“મારી યાદગીરીને માટે એ કરો”
‘ઈસુએ રોટલી માટે સ્તુતિ કર્યા પછી એના ભાગ પાડ્યા અને કહ્યું કે, “આ મારું શરીર છે; તે તમારા માટે છે. મને યાદ કરવા માટે એમ કરો.”’—૧ કોરીં. ૧૧:૨૩, ૨૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
૧, ૨. શિષ્યોને શું ખ્યાલ આવી ગયો હશે?
યરૂશાલેમના ચોકીદારોને અમાસ પછી પહેલો ચંદ્ર દેખાયો એટલે તરત યહુદી ન્યાયસભાને એની જાણ કરી. ન્યાયસભાએ નવા મહિના નીસાનની શરૂઆત જાહેર કરી. એ પછી, મશાલોના સંકેતથી અને સંદેશવાહકો દ્વારા એની ખબર ફેલાવવામાં આવી. શિષ્યો જાણતા હતા કે પાસ્ખા પર્વ ઊજવવાનો સમય નજીક આવી ગયો છે. તેઓને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે, ઈસુ યરૂશાલેમ જવા નીકળશે જેથી પાસ્ખા પર્વ પહેલાં ત્યાં પહોંચી શકે.
૨ એ સમયે ઈસુ યરદન નદીની પાર આવેલા પેરિઆમાં પોતાના શિષ્યો સાથે હતા. યરૂશાલેમ તરફ ઈસુની એ છેલ્લી મુસાફરી હતી. (માથ. ૧૯:૧; ૨૦:૧૭, ૨૯; માર્ક ૧૦:૧, ૩૨, ૪૬) યહુદીઓના નીસાનનો પહેલો દિવસ નક્કી થાય એના ૧૩ દિવસ પછી સૂર્યાસ્તથી નીસાન ૧૪ શરૂ થતો અને પાસ્ખા પર્વ ઊજવવામાં આવતું.
૩. પાસ્ખા પર્વની તારીખમાં ઈશ્વરભક્તોને શા માટે રસ હોવો જોઈએ?
૩ પાસ્ખા પર્વના દિવસે ઊજવાતા પ્રભુના સાંજના ભોજનની તારીખ આ વર્ષે એપ્રિલ ૧૪, ૨૦૧૪ના રોજ સૂર્યાસ્ત પછી છે. આ દિવસ ઈશ્વરભક્તો માટે અને જેઓને એ વિશે જાણવું છે એવા લોકો માટે ખાસ છે. શા માટે? એનું કારણ આપણને પહેલો કોરીંથી ૧૧:૨૩-૨૫માં જોવા મળે છે. ઈસુને પકડવામાં આવ્યા એ પહેલાં: ‘ઈસુએ રોટલી માટે સ્તુતિ કર્યા પછી એના ભાગ પાડ્યા અને કહ્યું કે, “આ મારું શરીર છે; તે તમારા માટે છે. મને યાદ કરવા માટે એમ કરો.”’
૪. (ક) સ્મરણપ્રસંગ વિશે આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ? (ખ) દર વર્ષે એ પ્રસંગની તારીખ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? (બૉક્સ “સ્મરણપ્રસંગ ૨૦૧૪” જુઓ.)
૪ ઈસુએ પોતાના અનુયાયીઓને દર વર્ષે જે પ્રસંગ ઊજવવા કહ્યો એમાં તમે પણ હાજરી આપવાના હશો. એમાં હાજરી આપતા પહેલાં તમે આ સવાલો પર વિચાર કરી શકો: સ્મરણપ્રસંગ માટે હું શું તૈયારી કરી શકું? ત્યાં કયાં પ્રતીકોનો ઉપયોગ થશે? પ્રસંગની ઉજવણી કઈ રીતે કરાશે? એ પ્રસંગ અને પ્રતીકો મારાં માટે કઈ રીતે મહત્ત્વનાં છે?
પ્રતીકો
૫. ઈસુએ પોતાના શિષ્યોને પાસ્ખા પર્વની તૈયારી કરવા વિશે શું જણાવ્યું હતું?
૫ ઈસુએ પોતાના શિષ્યોને પાસ્ખા પર્વ માટે ઓરડી તૈયાર કરવા જણાવ્યું હતું. તેમણે એમાં વધુ પડતી સજાવટ કરવા જણાવ્યું ન હતું. તે ફક્ત એટલું ઇચ્છતા હતા કે એ જગ્યા ચોખ્ખી અને તેઓ બધા માટે પૂરતી હોય. (લુક ૨૨:૭-૧૩ વાંચો.) તેઓએ ભોજન માટે અમુક તૈયારી કરવાની હતી, જેમાં બેખમીર રોટલી અને લાલ દ્રાક્ષદારૂ પણ હતાં. પાસ્ખા પર્વનું ભોજન કર્યા પછી ઈસુએ એ બે પ્રતીકો તરફ ધ્યાન દોર્યું.
૬. (ક) પાસ્ખાના ભોજન પછી ઈસુએ રોટલી વિશે શું કહ્યું? (ખ) સ્મરણપ્રસંગમાં કેવી રોટલીનો ઉપયોગ થાય છે?
૬ પ્રસંગમાં હાજર રહેલા શિષ્યોમાંના એક માથ્થી હતા. પછીથી તેમણે લખ્યું: ‘ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને એ આપીને કહ્યું કે લો, ખાઓ.’ (માથ. ૨૬:૨૬) એ ખમીર વગરની “રોટલી” હતી, જેનો પાસ્ખા પર્વમાં ઉપયોગ કરવામાં આવતો હતો. (નિર્ગ. ૧૨:૮; પુન. ૧૬:૩) ઘઉંના લોટમાં ફક્ત પાણી મેળવીને એ રોટલી બનાવવામાં આવતી હતી. એમાં કોઈ પણ મેળવણ જેમ કે મીઠું નાખવામાં આવતું નહિ. એ કારણે એમાં જરાય આથો આવતો નહિ. રોટલી સાદી, સૂકી અને કડક બનતી હોવાથી સહેલાઈથી એના ટુકડા કરી શકાતા. આજે, સ્મરણપ્રસંગની અગાઉ મંડળના વડીલો કોઈ ભાઈ કે બહેનને એવી રોટલી બનાવવાનું કહી શકે છે. લોટમાં પાણી મેળવીને બનાવેલી રોટલી આછા તેલવાળા તવા પર શેકવાની હોય છે. (ઘઉંનો લોટ ના મળે તો ચોખા, જવ, મકાઈ કે કોઈ બીજા લોટનો ઉપયોગ કરી શકાય.)
૭. ઈસુએ કેવા પ્રકારના દ્રાક્ષદારૂનો ઉપયોગ કર્યો? આજે સ્મરણપ્રસંગમાં કેવા દ્રાક્ષદારૂનો ઉપયોગ થાય છે?
૭ માથ્થી આગળ જણાવે છે: ‘ઈસુએ પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું કે તમે સહુ એમાંનું પીઓ.’ (માથ. ૨૬:૨૭, ૨૮) ઈસુએ હાથમાં લાલ દ્રાક્ષદારૂનો પ્યાલો લીધો હતો. (એ દ્રાક્ષનો રસ ન હોય શકે કેમ કે, દ્રાક્ષની કાપણી ઘણા સમય પહેલાં પૂરી થઈ ગઈ હતી.) પ્રથમ પાસ્ખા પર્વમાં દ્રાક્ષદારૂનો ઉપયોગ થયો ન હતો. જોકે, ઈસુએ પાસ્ખા પર્વમાં દ્રાક્ષદારૂના ઉપયોગને ખોટો ઠરાવ્યો નહિ. તેમણે તો પ્રભુના સાંજના ભોજનની શરૂઆત કરી ત્યારે એમાં એનો ઉપયોગ પણ કર્યો. તેથી આજે, સ્મરણપ્રસંગમાં દ્રાક્ષદારૂનો ઉપયોગ થાય છે. કેવા પ્રકારના દ્રાક્ષદારૂનો ઉપયોગ થાય છે? ઈસુનું લોહી એટલું મૂલ્યવાન છે કે એમાં બીજું કંઈ ઉમેરીને એને હજી મૂલ્યવાન બનાવી ન શકાય. તેથી, સાદા દ્રાક્ષદારૂનો ઉપયોગ થાય છે, જેમાં કોઈ પણ પ્રકારનો મસાલો કે બ્રાન્ડી ઉમેરવામાં આવતી નથી. એ ઘરે બનાવેલો કે પછી તૈયાર ખરીદેલો હોય શકે. દાખલા તરીકે, કિઆન્ટી, બર્ગન્ડી કે પછી બોજ્જલે નામનો દ્રાક્ષદારૂ તૈયાર લઈ શકાય છે.
પ્રતીકો શાને રજૂ કરે છે
૮. રોટલી અને દ્રાક્ષદારૂનો અર્થ જાણવામાં આપણે શા માટે રસ ધરાવીએ છીએ?
૮ પ્રેરિત પાઊલે સ્પષ્ટ રીતે સમજાવ્યું કે ફક્ત પ્રેરિતોએ જ નહિ બીજા ઈશ્વરભક્તોએ પણ સ્મરણપ્રસંગ ઊજવવાનો હતો. કોરીંથીના ભાઈઓને તેમણે લખ્યું: ‘જે ઉપદેશ મેં પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યો છે, તે જ ઉપદેશ મેં તમને આપ્યો છે કે ઈસુએ રોટલી લીધી અને એના માટે સ્તુતિ કરી. પછી તેમણે રોટલીના ભાગ પાડ્યા અને કહ્યું કે, “આ મારું શરીર છે; તે તમારા માટે છે. મને યાદ કરવા માટે એમ કરો.”’ (૧ કોરીં. ૧૧:૨૩, ૨૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન) તેથી, આપણે એને એક ખાસ પ્રસંગ તરીકે દર વર્ષે ઊજવીએ છીએ. તેમ જ, રોટલી અને દ્રાક્ષદારૂનો અર્થ જાણવામાં રસ ધરાવીએ છીએ.
૯. રોટલી વિશે અમુક લોકોની કઈ ખોટી માન્યતા છે?
૯ ઈસુએ કહ્યું હતું, “એ મારું શરીર છે.” તેથી ચર્ચમાં જનારા અમુક માને છે કે ચમત્કાર કરીને તેમણે રોટલીને શરીર બનાવી દીધું હતું. પરંતુ એવું કંઈ પણ બન્યું ન હતું.a કારણ, એ સમયે શિષ્યો સામે ઈસુ હાજર હતા અને રોટલી પણ ત્યાં હતી. ઈસુ તો એવું સમજાવવા માંગતા હતા કે રોટલી તેમના શરીરને રજૂ કરે છે. ઈસુએ શીખવવા ઘણી વાર આવી સરખામણીઓનો ઉપયોગ કર્યો હતો.—યોહા. ૨:૧૯-૨૧; ૪:૧૩, ૧૪; ૧૦:૭; ૧૫:૧.
૧૦. સ્મરણપ્રસંગમાં ઉપયોગ કરાતી રોટલી શાને રજૂ કરે છે?
૧૦ શિષ્યો જે રોટલી જોઈ રહ્યા હતા અને ખાવાના હતા એ ઈસુના શરીરને રજૂ કરતી હતી. ઈસુએ રોટલીને ભાંગી હતી જ્યારે કે, તેમના શરીરનું એક પણ હાડકું ભાંગવામાં આવ્યું ન હતું. તેથી એક સમયે ઈશ્વરભક્તો માનતા હતા કે રોટલી “ખ્રિસ્તનું શરીર” એટલે કે અભિષિક્તોના મંડળને રજૂ કરતી હતી. (એફે. ૪:૧૨; રોમ. ૧૨:૪, ૫; ૧ કોરીં. ૧૦:૧૬, ૧૭; ૧૨:૨૭) સમય જતાં, એ વિશે ઘણું સંશોધન થયું અને તેઓને સમજાયું કે રોટલી ઈસુના માનવ શરીરને જ રજૂ કરે છે. કારણ બાઇબલ જણાવે છે, “ખ્રિસ્તે આપણે માટે દેહમાં દુઃખ સહ્યું” અને તેમને વધસ્તંભે જડવામાં આવ્યા. આમ, સ્મરણપ્રસંગમાં રોટલી ઈસુના માનવ શરીરને રજૂ કરે છે, ‘જેમાં તેમણે આપણાં પાપ માથે લીધાં.’—૧ પીત. ૨:૨૧-૨૪; ૪:૧; યોહા. ૧૯:૩૩-૩૬; હિબ્રૂ ૧૦:૫-૭.
૧૧, ૧૨. (ક) ઈસુએ દ્રાક્ષદારૂ વિશે શું કહ્યું? (ખ) સ્મરણપ્રસંગમાં ઉપયોગ કરાતો દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે?
૧૧ એ બાબત આપણને ઈસુએ દ્રાક્ષદારૂ વિશે જે કહ્યું એ સમજવા પણ મદદ કરે છે. કોરીંથીના પત્રમાં જોઈ શકાય કે, ‘એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું કે, આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે.’ (૧ કોરીં. ૧૧:૨૫) શું ઈસુ અહીંયા પ્યાલાને નવો કરાર કહે છે? ના. ઈસુ તો ‘પ્યાલાʼમાં રહેલા દ્રાક્ષદારૂની વાત કરતા હતા. એ લાલ દ્રાક્ષદારૂ ઈસુએ વહેવડાવેલા લોહીને રજૂ કરે છે.
૧૨ માર્કની સુવાર્તામાં ઈસુના શબ્દો છે કે, “કરારનું આ મારું રક્ત છે કે જે ઘણાને લીધે વહેવડાવવામાં આવ્યું છે.” (માર્ક ૧૪:૨૪) માથ્થીમાં પણ જોવા મળે છે કે ઈસુના લોહીને “પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં” આવ્યું હતું. (માથ. ૨૬:૨૮) આમ, લાલ દ્રાક્ષદારૂ ઈસુના લોહીને રજૂ કરે છે. તેમણે પોતાના લોહીથી ચૂકવેલી કિંમત દ્વારા આપણને “પાપની માફી મળી છે.”—એફેસી ૧:૭ વાંચો.
સ્મરણપ્રસંગ કઈ રીતે ઊજવાય છે?
૧૩. સ્મરણપ્રસંગ કઈ રીતે ઊજવાય છે?
૧૩ તમે કદાચ પહેલી વખત યહોવાના સાક્ષીઓના સ્મરણપ્રસંગમાં જવાના છો. ત્યાં તમને શું જોવા મળશે? એ પ્રસંગની જગ્યા સાદી, ચોખ્ખી અને આરામદાયક હશે, જેથી બધા પ્રસંગનો આનંદ લઈ શકે. ત્યાં થોડા ફૂલોની સજાવટ પણ હશે. પરંતુ, ઝાકઝમાળ કે પાર્ટી જેવું વાતાવરણ નહિ હોય. ત્યાં એક અનુભવી વડીલ સ્પષ્ટ રીતે અને આદરભાવ સાથે સ્મરણપ્રસંગ વિશે બાઇબલ આધારિત માહિતી આપશે, જેનાથી ખ્રિસ્ત માટે આપણી કદર વધશે. આપણે જીવી શકીએ માટે ખ્રિસ્તે પોતાના જીવનથી કિંમત ચૂકવી. (રોમનો ૫:૮-૧૦ વાંચો.) વક્તા એ પણ સમજાવશે કે ઈશ્વરભક્તો માટે કઈ બે આશાઓ છે.
૧૪. સ્મરણપ્રસંગમાં કઈ બે આશા વિશે ચર્ચા કરાશે?
૧૪ એમાંની એક આશા ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવાની છે. અમુક ઈશ્વરભક્તોને એ આશા છે, જેમ કે પ્રેરિતોને હતી. (લુક ૧૨:૩૨; ૨૨:૧૯, ૨૦; પ્રકટી. ૧૪:૧) આપણા સમયના મોટા ભાગના ઈશ્વરભક્તોને બીજી આશા છે. તેઓને હંમેશ માટે સુંદર પૃથ્વી પર જીવવાની આશા છે. ઈશ્વરની ઇચ્છા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર જલદી જ પૂરી થશે, જેના વિશે ઈશ્વરભક્તો હંમેશાં પ્રાર્થના કરે છે. (માથ. ૬:૧૦) બાઇબલ જે અદ્ભુત જીવનનું વર્ણન કરે છે, એ તેઓ હંમેશ માટે માણી શકશે.—યશા. ૧૧:૬-૯; ૩૫:૫, ૬; ૬૫:૨૧-૨૩.
૧૫, ૧૬. સ્મરણપ્રસંગમાં રોટલીને લગતી કઈ બાબતો કરવામાં આવે છે?
૧૫ ચર્ચાના અંતે, વક્તા એવું જણાવશે કે પ્રભુ ભોજન વખતે ઈસુએ જે બાબતો પ્રેરિતોને કરવા કહી એ કરવાનો સમય થઈ ગયો છે. વક્તાની નજીક મૂકેલા ટેબલ પર બેખમીર રોટલી અને લાલ દ્રાક્ષદારૂ હશે. વક્તા બાઇબલનો એ અહેવાલ વાંચશે જેમાં ઈસુએ શરૂ કરેલા પ્રસંગનો ઉલ્લેખ થયો છે. દાખલા તરીકે, માથ્થીમાં જોવા મળે છે: “ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી; અને શિષ્યોને તે આપીને કહ્યું, કે લો, ખાઓ; એ મારું શરીર છે.” (માથ. ૨૬:૨૬) ઈસુએ રોટલી તોડી જેથી બંને બાજુ બેઠેલા શિષ્યોમાં એને પસાર કરી શકે. એવી જ રીતે, એપ્રિલ ૧૪ની સભામાં અમુક પ્લેટમાં રોટલીના ટુકડા કરીને મૂકવામાં આવ્યા હશે.
૧૬ સમયસર બધાને રોટલી પસાર કરી શકાય માટે પૂરતી પ્લેટો વાપરવામાં આવશે. ત્યાં કોઈ લાંબી લાંબી વિધિઓ નહિ હોય. એક ટૂંકી પ્રાર્થના પછી એ રોટલીને વ્યવસ્થિત રીતે પસાર કરવામાં આવશે. ગયા વર્ષે મોટા ભાગનાં મંડળોમાં બન્યું તેમ અમુક વ્યક્તિઓ જ (અથવા કોઈ પણ નહિ) એ રોટલી ખાવામાં ભાગ લેશે.
૧૭. સ્મરણપ્રસંગમાં દ્રાક્ષદારૂ વિશે ઈસુના માર્ગદર્શનને કઈ રીતે અનુસરવામાં આવે છે?
૧૭ ત્યાર પછી, ઈસુએ જે કર્યું એના પર વક્તા ધ્યાન દોરશે. તે માથ્થીના અહેવાલનો ઉલ્લેખ કરશે જેમાં લખ્યું છે: ‘ઈસુએ પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું કે તમે સહુ એમાંનું પીઓ. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે ઘણાના પાપોની માફી માટે વહેવડાવવામાં આવે છે.’ (માથ. ૨૬:૨૭, ૨૮) એ રીતને અનુસરતા એક બીજી ટૂંકી પ્રાર્થના કરવામાં આવશે અને પછી લાલ દ્રાક્ષદારૂના ‘પ્યાલાʼને હાજર રહેલા બધા પાસે પસાર કરવામાં આવશે.
૧૮. મોટા ભાગના લોકો પ્રતીકોને ખાઈ કે પી શકે નહિ, તો પણ ત્યાં હાજર રહેવું શા માટે મહત્ત્વનું છે?
૧૮ ઈસુના જણાવ્યા પ્રમાણે જેઓની આશા સ્વર્ગની છે તેઓ જ એ પ્રતીકોને ખાઈ કે પી શકે. તેથી, સ્મરણપ્રસંગમાં હાજર મોટા ભાગના લોકો એ પ્રતીકોનું માન રાખતાં એને પસાર કરશે પણ એને ખાશે કે પીશે નહિ. (લુક ૨૨:૨૮-૩૦ વાંચો; ૨ તીમો. ૪:૧૮) મોટા ભાગના લોકો જો એને ખાઈ કે પી શકે નહિ, તો પછી તેમના માટે ત્યાં હાજર રહેવું કેમ મહત્ત્વનું છે? હકીકતમાં તેઓ હાજર રહીને બતાવે છે કે ઈસુ ખ્રિસ્તના બલિદાન માટે તેઓને ખૂબ કદર છે. પ્રસંગ દરમિયાન તેઓ ઈસુ ખ્રિસ્તના બલિદાનના લીધે મળનાર આશીર્વાદો પર મનન કરી શકે છે. જેમ કે, મહાન “વિપત્તિ”માંથી બચી જનાર “મોટી સભા”નો તેઓ ભાગ બનશે, એવી તેઓ પાસે આશા છે. તેઓ એવા ભક્તોમાંના કહેવાશે જેઓએ “પોતાનાં વસ્ત્ર ધોયાં અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં” છે.—પ્રકટી. ૭:૯, ૧૪-૧૭.
૧૯. સ્મરણપ્રસંગની તૈયારી કરવા અને એનો ફાયદો મેળવવા શું કરવું જોઈએ?
૧૯ દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ એ ખાસ સભા માટે તૈયારીઓ કરે છે. અઠવાડિયાઓ અગાઉ તેઓ બની શકે એટલા લોકોને એમાં હાજર રહેવા આમંત્રણ આપે છે. ઉપરાંત, સ્મરણપ્રસંગના અગાઉના અમુક દિવસોમાં આપણે ઈસુ વિશે બાઇબલમાંથી અહેવાલો વાંચીએ છીએ. તેમણે જે કર્યું અને સાલ ૩૩, નીસાન ૧૪ના રોજ જે બાબતો બની એના પર આપણે મનન કરીએ છીએ. આ વખતે પણ પ્રસંગમાં હાજર રહી શકીએ માટે અગાઉથી બનતી ગોઠવણ કરીશું. સભાની શરૂઆત ગીત અને પ્રાર્થનાથી થાય, એના કેટલાક સમય પહેલાં પહોંચી જવું સારું રહેશે. એમ કરવાથી, આમંત્રિત મહેમાનોને સારો આવકાર આપવા પૂરતો સમય મળશે અને આખા કાર્યક્રમનો આનંદ માણી શકાશે. વક્તા કલમોના મુદ્દા સમજાવે ત્યારે ભાઈ-બહેનો અને મહેમાનો પોતાના બાઇબલમાંથી એ ખોલીને જુએ તો ફાયદો થશે. સૌથી મહત્ત્વનું છે કે આપણે સ્મરણપ્રસંગમાં હાજર રહીને ઈસુના બલિદાનની કદર કરીએ છીએ અને તેમણે આપેલી આ આજ્ઞા માનીએ છીએ: “મારી યાદગીરીને માટે એ કરો.”—૧ કોરીં. ૧૧:૨૪.
a હેંરીચ મેયર નામના જર્મન વિદ્વાન કહે છે કે: ‘જોઈ શકાય કે એ સમયે ઈસુ હજી જીવતા હતા. તેમનું શરીર હજી ભાંગવામાં આવ્યું ન હતું અને લોહી પણ વહેવડાવવામાં આવ્યું ન હતું. તેથી, ત્યાં હાજર રહેલાઓએ [શિષ્યોએ] એવું કદી વિચાર્યું નહિ હોય કે તેઓ ખરેખરમાં ઈસુનું શરીર ખાઈ રહ્યા છે કે લોહી પી રહ્યા છે.’ હેંરીચે એમ પણ જણાવ્યું કે રોટલી અને દ્રાક્ષદારૂ વિશે સમજાવવા ઈસુએ ‘સરળ શબ્દો’ વાપર્યા હતા. કારણ કે, ઈસુ ઇચ્છતા ન હતા કે તેમના શિષ્યોને એ વિશે કોઈ ગેરસમજ થાય.