પ્રકરણ ૭૭
ધનદોલત વિશે ઈસુ સલાહ આપે છે
ધનવાન માણસનું ઉદાહરણ
કાગડાઓ અને ફૂલો વિશે ઈસુ જણાવે છે
“નાની ટોળી” રાજ્યમાં હશે
ઈસુ ફરોશીના ઘરે જમી રહ્યા હતા ત્યારે, હજારો લોકો તેમની રાહ જોતા બહાર ઊભા હતા. અગાઉ ગાલીલમાં પણ તેમને મળવા આ રીતે ટોળું ભેગું થયું હતું. (માર્ક ૧:૩૩; ૨:૨; ૩:૯) અહીં યહુદિયામાં, ઘણા લોકો ઈસુને જોવા અને સાંભળવા માંગતા હતા. જમવા માટે ભેગા થયેલા ફરોશીઓથી તેઓ એકદમ અલગ હતા.
ઈસુએ શરૂઆતમાં જે કહ્યું, એ શિષ્યો માટે ખૂબ મહત્ત્વનું હતું: “ફરોશીઓના ખમીરથી, એટલે કે ઢોંગથી સાવચેત રહો.” ઈસુએ અગાઉ પણ આ ચેતવણી આપી હતી. પરંતુ, ભોજન વખતે ફરોશીઓનું વર્તન જોયા પછી, તેઓથી સાવચેત રહેવા તેમણે શિષ્યોને ફરીથી ચેતવ્યા. (લુક ૧૨:૧; માર્ક ૮:૧૫) ફરોશીઓ ધાર્મિક હોવાનો ઢોંગ કરીને પોતાની દુષ્ટતા છુપાવવાની કોશિશ કરતા હતા. પરંતુ, તેઓ લોકો માટે ખતરો હતા અને એ ખુલ્લું પાડવું ખૂબ જરૂરી હતું. ઈસુએ સમજાવ્યું: “એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી, જે જાહેર કરવામાં નહિ આવે અને એવું કંઈ જ ખાનગી નથી, જે ઉઘાડું પાડવામાં નહિ આવે.”—લુક ૧૨:૨.
ટોળામાં ઘણા લોકો યહુદિયાના હતા. કદાચ તેઓએ ઈસુને ગાલીલમાં શીખવતા સાંભળ્યા ન હતા. એટલે, તેમણે અગાઉ જણાવેલી વાતના મુખ્ય મુદ્દાઓ ફરીથી કહ્યા. તેમણે સાંભળનારા સર્વને અરજ કરી: “જેઓ તમને મારી નાખી શકે છે અને પછી વધારે કંઈ કરી નથી શકતા, તેઓથી ડરશો નહિ.” (લુક ૧૨:૪) ઈશ્વર પોતે ઈસુના અનુયાયીઓની સંભાળ રાખવાના હતા. એટલે, ઈસુએ ફરીથી ભાર મૂક્યો કે શિષ્યો ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખે. તેમ જ, માણસના દીકરાનો સ્વીકાર કરે અને ઈશ્વર મદદ કરી શકે છે એવો ભરોસો રાખે.—માથ્થી ૧૦:૧૯, ૨૦, ૨૬-૩૩; ૧૨:૩૧, ૩૨.
પછી, ટોળામાંથી એક માણસે પોતાની મુશ્કેલી રજૂ કરી: “ગુરુજી, મારા ભાઈને કહો કે મારી સાથે વારસો વહેંચે.” (લુક ૧૨:૧૩) નિયમશાસ્ત્ર પ્રમાણે, મોટા દીકરાને વારસાનો બમણો ભાગ મળતો હતો. એટલે, તકરારનો કોઈ સવાલ જ ઊભો થતો ન હતો. (પુનર્નિયમ ૨૧:૧૭) પણ, એવું લાગે છે કે આ માણસને પોતાના હક કરતાં વધારે જોઈતું હતું. ઈસુ સમજદારીથી વર્ત્યા અને કોઈનો પક્ષ ન લીધો. તેમણે પૂછ્યું: “તમારા બે પર મને કોણે ન્યાયાધીશ કે પંચ ઠરાવ્યો?”—લુક ૧૨:૧૪.
પછી, ઈસુએ ત્યાં હાજર બધાને સલાહ આપી: “તમારી આંખો ખુલ્લી રાખો અને દરેક પ્રકારના લોભથી સાવધાન રહો, કેમ કે ભલે વ્યક્તિ પાસે ઘણું હોય, તોપણ તેની મિલકતથી તેને જીવન મળતું નથી.” (લુક ૧૨:૧૫) ભલે માણસ પાસે પુષ્કળ માલમિલકત હોય, પણ મર્યા પછી એ મિલકત તેના કોઈ કામમાં આવતી નથી. એ હકીકત પર ભાર મૂકવા ઈસુએ જોરદાર ઉદાહરણ આપ્યું. એમાં જોવા મળે છે કે માલમિલકત કરતાં ઈશ્વર સાથેનો સંબંધ વધારે મહત્ત્વનો છે:
“એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ. તેથી, તે મનમાં વિચારવા લાગ્યો: ‘હવે હું શું કરું, કેમ કે મારી પાસે અનાજ ભરવા કોઈ જગ્યા નથી?’ પછી, તેણે કહ્યું: ‘હું આમ કરીશ: હું મારા કોઠારો તોડી નાખીશ અને એનાથી મોટા બંધાવીશ અને ત્યાં હું મારું બધું અનાજ અને મારી વસ્તુઓ ભેગા કરીશ; અને હું પોતાને કહીશ: “ઘણાં વર્ષો માટે તારી પાસે ઘણી સારી વસ્તુઓ ભેગી કરેલી છે; આરામ કર, ખા, પી અને મજા કર.”’ પરંતુ, ઈશ્વરે તેને કહ્યું, ‘ઓ મૂર્ખ, આજે રાત્રે તેઓ તારી પાસેથી તારું જીવન માંગે છે. તો પછી, તેં જે વસ્તુઓ ભેગી કરી છે એ કોની થશે?’ એટલે, જે પોતાના માટે ધનદોલત ભેગી કરે છે, પણ ઈશ્વરની નજરમાં ધનવાન નથી, તે પેલા માણસ જેવો છે.”—લુક ૧૨:૧૬-૨૧.
ઈસુના શિષ્યો અને તેમને સાંભળનારાઓ સામે ધનદોલત પાછળ દોડવાનો કે ભેગી કરવાનો ફાંદો રહેલો હતો. અરે, જીવનની ચિંતાઓને કારણે તેઓનું ધ્યાન યહોવાની ભક્તિથી ફંટાઈ શકતું હતું. એટલે, આશરે દોઢ વર્ષ પહેલાં પહાડ પરના ઉપદેશમાં આપેલી સરસ સલાહ ઈસુએ ફરી જણાવી:
“તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો અથવા તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો. . . . કાગડાઓનો વિચાર કરો: તેઓ બી વાવતા નથી અને લણતા નથી; તેઓ પાસે વખાર કે કોઠાર હોતા નથી; છતાં, ઈશ્વર તેઓને ખાવાનું આપે છે. શું પક્ષીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન નથી? . . . ફૂલો કઈ રીતે ઊગે છે એનો વિચાર કરો: તેઓ નથી મજૂરી કરતા કે નથી કાંતતાં; તોપણ, હું તમને કહું છું કે સુલેમાને પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય. . . . તેથી, એ વિચારવાનું બંધ કરો કે તમે શું ખાશો, શું પીશો અને વધારે પડતી ચિંતા ન કરો . . . તમારા પિતા જાણે છે કે તમને એની જરૂર છે. . . . તેમના રાજ્યને શોધતા રહો અને એ બધું તમને આપવામાં આવશે.”—લુક ૧૨:૨૨-૩૧; માથ્થી ૬:૨૫-૩૩.
ઈશ્વરનું રાજ્ય કોણ શોધતું હશે? ઈસુએ જણાવ્યું કે વફાદાર મનુષ્યોની “નાની ટોળી,” એટલે કે થોડા જ લોકો એમ કરવાના હતા. સમય જતાં, એ જાહેર થયું કે તેઓની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે. તેઓ માટે કેવું ભાવિ હતું? ઈસુએ તેઓને ખાતરી આપી: “તમારા પિતાએ તમને રાજ્ય આપવાનું મંજૂર કર્યું છે.” તેઓનું દિલ પૃથ્વી પર ધન ભેગું કરવા પર લાગેલું નથી, જેની ચોરી થઈ શકે છે. તેઓનું દિલ તો “સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી” કરવા પર લાગેલું છે, “જે કદી ખૂટતી નથી.” ત્યાં તેઓ ખ્રિસ્ત સાથે રાજ કરશે.—લુક ૧૨:૩૨-૩૪.