પ્રકરણ ૭૬
ફરોશી સાથે ઈસુ જમે છે
ઢોંગી ફરોશીઓને ઈસુ ઠપકો આપે છે
ઈસુ યહુદિયામાં હતા ત્યારે, એક ફરોશીએ તેમને જમવા બોલાવ્યા. કદાચ તેણે દિવસે જમવા બોલાવ્યા હતા. (લુક ૧૧:૩૭, ૩૮; સરખાવો લુક ૧૪:૧૨.) ફરોશીઓ જમતા પહેલાં ધાર્મિક વિધિ તરીકે કોણી સુધી હાથ ધોતા. પણ, ઈસુ એવું કરતા ન હતા. (માથ્થી ૧૫:૧, ૨) એવું ન હતું કે એ રીતે હાથ ધોવાથી ઈશ્વરનો નિયમ તૂટતો હતો અને ઈશ્વર એવી કોઈ માંગ પણ કરતા ન હતા.
ઈસુએ વિધિ પ્રમાણે હાથ ન ધોયા હોવાથી, ફરોશીને નવાઈ લાગી. ઈસુએ તેના વિચારો પારખી લીધા અને કહ્યું: “હવે, તમે ફરોશીઓ, તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદર તમે લોભ અને દુષ્ટતાથી ભરેલા છો. ઓ મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું છે, તેમણે અંદરનું પણ નથી બનાવ્યું શું?”—લુક ૧૧:૩૯, ૪૦.
અહીંયા મુદ્દો એ ન હતો કે જમતા પહેલાં હાથ ધોવા જોઈએ કે નહિ. પણ, ફરોશીઓ ધર્મને નામે હાથ ધોવા જેવી વાતને પકડી રાખતા હતા. ફરોશીઓ અને બીજાઓ ધાર્મિક વિધિને નામે પોતાના હાથ તો ધોતા હતા, પણ તેઓ હૃદયમાંથી દુષ્ટતા કાઢીને શુદ્ધ થતા ન હતા. એટલે, ઈસુએ તેઓને સલાહ આપી: “તમારા દિલમાં જે હોય એ પ્રમાણે દાનો આપો અને જુઓ! તમે બધી બાબતોમાં શુદ્ધ થશો.” (લુક ૧૧:૪૧) એ કેટલું સાચું હતું! કોઈ દાન આપવું હોય તો, પ્રેમથી, ખરા દિલથી આપવું જોઈએ; બીજાઓને પ્રભાવિત કરવા આપવું ન જોઈએ, એ તો નર્યો ઢોંગ કહેવાય!
એવું ન હતું કે આ લોકો કંઈ આપતા ન હતા. ઈસુએ કહ્યું: “તમે ફૂદીના, સિતાબ અને બીજી બધી શાકભાજીનો દસમો ભાગ આપો છો, પણ ઈશ્વરના ન્યાય અને પ્રેમનો અનાદર કરો છો! પહેલી બાબતો પાળવા તમે બંધાયેલા છો, પણ પછીની વાતો પડતી ન મૂકો.” (લુક ૧૧:૪૨) ઈશ્વરના નિયમ પ્રમાણે, ઊપજનો દસમો ભાગ આપવાનો હતો. (પુનર્નિયમ ૧૪:૨૨) એમાં ફૂદીનો, સિતાબ અને બીજી શાકભાજીનો સમાવેશ થતો હતો, જેનો ભોજનમાં સ્વાદ અને સુગંધ લાવવા વપરાશ થતો હતો. ફરોશીઓ એ શાકભાજીનો દસમો ભાગ ચીવટથી આપતા હતા. પણ, નિયમશાસ્ત્ર પ્રમાણે વધારે મહત્ત્વની બાબતો પાળવાનું તેઓ ચૂકી જતા હતા. જેમ કે, ન્યાયથી વર્તવું અને ઈશ્વર આગળ નમ્રતાથી ચાલવું.—મીખાહ ૬:૮.
ઈસુએ આગળ જણાવ્યું: “ઓ ફરોશીઓ, તમને અફસોસ, કારણ કે તમને સભાસ્થાનોમાં આગળની બેઠકો અને બજારોમાં સલામો સ્વીકારવી ગમે છે! તમને અફસોસ, કેમ કે તમે દેખાતી નથી એવી કબરો જેવા છો, જેના પર માણસો ચાલે છે અને તેઓને ખબર પડતી નથી!” (લુક ૧૧:૪૩, ૪૪) ફરોશીઓ એવી કબરો જેવા હતા, જેના પર લોકો ઠોકર ખાઈને અશુદ્ધ બની શકતા હતા. આમ, ઈસુએ ભાર મૂક્યો કે ફરોશીઓની અશુદ્ધતા સ્પષ્ટ દેખાઈ આવતી ન હતી.—માથ્થી ૨૩:૨૭.
આ સાંભળીને નિયમશાસ્ત્રના એક પંડિતે ફરિયાદ કરી: “શિક્ષક, આ વાતો કહીને તમે અમારું પણ અપમાન કરો છો.” પરંતુ, તેના જેવા માણસો જ લોકોને મદદ કરવાનું ચૂકી જતા હતા અને તેઓને પોતાની એ ભૂલનો અહેસાસ થવો જોઈતો હતો. ઈસુએ કહ્યું: “ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને પણ અફસોસ, કારણ કે તમે એવો ભારે બોજો માણસો પર નાખો છો જે ઊંચકવો અઘરો છે, પણ તમે પોતે એ બોજાને એક આંગળીયે અડાડતા નથી! તમને અફસોસ, કારણ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, પણ તમારા બાપદાદાઓએ તેઓને મારી નાખ્યા હતા!”—લુક ૧૧:૪૫-૪૭.
ઈસુ અહીંયા કયા બોજાની વાત કરતા હતા? મૌખિક રીત-રિવાજોની અને ફરોશીઓ જે રીતે નિયમશાસ્ત્રને સમજતા હતા એની. તેઓએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. પોતે બનાવેલા ભારે ભરખમ નિયમોને તેઓ લોકો પર થોપી બેસાડતા હતા. તેઓના પૂર્વજોએ હાબેલથી લઈને ઘણા પ્રબોધકોને મારી નાખ્યા હતા. એક તરફ તેઓ એ પ્રબોધકોની કબરો બાંધીને તેઓને માન આપવાનો દેખાડો કરતા હતા, પણ બીજી તરફ પોતાનાં કાર્યોથી અને વલણથી પૂર્વજોને અનુસરી રહ્યા હતા. અરે, તેઓ ઈશ્વરના સૌથી મહત્ત્વના પ્રબોધકને પણ મારી નાખવા માગતા હતા. ઈસુએ કહ્યું કે ઈશ્વર એ માટે આ પેઢીને જવાબદાર ગણીને શિક્ષા કરશે. લગભગ ૩૮ વર્ષ પછી, ઈસવીસન ૭૦માં એવું જ થયું.
ઈસુએ આગળ કહ્યું: “તમે જેઓ નિયમશાસ્ત્રના પંડિત છો, તમને અફસોસ! કારણ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે. તમે પોતે અંદર જતા નથી અને જેઓ અંદર જઈ રહ્યા છે, તેઓને પણ તમે અટકાવો છો!” (લુક ૧૧:૫૨) એ માણસોએ લોકોને ઈશ્વરની વાતો સમજાવવાની હતી. પણ, તેઓ તો લોકો પાસેથી એ વાતો શીખવાની અને સમજવાની તક ઝૂંટવી લેતા હતા.
એ સાંભળીને ફરોશીઓ અને શાસ્ત્રીઓએ શું કર્યું? ઈસુ ત્યાંથી જવા લાગ્યા ત્યારે, તેઓ ગુસ્સે થઈને તેમનો વિરોધ કરવા લાગ્યા અને તેમના પર સવાલોની ઝડી વરસાવી. તેઓ કંઈ શીખવાની ઇચ્છાથી સવાલો પૂછી રહ્યા ન હતા. પરંતુ, તેઓ ઈસુ પાસે એવો જવાબ કઢાવવા માંગતા હતા, જેના આધારે તેમની ધરપકડ થઈ શકે.