આપણે કઈ રીતોએ પિતા યહોવાને પ્રેમ બતાવી શકીએ?
‘આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.’—૧ યોહા. ૪:૧૯.
ગીતો: ૫ (45), ૧૩ (113)
૧, ૨. યહોવાએ આપણને તેમના પ્રત્યે પ્રેમ બતાવવાનું કઈ રીતે શીખવ્યું છે?
એક પિતા પોતે સારું ઉદાહરણ બનીને પોતાનાં બાળકોને સૌથી સારી રીતે શીખવી શકે છે. બાળકોને પ્રેમ કરીને તે શીખવી શકશે કે પ્રેમ કઈ રીતે કરવો જોઈએ. પ્રેમ કરવામાં આપણા પિતા યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તેથી, પ્રેમ કઈ રીતે કરવો જોઈએ એ આપણે પિતા યહોવા પાસેથી શીખીએ છીએ, ‘કેમ કે પહેલાં તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.’—૧ યોહા. ૪:૧૯.
૨ કઈ રીતે ‘પહેલાં તેમણે આપણા પર પ્રેમ રાખ્યો છે’? બાઇબલ જણાવે છે કે ‘આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા.’ (રોમ. ૫:૮) આપણને પાપ અને મોતનાં બંધનમાંથી છોડાવવા પ્રેમના સાગર યહોવાએ પોતાના વહાલા દીકરા ઈસુનું બલિદાન આપ્યું. એ અનમોલ ભેટને લીધે આપણે યહોવાની નજીક જઈ શકીએ છીએ અને તેમના પ્રત્યે આપણો પ્રેમ બતાવી શકીએ છીએ. એ બલિદાન આપીને યહોવાએ આપણા માટે સુંદર ઉદાહરણ બેસાડ્યું છે. તેમણે આપણને શીખવ્યું છે કે આપણે નિઃસ્વાર્થ અને ઉદાર વલણ રાખીને પ્રેમ બતાવવો જોઈએ.—૧ યોહા. ૪:૧૦.
૩, ૪. આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, એ કઈ રીતે બતાવી શકીએ?
૩ યહોવાનો મુખ્ય ગુણ પ્રેમ છે. તેથી, આપણે સમજી શકીએ કે શા માટે ઈસુએ આ આજ્ઞાને સૌથી અગત્યની કહી: “તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રીતિ કર.” (માર્ક ૧૨:૩૦) યહોવા ચાહે છે કે આપણે તેમને “પૂરા હૃદયથી” પ્રેમ કરીએ. જો આપણે યહોવા કરતાં વધારે પ્રેમ, બીજા કોઈને કે બીજી કોઈ વસ્તુને કરીશું, તો યહોવાને ઘણું દુઃખ પહોંચશે. યહોવા માટેનો આપણો પ્રેમ ફક્ત આપણા દિલની લાગણીઓ સુધી સીમિત ન હોવો જોઈએ. યહોવા ચાહે છે કે આપણે તેમને “પૂરી બુદ્ધિથી” અને “પૂરા સામર્થ્યથી” પ્રેમ કરીએ. એનો અર્થ થાય કે પોતાનાં વિચારોમાં અને કાર્યોમાં યહોવા માટેનો આપણો પ્રેમ દેખાઈ આવવો જોઈએ. પ્રબોધક મીખાહ પ્રમાણે યહોવા આપણી પાસે એવી જ અપેક્ષા રાખે છે.—મીખાહ ૬:૮ વાંચો.
૪ તેથી, આપણે યહોવાને પૂરા તન, મન અને ધનથી પ્રેમ બતાવવો જોઈએ. આપણા જીવનમાં યહોવાને પ્રથમ સ્થાને રાખીને, આપણે તેમને સાચો પ્રેમ બતાવીએ છીએ. પાછલા લેખમાં આપણે જોઈ ગયા કે કઈ ચાર રીતોએ યહોવા પિતા આપણને અપાર પ્રેમ બતાવે છે. ચાલો, હવે જોઈએ કે આપણે કઈ રીતે યહોવા માટેનો પ્રેમ ગાઢ બનાવી શકીએ અને તેમને આપણો પ્રેમ બતાવી શકીએ.
યહોવાનો આભાર માનો
૫. યહોવાએ આપણા માટે જે કર્યું છે એના પર વિચારવાથી આપણે શું કરવા માટે પ્રેરાઈશું?
૫ તમને કોઈ ભેટ આપવામાં આવે ત્યારે તમે શું કરો છો? સ્વાભાવિક છે કે તમે એ માટે આભાર માનશો. તેમજ, એ ભેટને કીમતી ગણતા હોવાથી તમે એનો ઉપયોગ પણ કરશો. ધ્યાન આપો કે શિષ્ય યાકૂબે શું લખ્યું: ‘દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનામાં ફેરફાર થતો નથી, જે પડતા પડછાયાની જેમ બદલાતા નથી, તેમની પાસેથી ઊતરે છે.’ (યાકૂ. ૧:૧૭) જીવન જીવવા અને એનો આનંદ માણવા યહોવાએ આપણને દરેક જરૂરી વસ્તુ પૂરી પાડે છે. એ માટે આપણે તેમના ઘણા આભારી છીએ. આપણે અનુભવી શકીએ છીએ કે તે આપણને કેટલો બધો પ્રેમ કરે છે. ચોક્કસ, આપણે પણ તેમને પ્રેમ બતાવવા પ્રેરાઈએ છીએ. શું તમારું દિલ પણ એવી લાગણીથી છલકાઈ ઊઠે છે?
૬. યહોવાનો આશીર્વાદ મેળવતા રહેવા ઈસ્રાએલીઓએ શું કરવાનું હતું?
૬ સદીઓ સુધી, ઈસ્રાએલી પ્રજા યહોવાના પ્રેમાળ હાથ નીચે રહી. એ દરમિયાન, યહોવાએ તેઓને ઘણી ઉત્તમ બાબતો આપી. તેઓની દરેક જીવન જરૂરિયાત પૂરી પાડી અને નિયમો દ્વારા માર્ગદર્શન આપ્યું. (પુન. ૪:૭, ૮) એ નિયમો પાળીને તેઓ યહોવા માટે આભાર બતાવી શકતા. દાખલા તરીકે, જ્યારે તેઓ યહોવા માટે અર્પણ ચઢાવતા, ત્યારે તેઓએ “જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ” આપવાનો હતો. (નિર્ગ. ૨૩:૧૯, ઈઝી-ટુ-રીડ વર્ઝન) ઈસ્રાએલીઓ જાણતા હતા કે જો તેઓ યહોવાની આજ્ઞા પાળશે અને તેમને પોતાનું શ્રેષ્ઠ આપશે, તો યહોવા તેઓને આશીર્વાદો આપતા રહેશે.—પુનર્નિયમ ૮:૭-૧૧ વાંચો.
૭. કઈ રીતે આપણે પોતાનાં “દ્રવ્ય”થી યહોવાને પ્રેમ બતાવી શકીએ?
૭ આપણે પણ પોતાનાં “દ્રવ્યથી,” એટલે કે પોતાની ધનસંપત્તિથી યહોવાને પ્રેમ બતાવી શકીએ. (નીતિ. ૩:૯) આપણી પાસે જે કંઈ છે એનો ઉપયોગ યહોવાને મહિમા આપવા કરીએ. દાખલા તરીકે, પોતાના મંડળ માટે અને જગત ફરતે ચાલી રહેલાં આપણાં કામ માટે પ્રદાનો આપી શકીએ. ભલે આપણી પાસે થોડું હોય કે વધારે, એનો ઉપયોગ આપણે યહોવાને પ્રેમ બતાવવા કરીએ. (૨ કોરીં. ૮:૧૨) જોકે, યહોવાને પ્રેમ બતાવવાની બીજી રીતો પણ છે.
૮, ૯. યહોવાને પ્રેમ બતાવવાની બીજી એક રીત કઈ છે? માઇક અને તેમના કુટુંબે કઈ રીતે યહોવા પર પ્રેમ બતાવ્યો?
૮ ઈસુએ શીખવ્યું હતું કે હંમેશાં રાજ્યને જીવનમાં પ્રથમ સ્થાને રાખીએ. તેમજ, ખોરાક અને કપડાં વિશે ચિંતા ન કરીએ. કેમ કે, પિતા યહોવાએ આપણી બધી જ જરૂરિયાતો પૂરી પાડવાનું વચન આપ્યું છે. (માથ. ૬:૩૧-૩૩) આપણને પૂરો ભરોસો છે કે યહોવા એ વચન ચોક્કસ નિભાવશે. કારણ કે આપણે એવી વ્યક્તિ પર પૂરો ભરોસો રાખીએ છીએ, જેને આપણે સાચે જ પ્રેમ કરતા હોઈએ. હકીકતમાં, આપણે યહોવા પર જેટલો વધારે ભરોસો રાખીશું, એટલું વધારે સાબિત થશે કે આપણને તેમના પર પ્રેમ છે. (ગીત. ૧૪૩:૮) તેથી, આપણે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: “શું મારાં ધ્યેયો અને જીવનઢબ પરથી દેખાઈ આવે છે કે હું યહોવાને સાચે જ પ્રેમ કરું છું? શું હું મારી જરૂરિયાતો માટે દરેક દિવસે યહોવા પર નિર્ભર રહું છું?”
૯ ભાઈ માઇક અને તેમના કુટુંબે યહોવા પર ભરોસો રાખ્યો. માઇકને યુવાનીથી ઇચ્છા હતી કે બીજા દેશોમાં જઈને લોકોને ખુશખબર જણાવે. તેમની એ ઇચ્છા તેમના લગ્ન અને બે બાળકોના જન્મ પછી પણ પ્રબળ રહી. તેમણે પોતાના કુટુંબ સાથે એવાં ભાઈ-બહેનોના અનુભવો વાંચ્યા, જેઓ વધારે જરૂર હોય એવા વિસ્તારમાં સેવા આપવા ગયાં હતાં. એ અનુભવો વાંચીને તેઓએ પોતાનું જીવન સાદું બનાવવાનો નિર્ણય લીધો. પોતાનું ઘર વેચીને તેઓ એક નાના ઘરમાં રહેવાં ગયાં. તેમણે પોતાનાં ધંધામાં ઓછો સમય આપવાનો નિર્ણય કર્યો. તેમજ, તે શીખ્યા કે બીજા દેશમાં રહીને ઇન્ટરનેટ દ્વારા પોતાનું કામ કઈ રીતે કરી શકાય. પરિણામે, માઇક અને તેમનું કુટુંબ બીજા દેશમાં જઈ શક્યા અને સાક્ષી કામનો ભરપૂર આનંદ ઉઠાવી શક્યાં. માઇકે કહ્યું, ‘અમે અનુભવ્યું કે માથ્થી ૬:૩૩માં જણાવેલા ઈસુના શબ્દો ખરેખર સાચા છે!’
યહોવા જે શીખવે છે એના પર મનન કરો
૧૦. રાજા દાઊદની જેમ, આપણે પણ શીખેલી વાતો પર શા માટે મનન કરવું જોઈએ?
૧૦ રાજા દાઊદે લખ્યું કે, ‘આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે. યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે જીવને તાજો કરે છે; યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.’ યહોવાના નિયમોમાં રહેલું ડહાપણ અને સૃષ્ટિની સુંદરતા પર મનન કરવાથી, દાઊદ યહોવાની ઘણી નજીક જઈ શક્યા. તેમજ, યહોવા માટે પોતાનો પ્રેમ બતાવવા પ્રેરાયા. દાઊદે કહ્યું: ‘હે યહોવા, મારા ખડક અને મારા ઉદ્ધાર કરનાર, તમારી આગળ મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો માન્ય થાઓ.’—ગીત. ૧૯:૧, ૭, ૧૪.
૧૧. યહોવાએ આપેલાં શિક્ષણનો ઉપયોગ કરીને, આપણે કઈ રીતે તેમને પ્રેમ બતાવી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૧ આજે, યહોવા આપણને તેમના વિશે, તેમના હેતુઓ વિશે, તેમણે રચેલી સૃષ્ટિ વિશે અને બાઇબલમાં આપેલાં તેમનાં વચનો વિશે ઘણું શીખવે છે. પરંતુ, આ દુનિયા લોકોને ઉચ્ચ ભણતર લેવા ઉત્તેજન આપે છે. એવાં શિક્ષણની પાછળ પડવાથી, ઈશ્વર પ્રત્યેનો તેઓનો પ્રેમ સાવ ઠંડો પડી જાય છે. જ્યારે કે, યહોવા તરફથી મળતાં શિક્ષણની વાત સાવ અલગ છે. એ આપણને જ્ઞાન તો આપે છે, સાથે સાથે સમજદાર પણ બનાવે છે. યહોવા ચાહે છે કે આપણે જે કંઈ શીખીએ એનો ઉપયોગ પોતાના અને બીજાઓના ભલા માટે કરીએ. (નીતિ. ૪:૫-૭) દાખલા તરીકે, યહોવા ઇચ્છે છે કે આપણે “સત્યનું સંપૂર્ણ જ્ઞાન” બીજાઓને પણ જણાવીએ અને તેઓને જગતના અંતમાંથી બચવા મદદ કરીએ. (૧ તીમો. ૨:૪) આપણે ઈશ્વરના રાજ્ય વિશે અને એ રાજ્ય માનવજાત માટે જે કરશે એના વિશે, બની શકે એટલા લોકોને જણાવીએ છીએ. એમ કરીને આપણે યહોવા અને લોકો પ્રત્યે આપણો પ્રેમ બતાવીએ છીએ.—ગીતશાસ્ત્ર ૬૬:૧૬, ૧૭ વાંચો.
૧૨. યહોવા તરફથી મળેલી ભેટ માટે એક બહેન શું જણાવે છે?
૧૨ યુવાન બાળકો પણ યહોવા તરફથી મળતાં શિક્ષણ અને આશીર્વાદો પર મનન કરી શકે. શેનન નામનાં બહેનનો વિચાર કરો. તે ૧૧ વર્ષનાં હતાં અને તેમનાં બહેન ૧૦ વર્ષનાં હતાં, ત્યારે તેઓ આપણા એક મહાસંમેલનમાં ગયાં હતાં. એ સંમેલનનો વિષય હતો, ‘દૈવી ભક્તિભાવ.’ એ સંમેલનમાં બધા યુવાનોને એક ખાસ વિભાગમાં બેસવાનું કહેવામાં આવ્યું, જેમાં એ બંને બહેનોને પણ બેસવાનું કહેવામાં આવ્યું. પહેલાં તો તેઓને થોડો ડર લાગ્યો. પણ પછીથી, તેઓની ખુશીનો પાર રહ્યો નહિ. કેમ કે, ત્યાં બેઠેલા બધા યુવાનોને એક નવું પુસ્તક આપવામાં આવ્યું. એ પુસ્તક હતું: પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે. એ સુંદર ભેટ મેળવીને શેનન બહેનને યહોવા વિશે કેવું લાગ્યું હતું? તે જણાવે છે: ‘ત્યારે મને અહેસાસ થયો કે યહોવા સાચે જ છે અને તે મને ખૂબ જ પ્રેમ કરે છે. આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તે સુંદર અને એકદમ યોગ્ય ભેટ આપે છે!’
યહોવા તરફથી મળતી શિસ્ત સ્વીકારો
૧૩, ૧૪. યહોવા તરફથી શિસ્ત મળે ત્યારે આપણે શું કરવું જોઈએ અને શા માટે?
૧૩ બાઇબલ જણાવે છે કે “જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે.” (નીતિ. ૩:૧૨) આપણે યહોવાની શિસ્તનો સ્વીકાર કરીએ અને તે આપણને ઘડે એ માટે તેમને મોકો આપીએ. એમ કરીશું તો, જે ખરું છે એ કરતા શીખીશું અને મનની શાંતિ મળશે. ખરું કે, “કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે.” (હિબ્રૂ ૧૨:૧૧) છતાં, યહોવા તરફથી મળતી સલાહ વિશે આપણને કેવું લાગવું જોઈએ? આપણે ક્યારેય યહોવાની સલાહને અવગણવી જોઈએ નહિ. અથવા સલાહ ન ગમવાથી મનમાં ગુસ્સો ભરી ન રાખીએ. યહોવાને પ્રેમ કરતા હોવાથી આપણે તેમની સલાહને ધ્યાન આપીશું અને જરૂરી ફેરફારો કરીશું.
૧૪ માલાખીના સમયમાં ઘણા યહુદીઓએ યહોવાની સલાહની કદર કરી નહિ. તેમનાં અર્પણોથી યહોવા નાખુશ હતા. પણ એ લોકોને એની જરાય પડી ન હતી. એટલે યહોવાએ તેઓને કડક શબ્દોમાં સલાહ આપી. (માલાખી ૧:૧૨, ૧૩ વાંચો.) અરે, યહોવા તેઓને વારંવાર સલાહ આપતા રહ્યા. પણ તેઓએ એને ગણકારી નહિ. એટલે, યહોવાએ તેઓને કહ્યું, ‘હું તમારા પર શાપ મોકલીશ અને તમારા આશીર્વાદોને શાપમાં બદલી નાખીશ.’ (માલા. ૨:૧, ૨) એક વાત ચોક્કસ છે કે જો આપણે યહોવાની સલાહનો નકાર કરીશું અથવા એને નજીવી ગણીશું તો યહોવા સાથેની મિત્રતા ખોઈ બેસીશું.
૧૫. આપણે કેવું વલણ ટાળવું જોઈએ?
૧૫ શેતાનની દુનિયા લોકોને ઘમંડી અને મતલબી બનવા પ્રેરે છે. તેથી, જ્યારે કોઈ સુધારો કરવાનું કહેવામાં આવે અથવા શું કરવું જોઈએ એ કહેવામાં આવે, ત્યારે ઘણા લોકોને એ ગમતું નથી. એમાંય અમુક લોકો તો એ માટે સલાહ સાંભળે છે કેમ કે એમ કરવા સિવાય તેઓ પાસે કોઈ છૂટકો હોતો નથી. પરંતુ, આપણે એવા ન બનવું જોઈએ. બાઇબલ આપણને કહે છે કે “આ જગતનું રૂપ તમે ન ધરો.” આપણે તો એ સમજવાની જરૂર છે કે યહોવા આપણી પાસે શું ચાહે છે અને શાનાથી તે ખુશ થાય છે. (રોમ. ૧૨:૨) યહોવા પોતાના સંગઠન દ્વારા આપણને સમયસરની સલાહ આપે છે. દાખલા તરીકે, આપણને સમયે સમયે યાદ અપાવવામાં આવે છે કે સ્ત્રી-પુરુષે એકબીજા સાથે કઈ રીતે વર્તવું જોઈએ અને કેવા મિત્રો પસંદ કરવા જોઈએ. તેમજ, મનોરંજન માણવા કેવી પસંદગી કરવી જોઈએ. આપણે યહોવા પાસેથી મળતી શિસ્તનો સ્વીકાર કરીએ છીએ અને પોતાનામાં પરિવર્તન લાવીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. એમ કરીને આપણે બતાવી છીએ કે આપણે તેમના માર્ગદર્શન માટે આભારી છીએ. તેમજ, આપણે પોતાના સાચા પ્રેમની સાબિતી આપીએ છીએ.—યોહા. ૧૪:૩૧; રોમ. ૬:૧૭.
મદદ અને રક્ષણ માટે યહોવા પર આધાર રાખો
૧૬, ૧૭. (ક) કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, યહોવાના વિચારો જાણવા કેમ જરૂરી છે? (ખ) યહોવા પર ભરોસો રાખવાને બદલે ઈસ્રાએલીઓએ શું કર્યું?
૧૬ નાનાં બાળકો મદદ અને રક્ષણ માટે પોતાનાં મમ્મી-પપ્પા પર નિર્ભર રહે છે. અરે, પુખ્ત વયના લોકો પણ મદદ માટે પોતાનાં માબાપ પાસે જાય છે. તેઓ પોતાના નિર્ણયો પોતે લઈ શકે છે એમ જાણતા હોવા છતાં, તેઓ માબાપ પાસે જાય છે. કેમ કે તેઓને ખબર છે કે માબાપ વધુ સારી સલાહ આપી શકે છે. આપણા સર્વના પિતા યહોવા આપણને જાતે જ નિર્ણયો લેવા દે છે. પરંતુ, આપણે તેમના પર ભરોસો અને પ્રેમ રાખતા હોવાથી, આપણે મદદ માટે હંમેશાં યહોવા તરફ હાથ લંબાવીએ છીએ. તેમજ, નિર્ણય લેતા પહેલાં તેમનો વિચાર જાણવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. જો આપણે યહોવા પર આધાર રાખીશું, તો જે સારું છે એ કરવા તે આપણને તેમની શક્તિ દ્વારા મદદ આપશે.—ફિલિ. ૨:૧૩.
૧૭ શમૂએલના સમયના ઈસ્રાએલીઓનો વિચાર કરો. તેઓ પલિસ્તીઓ વિરુદ્ધની લડાઈ હારી ગયા. એ પછી શું કરવું જોઈએ એના વિશે યહોવાની સલાહ લેવાને બદલે તેઓએ નિર્ણય કર્યો: “યહોવાના કરારનો કોશ આપણે પોતાની પાસે લાવીએ, કે તે આપણી મધ્યે આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે.” પરિણામ શું આવ્યું? ‘ઘણી મોટી કતલ થઈ, ઈસ્રાએલના પાયદળમાંથી ત્રીસ હજાર સૈનિકો માર્યા ગયા.’ વધુમાં, ઈશ્વરનો કોશ દુશ્મનોના હાથમાં ગયો. (૧ શમૂ. ૪:૨-૪, ૧૦, ૧૧) ઈસ્રાએલીઓને લાગ્યું કે ફક્ત કોશ પોતાની પાસે રાખવાથી, યહોવાની મદદ અને રક્ષણ મેળવી શકાશે. અફસોસ કે તેઓએ મદદ માટે યહોવાને પોકાર ન કર્યો અને તેમનો વિચાર જાણવાનો પ્રયત્ન ન કર્યો. અરે, તેઓએ પોતાને જે ઠીક લાગ્યું એ કર્યું. પરિણામે, તેઓએ ઘણું બધું ભોગવવું પડ્યું.—નીતિવચનો ૧૪:૧૨ વાંચો.
૧૮. યહોવા પર ભરોસો રાખવા વિશે બાઇબલ શું શીખવે છે?
૧૮ યહોવાને દિલોજાનથી પ્રેમ કરનારા અને સર્વ વાતે તેમના પર આધાર રાખનારા એક ઈશ્વરભક્તે લખ્યું: ‘ઈશ્વરની આશા રાખ; કેમ કે તેમની કૃપાદૃષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ. હે મારા ઈશ્વર, મારો જીવ ઉદાસ થયો છે; માટે હું તમારું સ્મરણ કરું છું.’ (ગીત. ૪૨:૫, ૬) શું તમને પણ યહોવા વિશે એવું જ લાગે છે? શું તમને લાગે છે કે તમે યહોવાની નજીક છો અને તેમના પર સર્વ વાતે આધાર રાખો છો? એમ હોય તોપણ તમે યહોવા પર વધુ આધાર રાખવાનું શીખી શકો. બાઇબલ જણાવે છે: ‘તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પહોળા કરશે.’—નીતિ. ૩:૫, ૬.
૧૯. તમે કઈ રીતે બતાવશો કે તમે યહોવાને પ્રેમ કરો છો?
૧૯ યહોવાએ પહેલાં આપણા પર પ્રેમ બતાવ્યો છે. એમ કરીને તેમણે આપણને પ્રેમ કરવાનું શીખવ્યું છે. તેમણે આપણા માટે કેટકેટલું કર્યું છે! તે આપણને કેટલો બધો પ્રેમ કરે છે! આપણે એ બધું કદીયે ભૂલીએ નહિ. ચાલો, આપણા પિતા યહોવાને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી અને પૂરી શક્તિથી પ્રેમ બતાવીએ!—માર્ક ૧૨:૩૦.