પ્રકરણ ૧૨૩
બહુ જ દુઃખી હતા ત્યારે પ્રાર્થના કરી
માથ્થી ૨૬:૩૦, ૩૬-૪૬ માર્ક ૧૪:૨૬, ૩૨-૪૨ લુક ૨૨:૩૯-૪૬ યોહાન ૧૮:૧
ગેથશેમાને બાગમાં ઈસુ
તેમનો પરસેવો લોહીનાં ટીપાં જેવો છે
ઈસુએ તેમના વફાદાર પ્રેરિતો સાથે પ્રાર્થના પૂરી કરી. પછી, “સ્તુતિ-ગીતો ગાઈને તેઓ જૈતૂન પહાડ પર જવા નીકળી ગયા.” (માર્ક ૧૪:૨૬) તેઓ પૂર્વમાં ગેથશેમાને નામના બાગમાં ગયા, જ્યાં ઈસુ ઘણી વાર જતા હતા.
તેઓ જૈતૂન વૃક્ષો વચ્ચે આવેલા એ સુંદર બાગમાં આવી પહોંચ્યા ત્યારે, આઠ પ્રેરિતોને ત્યાં છોડીને ઈસુ આગળ વધ્યા. કદાચ તેઓ બાગના પ્રવેશદ્વારે જ રોકાઈ ગયા હતા, કેમ કે ઈસુએ તેઓને કહ્યું હતું: “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.” ઈસુ ત્રણ પ્રેરિતોને લઈને બાગની અંદર થોડે દૂર ગયા. એ પ્રેરિતો પીતર, યાકૂબ અને યોહાન હતા. ઈસુ બહુ પરેશાન થયા અને ત્રણ પ્રેરિતોને કહ્યું: “હું બહુ જ દુઃખી, અરે મરવા જેવો થયો છું. અહીં રહો અને મારી સાથે જાગતા રહો.”—માથ્થી ૨૬:૩૬-૩૮.
તેઓથી થોડે દૂર જઈને, ઈસુ “જમીન પર ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા.” આ કટોકટીની પળોમાં તે ઈશ્વરને શી પ્રાર્થના કરતા હતા? તેમણે આ પ્રાર્થના કરી: “પિતાજી, તમારા માટે બધું શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ, હું ચાહું છું એમ નહિ, પણ તમે ચાહો છો એ પ્રમાણે થાઓ.” (માર્ક ૧૪:૩૫, ૩૬) તે શું કહેવા માંગતા હતા? શું તે છુટકારાની કિંમત ચૂકવવામાં પીછેહઠ કરી રહ્યા હતા? ના!
ઈસુએ સ્વર્ગમાંથી જોયું હતું કે રોમનો નિર્દયતાથી લોકોને રિબાવી રિબાવીને મોતને ઘાટ ઉતારતા હતા. હવે, તે માનવ શરીરમાં હતા અને મનુષ્યોની લાગણીઓ તેમજ દુઃખ-દર્દ અનુભવી શકતા હતા. એટલે, પોતાની સાથે જે બનવાનું હતું એની તે રાહ જોતા ન હતા. એનાથી પણ મહત્ત્વનું તો, તેમને આ વાતની ભારે વેદના હતી: તે જોઈ શકતા હતા કે તેમને રીઢા ગુનેગાર ગણીને મારી નાખવામાં આવશે ત્યારે, તેમના પિતાના નામ પર કલંક લાગી શકે છે. થોડા જ કલાકોમાં, ઈશ્વરનિંદાનો આરોપ મૂકીને દુશ્મનો તેમને વધસ્તંભે ચડાવી દેવાના હતા.
લાંબી પ્રાર્થના કર્યા પછી, ઈસુ પાછા આવ્યા અને તેમણે ત્રણેય પ્રેરિતોને ઊંઘતા જોયા. તેમણે પીતરને કહ્યું: “શું તમે મારી સાથે થોડી વાર પણ જાગતા રહી શકતા નથી? જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.” ઈસુને ખબર હતી કે પ્રેરિતો પણ ભારે તાણમાં છે અને મોડી રાત થઈ ગઈ છે. તેમણે આગળ કહ્યું: “ખરું કે મન તો આતુર છે, પણ શરીર કમજોર છે.”—માથ્થી ૨૬:૪૦, ૪૧.
પછી, ઈસુ બીજી વાર દૂર ગયા અને “આ પ્યાલો” દૂર કરવા ઈશ્વરને વિનંતી કરી. તે પાછા ફર્યા ત્યારે, તેમણે ફરીથી ત્રણ પ્રેરિતોને ઊંઘતા જોયા. તેઓએ પોતે પરીક્ષણમાં આવી ન પડે માટે પ્રાર્થનામાં લાગુ રહેવાનું હતું. ઈસુએ તેઓ સાથે વાત કરી ત્યારે, “તેઓને ખ્યાલ ન આવ્યો કે તેમને શું કહેવું.” (માર્ક ૧૪:૪૦) ઈસુ ત્રીજી વાર દૂર ગયા અને ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરવા લાગ્યા.
એક ગુનેગાર તરીકે મળનાર મોતથી પિતાના નામ પર કેવું કલંક લાગશે, એ વિશે ઈસુને ખૂબ ચિંતા થતી હતી. જોકે, યહોવા તેમના દીકરાની પ્રાર્થનાઓ સાંભળી રહ્યા હતા અને એક સમયે તો તેમણે ઈસુને હિંમત આપવા દૂતને પણ મોકલ્યો. તોપણ, ઈસુ તેમના પિતાને “કાલાવાલા કરીને” પ્રાર્થના કરતા રહ્યા. ચિંતાનાં કાળાં વાદળોથી તે ઘેરાયેલા હતા. ઈસુને માથે કેવી મોટી જવાબદારી હતી! તેમનું પોતાનું અને શ્રદ્ધા મૂકતા મનુષ્યોનું હંમેશ માટેનું જીવન દાવ પર લાગેલું હતું. અરે, “લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો.”—લુક ૨૨:૪૪.
ઈસુ ત્રીજી વાર તેમના પ્રેરિતો પાસે આવ્યા ત્યારે, તેમણે ફરીથી તેઓને સૂતેલા જોયા. તેમણે કહ્યું: “આવા સમયે તમે ઊંઘો છો અને આરામ કરો છો! જુઓ, માણસના દીકરાને દગાથી પાપીઓના હાથમાં સોંપવાની ઘડી નજીક આવી પહોંચી છે. ઊઠો, ચાલો જઈએ. જુઓ! મને દગો દેનાર નજીક આવી પહોંચ્યો છે.”—માથ્થી ૨૬:૪૫, ૪૬.