તમારા હૃદયની સંભાળ રાખો
“પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે.”—નીતિવચનો ૪:૨૩.
કૅરિબિયન ટાપુનો એક વૃદ્ધ માણસ પ્રચંડ વાવાઝોડું આવ્યા પછી પોતાના ઘરની બહાર નીકળ્યો. તેણે ચારે બાજુ થયેલા નુકસાનને જોયું. તેણે જોયું કે તેના ઘરના દરવાજા સામેનું દાયકાઓ જૂનું મોટું વૃક્ષ પણ પડી ગયું હતું. તેને નવાઈ લાગી, ‘એ કેવી રીતે બની શકે, કેમ કે આજુબાજુના નાનાં વૃક્ષોને તો કંઈ થયું નથી?’ પડી ગયેલા વૃક્ષના ઠૂંઠાંને જોવાથી તેને પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો. આ વૃક્ષ બહારથી મજબૂત દેખાતું હતું પરંતુ વાવાઝોડાંથી પડી ગયા પછી જોવા મળ્યું કે એ તો અંદરથી સડી ગયું હતું.
૨ એવી જ રીતે, ખ્રિસ્તી ભાઈબહેનો સત્યમાં દૃઢ હોય એવા દેખાઈ શકે. પરંતુ, તેઓના વિશ્વાસની કસોટી થાય છે ત્યારે, તેઓ સત્ય છોડી દે છે અથવા ઠંડા પડી જાય છે એ કેટલું દુઃખદ કહેવાય. બાઇબલ બતાવે છે કે “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) એનો અર્થ એમ થાય કે, સતત ધ્યાન રાખવામાં ન આવે તો સારા હૃદયની વ્યક્તિ પણ ખરાબ કામ કરવા લલચાઈ શકે છે. અપૂર્ણ માનવીઓનું હૃદય દુષ્ટતા તરફ ઢળેલું હોવાથી, આપણે આ સલાહને ગંભીરપણે ધ્યાન આપવાની જરૂર છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ.” (નીતિવચનો ૪:૨૩) તેથી, આપણે કઈ રીતે આપણા હૃદયની સંભાળ રાખી શકીએ?
નિયમિત તપાસ જરૂરી
૩ તમે જો ડૉક્ટર પાસે તપાસ કરાવવા જાવ તો, તે ચોક્કસ તમારા હૃદયને પણ તપાસશે. શું તમારું હૃદય તેમ જ તમારી તંદુરસ્તી બતાવે છે કે તમે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક લો છો? તમારા લોહીનું દબાણ કેટલું છે? શું તમારા હૃદયના ધબકારા નિયમિત અને બરાબર છે? શું તમે નિયમિત કસરત કરો છો? તમારા હૃદય પર વધારે પડતું દબાણ તો નથી ને?
૪ જો શાબ્દિક હૃદયને નિયમિત તપાસની જરૂર પડતી હોય તો, આપણા રૂપકાત્મક હૃદય વિષે શું? યહોવાહ હૃદય તપાસે છે. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૭) તો શું આપણે પણ ન તપાસવું જોઈએ? પરંતુ, આપણે એ કેવી રીતે કરી શકીએ? આપણે પોતાને આવા પ્રશ્નો પૂછી શકીએ: મારા હૃદયને પૂરતો આત્મિક ખોરાક મળતો રહે એ માટે, શું હું નિયમિત રીતે બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ કરું છું અને સભાઓમાં જાઉં છું? (ગીતશાસ્ત્ર ૧:૧, ૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫) શું યહોવાહનો સંદેશો મારા હૃદયને “જાણે મારા હાડકાંમાં બળતો અગ્નિ સમાએલો હોય” એમ પ્રચાર કરવા અને શિષ્ય બનાવવાના કાર્ય માટે પ્રેરે છે? (યિર્મેયાહ ૨૦:૯; માત્થી ૨૮:૧૯, ૨૦; રૂમી ૧:૧૫, ૧૬) શું હું પૂરા સમયના સેવાકાર્યમાં ઉત્સાહથી ભાગ લેવા મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું? (લુક ૧૩:૨૪) મારા હૃદયમાં હું કેવા પ્રકારનું મનોરંજન ભરું છું? શું હું આત્મિક વ્યક્તિઓ સાથે સંગત રાખું છું? (નીતિવચનો ૧૩:૨૦; ૧ કોરીંથી ૧૫:૩૩) હા, આપણામાં કોઈ પણ ઉણપ જોવા મળે તો, બાબતોને સુધારવા તરત જ પગલાં લેવા જોઈએ.
૫ આપણે અવારનવાર વિશ્વાસની કસોટીનો સામનો કરીએ છીએ. એનાથી આપણને આપણા હૃદયની સ્થિતિ કેવી છે એ જોવામાં મદદ મળે છે. વચનના દેશના ઉંબરે આવી પહોંચેલા ઈસ્રાએલીઓને મુસાએ કહ્યું: “તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહિ તે જાણવા સારૂ તારૂં પારખું કરવાને યહોવાહ તારા દેવે આ ચાળીશ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે.” (પુનર્નિયમ ૮:૨) આપણે અણધાર્યા સંજોગો અને લાલચોનો સામનો કરીએ છીએ ત્યારે, શું આપણી લાગણીઓ, ઇચ્છાઓ કે આપણે જે કંઈ કરીએ છીએ એ જોઈને આશ્ચર્ય થતું નથી? યહોવાહ આપણા પર જે કસોટીઓને પરવાનગી આપે છે એ ખરેખર આપણને પોતાની નબળાઈઓ પ્રત્યે સજાગ બનાવે છે અને આપણને એમાં સુધારો કરવાની તક આપે છે. (યાકૂબ ૧:૨-૪) આપણે મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ ત્યારે, હંમેશા પ્રાર્થનાપૂર્વક વિચારવું જોઈએ!
આપણી વાણી શું બતાવે છે?
૬ આપણે પોતાના હૃદયમાં શું ભર્યું છે એ કેવી રીતે નક્કી કરી શકીએ? ઈસુએ કહ્યું: “સારૂં માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારૂં કાઢે છે; અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે: કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે.” (લુક ૬:૪૫) સામાન્ય રીતે, આપણે પોતાના હૃદય કે મનમાં જે ભર્યું હોય એની જ વાત કરીએ છીએ. શું આપણે હંમેશા ભૌતિક બાબતો અને દુન્યવી સિદ્ધિઓ વિષે જ વાત કરીએ છીએ? અથવા શું આપણી વાતચીત આત્મિક બાબતો કે આત્મિક ધ્યેયો વિષે હોય છે? બીજાઓની ભૂલોનો ઢંઢેરો પીટવાને બદલે, શું આપણે એને પ્રેમથી ઢાંકી દઈએ છીએ? (નીતિવચનો ૧૦:૧૧, ૧૨) આત્મિક અને નૈતિક બાબતો વિષે વાત કરવાને બદલે, શું આપણે હંમેશા લોકો વિષે અને તેઓના જીવનમાં શું ચાલી રહ્યું છે એ વિષે જ વાતો કરીએ છીએ? શું એ એમ બતાવે છે કે આપણે બીજાઓના જીવનમાં બિનજરૂરી માથું મારીએ છીએ?—૧ પીતર ૪:૧૫.
૭ એક વિશાળ કુટુંબમાં શું થયું એનો વિચાર કરો. યાકૂબના દસ મોટા દીકરાઓ પોતાના સૌથી નાના ભાઈ યુસફ સાથે “મીઠાશથી વાત કરી શકતા નહોતા.” શા માટે? કેમ કે તે પોતાના પિતાનો સૌથી માનીતો દીકરો હતો. એ કારણે તેના ભાઈઓ તેની અદેખાઈ કરતા હતા. પછીથી, પરમેશ્વરે યુસફને સ્વપ્નમાં આશીર્વાદ આપ્યો ત્યારે, તેણે યહોવાહની કૃપા મેળવી જેના લીધે તેઓ “તેના પર વત્તો દ્વેષ કરતા હતા.” (ઉત્પત્તિ ૩૭:૪, ૫, ૧૧) છેવટે, તેઓએ ક્રૂર રીતે પોતાના ભાઈને ગુલામીમાં વેચી દીધો. ત્યાર પછી, પોતાની દુષ્ટતાને ઢાંકવા માટે તેઓએ યુસફને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધો છે એમ કહીને પોતાના પિતાને છેતર્યા. યુસફના દસ ભાઈઓ આ પ્રસંગે તેઓના હૃદયની સંભાળ રાખવામાં નિષ્ફળ ગયા હતા. આપણે બીજાઓની નિંદા કરતા હોય તો, શું એ એમ નથી બતાવતું કે આપણા હૃદયમાં ઈર્ષા કે અદેખાઈ ભરેલી છે? આપણે આપણા હૃદયમાંથી આવતી અયોગ્ય બાબતોને પારખી શકતા હોવા જોઈએ તેમ જ એને તરત જ દૂર કરવી જોઈએ.
૮ “દેવથી જૂઠું બોલી શકાતું નથી” પરંતુ અપૂર્ણ માણસો જૂઠું બોલે છે. (હેબ્રી ૬:૧૮) ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું, “સર્વ માણસો જૂઠાં છે.” (ગીતશાસ્ત્ર ૧૧૬:૧૧) અરે, પ્રેષિત પીતરે પણ જૂઠું બોલીને ઈસુનો ત્રણ વાર નકાર કર્યો હતો. (માત્થી ૨૬:૬૯-૭૫) દેખીતી રીતે જ, આપણે જૂઠું બોલવા વિષે સાવધ રહેવું જોઈએ, કેમ કે યહોવાહ “જૂઠાબોલી જીભ” ધિક્કારે છે. (નીતિવચનો ૬:૧૬-૧૯) આપણે જૂઠું બોલવાના ફાંદામાં ફસાઈ જઈએ તો, આપણે એનું કારણ તપાસવું જ જોઈએ. શું હું માણસોના ભયથી જૂઠું બોલું છું? સજા થશે એ કારણથી જૂઠું બોલું છું? શું હું મારી શાખ સારી રાખવા જૂઠું બોલું છું કે પછી પોતાના સ્વાર્થને લીધે એમ કરું છું? ભલે બાબત ગમે તે હોય, આપણે એના પર મનન કરીને નમ્રપણે પોતાની ભૂલ સ્વીકારીએ અને યહોવાહની માફી માંગીને એના પર જીત મેળવવા તેમની મદદ લઈએ એ કેટલું યોગ્ય છે! “મંડળીના વડીલો” એ બાબતમાં સૌથી સારી મદદ આપી શકે.—યાકૂબ ૫:૧૪.
૯ યુવાન રાજા સુલેમાને જ્ઞાન અને ડહાપણ માટે વિનંતી કરી ત્યારે, યહોવાહે કહ્યું: ‘તારા અંતઃકરણમાં આ હતું, તેં ધન, સંપત્તિ કે ગૌરવ માંગ્યા નહિ. તને ડહાપણ તથા વિવેકબુદ્ધિ બક્ષ્યાં છે; વળી હું તને ધન, સંપત્તિ તથા માન આપીશ.’ (૨ કાળવૃત્તાંત ૧:૧૧, ૧૨) સુલેમાને જે માંગ્યું અને જે ન માંગ્યું એનાથી યહોવાહ જાણતા હતા કે તેમના હૃદયમાં શું હતું. યહોવાહને આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે, એ આપણા હૃદય વિષે શું બતાવે છે? શું આપણી પ્રાર્થનાઓ આપણા જ્ઞાન, ડહાપણ અને પરખશક્તિ માટેની તીવ્ર ભૂખને બતાવે છે? (નીતિવચનો ૨:૧-૬; માત્થી ૫:૩) શું આપણને રાજ્યમાં તીવ્ર રસ છે? (માત્થી ૬:૯, ૧૦) જો આપણી પ્રાર્થનાઓ યંત્રવત્ બની ગઈ હોય તો, એ બતાવે છે કે આપણે યહોવાહનાં કાર્યો પર મનન કરવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૨) દરેક ખ્રિસ્તીઓએ એ પારખવું જોઈએ કે તેઓની પ્રાર્થના શું બતાવે છે?
આપણું વર્તન શું બતાવે છે?
૧૦ એવું કહેવામાં આવ્યું છે કે આપણી વાણી કરતાં આપણું વર્તન વધારે કહી આપે છે. આપણું વર્તન એ સ્પષ્ટ બતાવી આપે છે કે આપણે અંદરથી કેવા છીએ. દાખલા તરીકે, નૈતિકતાની વાત આવે ત્યારે એ સ્પષ્ટ છે કે આપણે પરિણીત હોઈએ કે અપરિણીત છતાં, હૃદયની સંભાળ રાખવી જોઈએ જેથી વ્યભિચાર કરી ન બેસીએ. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:૨૮) આપણે હૃદયથી વ્યભિચાર કરવાનું કઈ રીતે ટાળી શકીએ?
૧૧ વિશ્વાસુ અયૂબે પરિણીત યુગલો માટે સારું ઉદાહરણ બેસાડ્યું. અયૂબ સામાન્ય રીતે યુવાન સ્ત્રીઓના સંપર્કમાં રહેતા હતા અને તે તેઓને જરૂરી મદદ પણ કરતા હતા. પરંતુ, આ પ્રામાણિક માણસના મનમાં તેઓ સાથે રોમાંચક પ્રેમ કરવાનો વિચાર સુદ્ધાં આવ્યો નહિ. શા માટે? કારણ કે તેમણે કોઈ પણ સ્ત્રી પર ખોટી નજર નહિ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું, “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઇએ?” (અયૂબ ૩૧:૧) તેથી, ચાલો આપણે પણ આપણી આંખો સાથે એવો જ કરાર કરીને આપણા હૃદયની સંભાળ રાખીએ.
૧૨ પરમેશ્વરના દીકરા, ઈસુએ કહ્યું, “જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે.” (લુક ૧૬:૧૦) હા, આપણે આપણા રોજિંદા જીવનની વર્તણૂકમાં નાનીસૂની બાબતોને પણ તપાસવાની જરૂર છે, પછી ભલે એ ખાનગી રીતે ઘરમાં પણ કેમ ન હોય. (ગીતશાસ્ત્ર ૧૦૧:૨) આપણે ઘરમાં બેઠા હોઈએ, ટીવી જોતા હોઈએ કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે, શું આપણે યહોવાહના નિયમોના સુમેળમાં એનો ઉપયોગ કરીએ છીએ? શાસ્ત્રવચન ચેતવણી આપે છે: “વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમકે સંતોને એજ શોભે છે; નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા ઠઠ્ઠામશ્કરી [તમારામાં ન થાય], કેમકે એ ઘટિત નથી; પણ એને બદલે ઉપકારસ્તુતિ [કરવી].” (એફેસી ૫:૩, ૪) ટીવી કે વીડિયો રમતોમાં જોવા મળતી હિંસા વિષે શું? એક ગીતકર્તાએ કહ્યું: “યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.”—ગીતશાસ્ત્ર ૧૧:૫.
૧૩ યિર્મેયાહે ચેતવણી આપી, “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?” (યિર્મેયાહ ૧૭:૯) આપણે આપણી ભૂલો માટે બહાના બતાવીએ, ખામીઓને નજરઅંદાજ કરીએ, આપણી ખોટી ટેવોને નજીવી ગણી લઈએ અને એને ભૂલ તરીકે ન સ્વીકારીએ અથવા જે કંઈ સિદ્ધ કર્યું હોય એ વિષે બઢાઈ-ચઢાઈને કહીએ ત્યારે, આપણા હૃદયનું કપટ જોવા મળે છે. કપટી હૃદય બે મોઢાની વાતો કરે છે, એક બાજુ એ ખુશામત કરે છે અને બીજી બાજુ એનાં કાર્યો કંઈ જુદું જ કહેતા હોય છે. (ગીતશાસ્ત્ર ૧૨:૨; નીતિવચનો ૨૩:૭) તેથી, આપણે પ્રામાણિક રીતે આપણા હૃદયને તપાસીએ એ કેટલું મહત્ત્વનું છે!
શું આપણી આંખ નિર્મળ છે?
૧૪ ઈસુએ કહ્યું, “શરીરનો દીવો તે આંખ છે; એ માટે જો તારી આંખ નિર્મળ હોય, તો તારૂં આખું શરીર પ્રકાશે ભરેલું થશે.” (માત્થી ૬:૨૨) નિર્મળ આંખ એક જ ધ્યેય કે હેતુ પર ધ્યાન આપે છે અને એ એમાંથી ફંટાઈ જતી નથી. ખરેખર, આપણી આંખો ‘પહેલાં રાજ્યને તથા [પરમેશ્વરના] ન્યાયીપણાને શોધતી’ હોવી જોઈએ. (માત્થી ૬:૩૩) જો આપણી આંખ નિર્મળ નહિ રાખીએ તો, આપણા રૂપકાત્મક હૃદયનું શું થઈ શકે?
૧૫ જીવન ગુજારવા આપણે જે મહેનત કરીએ છીએ એનો વિચાર કરો. આપણા કુટુંબનું ભરણપોષણ કરવું એ ખ્રિસ્તી જરૂરિયાત છે. (૧ તીમોથી ૫:૮) પરંતુ, આપણે સૌથી આધુનિક અને સારામાં સારો ખોરાક, કપડાં, ઘર તથા બીજી વસ્તુઓ મેળવવા લલચાઈ જઈએ તો શું? શું એનાથી આપણે ઉપાસનામાં ઢોંગી બની જતા નથી? (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૩; રૂમી ૧૬:૧૮) આપણે શારીરિક જરૂરિયાતો પૂરી કરવામાં એટલા બધા તલ્લીન થઈ જવું જોઈએ નહિ કે જેનાથી આપણું જીવન ફક્ત કુટુંબ, નોકરી-ધંધો અને ભૌતિક બાબતોમાં જ ડૂબેલું રહે. બાઇબલની સલાહ યાદ રાખો: “પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે. કેમકે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે.”—લુક ૨૧:૩૪, ૩૫.
૧૬ આંખ, મન અને હૃદયને માહિતી પહોંચાડવાનું સૌથી મહત્ત્વનું અવયવ છે. આપણી આંખો જે બાબતો જુએ છે એનાથી આપણા વિચારો, લાગણીઓ અને કાર્યો પર ઊંડી અસર થાય છે. ઉદાહરણ તરીકે, જોવાથી થતી લાલચોનો ઉલ્લેખ કરતા ઈસુએ કહ્યું: “જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમકે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારૂં આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.” (માત્થી ૫:૨૯) આથી, આપણે ખરાબ બાબતો જોવાનું ટાળવું જ જોઈએ. દાખલા તરીકે, જાતીય લાગણીઓ ઉશ્કેરતી બાબતો પણ જોવી ન જોઈએ.
૧૭ જોકે, ફક્ત જોવાથી જ આપણા હૃદય પર ખરાબ અસર પડતી નથી, પરંતુ બીજી ઇન્દ્રિયો પણ એમાં મોટો ભાગ ભજવે છે. જેમ કે, સ્પર્શવાથી અને સાંભળવાથી પણ ખરાબ અસર પડે છે. તેથી, આપણે બીજાઓ સાથે અયોગ્ય વર્તાવ ન કરીએ એ માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે. પ્રેષિત પાઊલે ઉત્તેજન આપ્યું: “એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.”—કોલોસી ૩:૫.
૧૮ આપણા મનમાં ખોટી ઇચ્છાઓ આવી શકે છે. આવી ખોટી ઇચ્છાઓ પર વધારે વિચાર કરવાથી એ આપણા હૃદયમાં વૃદ્ધિ પામશે. “પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે.” (યાકૂબ ૧:૧૪, ૧૫) ઘણા કબૂલે છે કે આ રીતે તેઓ હસ્તમૈથુનની કુટેવમાં ફસાઈ જાય છે. તેથી, આપણે હંમેશા આત્મિક બાબતો પર મનન કરીએ એ કેટલું મહત્ત્વનું છે! (ફિલિપી ૪:૮) વળી, જો અયોગ્ય વિચારો આપણા મનમાં આવે તો, આપણે એને તરત જ મનમાંથી કાઢી નાખવા જોઈએ.
‘પૂરા હૃદયથી યહોવાહની સેવા કરો’
૧૯ રાજા દાઊદે વૃદ્ધ વયે પોતાના દીકરાને કહ્યું: “મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવને ઓળખ, ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી તેની સેવા કર; કેમકે યહોવાહ સર્વના અંતઃકરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે.” (૧ કાળવૃત્તાંત ૨૮:૯) સુલેમાને પોતે “વિવેકી હૃદય” માટે પ્રાર્થના કરી. (૧ રાજાઓ ૩:૯) તેમ છતાં, તે પોતે શુદ્ધ હૃદય જાળવી શક્યા નહિ.
૨૦ આ બાબતમાં સફળ થવું હોય તો, આપણે યહોવાહને મનગમતું હૃદય કેળવીએ એટલું જ પૂરતું નથી. એ માટે આપણે એની સંભાળ રાખવાની જરૂર છે. એમાં સફળ થવા, આપણે યહોવાહના શબ્દ, બાઇબલનાં સૂચનોને આપણાં “હૃદયમાં” રાખવાં જોઈએ. (નીતિવચનો ૪:૨૦-૨૨) આપણે નિયમિત રીતે આપણા હૃદયની તપાસ કરવી જોઈએ. વધુમાં, આપણી વાણી અને કાર્યો શું બતાવે છે એ વિષે પણ પ્રાર્થનાપૂર્વક વિચારવું જોઈએ. આપણામાં રહેલી કોઈ પણ નબળાઈ સુધારવા, આપણે આજીજીપૂર્વક પ્રાર્થના દ્વારા યહોવાહની મદદ ન માંગીએ તો આપણા સર્વ પ્રયત્નો વ્યર્થ જ છે. આપણે પોતાની જ્ઞાનેન્દ્રિયો પર ખાસ ધ્યાન આપીએ એ કેટલું મહત્ત્વનું છે! એમ કરીને આપણે ખાતરી રાખી શકીએ કે “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં [આપણા] હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) હા, ચાલો આપણે આપણા હૃદયની સંભાળ રાખીને યહોવાહની પૂરેપૂરા હૃદયથી સેવા કરવાનો નિર્ણય કરીએ.
શું તમને યાદ છે?
• આપણા હૃદયની સંભાળ રાખવી શા માટે મહત્ત્વનું છે?
• આપણે જે બોલીએ છીએ એની તપાસ કરવાથી આપણા હૃદયની સંભાળ રાખવામાં કઈ રીતે મદદ મળે છે?
• શા માટે આપણે પોતાની આંખ “નિર્મળ” રાખવી જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. શા માટે આપણા હૃદયની સંભાળ રાખવાની જરૂર છે?
૩, ૪. (ક) આપણા હૃદય વિષે પોતાને કેવા પ્રશ્નો પૂછવા જોઈએ? (ખ) આપણું હૃદય તપાસવા શું મદદ કરી શકે?
૫. વિશ્વાસની કસોટીથી આપણને શું લાભ થાય છે?
૬. આપણે જે વિષયો પર વાત કરીએ છીએ એ આપણા હૃદય વિષે શું બતાવે છે?
૭. યુસફના દસ ભાઈઓના અહેવાલમાંથી આપણે હૃદયની સંભાળ રાખવા વિષેનો કયો બોધપાઠ શીખી શકીએ?
૮. આપણે જૂઠું બોલવાના ફાંદામાં ફસાઈએ તો, કઈ બાબત આપણને પોતાનું હૃદય તપાસવા મદદ કરી શકે?
૯. આપણી પ્રાર્થનાઓ આપણા હૃદય વિષે શું બતાવી શકે?
૧૦, ૧૧. (ક) વ્યભિચાર કરવાના વિચારો ક્યાંથી શરૂ થાય છે? (ખ) કઈ બાબત આપણને ‘હૃદયમાં વ્યભિચાર’ ન કરવા મદદ કરશે?
૧૨. આપણે આપણા હૃદયની સંભાળ રાખવામાં લુક ૧૬:૧૦ કઈ રીતે લાગુ પાડી શકીએ?
૧૩. આપણા હૃદયમાંથી શું બહાર આવે છે એ વિષે આપણે કેવી કાળજી રાખવી જોઈએ?
૧૪, ૧૫. (ક) “નિર્મળ” આંખ શું છે? (ખ) નિર્મળ આંખ આપણને આપણા હૃદયની સંભાળ રાખવામાં કઈ રીતે મદદ કરે છે?
૧૬. ઈસુએ આંખને લગતી કઈ સલાહ આપી અને શા માટે?
૧૭. કોલોસી ૩:૫ લાગુ પાડવાથી આપણે કઈ રીતે આપણા હૃદયને શુદ્ધ રાખી શકીએ?
૧૮. અયોગ્ય વિચારો મનમાં આવે તો આપણે શું કરવું જોઈએ?
૧૯, ૨૦. આપણે કઈ રીતે યહોવાહની પૂરા હૃદયથી સેવા કરી શકીએ?
[પાન ૨૩ પર ચિત્રો]
આપણે પ્રચાર કાર્યમાં, સભાઓમાં અને ઘરે સામાન્ય રીતે કઈ બાબતો વિષે વાતો કરીએ છીએ?
[પાન ૨૫ પર ચિત્રો]
નિર્મળ આંખ ફંટાઈ જતી નથી