પાઠ ૧૬
ઈસુએ પૃથ્વી પર કેવાં કામો કર્યાં હતાં?
ઈસુ વિશે તમે કેટલું જાણો છો? અમુકને ઈસુના જન્મ વિશે થોડુંક ખબર છે, તો અમુકને તેમના મરણ વિશે. અમુક માને છે કે ઈસુ ભલા માણસ અથવા એક પયગંબર હતા. આપણે કઈ રીતે ઈસુ વિશે વધારે શીખી શકીએ? ઈસુના પૃથ્વી પરના જીવન પર એક નજર કરવાથી તેમના વિશે ઘણું શીખવા મળે છે. આ પાઠમાં આપણે ઈસુએ કરેલા અમુક અદ્ભુત કામો વિશે જોઈશું અને એનાથી આપણને કઈ મદદ મળે છે એ પણ જોઈશું.
૧. ઈસુ માટે સૌથી મહત્ત્વનું કામ કયું હતું?
ઈસુએ પોતે કહ્યું હતું, ‘મારે ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવાની છે.’ (લૂક ૪:૪૩ વાંચો.) તેમણે આ ખુશખબર જણાવી: આ ધરતી પર ઈશ્વર તેમનું રાજ્ય લાવશે, જે માણસોની બધી તકલીફો દૂર કરશે.a ઈસુએ રાજ્યની એ ખુશખબર ફેલાવવા સાડા ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરી.—માથ્થી ૯:૩૫.
૨. ઈસુના ચમત્કારોથી શું જોવા મળે છે?
બાઇબલમાં જણાવ્યું છે કે ‘ઈશ્વરે ઈસુ દ્વારા ચમત્કારો અને અદ્ભુત કામો કર્યાં.’ (પ્રેરિતોનાં કાર્યો ૨:૨૨) યહોવાએ ઈસુને શક્તિ આપી. એ શક્તિ દ્વારા ઈસુએ મોટાં મોટાં તોફાનો શાંત કર્યાં, હજારોને જમાડ્યા, બીમારોને સાજા કર્યા અને મરી ગયેલા લોકોને જીવતા કર્યા. (માથ્થી ૮:૨૩-૨૭; ૧૪:૧૫-૨૧; માર્ક ૬:૫૬; લૂક ૭:૧૧-૧૭) ઈસુના ચમત્કારોથી જોવા મળે છે કે યહોવાએ તેમને મોકલ્યા હતા. એ પણ જોવા મળે છે કે યહોવા પાસે આપણી બધી તકલીફો દૂર કરવાની શક્તિ છે.
૩. આપણે ઈસુ પાસેથી શું શીખી શકીએ?
બધા સંજોગોમાં ઈસુએ યહોવાનું કહ્યું માન્યું. (યોહાન ૮:૨૯ વાંચો.) જીવનભર ઈસુએ એ જ કામ કર્યું, જે તેમના પિતાએ તેમને સોંપ્યું હતું. ઘણા લોકોએ ઈસુનો વિરોધ કર્યો, તોપણ તેમણે એ કામ ચાલુ રાખ્યું. ઈસુએ સાબિત કરી આપ્યું કે દરેક મનુષ્ય અઘરામાં અઘરા સંજોગોમાં પણ ઈશ્વરને વફાદાર રહી શકે છે. આમ ઈસુએ આપણા માટે ‘દાખલો બેસાડ્યો, જેથી આપણે તેમના પગલે ચાલી શકીએ.’—૧ પિતર ૨:૨૧.
વધારે જાણો
જુઓ કે ઈસુએ કઈ રીતે ખુશખબર જણાવી અને ચમત્કારો કર્યા.
૪. ઈસુએ ખુશખબર જણાવી
બની શકે એટલા લોકોને ખુશખબર જણાવવા ઈસુ શહેરેશહેર અને ગામેગામ ગયા. તેમણે સેંકડો કિલોમીટર ચાલીને ધૂળવાળા રસ્તા પર મુસાફરી કરી. લૂક ૮:૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શું ઈસુ ફક્ત એ લોકોને જ ખુશખબર જણાવતા, જેઓ તેમની વાત સાંભળવા આવતા હતા?
લોકોને ખુશખબર જણાવવા ઈસુએ શું કર્યું?
યહોવાએ મસીહ વિશે ભવિષ્યવાણી કરી હતી કે તે ખુશખબર જાહેર કરશે. યશાયા ૬૧:૧, ૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
ઈસુએ કઈ રીતે એ ભવિષ્યવાણી પૂરી કરી?
શું તમને લાગે છે કે લોકોએ આ સંદેશો સાંભળવાની જરૂર છે?
૫. ઈસુએ સરસ સલાહ આપી
ઈસુએ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવાની સાથે સાથે લોકોને સરસ સલાહ પણ આપી. એવી અમુક સલાહ તેમણે પોતાના જાણીતા ઉપદેશમાં આપી હતી, જેને “પહાડ પરનો ઉપદેશ” કહેવાય છે. માથ્થી ૬:૧૪, ૩૪ અને ૭:૧૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આ કલમોમાં ઈસુએ કઈ સલાહ આપી?
શું તમને લાગે છે કે એ સલાહ પાળવાથી આજે પણ મદદ મળે છે?
૬. ઈસુએ ઘણા ચમત્કારો કર્યા
યહોવાએ આપેલી શક્તિથી ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. એમાંનો એક ચમત્કાર જોવા માર્ક ૫:૨૫-૩૪ વાંચો અથવા વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો.
એ બીમાર સ્ત્રીને કયો ભરોસો હતો?
આ ચમત્કારમાંથી તમને શું ગમ્યું?
યોહાન ૫:૩૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
ઈસુના ચમત્કારો તેમના વિશે કઈ “સાક્ષી પૂરે છે” અથવા શું સાબિત કરે છે?
જાણવા જેવું
ઈસુ વિશેની ઘણી માહિતી બાઇબલનાં આ ચાર પુસ્તકોમાં જોવા મળે છે: માથ્થી, માર્ક, લૂક અને યોહાન. દરેક લેખકે ઈસુ વિશે એવી વિગતો પણ લખી, જે ખુશખબરનાં બીજાં પુસ્તકોમાં નથી. એ ચારેય પુસ્તકો વાંચવાથી ઈસુના જીવન વિશે ઘણું બધું શીખવા મળે છે.
માથ્થી
તેમણે ખુશખબરનું પુસ્તક સૌથી પહેલા લખ્યું. એમાં તેમણે ઈસુએ શીખવેલી ઘણી વાતો લખી. ખાસ કરીને, ઈશ્વરના રાજ્ય વિશે ઈસુએ શીખવેલી વાતો.
માર્ક
તેમણે ખુશખબરનું સૌથી નાનું પુસ્તક લખ્યું. તેમણે બનાવોને થોડા શબ્દોમાં, પણ જબરજસ્ત રીતે લખ્યા. એ વાંચીએ ત્યારે એવું લાગે જાણે બનાવો ફટાફટ બની રહ્યા હોય.
લૂક
તેમના પુસ્તકમાં જોવા મળે છે કે ઈસુ માટે પ્રાર્થના ખૂબ મહત્ત્વની હતી અને તે સ્ત્રીઓને માન આપતા હતા.
યોહાન
ઈસુએ પોતાના ખાસ દોસ્તોને અને બીજાઓને કહેલી વાતો આ પુસ્તકમાં છે. એનાથી ઈસુના સુંદર ગુણો અને સ્વભાવ વિશે ઘણું જાણવા મળે છે.
અમુક લોકો કહે છે: “બીજા ગુરુઓની જેમ ઈસુ પણ એક ગુરુ હતા, બીજું કંઈ નહિ.”
તમને શું લાગે છે?
આપણે શીખી ગયા
ઈસુએ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવી, ચમત્કારો કર્યા અને દરેક સંજોગમાં યહોવાનું કહ્યું કર્યું.
તમે શું કહેશો?
ઈસુ માટે સૌથી મહત્ત્વનું કામ કયું હતું?
ઈસુના ચમત્કારોથી શું સાબિત થાય છે?
ઈસુએ કઈ કઈ સલાહ આપી?
વધારે માહિતી
ઈસુએ શાના વિશે સૌથી વધારે વાત કરી?
“ઈસુ માટે ઈશ્વરનું રાજ્ય કેમ મહત્ત્વનું છે?” (jw.org/hi પર આપેલો લેખ, હિંદી)
આપણે કેમ ભરોસો રાખી શકીએ કે ઈસુએ ખરેખર ચમત્કારો કર્યા હતા?
“ઈસુના ચમત્કારો—તમે એમાંથી શું શીખી શકો?” (ચોકીબુરજ, જુલાઈ ૧૫, ૨૦૦૪)
જ્યારે એક માણસે વાંચ્યું કે ઈસુ બીજાઓની ખૂબ કાળજી રાખતા હતા, ત્યારે તેનું જીવન બદલાઈ ગયું. એ વિશે આ લેખમાં વાંચો.
જાણો કે ઈસુના જીવનના મુખ્ય બનાવો કયા હતા અને એ કયા ક્રમમાં બન્યા હતા.
“ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો” (પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર, વધારે માહિતી ક-૭)