પ્રકરણ ૧૨૬
કાયાફાસના ઘરે ઈસુનો નકાર થાય છે
માથ્થી ૨૬:૬૯-૭૫ માર્ક ૧૪:૬૬-૭૨ લુક ૨૨:૫૪-૬૨ યોહાન ૧૮:૧૫-૧૮, ૨૫-૨૭
પીતર ઈસુનો નકાર કરે છે
ગેથશેમાને બાગમાં ઈસુની ધરપકડ થયા પછી, પ્રેરિતો ડરના માર્યા તેમને છોડીને ભાગી ગયા હતા. પણ, એમાંના બે પાછા ફર્યા. એક પીતર અને ‘બીજા એક શિષ્ય,’ જે કદાચ પ્રેરિત યોહાન હતા. (યોહાન ૧૮:૧૫; ૧૯:૩૫; ૨૧:૨૪) ઈસુને અન્નાસના ઘરે લઈ જવામાં આવતા હતા ત્યારે, આ બે શિષ્યો કદાચ તેઓ સાથે ભળી ગયા. જ્યારે અન્નાસે ઈસુને પ્રમુખ યાજક કાયાફાસના ઘરે મોકલ્યા, ત્યારે પીતર અને યોહાન થોડું અંતર રાખીને પાછળ પાછળ ગયા. તેઓ ડરી ગયા હોવાથી પોતાનો જીવ બચાવવા મથતા હતા. તેઓને એ પણ ચિંતા હતી કે તેઓના ગુરુજીનું શું થશે.
પ્રમુખ યાજકને યોહાન ઓળખતા હતા. એટલે, કાયાફાસના ઘરના આંગણામાં તે અંદર જઈ શક્યા. પણ, પીતરે બહાર ઊભા રહેવું પડ્યું. યોહાને પાછા આવીને ચોકીદાર તરીકે ઊભેલી દાસી સાથે વાત કરી ત્યારે પીતરને અંદર જવા રજા મળી.
એ રાત્રે ઠંડી હોવાથી, આંગણામાં લોકોએ કોલસાનું તાપણું કર્યું હતું. પીતર પણ તેઓ સાથે તાપવા બેઠા અને રાહ જોવા લાગ્યા કે ઈસુના મુકદ્દમાનું “પરિણામ શું આવે છે.” (માથ્થી ૨૬:૫૮) હવે, જે ચોકીદાર દાસીએ પીતરને અંદર આવવા દીધા હતા, તે તાપણાના પ્રકાશમાં તેમને બરાબર જોઈ શકતી હતી. તેણે પૂછ્યું, “તું પણ આ માણસના શિષ્યોમાંનો એક છે ને?” (યોહાન ૧૮:૧૭) ફક્ત દાસી જ નહિ, બીજાઓ પણ પીતરને ઓળખી ગયા અને તેમના પર ઈસુના શિષ્ય હોવાનો આરોપ મૂકવા લાગ્યા.—માથ્થી ૨૬:૬૯, ૭૧-૭૩; માર્ક ૧૪:૭૦.
એટલે, પીતર પરેશાન થઈ ગયા. તેમણે કહ્યું: “નથી હું તેને ઓળખતો, કે નથી મને સમજાતું, કે તું શું કહી રહી છે.” (માર્ક ૧૪:૬૭, ૬૮) તે “શાપ દેવા અને સમ ખાવા” લાગ્યા. એટલે કે, પોતાની વાત સાચી છે અને જો એમ ન હોય તો પોતાના પર આફત આવે, એવા સોગંદ ખાવા પણ તે તૈયાર હતા.—માથ્થી ૨૬:૭૪.
એ દરમિયાન, કાયાફાસના ઘરના એક ભાગમાં ઈસુ પર મુકદ્દમો ચાલતો હતો. એ ભાગ કદાચ આંગણા ઉપર આવેલો હતો. નીચે પીતર અને બીજાઓ રાહ જોઈ રહ્યા હતા અને જુબાની આપવા માટે આવજા કરતા સાક્ષીઓને જોઈ શકતા હતા.
પીતરની બોલી ગાલીલ પ્રદેશની હતી, જે તેમના નકારને ખોટો સાબિત કરતી હતી. વધુમાં, પીતરે જેનો કાન કાપ્યો હતો, એ માલ્ખસનો એક સગો પણ ત્યાં હાજર હતો. તેણે પણ પીતરને કહ્યું: “શું મેં તને બાગમાં તેની સાથે જોયો ન હતો?” જ્યારે પીતરે ત્રીજી વખત નકાર કર્યો, ત્યારે ભવિષ્યવાણી મુજબ કૂકડો બોલ્યો.—યોહાન ૧૩:૩૮; ૧૮:૨૬, ૨૭.
એ સમયે, ઈસુ ઝરૂખામાં ઊભા હતા, જ્યાંથી આંગણું દેખાતું હતું. તેમણે ફરીને સીધું પીતર સામે જોયું. એનાથી તો પીતરનું દિલ વીંધાઈ ગયું હશે! થોડા કલાકો પહેલાં, ઉપરના માળે ઓરડામાં ઈસુએ જે કહ્યું હતું, એ તેમને યાદ આવ્યું. વિચાર કરો, પોતે શું કર્યું એનો ખ્યાલ આવ્યો ત્યારે, પીતરની હાલત કેવી થઈ હશે! પીતર બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા.—લુક ૨૨:૬૧, ૬૨.
આવું કઈ રીતે બની શકે? પીતરને પોતાની શ્રદ્ધા અને વફાદારી માટે ગર્વ હતો; તે કઈ રીતે પોતાના ગુરુનો નકાર કરી શકે? ઈસુના શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો અને તેમને રીઢા ગુનેગાર સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા. ઈસુ નિર્દોષ હોવાથી પીતરે તેમને સાથ આપવો જોઈતો હતો. પણ, તેમણે તો ઈશ્વરના દીકરાને તરછોડી દીધા, જેમની પાસે “હંમેશ માટેના જીવનની વાતો” હતી.—યોહાન ૬:૬૮.
પીતરનો દુઃખદ અનુભવ શું બતાવે છે? અણધારી સતાવણી કે લાલચનો સામનો કરવા વ્યક્તિ તૈયાર ન હોય તો, તેનામાં અડગ શ્રદ્ધા અને ભક્તિભાવ હોય તોપણ તે ડગમગી જઈ શકે છે. પીતરનો આ અનુભવ બધા ઈશ્વરભક્તો માટે ચેતવણીરૂપ છે.