પ્રકરણ અઢાર
તે ‘આ બધી વાતો વિશે મનમાં વિચારવા લાગી’
૧, ૨. મરિયમની મુસાફરીનું વર્ણન કરો અને સમજાવો કે તેને એ મુસાફરીમાં શાને લીધે તકલીફ પડતી હતી.
મરિયમ ગધેડા પર બેઠી છે અને તેને ઘણી તકલીફ પડે છે. તે કલાકોથી એના પર મુસાફરી કરી રહી છે. તેની આગળ આગળ યુસફ ગધેડાને દોરી રહ્યા છે. દૂર આવેલા બેથલેહેમના રસ્તા પર તે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. મરિયમને ફરી એક વાર પેટમાં થતી હલચલનો અહેસાસ થાય છે.
૨ મરિયમને છેલ્લા દિવસો જતા હતા. તેનું વર્ણન બાઇબલ આ રીતે કરે છે: “તેને જલદી જ બાળક થવાનું હતું.” (લુક ૨:૫) પતિ-પત્ની બંને એક પછી એક ખેતરો પસાર કરતા ગયા. જમીન ખેડનારા કે બી વાવનારા ઘણા ખેડૂતોએ કદાચ તેઓને જોયા હશે અને વિચાર્યું હશે કે આવી હાલતમાં આ સ્ત્રી કેમ મુસાફરી કરે છે. નાઝરેથના પોતાના ઘરથી આટલે દૂર મરિયમ કેમ મુસાફરી કરતી હતી?
૩. મરિયમને કઈ જવાબદારી મળી અને તેના વિશે આપણે શું શીખીશું?
૩ એ બધાની શરૂઆત અમુક મહિનાઓ પહેલાં થઈ, જ્યારે આ યુવાન યહુદી સ્ત્રીને એક જવાબદારી સોંપવામાં આવી. એ જવાબદારી આખા માનવ ઇતિહાસમાં અજોડ હતી. તે એવા બાળકની મા બનવાની હતી, જે મસીહ બનશે અને ઈશ્વરનો દીકરો કહેવાશે! (લુક ૧:૩૫) બાળકને જન્મ આપવાનો સમય પાસે આવ્યો તેમ, તેઓએ આ મુસાફરી કરવી પડી. એમાં મરિયમની શ્રદ્ધાની કસોટી કરતી અનેક તકલીફો આવી. ચાલો જોઈએ કે શ્રદ્ધા મક્કમ રાખવા તેને કઈ રીતે મદદ મળી.
બેથલેહેમની મુસાફરી
૪, ૫. (ક) યુસફ અને મરિયમ શા માટે બેથલેહેમ જતાં હતાં? (ખ) સમ્રાટે હુકમ આપ્યો, એનાથી કઈ ભવિષ્યવાણી પૂરી થઈ?
૪ યુસફ અને મરિયમ એકલા જ આ મુસાફરી કરતા ન હતા. બીજા લોકો પણ પોતપોતાના વતન જવા નીકળ્યા હતા, કેમ કે સમ્રાટ ઑગસ્તસે એ સમયે દેશના બધા લોકોની નોંધણી કરાવવાનો હુકમ આપ્યો હતો. યુસફે શું કર્યું? અહેવાલ જણાવે છે કે, “યુસફ પણ ગાલીલના નાઝરેથ શહેરમાંથી નીકળીને યહુદિયામાં આવેલા દાઊદના શહેર ગયો, જે બેથલેહેમ કહેવાય છે, કેમ કે તે દાઊદના કુટુંબ અને વંશનો હતો.”—લુક ૨:૧-૪.
૫ જોકે, એ સમયમાં સમ્રાટે કંઈ આમ જ હુકમ બહાર પાડ્યો ન હતો. લગભગ ૭૦૦ વર્ષો પહેલાં, એક ભવિષ્યવાણી થઈ હતી કે મસીહનો જન્મ બેથલેહેમમાં થશે. હવે, નાઝરેથથી ફક્ત ૧૧ કિલોમીટર દૂર એક બેથલેહેમ શહેર આવેલું હતું. પણ, ભવિષ્યવાણી ખાસ જણાવતી હતી કે મસીહનો જન્મ તો “બેથલેહેમ એફ્રાથાહ” ગામમાં થશે. (મીખાહ ૫:૨ વાંચો.) નાઝરેથથી એ નાનકડા ગામમાં પહોંચવા લોકો સમરૂન થઈને પહાડી વિસ્તારમાં આશરે ૧૩૦ કિલોમીટર મુસાફરી કરતા. યુસફે એ બેથલેહેમ ગામમાં જવાનું હતું, કેમ કે રાજા દાઊદનું કુટુંબ ત્યાંનું હતું. યુસફ અને મરિયમ પણ એ જ કુટુંબનાં હતાં.
૬, ૭. (ક) મરિયમ માટે બેથલેહેમની મુસાફરી શા માટે મુશ્કેલ હતી? (ખ) યુસફની પત્ની હોવાથી, મરિયમને નિર્ણયો લેવામાં કેવી મદદ મળી? (ફૂટનોટ પણ જુઓ.)
૬ યુસફે એ હુકમ પ્રમાણે બેથલેહેમ જવાનો નિર્ણય કર્યો. શું મરિયમે યુસફને સાથ આપ્યો? એ મુસાફરી મરિયમ માટે બહુ મુશ્કેલ હતી. કદાચ એ પાનખર ઋતુની શરૂઆત હતી. ગરમીની ઋતુ વિદાય લે તેમ હળવો વરસાદ પડવાની શક્યતા હતી. વધુમાં, બેથલેહેમ તો દરિયાની સપાટીથી ૨,૫૦૦ ફૂટની ઊંચાઈએ હતું. ત્યાં પહોંચવા પહાડી માર્ગ પર અનેક દિવસો કઠિન મુસાફરી કરવી પડે. અરે, તબિયતને લીધે મરિયમને વારંવાર આરામની જરૂર પણ પડે. એટલે, મુસાફરીમાં કદાચ વધારે સમય લાગે. એમાંય બાળકને જન્મ આપવાનો સમય નજીક આવે ત્યારે, કોઈ પણ યુવાન સ્ત્રી ઘરે રહેવાનું પસંદ કરે. એ માટે કે પ્રસૂતિની પીડા ઊપડે ત્યારે, કુટુંબીજનો અને મિત્રો મદદ કરવા તૈયાર હોય. એમાં કોઈ શંકા નથી કે આ મુસાફરી કરવા મરિયમને હિંમતની જરૂર હતી.
૭ તોપણ, લુક જણાવે છે કે યુસફ “નોંધણી કરાવવા મરિયમ સાથે ગયો.” લુક એ પણ લખે છે કે યુસફ સાથે મરિયમના “લગ્ન થઈ ચૂક્યા હતા.” (લુક ૨:૪, ૫) યુસફની પત્ની હોવાથી, મરિયમને નિર્ણયો લેવામાં ઘણી મદદ મળી. તે પોતાના પતિને કુટુંબના શિર તરીકે માન આપતી. યુસફના નિર્ણયોમાં સાથ આપીને મરિયમે સ્વીકાર્યું કે ઈશ્વરે તેને યુસફની સહાયકારી બનાવી છે.a આમ, મરિયમે પતિને આધીન રહીને મુશ્કેલ સંજોગોમાં પણ શ્રદ્ધા બતાવી.
૮. (ક) યુસફ સાથે બેથલેહેમ જવા મરિયમને બીજે ક્યાંથી ઉત્તેજન મળ્યું હશે? (ખ) મરિયમનો દાખલો કઈ રીતે શ્રદ્ધા રાખનારાઓ માટે ઉત્તેજન આપનારો છે?
૮ યુસફને આધીન રહેવા મરિયમને બીજે ક્યાંથી ઉત્તેજન મળ્યું હશે? મસીહનો જન્મ બેથલેહેમમાં થશે, એ ભવિષ્યવાણી શું તે જાણતી હતી? બાઇબલ એ વિશે જણાવતું નથી. પરંતુ, એવું બની શકે, કેમ કે એ ભવિષ્યવાણી ધર્મગુરુઓ અને લોકોમાં પણ ખૂબ જાણીતી હતી. (માથ. ૨:૧-૭; યોહા. ૭:૪૦-૪૨) મરિયમ શાસ્ત્રવચનો સારી રીતે જાણતી હતી. (લુક ૧:૪૬-૫૫) કદાચ મરિયમે પતિને આધીન રહેવા કે રાજસત્તાનો હુકમ પાળવા કે પછી યહોવાની ભવિષ્યવાણીને કારણે મુસાફરી કરી હશે. બની શકે કે એકથી વધારે કારણો પણ હોય. ગમે એ હોય, એમ કરીને તેણે જોરદાર દાખલો બેસાડ્યો છે. નમ્ર અને આજ્ઞા પાળનારાં સ્ત્રી-પુરુષોને યહોવા ખૂબ મૂલ્યવાન ગણે છે. આજે મોટા ભાગે લોકો વિચારે છે કે તેઓએ કોઈને આધીન રહેવાની જરૂર નથી. એવા સમયે મરિયમનો દાખલો આપણા માટે ખૂબ ઉત્તેજન આપનારો છે.
ખ્રિસ્તનો જન્મ
૯, ૧૦. (ક) બેથલેહેમની નજીક પહોંચતા મરિયમ અને યુસફે શું વિચાર્યું હશે? (ખ) યુસફ અને મરિયમ ક્યાં રોકાયા અને શા માટે?
૯ બેથલેહેમ નજરે પડતા મરિયમે રાહતનો શ્વાસ લીધો હશે. તેઓ પહાડી વિસ્તાર ચઢ્યા તેમ, જૈતૂનની વાડીઓ પાસેથી પસાર થયા, જેમાં છેલ્લો પાક લણવાનો બાકી હતો. ત્યાંથી પસાર થતાં યુસફે અને મરિયમે આ નાનકડા ગામના ઇતિહાસ વિશે વિચાર્યું હશે. મીખાહે જણાવ્યું હતું તેમ, એ એટલું નાનું હતું કે યહુદામાં એની કંઈ ગણતરી જ ન હતી. તોપણ, આ ગામ બોઆઝ, નાઓમી અને પછીથી દાઊદનું જન્મસ્થળ હતું, જે બધા હજારેક વર્ષો પહેલાં થઈ ગયાં.
૧૦ મરિયમ અને યુસફ ગામમાં પહોંચ્યા ત્યારે, એ લોકોથી ઊભરાતું હતું. નોંધણી માટે બીજા લોકો તેઓ કરતાં પહેલાં પહોંચી ગયા હોવાથી, તેઓને રોકાવાની કોઈ જગ્યા ન મળી.b આખરે, એ રાતે જાનવરોના તબેલામાં રોકાવા સિવાય તેઓ પાસે કોઈ રસ્તો ન હતો. આપણે કલ્પના કરી શકીએ કે યુસફને કેવી ચિંતા થઈ હશે! તે જોતા હતા કે પોતાની પત્નીને પ્રસૂતિની પીડા ઊપડતા ખૂબ દુખાવો થઈ રહ્યો છે. આવી પીડા તેણે કદી અનુભવી ન હતી, જે વધતી ને વધતી ગઈ. બીજે ક્યાંય નહિ ને તબેલામાં મરિયમને પ્રસૂતિની પીડા ઊપડી હતી.
૧૧. (ક) સ્ત્રીઓ મરિયમનું દુઃખ કેમ સમજી શકે છે? (ખ) ઈસુ કઈ રીતે “પ્રથમ જન્મેલા” હતા?
૧૧ સ્ત્રીઓ મરિયમનું દુઃખ સમજી શકે છે. આશરે ૪,૦૦૦ વર્ષો પહેલાં યહોવાએ જણાવ્યું હતું કે વારસામાં મળેલા પાપને લીધે બધી સ્ત્રીઓએ બાળકને જન્મ આપતી વખતે પીડા સહેવી પડશે. (ઉત. ૩:૧૬) એવો કોઈ પુરાવો નથી કે મરિયમે પીડા સહી ન હોય. લુકનો અહેવાલ સમજદારીથી પછીની વિગતો પર પડદો પાડી દે છે. એ ફક્ત જણાવે છે, “તેણે પોતાના પ્રથમ પુત્રને જન્મ આપ્યો.” (લુક ૨:૭) હા, મરિયમના પ્રથમ પુત્રનો જન્મ થયો. તેને ઓછામાં ઓછાં સાત બાળકો હતાં, જેમાંનું આ પહેલું બાળક હતું. (માર્ક ૬:૩) પણ, બીજાં બાળકો કરતાં આ એકદમ અલગ હતું. એ ફક્ત તેનું જ પ્રથમ બાળક ન હતું, એ તો યહોવાના એકના એક પુત્ર, “સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા” હતા!—કોલો. ૧:૧૫.
૧૨. મરિયમે બાળકને ક્યાં સુવડાવ્યું? નાટકો, ચિત્રો અને દૃશ્યોથી હકીકત કઈ રીતે જુદી છે?
૧૨ હવે, અહેવાલ અહીં એક જાણીતી વિગત ઉમેરે છે: “તેણે . . . તેને કપડાંમાં વીંટાળ્યો અને ગભાણમાં સુવડાવ્યો.” (લુક ૨:૭) દુનિયા ફરતે નાટકો, ચિત્રો અને દૃશ્યો આ બનાવની હકીકત બતાવતા નથી. ચાલો એ જોઈએ. ગભાણ એટલે ચારો નાખવાનું એક વાસણ કે જગ્યા, જેમાંથી જાનવરો ખાય છે. યાદ કરો, એ કુટુંબ જાનવરોના તબેલામાં રોકાયું હતું. એ સમયે કે આજે પણ એવી જગ્યાએ મોટા ભાગે ગંદકી હોય છે અને તીવ્ર વાસ આવતી હોય છે. જો બીજી કોઈ જગ્યા મળી શકતી હોય, તો કયાં માબાપ પોતાના બાળકના જન્મ માટે તબેલો પસંદ કરશે? મોટા ભાગે બધાં જ માબાપ પોતાનાં બાળકો માટે સૌથી સારું ઇચ્છે છે. મરિયમ અને યુસફે ઈશ્વરના દીકરા માટે કેટલી વધારે સારી આશા રાખી હશે!
૧૩. (ક) મરિયમ અને યુસફે કઈ રીતે તેઓ પાસે જે હતું એનાથી બનતું બધું જ કર્યું? (ખ) આજે સમજુ માતા-પિતા બાળકોને ઉછેરતી વખતે કઈ રીતે મરિયમ અને યુસફની જેમ કરી શકે?
૧૩ તેમ છતાં, મરિયમ અને યુસફે પોતાના સંજોગોને લીધે મનમાં કડવાશ આવવા ન દીધી; તેઓ પાસે જે હતું એનાથી બનતું બધું જ કર્યું. દાખલા તરીકે, ધ્યાન આપો કે મરિયમે પોતે બાળકની સંભાળ રાખી અને સારી રીતે કપડાંમાં વીંટાળ્યું. પછી, તેણે બાળકને ખૂબ કાળજીપૂર્વક ગભાણમાં સુવડાવ્યું અને ધ્યાન રાખ્યું કે તેને હૂંફ અને રક્ષણ મળે. મુશ્કેલ સંજોગોમાં પણ મરિયમે ચિંતાઓને આડે આવવા ન દીધી, જેથી તે બાળક માટે બનતું બધું જ કરી શકે. મરિયમ અને યુસફ જાણતા હતા કે આ બાળકને યહોવા વિશે શીખવવું સૌથી મહત્ત્વનું હતું. (પુનર્નિયમ ૬:૬-૮ વાંચો.) ઈશ્વરની ભક્તિને આજે લોકો મામૂલી ગણે છે. પણ, સમજુ માતા-પિતા પોતાનાં બાળકોને ઉછેરતી વખતે મરિયમ અને યુસફની જેમ જ કરે છે.
ઉત્તેજન આપતી મુલાકાત
૧૪, ૧૫. (ક) ઘેટાંપાળકો શા માટે બાળકને જોવા દોડી આવ્યા? (ખ) બાળકને તબેલામાં જોઈને ઘેટાંપાળકોએ શું કર્યું?
૧૪ એ શાંત વાતાવરણ અચાનક ઘોંઘાટથી ડહોળાઈ ગયું. ઘેટાંપાળકો એ કુટુંબને, ખાસ તો બાળકને મળવા તબેલામાં દોડી આવ્યા. તેઓના અવાજમાં ખુશી છલકાતી હતી અને ચહેરા પરથી આનંદ નીતરતો હતો. તેઓ પહાડી પ્રદેશમાંથી દોડી આવ્યા હતા, જ્યાં તેઓ પોતાનાં ઘેટાં સાથે રહેતા હતા.c તેઓને જોઈને યુસફ અને મરિયમ ખૂબ નવાઈ પામ્યાં. ઘેટાંપાળકોએ જણાવ્યું કે થોડા સમય પહેલાં જ તેઓને કેવો અદ્ભુત અનુભવ થયો! પહાડી પ્રદેશમાં મધરાતે અચાનક એક સ્વર્ગદૂત દેખાયો; યહોવાના ગૌરવનું તેજ તેઓની આસપાસ પ્રકાશી ઊઠ્યું. દૂતે તેઓને કહ્યું કે ખ્રિસ્ત અથવા મસીહનો હમણાં જ બેથલેહેમમાં જન્મ થયો છે; તેઓ બાળકને કપડાંમાં વીંટાળેલું અને ગભાણમાં મૂકેલું જોશે. પછી, એનાથી પણ વધારે અદ્ભુત ઘટના બની—દૂતોનું એક મોટું ટોળું ઈશ્વરની સ્તુતિ કરતું દેખાયું!—લુક ૨:૮-૧૪.
૧૫ એમાં કંઈ નવાઈ નથી કે આ નમ્ર ઘેટાંપાળકો બેથલેહેમમાં દોડી આવ્યા! દૂતે જણાવ્યું હતું એમ, નવા જન્મેલા બાળકને જોઈને તેઓની ખુશીનો કોઈ પાર રહ્યો નહિ હોય. આ ખુશખબર તેઓએ પોતાના પૂરતી જ રાખી નહિ. દૂતે કહેલી વાત તેઓએ બીજાઓને જણાવી. “ઘેટાંપાળકોએ જણાવેલી વાત જેઓએ સાંભળી, તેઓ બધા દંગ રહી ગયા.” (લુક ૨:૧૭, ૧૮) એ સમયના ધર્મગુરુઓ ઘેટાંપાળકોને નીચા ગણતા. પણ યહોવાએ આ નમ્ર અને વિશ્વાસુ માણસોને કીમતી ગણ્યા. આ મુલાકાતની મરિયમ પર કેવી અસર પડી?
યહોવાએ નમ્ર અને વિશ્વાસુ ઘેટાંપાળકોને કીમતી ગણ્યા
૧૬. મરિયમે કઈ રીતે બતાવ્યું કે તે ખૂબ સમજુ હતી? તે કઈ રીતે જીવનભર પોતાની શ્રદ્ધા દૃઢ રાખી શકી?
૧૬ બાળકને જન્મ આપવાની પીડાથી મરિયમ ઘણી જ થાકેલી હતી. છતાં તેણે ઘેટાંપાળકોનું ધ્યાનથી સાંભળ્યું. તેણે એનાથી કંઈક વધારે કર્યું: “મરિયમ આ બધી વાતો મનમાં રાખીને એનો શું અર્થ થાય, એ વિશે વિચાર કરવા લાગી.” (લુક ૨:૧૯) સાચે જ, આ યુવાન સ્ત્રી ખૂબ સમજુ હતી. તે જાણતી હતી કે દૂતનો સંદેશો ઘણો જ મહત્ત્વનો છે. તેના ઈશ્વર યહોવા ચાહતા હતા કે તે પોતાના દીકરાની ઓળખ અને મહત્ત્વ જાણે અને એની કદર કરે. તેથી, તેણે ધ્યાનથી સાંભળવા સિવાય કંઈક વધારે કર્યું. તેણે એ શબ્દો મનમાં સંઘરી રાખ્યા, જેથી મહિનાઓ અને વર્ષો સુધી એના પર વારંવાર મનન કરી શકે. આ ઘણું મહત્ત્વનું હતું. એમ કરીને મરિયમ જીવનભર પોતાની શ્રદ્ધા દૃઢ રાખી શકી.—હિબ્રૂઓ ૧૧:૧ વાંચો.
૧૭. મરિયમને પગલે ચાલવા આપણે શું કરવું જોઈએ?
૧૭ શું તમે મરિયમને પગલે ચાલશો? યહોવાએ બાઇબલમાં આવી સત્ય હકીકતો લખાવી લીધી છે. જો આપણે એને ધ્યાન આપીશું, તો જ એનાથી ફાયદો થશે. એમ કરવા આપણે દરરોજ બાઇબલ વાંચીએ. ફક્ત વાંચવા પૂરતું નહિ, પણ એ ઈશ્વરની વાણી છે એમ માનીને વાંચીએ. (૨ તિમો. ૩:૧૬) પછી, મરિયમની જેમ આપણે એ વચનો મનમાં ઉતારીએ અને એનાં પર વિચાર કરીએ. બાઇબલનાં વચનો વાંચીએ તેમ, યહોવાની સલાહ જીવનમાં વધારે સારી રીતે લાગુ પાડવા મનન કરીએ. જો એમ કરીશું તો આપણી શ્રદ્ધાને મક્કમ બનાવવા જરૂરી પોષણ આપીશું.
મનન કરવા માટે વધારે વાતો
૧૮. (ક) ઈસુના શરૂઆતના દિવસોમાં મરિયમ અને યુસફે કઈ રીતે મુસાનો નિયમ પાળ્યો? (ખ) યુસફ અને મરિયમે મંદિરમાં ચડાવેલા અર્પણ પરથી પૈસેટકે તેઓની હાલત વિશે શું કહી શકાય?
૧૮ બાળક આઠ દિવસનું થયું ત્યારે, મરિયમ અને યુસફે મુસાના નિયમ પ્રમાણે તેની સુન્નત કરાવી અને દૂતે કહ્યું હતું તેમ એ બાળકનું નામ ઈસુ પાડ્યું. (લુક ૧:૩૧) પછી ચાળીસમા દિવસે તેઓ ઈસુને બેથલેહેમથી આશરે દસ કિલોમીટર દૂર આવેલા યરૂશાલેમના મંદિરે લઈ ગયા. તેઓએ શુદ્ધ થવા માટે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાંનું અર્પણ ચડાવ્યું, જેની નિયમશાસ્ત્ર પ્રમાણે ગરીબોને છૂટ હતી. બીજાં માબાપ ઘેટાં અને હોલાનું અર્પણ કરતા હતા. પણ, યુસફ અને મરિયમ એમ ન કરી શકતા હોવાથી, તેઓને શરમ આવી હશે. તોપણ, તેઓએ નિયમ પાળવા બનતું બધું કર્યું. જોકે, મંદિરમાં તેઓને ખૂબ ઉત્તેજન મળ્યું.—લુક ૨:૨૧-૨૪.
૧૯. (ક) મરિયમ મનમાં રાખી શકે એવી કઈ વાતો શિમયોને કહી? (ખ) ઈસુને જોઈને હાન્નાએ શું કર્યું?
૧૯ મંદિરમાં શિમયોન નામે એક વૃદ્ધ માણસ તેઓને મળ્યા. તેમણે મરિયમને હજુ વધારે વાતો કહી, જેને તે મનમાં રાખી શકે. શિમયોનને વચન આપવામાં આવ્યું હતું કે તે પોતાના મરણ પહેલાં મસીહને જોશે. યહોવાની પવિત્ર શક્તિએ તેમને જણાવ્યું હતું કે નાનકડા ઈસુ જ આવનાર તારણહાર છે. શિમયોને મરિયમને ચેતવણી પણ આપી કે એક દિવસ તેણે ઘણું દુઃખ સહન કરવું પડશે. તેમણે કહ્યું કે તેને એવું લાગશે જાણે લાંબી તલવારે તેને આરપાર વીંધી નાખી હોય. (લુક ૨:૨૫-૩૫) ખરું કે એ શબ્દો આવનાર કપરા સમયની ચેતવણી આપતા હતા, છતાં પણ એનાથી મરિયમને ૩૩ વર્ષો પછી સહન કરવા મદદ મળી હશે. શિમયોન પછી, હાન્ના નામની પ્રબોધિકાએ નાના ઈસુને જોયા. તે એવા લોકોને એ બાળક વિશે કહેવા લાગી, જેઓના દિલમાં યરૂશાલેમના ઉદ્ધારની આશા હતી.—લુક ૨:૩૬-૩૮ વાંચો.
૨૦. ઈસુને યરૂશાલેમના મંદિરમાં લાવવાનો નિર્ણય કઈ રીતે સારો સાબિત થયો?
૨૦ યુસફ અને મરિયમ યરૂશાલેમમાં યહોવાના મંદિરે બાળકને લાવ્યા, એ કેટલો સારો નિર્ણય હતો! તેઓએ શરૂઆતથી જ બાળક માટે જીવનભર યહોવાના મંદિરમાં જવાની ટેવ પાડી. ત્યાં તેઓએ પોતાના ગજા પ્રમાણે યહોવાને સૌથી સારું અર્પણ આપ્યું. તેઓએ ત્યાં માર્ગદર્શન અને ઉત્તેજન પણ મેળવ્યું. મંદિરને છોડીને જતી વખતે મરિયમની શ્રદ્ધા મક્કમ થઈ હતી. મનન કરવા અને બીજાઓને કહેવા તેણે મનમાં ઘણી બધી વાતો સંઘરી રાખી હતી.
૨૧. મરિયમની જેમ આપણી શ્રદ્ધા વધે એ માટે શાની ખાતરી કરવી જોઈએ?
૨૧ આજે ઘણાં માતા-પિતા એ દાખલો અનુસરે છે, એ જોઈને કેટલું સારું લાગે છે! યહોવાને ભજતાં માતા-પિતાઓ પોતાનાં બાળકોને આપણી સભાઓમાં અચૂક લાવે છે. મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા એવાં માતા-પિતા બનતું બધું જ કરે છે. સભાઓમાંથી તેઓ ઘણી ખુશી અને હિંમત મેળવે છે. તેઓ પાસે બીજાઓને કહેવા ઘણી સારી વાતો હોય છે. તેઓને મળીને કેટલી ખુશી થાય છે! એમ કરતા રહેવાથી, મરિયમની જેમ આપણી શ્રદ્ધા પણ વધતી ને વધતી જશે.
a નોંધ લો કે આ ફકરાની માહિતી અને અગાઉની મુસાફરીની માહિતીમાં શું ફરક છે: એલિસાબેતને મળવા ‘મરિયમ નીકળી અને મુસાફરી કરી.’ (લુક ૧:૩૯) એ સમયે તેની સગાઈ જ થઈ હતી, લગ્ન થયા ન હતા. એટલે, કદાચ તેણે યુસફને પૂછ્યા વગર મુસાફરી કરી હશે. લગ્ન પછી, તેઓ બંનેની મુસાફરી વિશે યુસફને કહેવામાં આવ્યું હતું, મરિયમને નહિ.
b તે સમયમાં પ્રવાસીઓ અને મુસાફરોના સંઘ માટે ગામમાં ધર્મશાળા રાખવામાં આવતી.
c આ ઘેટાંપાળકો એ સમયે પોતાનાં ઘેટાં સાથે બહાર રહેતા હતા. એ હકીકત બાઇબલના આ સત્યની ખાતરી આપે છે: ખ્રિસ્તનો જન્મ ડિસેમ્બરમાં નહિ, પણ આશરે ઑક્ટોબરની શરૂઆતમાં થયો હતો, કેમ કે ડિસેમ્બરમાં તો ઘેટાંને ઘરની નજીક બંધિયાર જગ્યામાં રાખવામાં આવતાં હતાં.