પરમેશ્વરની સ્વેચ્છાથી સેવા કરો
પ્રેષિત પાઊલે લખ્યું, “હું તમારા આત્માઓને વાસ્તે ઘણી ખુશીથી મારૂં સર્વસ્વ ખરચીશ તથા હું પંડે પણ ખરચાઈ જઈશ.” (૨ કોરીંથી ૧૨:૧૫) આ શબ્દો પ્રમાણે તમને શું લાગે છે કે યહોવાહના સાક્ષીઓએ કેવું દૃષ્ટિબિંદુ અને વલણ વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ? બાઇબલના એક તજજ્ઞ પ્રમાણે કોરીંથના ખ્રિસ્તીઓને આ શબ્દો લખતી વખતે પાઊલ આમ કહેતા હતા: “એક પિતા પોતાના બાળકો માટે ખુશી ખુશીથી કરે છે તેમ, હું ખુશીથી મારું સામર્થ્ય, સમય અને મારું સમગ્ર જીવન તમારા હિતમાં વાપરવા તૈયાર છું.” પાઊલ પોતાના સેવાકાર્યને આગળ ધપાવવા જરૂર પડે તો પોતાનું ‘સર્વસ્વ ખર્ચવા’ તૈયાર હતા.
આ સર્વ પાઊલે “ખુશીથી” કર્યું. ધ જેરુશાલેમ બાઇબલ કહે છે કે તેમણે ‘પૂરેપૂરા મનથી’ કર્યું. તમારા વિષે શું? એક સમયે તમારું સર્વસ્વ ખર્ચાઈ જતું હોય તોપણ, શું તમે તમારો સમય, શક્તિ, બુદ્ધિ અને સંપત્તિને પરમેશ્વરની સેવા કરવા અને બીજાઓના હિતમાં સ્વેચ્છાથી ખર્ચવા તૈયાર છો? અને શું તમે આ “ખુશીથી” કરશો?
તેઓએ પરમેશ્વરની બિલકુલ સેવા કરતા નથી
કેટલીક વ્યક્તિઓ તો પરમેશ્વરની સેવા કરવાનો તદ્દન નકાર કરે છે. તેઓનો આત્મા નમકહરામ, પોતાનો જ સ્વાર્થ સાધવા સ્વતંત્રતા શોધનાર અને બળવાખોર હોય છે. શેતાને આદમ અને હવાને પણ એ જ રીતે વિચારવા લલચાવ્યા. શેતાને તેઓને ખોટું કહ્યું કે “તમે દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો,” એટલે કે તમે જાતે જ ખરા-ખોટાંનો નિર્ણય કરી શકશો. (ઉત્પત્તિ ૩:૧-૫) આજે જે લોકો આવો આત્મા ધરાવે છે તેઓ પણ વિચારે છે કે પોતાની ઇચ્છા પ્રમાણે કરવા પૂરેપૂરી સ્વતંત્રતા હોવી જોઈએ અને એમાં પરમેશ્વર તરફથી કોઈ પ્રકારની દખલગીરી ન હોવી જોઈએ. (ગીતશાસ્ત્ર ૮૧:૧૧, ૧૨) તેઓની પાસે જે કંઈ છે એનો ઉપયોગ તેઓ ફક્ત પોતાના જ હિતમાં વાપરવા ઇચ્છે છે.—નીતિવચન ૧૮:૧.
તમે પોતે કદાચ આટલી હદે તો નહિ જ વિચારતા હોવ. તમે હાલમાં જે જીવનનો આનંદ માણી રહ્યાં છો એ જીવનની અદ્ભુત ભેટ અને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની અદ્ભુત આશાની હૃદયથી કદર કરતા હશો. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; પ્રકટીકરણ ૨૧:૧-૪) તમે આ સારી બાબતો માટે કદાચ યહોવાહનો ઊંડો આભાર માનતા હશો. પરંતુ આપણે સર્વએ સાવધ રહેવાની જરૂર છે કેમ કે શેતાન આપણા વિચારોને ખોટી રીતે ભરી શકે છે જેનાથી આપણી સેવા પરમેશ્વરને અસ્વીકાર્ય થાય. (૨ કોરીંથી ૧૧:૩) આમ કઈ રીતે થઈ શકે?
સ્વેચ્છાથી સેવા કરવી જરૂરી છે
યહોવાહ સ્વેચ્છાથી અને પૂરા હૃદયની સેવા ઇચ્છે છે. તે આપણને તેમની ઇચ્છા પ્રમાણે કરવા માટે ક્યારેય બળજબરી કરતા નથી. ફક્ત શેતાન છે જે પોતાની ઇચ્છા પૂરી કરવા લોકો પર દબાણ લાવે છે અથવા તેઓને લલચાવે છે. પરમેશ્વરની સેવા કરવાની બાબતે બાઇબલ ફરજ, આજ્ઞા, વિધિ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. (સભાશિક્ષક ૧૨:૧૩; લુક ૧:૬) તોપણ, પરમેશ્વરની સેવા કરવાનું આપણું મુખ્ય કારણ તેમના પ્રત્યેનો પ્રેમ છે.—નિર્ગમન ૩૫:૨૧; પુનર્નિયમ ૧૧:૧.
પાઊલે પરમેશ્વરની સેવા કરવામાં પોતાનું સર્વસ્વ આપી દીધું હતું, પરંતુ તે જાણતા હતા કે તેમનામાં “પ્રીતિ ન હોય તો” એનો કંઈ અર્થ નથી. (૧ કોરીંથી ૧૩:૧-૩) બાઇબલ લેખકો ખ્રિસ્તીઓને પરમેશ્વરના દાસો તરીકે ઉલ્લેખે છે. પરંતુ દાસનો અર્થ એમ નથી થતો કે ગુલામની જેમ કામ કરવું. (રૂમી ૧૨:૧૧; કોલોસી ૩:૨૪) એનો અર્થ એમ થાય છે કે સ્વેચ્છાએ પરમેશ્વર અને તેમના પુત્ર, ઈસુ ખ્રિસ્તને આધીન થઈ તેમના પ્રત્યે હૃદયપૂર્વકનો ગહન પ્રેમ બતાવવો.—માત્થી ૨૨:૩૭; ૨ કોરીંથી ૫:૧૪; ૧ યોહાન ૪:૧૦, ૧૧.
પરમેશ્વરની સેવા કરવામાં લોકો પ્રત્યે આપણો ગહન પ્રેમ હોવો જોઈએ. પાઊલે થેસ્સાલોનીકીના મંડળને લખ્યું: “જેમ ધાવ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસાઈથી વર્ત્યા.” (૧ થેસ્સાલોનીકી ૨:૭) ઘણા દેશોમાં માતાઓને પોતાના બાળકોની જવાબદારી રાખવાની કાયદેસર ફરજ છે. પરંતુ મોટા ભાગની માતાઓ એને એક ફરજ સમજીને કરતી નથી. કેમ કે તે પોતાના બાળકને પ્રેમ કરે છે. એટલું જ નહિ, એક માતા પોતાના બાળક માટે આનંદથી મોટા મોટા ત્યાગ કરે છે. પાઊલને પણ સેવા કરનારાઓ માટે “બહુ મમતા” હતી, તે પોતાનું આખું જીવન તેમને મદદ કરવા “રાજી” હતા. (૧ થેસ્સાલોનીકી ૨:૮) આમ, પ્રેમ આપણને પાઊલનું ઉદાહરણ અનુસરવાની પ્રેરણા આપે છે.—માત્થી ૨૨:૩૯.
અનિચ્છુક સેવા વિષે શું?
આપણે પરમેશ્વર અને પડોશીઓ કરતાં પોતાને વધુ પ્રેમ કરવો જોઈએ નહિ. આપણે પોતાને વધારે પ્રેમ કરીશું તો આપણે અનિચ્છુક સેવા કરીએ છીએ. એનાથી આપણને ગુસ્સો આવી શકે અથવા આપણે આપણી ઇચ્છાઓ પ્રમાણે કરી શકતા ન હોવાથી ઉદાસીનતા અનુભવી શકીએ. આવું અમુક ઈસ્રાએલીઓ સાથે પણ થયું હતું કે જેઓને પરમેશ્વર પ્રત્યે પ્રેમ ન હતો છતાં પણ તેમની સેવા કરતા હતા. એનું શું પરિણામ આવ્યું? તેઓના માટે પરમેશ્વરની સેવા કરવી ‘કંટાળો આપનારી’ થઈ ગઈ.—માલાખી ૧:૧૩.
પરમેશ્વરને આપણે અર્પણોમાં હંમેશા “એબરહિત” અને “પ્રથમફળ” ચઢાવવા જોઈએ. (લેવીય ૨૨:૧૭-૨૦; નિર્ગમન ૨૩:૧૯) તેમ છતાં, માલાખીના સમયમાં લોકોએ પોતાનાં ઉત્તમ પ્રાણીઓ યહોવાહને અર્પણ ચઢાવવાને બદલે ખોડખાંપણવાળાં પ્રાણીઓ ચઢાવવાની શરૂઆત કરી. યહોવાહે કેવો પ્રત્યાઘાત પાડ્યો? તેમણે યાજકોને કહ્યું: “તમે આંધળા જાનવરનું બલિદાન આપો છો, ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી! તમે લંગડા તથા રોગિષ્ઠ જાનવરનું બલિદાન આપો છો, ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી! ત્યારે વારૂ, તારા સૂબાને એવા જાનવરની ભેટ કર; એથી તે તારા પર પ્રસન્ન થશે? . . . તમે લંગડાં તથા માંદાં પશુને લઈ આવીને તેનું બલિદાન આપો છો; એવાં અર્પણ તમે લાવો છો: શું હું તમારા હાથથી એવાંનો અંગીકાર કરૂં?”—માલાખી ૧:૮, ૧૩.
આવું આપણી સાથે કઈ રીતે થઈ શકે? આપણે સ્વેચ્છાથી તેમની સેવા નહિ કરીએ તો આપણા માટે પણ એ ‘કંટાળાજનક’ થઈ શકે છે. (નિર્ગમન ૩૫:૫, ૨૧, ૨૨; લેવીય ૧:૩; ગીતશાસ્ત્ર ૫૪:૬; હેબ્રી ૧૩:૧૫, ૧૬) દાખલા તરીકે, શું આપણે વધેલો-ઘટેલો સમય યહોવાહની સેવામાં આપીએ છીએ?
કોઈ એમ વિચારી શકે કે એક ઈસ્રાએલી પોતાના સૌથી સારાં પ્રાણીનું બલિદાન ચઢાવવા ઇચ્છતો ન હોય તોપણ તેના ઘરનો કોઈ સભ્ય કે કોઈ લેવીય એ ચઢાવવા બળજબરી કરે, અને તેથી તે બલિદાન ચઢાવે ત્યારે શું એ પરમેશ્વરને સ્વીકાર્ય હશે? (યશાયાહ ૨૯:૧૩; માત્થી ૧૫:૭, ૮) એ શક્ય જ નથી. યહોવાહે આવાં બલિદાનો અને એ ચઢાવનારને પણ નાપસંદ કર્યા હતા..—હોશીઆ ૪:૬; માત્થી ૨૧:૪૩.
આનંદથી પરમેશ્વરની સેવા કરો
પરમેશ્વરને સ્વીકાર્ય સેવા કરવા માટે આપણે ઈસુ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરવું જોઈએ. તેમણે કહ્યું, “હું મારી પોતાની ઈચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.” (યોહાન ૫:૩૦) સ્વેચ્છાએ પરમેશ્વરની સેવા કરવામાં ઈસુને આનંદ થતો હતો. ઈસુએ દાઊદની ભવિષ્યવાણી પરિપૂર્ણ કરી: “હે મારા દેવ, તારી ઇચ્છા પ્રામાણે કરવાને હું રાજી છું.”—ગીતશાસ્ત્ર ૪૦:૮.
યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવામાં ઈસુને આનંદ થતો હતો છતાં, એ હમેશાં સહેલું ન હતું. તેમની ધરપકડ કરવામાં આવી, પરિક્ષણ કરવામાં આવ્યું અને તેમને મરણની સજા કરવામાં આવી એ પહેલાં શું થયું એનો વિચાર કરો. ગેથસેમાના બાગમાં તે “શોકાતુર” હતા અને તેમને “કષ્ટ” થતું હતું. તેથી તે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમનો “પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.”—માત્થી ૨૬:૩૮; લુક ૨૨:૪૪.
શા માટે ઈસુને કષ્ટ થતું હતું? શું તે પોતાની મરજી પ્રમાણે કરવા ઇચ્છતા હતા અને પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવા આનાકાની કરી રહ્યા હતા? ના, તે તો મરવા માટે પણ તૈયાર હતા. તેથી પીતરે તેમને કહ્યું કે “અરે પ્રભુ, એ તારાથી દૂર રહે; એવું તને કદી થશે નહિ,” ત્યારે ઈસુએ તેમને ઠપકો આપ્યો હતો. (માત્થી ૧૬:૨૧-૨૩) ઈસુ એ વિષે ચિંતા કરતા હતા કે તેમને અપરાધી તરીકે મરણની સજા કરવામાં આવશે પછી એની યહોવાહ અને તેમના પવિત્ર નામ પર કેવી અસર પડશે. ઈસુ જાણતા હતા કે તેમના પિતાને પોતાના એકાકીજનિત પુત્ર સાથે કેવો ક્રૂર વ્યવહાર કરવામાં આવે છે એ જોઈને દુઃખ થશે.
ઈસુ એ પણ જાણતા હતા કે યહોવાહના હેતુઓને પૂરા કરવાનો આ મહત્ત્વનો સમય છે. તેમણે વફાદાર રહીને પરમેશ્વરના બધા જ નિયમોને પાળ્યા જે બતાવે છે કે આદમ પણ ઇચ્છતો હોત તો પરમેશ્વરને વફાદાર રહી શક્યો હોત. ઈસુની વફાદારીએ શેતાનના એ આરોપને તદ્દન ખોટો સાબિત કર્યો કે માણસ પરીક્ષણ હેઠળ ઇચ્છાથી અને વફાદારીથી પરમેશ્વરની સેવા નહિ કરે. જલદી જ યહોવાહ પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા શેતાનનો નાશ કરશે અને તેની બળવાખોર અસરોને પણ દૂર કરશે.—ઉત્પત્તિ ૩:૧૫.
ઈસુને કેવી ભારે જવાબદારી સોંપવામાં આવી હતી! તેમના પિતાનું નામ, આખા વિશ્વમાં શાંતિ અને માનવોનું તારણ એ સર્વ ઈસુની વફાદારી પર આધારિત હતું. તેથી તેમણે પ્રાર્થના કરી: “ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર; તોપણ મારી ઈચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.” (માત્થી ૨૬:૩૯) આવા સખત દબાણ હેઠણ પણ ઈસુ પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવામાં પાછા હઠ્યા નહિ.
‘આત્મા તત્પર છે, પણ શરીર અબળ છે’
યહોવાહની સેવા કરવામાં ઈસુએ તીવ્ર લાગણીમય દબાણનો સામનો કર્યો તેમ, પરમેશ્વરના સેવકો પર પણ શેતાન દબાણ લાવશે એવી આશા આપણે રાખી શકીએ. (યોહાન ૧૫:૨૦; ૧ પીતર ૫:૮) વધુમાં, આપણે અપૂર્ણ છીએ. તેથી સ્વેચ્છાએ પરમેશ્વરની સેવા કરવી આપણા માટે કંઈ સહેલું નથી. ઈસુએ જોયું કે કઈ રીતે તેમના અનુયાયીઓ તેમણે કહેલી બાબતો કરવા માટે મહેનત કરતા હતા. તેથી તેમણે કહ્યું: “આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.” (માત્થી ૨૬:૪૧) ઈસુ સંપૂર્ણ હતા અને તેમના દેહમાં કોઈ નબળાઈ ન હતી. તેમ છતાં, તે પોતાના શિષ્યોની નબળાઈઓથી સારી રીતે વાકેફગાર હતા, જે આદમ પાસેથી વારસામાં મળેલી અપૂર્ણતાને કારણે તેઓમાં આવી હતી. ઈસુ જાણતા હતા કે વારસામાં મળેલી અપૂર્ણતા અને એનાથી માનવોમાં આવેલી અમુક નબળાઈઓને કારણે તેઓને પોતે ઇચ્છતા હોય એ પ્રમાણે યહોવાહની સેવા કરવામાં મહેનત કરવી પડશે.
તેથી આપણે પણ પ્રેષિત પાઊલની જેમ અનુભવી શકીએ કે જેમણે અપૂર્ણતાને કારણે પોતે ઇચ્છતા હોવા છતાં પરમેશ્વરની પૂરેપૂરી રીતે સેવા કરી શકતા નથી એવું અનુભવ્યું. પાઊલે લખ્યું: “ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારૂં કરવાનું મારામાં નથી.” (રૂમી ૭:૧૮) આપણને પણ એવું લાગી શકે કે આપણે જે સારાં કાર્યો કરવા ઇચ્છીએ છીએ એ બધા કરી શકતા નથી. (રૂમી ૭:૧૯) એ એટલા માટે નહિ કે આપણે પોતે કરવા ઇચ્છતા નથી. પરંતુ આપણા શરીરની નબળાઈ આપણા સારાં પ્રયત્નોને આડે આવે છે.
ચાલો આપણે ઉદાસ ન થઈએ. આપણે જે કંઈ કરીએ એ સ્વેચ્છાથી કરીશું તો ચોક્કસ યહોવાહ આપણી સેવાનો સ્વીકાર કરશે. (૨ કોરીંથી ૮:૧૨) પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવા ઈસુ જેવો આત્મા રાખવાનો આપણે પણ “પ્રયત્ન” કરી શકીએ. (૨ તીમોથી ૨:૧૫; ફિલિપી ૨:૫-૭; ૧ પીતર ૪:૧, ૨) તૈયારીનો આત્મા બતાવવા યહોવાહ આપણને બદલો અને ટેકો આપશે. તે આપણને આપણી નબળાઈનો બદલો “પરાક્રમની અધિકતા”થી આપશે. (૨ કોરીંથી ૪:૭-૧૦) યહોવાહની મદદથી પાઊલની જેમ આપણે પણ આપણી સેવા માટે ‘ખુશીથી સર્વસ્વ ખર્ચીશું તથા પોતે પણ ખર્ચાઈ જઈશું.’
[પાન ૨૧ પર ચિત્ર]
પાઊલે સ્વેચ્છાથી પોતાનાથી બનતી સેવા કરી
[પાન ૨૩ પર ચિત્ર]
તીવ્ર દબાણ હેઠળ પણ ઈસુએ પોતાના પિતાની ઇચ્છા પૂરી કરી