પ્રકરણ ૭૮
વિશ્વાસુ કારભારીએ તૈયાર રહેવાનું છે!
વિશ્વાસુ કારભારીએ તૈયાર રહેવું જોઈએ
ઈસુ ભાગલા પાડવા આવ્યા છે
ઈસુએ સમજાવ્યું હતું કે ફક્ત ‘નાની ટોળીને’ સ્વર્ગના રાજ્યમાં જવા મળશે. (લુક ૧૨:૩૨) પરંતુ, એ અદ્ભુત લહાવાને સામાન્ય ગણી લેવાનો ન હતો. ઈસુએ એ વાત પર ઘણો ભાર મૂક્યો કે વ્યક્તિએ સ્વર્ગના રાજ્યનો ભાગ બનવું હોય તો, યોગ્ય વલણ રાખવું ખૂબ જરૂરી છે.
ઈસુ પાછા આવે ત્યારે, શિષ્યોએ તૈયાર રહેવાનું હતું. એ વિશે સલાહ આપતા તેમણે કહ્યું: “તૈયાર રહો અને તમારા દીવા સળગાવેલા રાખો અને તમે એવા ચાકરો જેવા થાઓ, જેઓ લગ્નમાંથી પોતાના માલિકના પાછા આવવાની રાહ જુએ છે, જેથી તે આવે અને દરવાજો ખખડાવે ત્યારે, તેઓ તરત તેના માટે ખોલી શકે. એ ચાકરોને ધન્ય છે, જેઓને માલિક આવીને રાહ જોતા જોશે!”—લુક ૧૨:૩૫-૩૭.
ઉદાહરણથી શિષ્યો સહેલાઈથી સમજી શક્યા કે તેઓએ કેવું વલણ રાખવાનું હતું. ઉદાહરણમાંના ચાકરો તૈયાર હતા, તેઓ માલિકના આવવાની રાહ જોતા હતા. ઈસુએ સમજાવ્યું: “જો [માલિક] બીજા પહોરે [રાતના આશરે નવ વાગ્યાથી મધરાત સુધી] આવે, અરે જો તે ત્રીજા પહોરે [મધરાતથી સવારના આશરે ત્રણ વાગ્યા સુધી] આવે અને તેઓને તૈયાર જુએ, તો તેઓને ધન્ય છે!”—લુક ૧૨:૩૮.
આ સલાહમાં મહેનતુ ચાકરો બનવા કરતાં કંઈક વધારે સમાયેલું હતું. ઈસુએ માણસના દીકરા તરીકે ઉદાહરણમાં પોતાનો ઉલ્લેખ કર્યો, એનાથી એ વાત સ્પષ્ટ થાય છે. તેમણે શિષ્યોને કહ્યું: “તમે પણ તૈયાર રહો, કારણ કે તમે ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.” (લુક ૧૨:૪૦) એટલે, ભાવિમાં કોઈ સમયે ઈસુ આવવાના હતા. તે ચાહતા હતા કે તેમના શિષ્યો, ખાસ કરીને “નાની ટોળી” તૈયાર રહે.
ઈસુના ઉદાહરણને પીતર સારી રીતે સમજવા માંગતા હતા. એટલે, તેમણે પૂછ્યું: “પ્રભુ, આ ઉદાહરણ તમે ફક્ત અમારા માટે કહો છો કે બધા માટે?” પીતરના સવાલનો સીધેસીધો જવાબ આપવાને બદલે, ઈસુએ એના જેવું બીજું એક ઉદાહરણ જણાવ્યું. તેમણે કહ્યું: “વિશ્વાસુ અને સમજુ કારભારી કોણ છે, જેને તેનો માલિક પોતાના ચાકરોના જૂથ પર ઠરાવશે, જેથી તે તેઓને યોગ્ય સમયે પૂરતો ખોરાક આપતો રહે? એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ! હું તમને સાચે જ જણાવું છું, તે તેને પોતાની બધી માલમિલકત પર કારભારી ઠરાવશે.”—લુક ૧૨:૪૧-૪૪.
શરૂઆતના ઉદાહરણમાં “માલિક,” માણસના દીકરા ઈસુને રજૂ કરે છે. એટલે, એમ કહેવું યોગ્ય છે કે “વિશ્વાસુ કારભારી” એવા માણસોને રજૂ કરે છે, જેઓ ‘નાની ટોળીનો’ ભાગ છે અને જેઓને રાજ્ય આપવામાં આવશે. (લુક ૧૨:૩૨) ઈસુ અહીં કહેતા હતા કે નાની ટોળીના અમુક સભ્યોને “ચાકરોના જૂથ” પર નીમવામાં આવશે, જેથી “તેઓને યોગ્ય સમયે પૂરતો ખોરાક” આપી શકે. એટલે, ઈસુ જેઓને શીખવતા હતા અને ઈશ્વરનું જ્ઞાન આપતા હતા, એ પીતર અને બીજા શિષ્યોને સમજ પડી કે માણસનો દીકરો ભાવિમાં કોઈ સમયે આવશે. અને એ સમયગાળામાં આવી ગોઠવણ કરવામાં આવશે: માલિકના ‘ચાકરોના જૂથને’ એટલે કે ઈસુના અનુયાયીઓને ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડવામાં આવશે.
શિષ્યોએ કેમ સાવચેત રહેવાનું હતું અને પોતાના વલણ પર ધ્યાન આપવાનું હતું, એ વિશે ઈસુએ બીજું એક કારણ જણાવ્યું. જો તેઓ ધ્યાન ન રાખે તો બેદરકાર બની જઈ શકે, એ હદ સુધી કે પોતાના ભાઈબહેનોનો પણ વિરોધ કરવા લાગે. ઈસુએ જણાવ્યું: “પણ, જો કદીયે એ ચાકર પોતાના મનમાં વિચારે કે ‘મારા માલિકને આવતા મોડું થાય છે’ અને દાસ-દાસીઓને મારવા લાગે તથા ખાવા-પીવા અને દારૂડિયો થવા લાગે, તો એ ચાકર ધારતો નથી એ દિવસે અને તે જાણતો નથી એ ઘડીએ તેનો માલિક આવી પહોંચશે; અને તે તેને કડકમાં કડક સજા કરશે અને વિશ્વાસુ નથી એવા લોકો જેવા તેના હાલ કરશે.”—લુક ૧૨:૪૫, ૪૬.
ઈસુએ જણાવ્યું કે તે “પૃથ્વી પર આગ લગાડવા” આવ્યા હતા. એક રીતે તેમણે આગ લગાડી પણ હતી. તેમણે એવા મુદ્દાઓ પર વાત કરી, જેના લીધે મોટો વાદવિવાદ ઊભો થયો. પરિણામ એ આવ્યું કે ખોટું શિક્ષણ અને રીતરિવાજો ખુલ્લાં પડ્યાં, બીજા અર્થમાં, આગમાં ભસ્મ થઈ ગયાં. એનાથી એવા લોકોમાં પણ ભાગલા પડી ગયા, જેઓએ સંપીને રહેવાનું હતું. “દીકરા વિરુદ્ધ પિતા, પિતા વિરુદ્ધ દીકરો, દીકરી વિરુદ્ધ મા, મા વિરુદ્ધ દીકરી, વહુ વિરુદ્ધ સાસુ અને સાસુ વિરુદ્ધ વહુ” થઈ ગયા.—લુક ૧૨:૪૯, ૫૩.
એ વાત ઈસુએ ખાસ કરીને તેમના શિષ્યો માટે કહી હતી. પછી, તેમણે ટોળા તરફ ધ્યાન આપ્યું. ઈસુ જ મસીહ છે, એના પુરાવા જોયા હોવા છતાં, ટોળામાંથી મોટા ભાગના લોકો હઠીલા બનીને એ સ્વીકારતા ન હતા. એટલે, ઈસુએ તેઓને કહ્યું: “તમે પશ્ચિમમાં વાદળ ચઢતું જુઓ ત્યારે તરત કહો છો, ‘ભારે પવનથી ઝાપટું પડશે’ અને એમ થાય છે. અને તમે દક્ષિણથી પવન વાતો જુઓ ત્યારે, કહો છો કે ‘લૂ વાશે’ અને એમ થાય છે. ઢોંગીઓ, હવામાન કેવું હશે એ તમે પારખી જાણો છો, પણ કેમ તમે આ ખાસ સમયને પારખવાનું જાણતા નથી?” (લુક ૧૨:૫૪-૫૬) સાચે જ, તેઓ મસીહને સ્વીકારવા તૈયાર ન હતા.