એક ટોળું, એક પાળક
“તમે, મારી પાછળ આવનારા, ઈસ્રાએલનાં બારે કુળનો ન્યાય કરતા બાર રાજ્યાસનો પર બેસશો.”—માથ. ૧૯:૨૮.
૧. યહોવાહે ઈબ્રાહીમના વંશજો સાથે કેવો વહેવાર કર્યો? શું બતાવે છે કે યહોવાહે બીજી પ્રજાના લોકોની અવગણના ન કરી?
યહોવાહને ઈબ્રાહીમ પર ઘણો પ્રેમ હતો. તેમણે ઈબ્રાહીમના વંશજોને પણ પ્રેમ બતાવ્યો. એ વંશજોમાંથી ઈસ્રાએલી પ્રજા બની. તેઓ ૧,૫૦૦ વર્ષ સુધી યહોવાહની “ખાસ પ્રજા” તરીકે હતા. (પુનર્નિયમ ૭:૬ વાંચો.) તો શું એનો અર્થ એ થાય કે યહોવાહે એ સમયમાં બીજી પ્રજાની અવગણના કરી? ના, એમ નથી. એ સમય દરમિયાન જો બીજી પ્રજાના લોકો યહોવાહની ભક્તિ કરવા માંગતા હોય તો, તેઓ આ ખાસ પ્રજા સાથે જોડાઈ શકતા હતા. આ લોકો પણ ખાસ પ્રજાનો ભાગ ગણાતા. તેઓ સાથે પણ ભાઈઓ જેવો વહેવાર કરવામાં આવતો. (લેવી. ૧૯:૩૩, ૩૪) તેઓએ પણ યહોવાહના બધા જ નિયમો પાળવાની જરૂર હતી.—લેવી. ૨૪:૨૨.
૨. ઈસુએ યહુદીઓને શું જાહેર કર્યું? એનાથી કયા પ્રશ્નો ઊભો થાય છે?
૨ જોકે ઈસુએ યહુદીઓને એક ગંભીર બાબત જાહેર કરી: “દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.” (માથ. ૨૧:૪૩) આ નવી પ્રજામાં કોણ હશે? આ ફેરફાર આપણને કઈ રીતે અસર કરે છે?
નવી પ્રજા
૩, ૪. (ક) પીતરે નવી પ્રજાની ઓળખ આપતા શું કહ્યું? (ખ) નવી પ્રજામાં કોણ છે?
૩ આ નવી પ્રજાની ઓળખ પ્રેરિત પીતરે આપી. તેમણે સાથી ખ્રિસ્તીઓને લખ્યું: ‘તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. તેથી જેણે અંધકારમાંથી પોતાના પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો.’ (૧ પીત. ૨:૯) ભાખવામાં આવ્યા પ્રમાણે જે યહુદીઓએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા તેઓ આ પ્રજાના પ્રથમ સભ્યો બન્યા. (દાની. ૯:૨૭નો પહેલો ભાગ; માથ. ૧૦:૬) ત્યાર બાદ બીજી જાતિના લોકો પણ આ નવી પ્રજાના ભાગ બન્યા. તેઓ વિષે પીતરે કહ્યું: “તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો.”—૧ પીત. ૨:૧૦.
૪ અહીંયા પીતર કોના વિષે વાત કરી રહ્યાં હતા? તેમણે પોતાના પત્રની શરૂઆતમાં લખ્યું: ‘ઈશ્વરે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવનની આશાને માટે, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે. તે વતન તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલું છે.’ (૧ પીત. ૧:૩, ૪) તેથી આ નવી પ્રજામાં અભિષિક્ત ખ્રિસ્તીઓ છે, જેઓને સ્વર્ગમાં જવાની આશા છે. તેઓ “દેવના ઈસ્રાએલ” તરીકે ઓળખાય છે. (ગલા. ૬:૧૬) પ્રેરિત યોહાને સંદર્શનમાં જોયું કે એ પ્રજાની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે. “તેઓને દેવને સારૂ તથા હલવાનને સારૂ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા” છે. તેઓ “ખ્રિસ્તના યાજક થશે, અને તેની સાથે હજાર વર્ષ રાજ કરશે.”—પ્રકટી. ૫:૧૦; ૭:૪; ૧૪:૧, ૪; ૨૦:૬; યાકૂ. ૧:૧૮.
શું ‘ઈસ્રાએલʼના બીજા અર્થ પણ છે?
૫. (ક) ‘દેવનું ઈસ્રાએલ’ કોને રજૂ કરે છે? (ખ) કેમ કહી શકીએ કે ‘ઈસ્રાએલ’ શબ્દ અભિષિક્તોને જ રજૂ કરતો નથી?
૫ ગલાતી ૬:૧૬માં ‘દેવનું ઈસ્રાએલ’ એ ફક્ત અભિષિક્ત ખ્રિસ્તીઓને રજૂ કરે છે. જોકે અમુક કિસ્સામાં યહોવાહ અભિષિક્તો સિવાય બીજા ખ્રિસ્તીઓને રજૂ કરવા પણ ‘ઈસ્રાએલ’ શબ્દ વાપરે છે. એ આપણને ઈસુએ તેમના પ્રેરિતોને જે કહ્યું એમાંથી જોવા મળે છે: “જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું, કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ; અને તમે ઈસ્રાએલનાં બારે કુળોનો ન્યાય ઠરાવતાં રાજ્યાસનો પર બેસશો.” (લુક ૨૨:૨૮-૩૦) આવું ક્યારે બનશે? ઈસુના હજાર વર્ષના રાજ દરમિયાન ‘પુનરૂત્પત્તિ’ કે નવસર્જનના સમયે બનશે.—માત્થી ૧૯:૨૮ વાંચો.
૬, ૭. માત્થી ૧૯:૨૮ અને લુક ૨૨:૩૦માં ‘ઈસ્રાએલનાં બાર કુળો’ કોને રજૂ કરે છે?
૬ ઈસુના હજાર વર્ષના રાજ દરમિયાન ૧,૪૪,૦૦૦ લોકો સ્વર્ગમાં રાજાઓ, યાજકો અને ન્યાયાધીશો તરીકે સેવા આપશે. (પ્રકટી. ૨૦:૪) તેઓ કોનો ન્યાય કરશે? કોના પર રાજ કરશે? માત્થી ૧૯:૨૮ અને લુક ૨૨:૩૦માં જણાવ્યું છે કે તેઓ ‘ઈસ્રાએલનાં બાર કુળનો’ ન્યાય કરશે. આ કલમોમાં ‘ઈસ્રાએલનાં બાર કુળો’ કોને રજૂ કરે છે? પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખનારાઓને રજૂ કરે છે. તેઓએ ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂક્યો છે. પણ તેઓ યાજક વર્ગના નથી. (પ્રાચીન ઈસ્રાએલના ૧૨ કુળોમાં લેવીના કુળનો સમાવેશ થયો ન હતો.) આ કલમોમાં જેઓ ‘ઈસ્રાએલના બાર કુળોને’ રજૂ કરે છે તેઓને ૧,૪૪,૦૦૦ યાજકોની સેવાથી આશીર્વાદ મળશે. યહોવાહ આ ૧૨ કુળના લોકોને પ્રેમ કરે છે અને તેઓને સ્વીકારે છે. એટલે તે આ લોકોને પ્રાચીન ઈસ્રાએલની પસંદ કરેલી પ્રજા સાથે સરખાવે છે.
૭ સંદર્શનમાં યોહાને જોયું કે મહાન વિપત્તિ પહેલાં ૧,૪૪,૦૦૦ને સ્વર્ગમાં જવા પૂરી ખાતરી મળી ગઈ છે. એ પછી તેમણે ‘સર્વ દેશોમાંથી આવેલી’ અગણિત “મોટી સભા” જોઈ. (પ્રકટી. ૭:૯) તેઓ મહાન વિપત્તિમાંથી બચી જઈને ઈસુના હજાર વર્ષના રાજમાં જીવશે. ત્યારે અબજો લોકો સજીવન થશે અને તેઓ મોટી સભા સાથે જોડાશે. (યોહા. ૫:૨૮, ૨૯; પ્રકટી. ૨૦:૧૩) ‘ઈસ્રાએલના બાર કુળ’ આ મોટી સભા અને સજીવન થએલા લોકોને રજૂ કરે છે. તેઓનો ન્યાય ઈસુ અને તેમની સાથે રાજ કરતા ૧,૪૪,૦૦૦ લોકો કરશે.—પ્રે.કૃ. ૧૭:૩૧; ૨૪:૧૫; પ્રકટી. ૨૦:૧૨.
૮. પ્રાયશ્ચિતના દિવસે જે બનતું હતું એ અભિષિક્ત અને પૃથ્વી પર રહેનારા વચ્ચેના સંબંધ વિષે શું બતાવે છે?
૮ પ્રાચીન સમયના પ્રાયશ્ચિતના દિવસે જે બનતું હતું એ અભિષિક્ત અને પૃથ્વી પર રહેનારાઓ વચ્ચેના સંબંધ વિષે બતાવે છે. (લેવી. ૧૬:૬-૧૦) એ દિવસે પ્રમુખ યાજકે સૌથી પહેલાં ‘પોતાને માટે તથા પોતાના ઘરનાઓનાં’ પાપ માટે બળદનું બલિદાન ચઢાવવાનું હતું. તેથી ઈસુનું બલિદાન પ્રથમ પોતાના ઘરનાં એટલે કે ૧,૪૪,૦૦૦ યાજકોને લાગુ પડતું હતું. પ્રાચીન સમયના પ્રાયશ્ચિતના દિવસે ઈસ્રાએલીઓના પાપોને માટે બે બકરાંનો પણ ઉપયોગ થતો. આ કિસ્સામાં યાજક વર્ગ ૧,૪૪,૦૦૦ને રજૂ કરે છે અને ઈસ્રાએલી પ્રજા એ પૃથ્વી પર જીવવાની આશા રાખતા લોકોને રજૂ કરે છે. આ બતાવે છે માત્થી ૧૯:૨૮માં જણાવેલા ‘ઈસ્રાએલનાં બાર કુળ’ એ ઈસુના પસંદ કરાએલા યાજકોને રજૂ કરતા નથી. પણ ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂક્યો છે એ સર્વ લોકોને રજૂ કરે છે.a
૯. હઝકીએલના સંદર્શનમાં યાજકો કોને દર્શાવે છે? ઈસ્રાએલીઓ કોને દર્શાવે છે?
૯ બીજો એક દાખલો લઈએ. પ્રબોધક હઝકીએલને યહોવાહના મંદિરનું ભવ્ય સંદર્શન થયું હતું. (હઝકી. અધ્યાય ૪૦થી ૪૮) એ સંદર્શનમાં યાજકો મંદિરમાં કામ કરી રહ્યાં છે. તેઓ યહોવાહ પાસેથી સલાહ-સૂચનો લે છે અને લોકોને માર્ગદર્શન પણ આપે છે. (હઝકી. ૪૪:૨૩-૩૧) એ સંદર્શનમાં તે ઈસ્રાએલીઓના અલગ અલગ કુળને મંદિરમાં ભક્તિ કરતા અને બલિદાન ચઢાવતા જુએ છે. (હઝકી. ૪૫:૧૬, ૧૭) આ સંદર્શનમાં યાજકો, અભિષિક્ત લોકોને દર્શાવે છે. જ્યારે કે લેવી કુળ સિવાયના ઈસ્રાએલીઓ, પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા લોકોને દર્શાવે છે. એ સંદર્શન બતાવે છે કે યાજકો ભક્તિમાં આગેવાની લે છે. તેઓ સાથે ઈસ્રાએલીઓ પણ હળી-મળીને યહોવાહની ભક્તિ કરે છે.
૧૦, ૧૧. (ક) કયા શબ્દો સાચા પડી રહ્યા હોવાથી આપણો વિશ્વાસ વધે છે? (ખ) બીજાં ઘેટાં વિષે કયો પ્રશ્ન ઊભો થાય છે?
૧૦ ઈસુએ “બીજાં ઘેટાં” વિષે વાત કરી હતી. તેઓ અભિષિક્ત શિષ્યોની “નાની ટોળી”નાં “વાડા”નો ભાગ નથી. (યોહા. ૧૦:૧૬; લુક ૧૨:૩૨) ઈસુએ જણાવ્યું કે “તેઓને પણ મારે લાવવાની જરૂર છે, અને તેઓ મારો સાદ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.” આ શબ્દો સાચા પડી રહ્યા હોવાથી આપણો વિશ્વાસ કેટલો વધે છે! અભિષિક્ત જનોની નાની ટોળી સાથે બીજાં ઘેટાંની મોટી સભા જોડાઈ છે. તેઓ સર્વ એકતાથી યહોવાહની ભક્તિ કરે છે. (ઝખાર્યાહ ૮:૨૩ વાંચો.) અભિષિક્ત જનો જાણે યહોવાહના મંદિરના નાના આંગણામાં (અંદરના ચોકમાં) સેવા આપી રહ્યા છે. પણ બીજાં ઘેટાંના લોકો જાણે એ મંદિરના મોટા આંગણામાં (બહારના ચોકમાં) યહોવાહની ભક્તિ કરે છે.
૧૧ અમુક વખતે યહોવાહ બીજાં ઘેટાંને, લેવી કુળ સિવાયના ઇસ્રાએલીઓ સાથે સરખાવે છે. તો પછી, બીજાં ઘેટાં જેઓને પૃથ્વી પર જીવવાની આશા છે તેઓએ શું મેમોરિયલમાં (સ્મરણ પ્રસંગમાં) રોટલી ખાવી જોઈએ અને દ્રાક્ષારસ પીવો જોઈએ? હવે આપણે આ સવાલની ચર્ચા કરીશું.
નવો કરાર
૧૨. યહોવાહે નવી ગોઠવણ વિષે શું કહ્યું?
૧૨ યહોવાહે તેમના ભક્તોને એક નવી ગોઠવણ વિષે આમ કહ્યું: “જે કરાર હું ઈસ્રાએલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારો નિયમ તેઓનાં હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ; હું તેઓનો દેવ થઈશ, ને તેઓ મારા લોક થશે.” (યિર્મે. ૩૧:૩૧-૩૩) આ નવા કરારથી યહોવાહે ઈબ્રાહીમને આપેલું વચન અને એનાથી થતા લાભો હંમેશ માટે ટકશે.—ઉત્પત્તિ ૨૨:૧૮ વાંચો.
૧૩, ૧૪. (ક) નવો કરાર કોની સાથે થયો? (ખ) નવા કરારથી કોને લાભ થાય છે? તેઓ કઈ રીતે “કરારને વળગી રહે છે”?
૧૩ ઈસુએ પોતાના મરણની આગલી રાતે નવા કરાર વિષે આમ કહ્યું: “આ પ્યાલો તમારે સારૂ વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.” (લુક ૨૨:૨૦; ૧ કોરીં. ૧૧:૨૫) આ નવો કરાર શું બધા જ ખ્રિસ્તીઓ સાથે થયો છે? ના. અમુક જ ખ્રિસ્તીઓ સાથે આ કરાર થયો છે, જેમ કે પ્રેરિતો, જેઓએ એ રાતે પ્યાલામાંથી પીધું હતું.b તેઓ સાથે ઈસુએ એક બીજો કરાર પણ કર્યો. એનાથી તેઓ ભાવિમાં ઈસુ સાથે રાજ કરશે. (લુક ૨૨:૨૮-૩૦) તેઓ સ્વર્ગના રાજ્યના ભાગીદાર થશે.—લુક ૨૨:૧૫, ૧૬.
૧૪ ઈસુના રાજ હેઠળ પૃથ્વી પર રહેનારાઓ વિષે શું? તેઓને આ નવા કરારથી લાભ થાય છે. (ગલા. ૩:૮, ૯) તેઓ સાથે નવો કરાર કરવામાં આવ્યો નથી. તેમ છતાં, તેઓ એ “કરારને વળગી રહે છે,” એટલે કે યહોવાહના નિયમો પ્રમાણે જીવવા પ્રયત્ન કરે છે. યશાયાહે એ વિષે ભાખ્યું: “જે પરદેશીઓ યહોવાહની સેવા કરવા સારૂ, તથા યહોવાહના નામ પર પ્રીતિ રાખવા સારૂ, એના સેવક થવા સારૂ, તેના સંબંધમાં આવે છે એટલે જે સર્વ મારા સાબ્બાથને અપવિત્ર ન કરતાં એને પાળે છે, ને મારા કરારને વળગી રહે છે; તેમને તો હું મારા પવિત્ર પર્વત પર આણીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ.” પછી યહોવાહ કહે છે: “મારૂં મંદિર સર્વ પ્રજાઓને સારૂ પ્રાર્થનાનું મંદિર કહેવાશે.”—યશા. ૫૬:૬, ૭.
મેમોરિયલમાં કોણ રોટલી અને દ્રાક્ષારસ લેશે?
૧૫, ૧૬. (ક) જેઓ સાથે નવો કરાર થયો છે તેઓને કયો લહાવો મળે છે? (ખ) પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખનારાઓ કેમ મેમોરિયલમાં રોટલી અને દ્રાક્ષારસ લેતા નથી?
૧૫ જેઓ સાથે નવો કરાર થયો છે, તેઓને ‘પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાની હિંમત છે.’ (હેબ્રી ૧૦:૧૫-૨૦ વાંચો.) તેઓને “કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય” મળશે. (હેબ્રી ૧૨:૨૮) તેથી જેઓને સ્વર્ગમાં રાજા અને યાજકો તરીકે પસંદ કરવામાં આવ્યા છે, તેઓ જ આ ‘પ્યાલામાંથી’ પીશે. આ ‘પ્યાલો’ નવા કરારને રજૂ કરે છે. જેઓ સાથે નવો કરાર થયો છે, તેઓને હલવાન જોડે લગ્ન કરવાનું વચન મળ્યું છે. (૨ કોરીં. ૧૧:૨; પ્રકટી. ૨૧:૨, ૯) બીજા બધા જેઓ મેમોરિયલમાં હાજરી આપે છે તેઓ એ પ્રસંગે રોટલી ખાતા નથી અને દ્રાક્ષદારૂ પીતા નથી. પણ તેઓ એ પ્રસંગને ટેકો આપવા માટે આવે છે.
૧૬ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખનારાઓ મેમોરિયલમાં રોટલી અને દ્રાક્ષારસ લેતા નથી. એ આપણે પાઊલે અભિષિક્તોને કહેલા આ શબ્દોમાંથી જોઈ શકીએ: “જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેનું મરણ પ્રગટ કરો છો.” (૧ કોરીં. ૧૧:૨૬) ‘પ્રભુ ક્યારે આવશે’? જ્યારે તે પૃથ્વી પરથી છેલ્લી અભિષિક્ત વ્યક્તિને સ્વર્ગમાં લઈ જશે. (યોહા. ૧૪:૨, 3) એનાથી સાફ દેખાઈ આવે છે કે મેમોરિયલ હંમેશ માટે ઊજવાશે નહિ. તેથી સ્ત્રીના “બાકીનાં સંતાન” પૃથ્વી પર હશે, ત્યાં સુધી જ મેમોરિયલ ઊજવાશે. તેઓ બધા સ્વર્ગમાં જતા રહેશે પછી એ ઊજવણી બંધ થઈ જશે. (પ્રકટી. ૧૨:૧૭) જો પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખનારાઓ પણ મેમોરિયલમાં રોટલી અને દ્રાક્ષારસ લે તો, આ ઊજવણી હંમેશ માટે કરવી પડત.
“તેઓ મારા લોક થશે”
૧૭, ૧૮. હઝકીએલ ૩૭:૨૬, ૨૭ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ રહી છે?
૧૭ યહોવાહે પોતાના ભક્તોની એકતા વિષે આમ ભાખ્યું: ‘હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ: એ તેમની સાથે સદાકાળનો કરાર થશે; હું તેઓને ઠરીઠામ પાડીશ, ને તેઓનો વિસ્તાર વધારીશ, ને મારૂં પવિત્રસ્થાન તેઓમાં સદાને માટે સ્થાપીશ. મારૂ નિવાસસ્થાન પણ તેઓની સાથે થશે; હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોક થશે.’—હઝકી. ૩૭:૨૬, ૨૭.
૧૮ આ “પવિત્રસ્થાન” શું છે? એ યહોવાહની સાચી ભક્તિને રજૂ કરે છે જે તેમના ભક્તો મધ્યે છે. તેઓ બધા પ્રકારની મૂર્તિપૂજાનો ત્યાગ કરીને ફક્ત યહોવાહની જ ભક્તિ કરે છે. આમ તેઓ યહોવાહના લોકો બન્યા છે. યહોવાહે તેઓ સાથે શાંતિનો કરાર કર્યો છે. તેમણે કરેલા કરાર અને વચનથી તેમના બધા ભક્તોને લાભ થાય છે. પોતાના ભક્તોને તેમણે જે આશીર્વાદો આપ્યા છે એ સાફ જોઈ શકાય છે.
૧૯, ૨૦. યહોવાહ બીજા કોને પોતાના ‘લોકો’ ગણે છે? નવા કરારથી શું શક્ય બન્યું છે?
૧૯ અભિષિક્તો અને મોટા ટોળા વચ્ચે એકતા જોઈને આપણને કેટલી ખુશી થાય છે. ભલે મોટા ટોળાંના સભ્યોને સ્વર્ગમાં જવાની આશા નથી, તેઓ અભિષિક્તોને પૂરેપૂરો સાથ આપે છે. તેઓ દેવના ઈસ્રાએલ સાથે જોડાઈ ગયા છે. આમ કરવાથી યહોવાહ તેઓને પણ પોતાના ‘લોકો’ ગણે છે. તેઓમાં આપણે આ ભવિષ્યવાણી પૂરી થતી જોઈ શકીએ છીએ: ‘તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાહની સાથે સંબંધ બાંધશે, ને તેઓ તેમના લોક થશે. તે તેમની સાથે વસશે.’—ઝખા. ૨:૧૧; ૮:૨૧; યશાયાહ ૬૫:૨૨; પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો.
૨૦ આ બધું યહોવાહે નવા કરારની ગોઠવણથી શક્ય બનાવ્યું છે. યહોવાહે પસંદ કરેલી પ્રજામાં લાખો ‘પરદેશીઓ’ આવ્યા છે. (મીખા. ૪:૧-૫) આ પરદેશીઓએ યહોવાહના કરારને વળગી રહેવાની મનમાં ગાંઠ વાળી છે. (યશા. ૫૬:૬, ૭) આમ કરવાથી તેઓને દેવના ઈસ્રાએલ જેવી જ શાંતિ અને આશીર્વાદો મળે છે. અમે ચાહીએ છીએ કે તમને હમણાં અને સદા માટે એ આશીર્વાદો મળતા રહે! (w10-E 03/15)
[ફુટનોટ્સ]
a એવી જ રીતે ‘મંડળ’ શબ્દ ખાસ કરીને અભિષિક્તો માટે વપરાય છે. (હેબ્રી ૧૨:૨૩) જોકે ‘મંડળ’ શબ્દના બીજા અર્થ પણ થઈ શકે છે. જેમ કે, એ દરેક ખ્રિસ્તીઓને રજૂ કરે છે, પછી ભલેને તેઓને સ્વર્ગમાં કે પૃથ્વી પર જીવવાની આશા હોય.—વધારે માહિતી માટે મે ૧, ૨૦૦૭ ચોકીબુરજના પાન ૮-૧૨ જુઓ.
b ઈસુ એ કરારના મધ્યસ્થ હોવાથી રોટલી ખાતા નથી અને દ્રાક્ષારસ પીતા નથી.
શું તમને યાદ છે?
• ‘ઈસ્રાએલના બાર કુળ’ કોણ છે જેઓનો ૧,૪૪,૦૦૦ ન્યાય કરશે?
• નવો કરારને લીધે અભિષિક્તો શું કરશે? એનાથી બીજાં ઘેટાંને કેવો લાભ થાય છે?
• શું બધા ખ્રિસ્તીઓએ મેમોરિયલમાં રોટલી અને દ્રાક્ષારસ લેવા જોઈએ?
• આપણા દિવસ માટે કેવી એકતા વિષે ભાખવામાં આવ્યું હતું?
[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]
ઘણા લોકો દેવના ઈસ્રાએલ સાથે મળીને ભક્તિ કરી રહ્યા છે
૭૩,૧૩,૧૭૩
૪૦,૧૭,૨૧૩
૧૪,૮૩,૪૩૦
૩,૭૩,૪૩૦
૧૯૫૦ ૧૯૭૦ ૧૯૯૦ ૨૦૦૯