પાઠ ૩૦
ગુજરી ગયેલાં સગાં-વહાલાં અને દોસ્તોને જીવતાં કરવામાં આવશે!
મરણ એક એવો ડંખ છે, જેનું દુઃખ સહેવું બહુ અઘરું છે. એટલે જ બાઇબલમાં મરણને દુશ્મન કહેવામાં આવ્યું છે. (૧ કોરીંથીઓ ૧૫:૨૬) પાઠ ૨૭માં આપણે જોઈ ગયા કે યહોવા એ દુશ્મનને હરાવી દેશે. પણ જે લોકોનું મરણ થઈ ગયું છે, તેઓ વિશે શું? આ પાઠમાં આપણે યહોવાએ આપેલા બીજા એક અદ્ભુત વચન વિશે જોઈશું. તેમણે વચન આપ્યું છે કે તે કરોડોના કરોડો લોકોને આ પૃથ્વી પર જીવતા કરશે, જેથી તેઓ કાયમ માટે જીવી શકે. પણ શું એવું સાચે જ બનશે? જેઓ જીવતા થશે તેઓને સ્વર્ગમાં જીવન મળશે કે પૃથ્વી પર?
૧. ગુજરી ગયેલાં આપણાં સગાં-વહાલાં અને દોસ્તો માટે યહોવા શું કરવા ચાહે છે?
જેઓ ગુજરી ગયા છે, તેઓને જીવતા કરવા યહોવા એકદમ આતુર છે. અયૂબ નામના એક ઈશ્વરભક્તને ખાતરી હતી કે, તે મરી જાય તોપણ યહોવા તેમને યાદ રાખીને જીવતા કરશે. તેમણે ઈશ્વરને કહ્યું: “તમે મને બોલાવશો અને હું [કબરમાંથી] જવાબ આપીશ.”—અયૂબ ૧૪:૧૩-૧૫ વાંચો.
૨. આપણે કઈ રીતે કહી શકીએ કે ગુજરી ગયેલા લોકો સાચે જ જીવતા થશે?
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે ઈશ્વરે તેમને ગુજરી ગયેલા લોકોને જીવતા કરવાની શક્તિ આપી હતી. ઈસુએ ૧૨ વર્ષની એક નાની છોકરીને અને વિધવાના દીકરાને જીવતાં કર્યાં હતાં. (માર્ક ૫:૪૧, ૪૨; લૂક ૭:૧૨-૧૫) થોડા દિવસ પછી ઈસુના મિત્ર લાજરસનું મરણ થયું. તેને દફનાવ્યાને ચાર દિવસ થઈ ગયા હતા. તોપણ ઈસુએ તેને મરણમાંથી પાછો ઉઠાડ્યો. ઈસુએ ઈશ્વરને પ્રાર્થના કરી અને કબર તરફ જોઈને મોટેથી કહ્યું: “લાજરસ, બહાર આવ!” અને “જે માણસ મરી ગયો હતો, તે બહાર આવ્યો.” (યોહાન ૧૧:૪૩, ૪૪) જરા વિચારો, લાજરસને જીવતો થયેલો જોઈને તેના કુટુંબીજનો અને દોસ્તોને કેટલી ખુશી થઈ હશે!
૩. શું તમારાં સગાં-વહાલાં અને દોસ્તોને જીવતાં કરવામાં આવશે?
બાઇબલમાં વચન આપ્યું છે, “લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” (પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫) ઈસુએ જે લોકોને જીવતા કર્યા હતા, તેઓ સ્વર્ગમાં ગયા ન હતા. (યોહાન ૩:૧૩) તેઓને આ પૃથ્વી પર જીવન આપવામાં આવ્યું હતું. તેઓ પોતાના કુટુંબીજનો અને દોસ્તોને મળીને ખૂબ ખુશ હતા. એવી જ રીતે, ઈસુ બહુ જલદી કરોડો ને કરોડો લોકોને આ પૃથ્વી પર જીવતા કરશે. તેઓ પણ પોતાના કુટુંબીજનો અને દોસ્તોને મળીને કેટલા ખુશ થશે! ઈસુએ કહ્યું હતું કે ઈશ્વર જેઓને યાદ રાખે છે, તેઓને જીવતા કરવામાં આવશે. ભલે માણસો ગુજરી ગયેલા લોકોને ભૂલી જાય, પણ તેઓ બધા યહોવાની યાદમાં છે અને તેઓને જીવતા કરવામાં આવશે.—યોહાન ૫:૨૮, ૨૯.
વધારે જાણો
આપણે કઈ રીતે ખાતરી કરી શકીએ કે ઈસુ પાસે ગુજરી ગયેલા લોકોને જીવતા કરવાની શક્તિ છે અને તે એવું ચોક્કસ કરશે? ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એનાથી કઈ રીતે દિલાસો અને આશા મળે છે? ચાલો બાઇબલમાંથી જોઈએ.
૪. ઈસુ પાસે ગુજરી ગયેલા લોકોને જીવતા કરવાની શક્તિ છે
ઈસુના મિત્ર લાજરસનું મરણ થયું ત્યારે ઈસુએ શું કર્યું? એ વિશે જાણવા યોહાન ૧૧:૧૪, ૩૮-૪૪ વાંચો અને વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો:
આપણે કઈ રીતે કહી શકીએ કે લાજરસનું મરણ થયું હતું?—કલમ ૩૯ જુઓ.
જો મરણ પછી લાજરસ સ્વર્ગ જેવી સુંદર જગ્યાએ ગયો હોત, તો શું તમને લાગે છે કે ઈસુ જબરજસ્તી તેને પૃથ્વી પર પાછો લઈ આવ્યા હશે?
૫. ઘણા લોકોને જીવતા કરવામાં આવશે
ગીતશાસ્ત્ર ૩૭:૨૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જ્યારે ગુજરી ગયેલા કરોડો લોકોને જીવતા કરવામાં આવશે, ત્યારે તેઓ ક્યાં રહેશે?
ઈસુ એવા ઈશ્વરભક્તોને મરણમાંથી ઉઠાડશે, જેઓ યહોવાની ભક્તિ કરતા હતા. તેઓની સાથે સાથે તે બીજા કરોડો લોકોને પણ જીવતા કરશે. પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
ગુજરી ગયેલા જીવતા થશે ત્યારે તમે કોને મળવા માંગશો?
આનો વિચાર કરો: ઈસુ માટે ગુજરી ગયેલા લોકોને મરણમાંથી ઉઠાડવા એટલું જ સહેલું છે, જેટલું એક પિતા માટે પોતાના દીકરાને ઊંઘમાંથી ઉઠાડવો
૬. ગુજરી ગયેલા લોકો જીવતા કરાશે એ જાણવાથી દિલાસો અને આશા મળે છે
જેઓનાં સગાં-વહાલાં કે દોસ્તો ગુજરી ગયા છે, તેઓને બાઇબલમાં આપેલા યાઐરસની દીકરીના અહેવાલથી દિલાસો અને હિંમત મળે છે. એ સત્ય ઘટના વિશે જાણવા લૂક ૮:૪૦-૪૨, ૪૯-૫૬ વાંચો.
યાઐરસની દીકરીને જીવતી કરતા પહેલાં ઈસુએ યાઐરસને કહ્યું હતું: “ગભરાઈશ નહિ, માત્ર શ્રદ્ધા રાખ.” (કલમ ૫૦ જુઓ.) ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશાથી આ સંજોગોમાં કઈ રીતે મદદ મળે છે:
જ્યારે કોઈ સ્નેહીજન કે દોસ્તનું મરણ થાય?
જ્યારે તમારું જીવન જોખમમાં હોય?
વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.
ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે, એ આશાથી ફેલીસીટીનાં મમ્મી-પપ્પાને કેવો દિલાસો મળ્યો? એ આશાથી કઈ રીતે તેઓની હિંમત વધી?
અમુક લોકો કહે છે: “ગુજરી ગયેલા જીવતા થાય એવું તો બની જ ન શકે!”
એ વિશે તમારું શું માનવું છે?
ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે એ સમજાવવા, તમે કઈ કલમ બતાવશો?
આપણે શીખી ગયા
બાઇબલમાં વચન આપ્યું છે કે ગુજરી ગયેલા અબજો લોકો જીવતા કરાશે. યહોવા એ બધાને જીવન આપવા આતુર છે. તેમણે ઈસુને ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ આપી છે.
તમે શું કહેશો?
આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવા અને ઈસુ ગુજરી ગયેલા લોકોને જીવતા કરવા આતુર છે?
જે કરોડો લોકો જીવતા થશે તેઓ સ્વર્ગમાં રહેશે કે પૃથ્વી પર? તમને એવું કેમ લાગે છે?
તમને શાનાથી ખાતરી થાય છે કે તમારા સ્નેહીજનો ચોક્કસ જીવતા થશે?
વધારે માહિતી
કોઈનું મરણ થાય ત્યારે એ દુઃખ સહેવા ક્યાંથી મદદ મળી શકે? એ વિશે આ લેખ વાંચો.
જ્યારે કોઈનું મરણ થાય, ત્યારે એ દુઃખ સહેવા શું બાઇબલમાંથી મદદ મળી શકે?
જ્યારે કોઈ સગા-વહાલા કે દોસ્તનું મરણ થાય, ત્યારે એ દુઃખ સહેવા બાળકો શું કરી શકે?
શું કોઈને સ્વર્ગમાં જીવન મળશે? કેવા લોકોને જીવતા કરવામાં નહિ આવે?
“ગુજરી ગયેલાઓ જીવતા થશે—એનો અર્થ શું થાય?” (jw.org/gu પર આપેલો લેખ)