરી હતી. એમાં આ બધા પાપનો સમાવેશ થાય છે: લગ્ન બહાર જાતીય સંબંધ, વેશ્યાગીરી, કુંવારા લોકો વચ્ચેનો જાતીય સંબંધ, સજાતીય સંબંધ અને પ્રાણીઓ સાથેનો જાતીય સંબંધ. દાખલા તરીકે, જો પતિ વ્યભિચાર કરે, તો તેને છૂટાછેડા આપવા કે નહિ, એ તેની પત્નીના હાથમાં છે. જો પત્ની છૂટાછેડા આપે, તો ઈશ્વરની નજરે તેઓના લગ્નનો અંત આવે છે.
૧૧. સાથીએ વ્યભિચાર કર્યો હોવા છતાં ઈશ્વરભક્ત શા માટે છૂટાછેડા ન લેવાનો નિર્ણય લઈ શકે?
૧૧ ધ્યાન આપો કે ઈસુએ એવું કહ્યું ન હતું કે નિર્દોષ સાથીએ છૂટાછેડા આપવા જ જોઈએ. દાખલા તરીકે, એક પતિ વ્યભિચાર કરે છે, છતાં પત્ની તેની સાથે રહેવા માંગે છે. કારણ કે તે પતિને હજુ પણ પ્રેમ કરે છે અને માફ કરવા તૈયાર છે. તે પોતાના લગ્નની ડૂબતી નાવ બચાવવા માંગે છે. જો પત્ની છૂટાછેડા લે અને ફરી લગ્ન ન કરે, તો તેણે અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. જેમ કે, તેના ભરણપોષણ અને શારીરિક જરૂરિયાતો વિશે શું? શું તે એકલી પડી જશે? છૂટાછેડાની તેનાં બાળકો પર કેવી અસર પડશે? સત્યમાં તેઓનો ઉછેર કરવો શું અઘરું થઈ પડશે? (૧ કોરીં. ૭:૧૪) એ તો સાફ છે કે, છૂટાછેડા લેવાથી નિર્દોષ સાથી પર ઘણી મુશ્કેલીઓ આવે છે.
૧૨, ૧૩. (ક) હોશીઆના લગ્નજીવનમાં કેવી મુશ્કેલી આવી? (ખ) હોશીઆ ગોમેરને શા માટે પાછી લઈ આવ્યા અને એમાંથી આપણને લગ્ન વિશે શું શીખવા મળે છે?
૧૨ હોશીઆના અનુભવ પરથી આપણને લગ્ન વિશે યહોવાના વિચારો જાણવા મળે છે. ઈશ્વરે હોશીઆને ગોમેર નામની સ્ત્રી સાથે લગ્ન કરવા કહ્યું. તે પછીથી ‘વેશ્યા’ બનવાની હતી અને એવા શરમજનક કામથી તેને બાળકો થવાનાં હતાં. ગોમેરને હોશીઆથી એક દીકરો થયો. (હોશી. ૧:૨, ૩) સમય જતાં, ગોમેરને બીજા પુરુષથી દીકરી અને દીકરો થયા. તેણે વ્યભિચાર કર્યો હોવા છતાં હોશીઆએ લગ્ન ટકાવી રાખ્યા હતા. પછીથી, તેણે હોશીઆને છોડી દીધા અને ગુલામ બની ગઈ. તોપણ, હોશીઆ તેને પાછી લઈ આવ્યા. (હોશી. ૩:૧, ૨) હોશીઆના દાખલાથી યહોવા એક બાબત શીખવવા માંગતા હતા. ઇઝરાયેલીઓ બેવફા બનીને બીજા દેવોની ભક્તિ કરવા લાગ્યા હતા, તોપણ યહોવાએ તેઓને ઘણી વાર માફ કર્યા હતા. હોશીઆના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧૩ જીવનસાથી વ્યભિચાર કરે, એવા કિસ્સામાં નિર્દોષ સાથીએ નિર્ણય લેવાનો હોય છે. ઈસુએ જણાવ્યું હતું કે, નિર્દોષ સાથી પાસે છૂટાછેડા લેવાનું યોગ્ય કારણ છે અને ફરીથી લગ્ન કરવાની છૂટ છે. પણ, જો નિર્દોષ વ્યક્તિ પોતાના સાથીને માફ કરે તો એમાં કંઈ ખોટું નથી. હોશીઆ ગોમેરને પાછી લઈ આવ્યા હતા. પછી, હોશીઆએ તેને વ્યભિચારથી દૂર રહેવા જણાવ્યું. હોશીઆએ ગોમેર સાથે થોડો સમય ‘સંબંધ રાખ્યો નહિ.’ (હોશી. ૩:૩, કોમન લેંગ્વેજ) સમય જતાં, હોશીઆએ પોતાની પત્ની સાથે ફરીથી સંબંધ બાંધ્યા હશે. એ બતાવતું હતું કે યહોવા ઇઝરાયેલીઓને માફ કરવા તૈયાર હતા. તેમણે ફરીથી ઇઝરાયેલીઓ સામે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. (હોશી. ૧:૧૧; ૩:૩-૫) આ અહેવાલમાંથી આપણને લગ્ન વિશે શું શીખવા મળે છે? જો નિર્દોષ વ્યક્તિ પોતાના દોષિત સાથી સાથે જાતીય સંબંધ બાંધે, તો એનો અર્થ થાય કે તેણે પોતાના સાથીને માફી આપી છે. (૧ કોરીં. ૭:૩, ૫) છૂટાછેડા માટે હવે કોઈ કારણ રહેતું નથી. લગ્ન માટે ઈશ્વર જેવા વિચારો કેળવવા પતિ-પત્ની એકબીજાને મદદ કરવી જોઈએ અને સાથે મળીને લગ્નજીવન સુખી બનાવવું જોઈએ.
મોટી મુશ્કેલીઓ આવે તોપણ લગ્નબંધનને માન આપો
૧૪. ૧ કોરીંથીઓ ૭:૧૦, ૧૧ લગ્નજીવન વિશે શું જણાવે છે?
૧૪ બધા ઈશ્વરભક્તોએ યહોવા અને ઈસુની જેમ લગ્નને માનની નજરે જોવું જોઈએ. આપણે બધા પાપી છીએ એટલે અમુક વાર એમ કરવાનું ચૂકી જઈએ છીએ. (રોમ. ૭:૧૮-૨૩) પ્રથમ સદીના ઈશ્વરભક્તોના લગ્નજીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી. એ સાંભળીને આપણને આંચકો લાગતો નથી. પાઊલે લખ્યું કે “પત્નીએ પોતાના પતિથી જુદા ન થવું.” છતાં, કેટલીક વાર પતિ-પત્ની જુદા થાય છે કે અલગ રહેવા લાગે છે.—૧ કોરીંથીઓ ૭:૧૦, ૧૧ વાંચો.
૧૫, ૧૬. (ક) લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે યુગલે શું કરવું જોઈએ અને શા માટે? (ખ) જીવનસાથી યહોવાનો ભક્ત ન હોય અને મોટી મુશ્કેલી ઊભી થાય ત્યારે શું કરવું જોઈએ?
૧૫ પતિ-પત્ની કયા સંજોગોને લીધે જુદા થાય છે, એ વિશે પાઊલે કંઈ ખાસ જણાવ્યું નથી. જો પતિ વ્યભિચાર કરે, તો આપણે જાણીએ છીએ કે પત્ની છૂટાછેડા લઈને બીજા લગ્ન કરી શકે છે. એટલે પાઊલ એ સંજોગ વિશે કહેતા ન હતા. પરંતુ, પાઊલે જણાવ્યું હતું કે જો પત્ની બીજા કોઈ કારણને લીધે પતિથી અલગ થાય, તો “તેણે ફરીથી લગ્ન કરવા નહિ અથવા તેણે પોતાના પતિ સાથે સુલેહ કરી લેવી.” ઈશ્વર એ યુગલને હજી પણ પરણેલા ગણે છે. તેથી, પાઊલ કહેવા માંગતા હતા કે જો વ્યભિચારનું કારણ ન હોય, તો યુગલે એકબીજા સાથે સુલેહ કરવી જોઈએ, પછી ભલેને ગમે એવી મુશ્કેલી હોય. તેઓએ પોતાની મુશ્કેલીઓનો હલ લાવવો જોઈએ અને સાથે રહેવું જોઈએ. તેઓ વડીલોની મદદ લઈ શકે. વડીલો કોઈનો પક્ષ નહિ લે, પણ બાઇબલમાંથી જરૂરી સલાહ આપશે.
૧૬ જીવનસાથી યહોવાનો ભક્ત ન હોય અને મોટી મુશ્કેલી ઊભી થાય ત્યારે શું? એવા કિસ્સામાં અલગ થવું શું યોગ્ય કહેવાય? અગાઉ જોઈ ગયા તેમ બાઇબલ જણાવે છે કે છૂટાછેડા માટેનું એકમાત્ર કારણ વ્યભિચાર છે. પરંતુ, યુગલોના અલગ થવા વિશે બાઇબલ કોઈ કારણ જણાવતું નથી. પાઊલે લખ્યું હતું: “જો કોઈ સ્ત્રીને શ્રદ્ધા ન રાખનાર પતિ હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય, તો તે સ્ત્રીએ પોતાના પતિને છોડી દેવો નહિ.” (૧ કોરીં. ૭:૧૨, ૧૩) એ સલાહ આજે પણ લાગુ પડે છે.
૧૭, ૧૮. મુશ્કેલીઓનો સામનો કરવો પડે છતાં અમુક ઈશ્વરભક્તો શા માટે પોતાનું લગ્નજીવન નિભાવી રાખે છે?
૧૭ અમુક કિસ્સામાં “શ્રદ્ધા ન રાખનાર પતિ” એવાં કામ કરે, જેનાથી દેખાય આવે કે તે પોતાની પત્ની ‘સાથે રહેવા’ માંગતો નથી. દાખલા તરીકે, પત્નીને તે એટલી હદે મારતો હોય, જેનાથી પત્નીને લાગે કે તેનું જીવન જોખમમાં છે. પત્ની અને કુટુંબનું તે ભરણપોષણ કરતો ન હોય અથવા ઈશ્વરની ભક્તિ કરવા દેતો ન હોય. એવા સમયે પત્ની કદાચ અલગ થવાનો નિર્ણય લે. અમુક ઈશ્વરભક્તોએ એવા કિસ્સામાં અલગ થવાનું નક્કી કર્યું છે. જ્યારે કે, બીજા અમુક ઈશ્વરભક્તોએ પોતાના સાથી જોડે રહેવાનું પસંદ કર્યું છે. તેઓ મુશ્કેલીઓ સહીને પણ પોતાનું લગ્નજીવન બચાવવા માંગે છે. શા માટે?
૧૮ આવા સંજોગોમાં જો યુગલ અલગ થાય તો તેઓ હજુ પણ પરિણીત કહેવાય. અગાઉ જોઈ ગયા એવી મુશ્કેલીઓનો તેઓએ સામનો કરવો પડી શકે. પ્રેરિત પાઊલે સાથે રહેવા માટેનું બીજું પણ એક કારણ જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું: “શ્રદ્ધા ન રાખનાર પતિ પોતાની પત્ની સાથેના સંબંધને લીધે પવિત્ર ગણાય છે; અને શ્રદ્ધા ન રાખનારી પત્ની પોતાના પતિ સાથેના સંબંધને લીધે પવિત્ર ગણાય છે; નહિતર, તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.” (૧ કોરીં. ૭:૧૪) અમુક ઈશ્વરભક્તો પોતાના સાથી જોડે રહેવાનું નક્કી કરે છે, પછી ભલે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તેઓએ સહન કરેલી મુશ્કેલીઓનું એક દિવસ સારું પરિણામ આવી શકે. કદાચ જીવનસાથી પણ યહોવાનો ભક્ત બને. એનાથી તેઓને કેટલી ખુશી થશે!—૧ કોરીંથીઓ ૭:૧૬ વાંચો; ૧ પીત. ૩:૧, ૨.
૧૯. શા માટે દુનિયા ફરતે ઘણાં લગ્ન સફળ થયાં છે?
૧૯ ઈસુએ છૂટાછેડા વિશે જણાવ્યું હતું અને પ્રેરિત પાઊલે અલગ થવા વિશે. પરંતુ બંને ઈશ્વરભક્તો લગ્નનો આદર કરતા હતા. દુનિયા ફરતે કેટલાંય યુગલો સફળ લગ્નજીવન જીવી રહ્યાં છે. તમારા મંડળમાં તમે એવાં ઘણાં સુખી યુગલો જોયા હશે. પતિઓ પોતાની પત્નીને વફાદાર રહે છે અને પ્રેમ બતાવે છે. પત્નીઓ પણ પોતાના પતિનો આદર કરે છે અને પ્રેમ બતાવે છે. આમ તેઓ લગ્નને માન આપે છે. ઘણી ખુશીની વાત કહેવાય કે લાખો યુગલો ઈશ્વરના આ શબ્દો પ્રમાણે જીવે છે: “આ કારણે માણસ પોતાનાં માતાપિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે.”—એફે. ૫:૩૧, ૩૩.