પ્રકરણ ૧૨૮
પીલાત અને હેરોદની નજરે નિર્દોષ
માથ્થી ૨૭:૧૨-૧૪, ૧૮, ૧૯ માર્ક ૧૫:૨-૫ લુક ૨૩:૪-૧૬ યોહાન ૧૮:૩૬-૩૮
પીલાત અને હેરોદ ઈસુની પૂછપરછ કરે છે
પોતે ખરેખર રાજા છે એ વાત ઈસુએ પીલાતથી છુપાવવાની કોશિશ કરી નહિ. તેમના રાજ્યથી રોમને કોઈ ખતરો ન હતો. ઈસુએ કહ્યું: “મારું રાજ્ય આ દુનિયાનું નથી. જો મારું રાજ્ય આ દુનિયાનું હોત, તો મારા સેવકો લડ્યા હોત, જેથી યહુદીઓ મને પકડી ન લે. પરંતુ, મારું રાજ્ય આ દુનિયાનું નથી.” (યોહાન ૧૮:૩૬) હા, ઈસુનું રાજ્ય છે, પણ એ રાજ્ય આ દુનિયાનું નથી.
એ સાંભળીને પીલાતે વાત પડતી ન મૂકી. તેણે પૂછ્યું: “તો પછી, શું તું રાજા છે?” પીલાત બરાબર સમજ્યો છે એ બતાવવા ઈસુએ કહ્યું: “તમે પોતે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા જ હું જન્મ્યો છું અને એ માટે જ હું દુનિયામાં આવ્યો છું. જે કોઈ સત્યના પક્ષમાં છે તે મારી વાત સાંભળે છે.”—યોહાન ૧૮:૩૭.
ઈસુએ અગાઉ થોમાને કહ્યું હતું: “માર્ગ અને સત્ય અને જીવન હું છું.” હવે, પીલાતે પણ સાંભળ્યું કે ઈસુને પૃથ્વી પર ‘સત્યની’ સાક્ષી આપવા મોકલવામાં આવ્યા હતા. ખાસ કરીને તે તેમના રાજ્ય વિશે સત્ય જણાવવા આવ્યા હતા. એ સત્યને વળગી રહેવા ઈસુ મક્કમ હતા, પછી ભલેને એ માટે તેમણે મરવું પણ પડે. પીલાતે પૂછ્યું: “સત્ય શું છે?” પરંતુ, તેણે વધારે સમજણ મેળવવા રાહ ન જોઈ. તેને લાગ્યું કે આ માણસનો ન્યાય કરવા તેણે પૂરતું સાંભળી લીધું છે.—યોહાન ૧૪:૬; ૧૮:૩૮.
પછી, પીલાત મહેલ બહાર રાહ જોઈ રહેલા ટોળા પાસે ગયો. ઈસુ કદાચ તેની બાજુમાં જ ઊભા હતા. તેણે મુખ્ય યાજકો અને બીજાઓને કહ્યું: “આ માણસમાં મને કોઈ ગુનો દેખાતો નથી.” એ સાંભળીને ગુસ્સે ભરાયેલા ટોળાએ કહ્યું: “આખા યહુદિયામાં, ગાલીલથી લઈને અહીં સુધી, લોકોને તે પોતાના શિક્ષણથી ઉશ્કેરે છે.”—લુક ૨૩:૪, ૫.
યહુદીઓનું ઝનૂન ગેરવાજબી હતું, એનાથી પીલાતને નવાઈ લાગી હશે. મુખ્ય યાજકો અને વડીલો બૂમો પાડતા હતા ત્યારે પીલાતે ઈસુને પૂછ્યું: “શું તું સાંભળતો નથી કે તારી વિરુદ્ધ સાક્ષીમાં તેઓ કેટલા બધા આરોપ મૂકે છે?” (માથ્થી ૨૭:૧૩) તેમણે કોઈ જવાબ આપ્યો નહિ. ઈસુ પર ખોટા ખોટા આરોપો મુકાઈ રહ્યા હતા ત્યારે, તેમના ચહેરા પર અજબ શાંતિ જોઈને પીલાત આશ્ચર્ય પામ્યો.
યહુદીઓએ જણાવ્યું હતું કે ઈસુએ ‘ગાલીલથી’ શરૂઆત કરી હતી. એ સાંભળીને પીલાતને ખબર પડી કે ઈસુ ગાલીલના હતા. તેમનો ન્યાય કરવાની જવાબદારીમાંથી છટકવા પીલાતને એક યુક્તિ સૂઝી. હેરોદ અંતિપાસ (મહાન હેરોદનો દીકરો) ગાલીલનો શાસક હતો અને પાસ્ખા વખતે યરૂશાલેમ આવ્યો હતો. એટલે, પીલાતે ઈસુને હેરોદ પાસે મોકલ્યા. આ હેરોદ અંતિપાસે બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું કાપી નંખાવ્યું હતું. એ પછી, ઈસુના ચમત્કારો વિશે સાંભળીને હેરોદને લાગતું હતું કે તે મરણમાંથી ઊઠેલા યોહાન છે.—લુક ૯:૭-૯.
ઈસુને મળી શકાશે, એ જાણીને હેરોદ ખુશ થયો. તે કંઈ તેમને મદદ કરવા માંગતો ન હતો. અથવા, તેમની વિરુદ્ધ લાગેલા આરોપો સાચા છે કે નહિ, એની તપાસ પણ કરવા માંગતો ન હતો. તે તો ફક્ત ઈસુને જોવા માંગતો હતો અને “તે કોઈ ચમત્કાર કરે એવી આશા રાખતો હતો.” (લુક ૨૩:૮) જોકે, ઈસુએ એવું કંઈ કર્યું નહિ. અરે, હેરોદે સવાલો પૂછ્યા ત્યારે, તે એક શબ્દ પણ બોલ્યા નહિ. નિરાશ થયેલા હેરોદે અને તેના સૈનિકોએ ઈસુનો “તિરસ્કાર કર્યો.” (લુક ૨૩:૧૧) તેઓએ ઈસુને ભપકાદાર કપડાં પહેરાવીને તેમની મજાક ઉડાવી. પછી, હેરોદે તેમને પીલાત પાસે પાછા મોકલ્યા. હેરોદ અને પીલાત અગાઉ દુશ્મનો હતા, પણ હવે તેઓ સારા મિત્રો બની ગયા.
ઈસુ પાછા આવ્યા પછી, પીલાતે મુખ્ય યાજકો, યહુદી આગેવાનો અને લોકોને ભેગા કર્યા અને કહ્યું: “મેં તમારી સામે તેની પૂછપરછ કરી, પણ તમે આ માણસ પર જે આરોપ લગાવો છો એની કોઈ સાબિતી મને મળતી નથી. હકીકતમાં, હેરોદને પણ નહિ, કેમ કે તેણે અમારી પાસે તેને પાછો મોકલી આપ્યો અને જુઓ! તેણે એવું કંઈ નથી કર્યું, જેના લીધે તેને મારી નાખવામાં આવે. તેથી, હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.”—લુક ૨૩:૧૪-૧૬.
પીલાત ઈસુને છોડવા આતુર હતો, કેમ કે તે જોઈ શક્યો કે ઈર્ષાને લીધે યાજકોએ ઈસુને તેના હાથમાં સોંપ્યા હતા. પીલાત તેમને છોડવા પ્રયત્ન કરતો હતો, એવામાં તેને એમ કરવા બીજું એક કારણ પણ મળ્યું. તે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે, તેની પત્નીએ સંદેશો મોકલ્યો: “એ નેક માણસને કંઈ કરતા નહિ, કેમ કે તેના લીધે આજે સપનામાં [દેખીતું છે કે ઈશ્વર તરફથી] હું ઘણી દુઃખી થઈ હતી.”—માથ્થી ૨૭:૧૯.
પીલાત આ નિર્દોષ માણસને છોડી મૂકવા માંગતો હતો. શું તે એમાં સફળ થયો?