‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે?’
‘ધણીએ પોતાના ઘરના પર કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે?’—માથ. ૨૪:૪૫.
૧, ૨. ઈસુ કઈ ગોઠવણ દ્વારા આજે આપણને ઈશ્વરનું શિક્ષણ આપે છે? એ ગોઠવણ વિશે જાણવું શા માટે જરૂરી છે?
એક બહેને મુખ્યમથકમાં કામ કરતા ભાઈઓને કદર વ્યક્ત કરતો પત્ર લખ્યો. એમાં તેમણે જણાવ્યું, ‘ભાઈઓ, ઘણી વાર એવું બન્યું છે કે, મને જેની સૌથી વધારે જરૂર હોય એ જ વિષય પર સમયસર લેખ આવે છે.’ શું તમે કદી એવું અનુભવ્યું છે? ઘણાએ એવું અનુભવ્યું હશે. શું એમાં નવાઈ પામવા જેવું કંઈ છે? ના, જરાય નહિ.
૨ ઈશ્વરનું શિક્ષણ આપણને સમયસર મળી રહ્યું છે. એ જ સાબિતી છે કે, મંડળના શિર ઈસુ તેમનું વચન પાળી રહ્યા છે. એ શિક્ષણ તે આપણને કોના દ્વારા આપે છે? પોતાની હાજરીની નિશાની આપતી વખતે ઈસુએ કહ્યું હતું કે, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન” ચાકર દ્વારા તે પોતાના ઘરનાને “વખતસર ખાવાનું” આપશે.a (માથ્થી ૨૪:૪૫-૪૭ વાંચો.) વિશ્વાસુ ચાકર જ એ ગોઠવણ છે, જેના દ્વારા અંતના સમયમાં ઈસુ સાચા ભક્તોને ઈશ્વરનું શિક્ષણ આપી રહ્યા છે. તેથી, એ જાણવું ઘણું જરૂરી છે કે વિશ્વાસુ ચાકર કોણ છે. આપણી ભક્તિ અને યહોવા સાથેનો સંબંધ એ ગોઠવણ પર આધાર રાખે છે.—માથ. ૪:૪; યોહા. ૧૭:૩.
૩. વિશ્વાસુ ચાકર વિશેના દૃષ્ટાંત માટે અગાઉ આપણાં સાહિત્યમાં શું જણાવવામાં આવ્યું હતું?
૩ તો પછી, વિશ્વાસુ ચાકર વિશેના દૃષ્ટાંતને આપણે કઈ રીતે સમજી શકીએ? આપણાં સાહિત્યમાં અગાઉ આમ જણાવવામાં આવ્યું હતું: સાલ ૩૩ના પેન્તેકોસ્તના દિવસે, ઈસુએ પોતાના ઘરનાની સંભાળ રાખવા વિશ્વાસુ ચાકરની પસંદગી કરી હતી. ત્યારથી, આ ચાકર કોઈ પણ સમયે પૃથ્વી પર જીવતા બધા અભિષિક્તોના સમૂહને રજૂ કરે છે. વ્યક્તિગત રીતે તેઓ ઘરના સભ્ય પણ છે. વર્ષ ૧૯૧૯માં, ઈસુએ “પોતાની બધી સંપત્તિ” પર વિશ્વાસુ ચાકરને કારભારી ઠરાવ્યો. એટલે કે, પૃથ્વી પરની દરેક બાબત જે રાજ્યના પ્રચારને ટેકો આપે છે, એના પર તેઓને નીમ્યા. જોકે, એ વિષય પર ઊંડો અભ્યાસ, પ્રાર્થના અને મનન કરવાથી જોવા મળે છે કે, વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર વિશે ઈસુએ જે કહ્યું હતું એ વિશેની આપણી સમજણમાં સુધારો કરવાની જરૂર છે. (નીતિ. ૪:૧૮) ચાલો એ દૃષ્ટાંતની ચર્ચા કરીએ અને જોઈએ કે એની આપણા બધા પર કેવી અસર પડે છે, પછી ભલે આપણને પૃથ્વી પર કે સ્વર્ગમાં જીવવાની આશા હોય.
દૃષ્ટાંત પ્રમાણે ક્યારે બનશે?
૪-૬. વિશ્વાસુ ચાકરનું દૃષ્ટાંત વર્ષ ૧૯૧૪ પછી પૂરું થવા લાગ્યું એવું શાના આધારે કહી શકાય?
૪ માથ્થીના ૨૪મા અધ્યાયની બીજી કલમો બતાવે છે કે, વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરનું દૃષ્ટાંત સાલ ૩૩ના પેન્તેકોસ્તમાં નહિ, પણ આ અંતના સમયમાં પૂરું થવા લાગ્યું છે. ચાલો, જોઈએ કે એ સમજવા બાઇબલ કઈ રીતે આપણને મદદ કરે છે.
૫ વિશ્વાસુ ચાકરનું દૃષ્ટાંત ઈસુની હાજરી અને છેલ્લા દિવસોની નિશાની વિશેની ભવિષ્યવાણીનો ભાગ છે. (માથ. ૨૪:૩) માથ્થી ૨૪:૪-૨૨માં નોંધાયેલો ભવિષ્યવાણીનો એ પહેલો ભાગ બે વાર પૂરો થાય છે. પહેલી વાર, એ વર્ષ ૩૩થી ૭૦માં પૂરો થયો. બીજી વાર, એ આપણા સમયમાં મોટા પાયે પૂરો થશે. શું એનો અર્થ એવો થાય કે વિશ્વાસુ ચાકર વિશેના ઈસુના શબ્દો પણ બે વાર પૂરા થશે? ના.
૬ માથ્થી ૨૪:૨૯માં ઈસુના શબ્દો ખાસ કરીને આપણા સમયમાં બનનારી બાબતો વિશે જણાવે છે. (માથ્થી ૨૪:૩૦, ૪૨, ૪૪ વાંચો.) મોટી વિપત્તિ વખતે કઈ બાબતો બનશે એ વિશે જણાવતા ઈસુ કહે છે, લોકો ‘માણસના દીકરાને આકાશના મેઘ પર આવતો દેખશે.’ પછી, તેમણે છેલ્લા દિવસોમાં જીવતા લોકોને સાવચેત કર્યા કે, “તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.” તેમણે એમ પણ કહ્યું કે, “જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.”b અંતના દિવસોમાં બનનારી બાબતો વિશે જણાવ્યા પછી, ઈસુએ વિશ્વાસુ ચાકરનું દૃષ્ટાંત આપ્યું. તેથી, આપણે કહી શકીએ કે ૧૯૧૪માં અંતના દિવસો શરૂ થયા પછી જ, વિશ્વાસુ ચાકર વિશેના શબ્દો પૂરા થવા લાગ્યા. એ તારણ વાજબી છે. શા માટે?
૭. કાપણીની મોસમ શરૂ થયા પછી કયો મહત્ત્વનો સવાલ ઊભો થયો અને શા માટે?
૭ આ સવાલનો વિચાર કરો: “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” ખરેખર કોણ છે? પહેલી સદીમાં આવો સવાલ ઉઠાવવાનું કોઈ જ કારણ ન હતું. અગાઉના લેખમાં આપણે જોઈ ગયા કે પ્રેરિતો ચમત્કારો કરતા અને પવિત્ર શક્તિનાં દાન આપતા. એ જ સાબિતી હતી કે, તેઓ પર ઈશ્વરનો આશીર્વાદ છે. (પ્રે.કૃ. ૫:૧૨) એટલે, એ સવાલ ઊભો ન થયો કે આગેવાની લેવા ખ્રિસ્તે કોને નીમ્યા હતા. પરંતુ, ૧૯૧૪માં સ્થિતિ ઘણી અલગ હતી. એ વર્ષે કાપણીની મોસમ શરૂ થઈ. ઘઉં અને કડવા દાણા જુદા કરવાનો સમય હવે આવી ગયો હતો. (માથ. ૧૩:૩૬-૪૩) કાપણીની મોસમ શરૂ થઈ એ વખતે ઈસુના સાચા શિષ્યો હોવાનો ઘણા નકલી ખ્રિસ્તીઓ દાવો કરતા હતા. તેથી, સવાલ ઊભો થયો કે ઘઉં જેવા અભિષિક્ત ભક્તોને કઈ રીતે ઓળખવા. વિશ્વાસુ ચાકરનું દૃષ્ટાંત એ સવાલનો જવાબ આપે છે. ખ્રિસ્તના અભિષિક્ત ભક્તો એવા લોકો હશે, જેઓને ઈશ્વરનું શિક્ષણ મળતું હશે.
“વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કોણ છે?
૮. શા માટે કહી શકાય કે વિશ્વાસુ ચાકર અભિષિક્તોનો બનેલો હોવો જોઈએ?
૮ વિશ્વાસુ ચાકર પૃથ્વી પર જીવતા અભિષિક્ત ભક્તોનો બનેલો હોવો જોઈએ. અભિષિક્તોને “રાજમાન્ય યાજકવર્ગ” કહેવામાં આવ્યા છે. તેમ જ, તેઓને આજ્ઞા આપવામાં આવી છે કે ‘જેમણે તેઓને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે એ’ યહોવાના મહાન ગુણો વિશે બીજાઓને પ્રચાર કરે. (૧ પીત. ૨:૯) તેથી, “રાજમાન્ય યાજકવર્ગ”ના સભ્યો જ સાથી ભાઈ-બહેનોને સત્ય શીખવતા હશે એમ માનવું યોગ્ય છે.—માલા. ૨:૭; પ્રકટી. ૧૨:૧૭.
૯. શું પૃથ્વી પરના બધા અભિષિક્તો વિશ્વાસુ ચાકરનો ભાગ છે? સમજાવો.
૯ શું પૃથ્વી પરના બધા અભિષિક્તો વિશ્વાસુ ચાકરનો ભાગ છે? ના. હકીકત એ છે કે, દુનિયા ફરતેનાં ભાઈ-બહેનોને ઈશ્વરનું શિક્ષણ આપવામાં બધા અભિષિક્તો ભાગ લેતા નથી. ખરું કે, અમુક અભિષિક્તો મંડળમાં સેવકાઈ ચાકર કે વડીલ તરીકે સેવા આપતા હશે. તેઓ ઘર ઘરનાં પ્રચારમાં ભાગ લે છે, મંડળમાં શીખવે છે અને મુખ્યમથકથી મળતાં માર્ગદર્શનને આધીન રહે છે. પરંતુ, તેઓ દુનિયા ફરતેનાં ભાઈ-બહેનોને ઈશ્વરનું શિક્ષણ આપતા નથી. અભિષિક્તોમાં નમ્ર બહેનોનો પણ સમાવેશ થાય છે, જેઓ કદી પણ મંડળને શીખવવાનો ઇરાદો રાખતાં નથી.—૧ કોરીં. ૧૧:૩; ૧૪:૩૪.
૧૦. વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે?
૧૦ તો પછી, વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે? પહેલી સદીમાં જેમ ઈસુએ થોડાકને હાથે ઘણાને જમાડ્યા હતા, તેમ એ ચાકર પણ થોડાક અભિષિક્તોના સમૂહથી બનેલો છે. એ નાનો સમૂહ ખ્રિસ્તની હાજરીમાં, બાઇબલ આધારિત શિક્ષણ તૈયાર કરીને એને દુનિયા ફરતે મંડળોને આપે છે. આ છેલ્લા દિવસો દરમિયાન, વિશ્વાસુ ચાકર તરીકે કામ કરનારા અભિષિક્ત ભાઈઓ મુખ્યમથકે રહીને સેવા આપે છે. તેઓ, છેલ્લા કેટલાક દાયકાઓથી યહોવાના સાક્ષીઓના નિયામક જૂથ તરીકે ઓળખાય છે. નોંધ કરો કે, ઈસુના દૃષ્ટાંતમાં વપરાયેલો “ચાકર” શબ્દ એકવચનમાં છે. તેથી, નિયામક જૂથના સભ્યો એક થઈને નિર્ણય લે છે.
‘ઘરના’ કોણ છે?
૧૧, ૧૨. (ક) વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને કઈ બે બાબતો પર ઠરાવવામાં આવ્યો? (ખ) ઈસુએ ક્યારે પોતાના ‘ઘરના’ પર વિશ્વાસુ ચાકરને ઠરાવ્યો? એ માટે તેમણે કોને પસંદ કર્યા?
૧૧ ધ્યાન આપો કે, ઈસુના દૃષ્ટાંતમાં વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને બે બાબતો પર ઠરાવવામાં આવ્યો: પ્રથમ, ઘરના પર અને બીજી, માલિકની બધી સંપત્તિ પર. એ દૃષ્ટાંત આ અંતના દિવસોમાં પૂરું થવાનું હતું. તેથી, કહી શકાય કે ઈસુ ૧૯૧૪માં રાજા બન્યા એ પછી જ ચાકરને બંને બાબતો પર ઠરાવવામાં આવ્યો છે.
૧૨ ઈસુએ ક્યારે વિશ્વાસુ ચાકરને પોતાના ‘ઘરના’ પર ઠરાવ્યો? એના જવાબ માટે ચાલો, ૧૯૧૪નો વિચાર કરીએ, જે કાપણીની મોસમની શરૂઆત હતી. અગાઉ જોઈ ગયા તેમ, એ સમયે ઘણા જૂથો ખ્રિસ્તને અનુસરવાનો દાવો કરતા હતા. ઈસુએ એમાંથી કોને વિશ્વાસુ ચાકર તરીકે પસંદ કર્યા? એનો જવાબ ૧૯૧૪થી ૧૯૧૯ની શરૂઆતના સમયગાળામાં મળ્યો. એ સમયે, યહોવા સાથે આવીને ઈસુએ મંદિર એટલે કે, ભક્તિની ગોઠવણની ચકાસણી કરી.c (માલા. ૩:૧) યહોવા અને ઈસુ બાઇબલ વિદ્યાર્થીઓના એક નાના સમૂહથી ખુશ થયા. આ સમૂહ યહોવા અને તેમણે આપેલા બાઇબલ માટે ખૂબ પ્રેમ રાખતો હતો. જોકે, સમૂહને શુદ્ધ થવાની જરૂર હતી. તેઓની થોડાક સમય માટે પરખ થઈ અને શુદ્ધ કરવામાં આવ્યા ત્યારે, તેઓએ એ નમ્રતાથી સ્વીકાર્યું. (માલા. ૩:૨-૪) એ વિશ્વાસુ બાઇબલ વિદ્યાર્થીઓ ઘઉં જેવા સાચા ખ્રિસ્તીઓ હતા. વર્ષ ૧૯૧૯માં ઈસુએ તેઓમાંથી એવા અભિષિક્તોને પસંદ કર્યા, જેઓ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરની જવાબદારી ઉપાડી શકે. તેમ જ, તેઓને પોતાના ‘ઘરના’ પર ઠરાવ્યો.
૧૩. ‘ઘરનાʼમાં કોનો સમાવેશ થાય છે અને શા માટે?
૧૩ ‘ઘરના’ કોણ છે? સાદા શબ્દોમાં કહીએ તો, જે ભાઈ-બહેનોને ઈશ્વરનું શિક્ષણ મળે છે, તેઓ ‘ઘરના’ છે. અંતના દિવસોની શરૂઆતમાં બધા અભિષિક્તો ‘ઘરના’ ભાગ હતા. પછીથી, બીજાં ઘેટાંના મોટા ટોળાનો પણ ‘ઘરનાʼમાં સમાવેશ થયો. ખ્રિસ્તનું “એક ટોળું” હવે, મોટા ભાગે બીજાં ઘેટાંનું બનેલું છે. (યોહા. ૧૦:૧૬) મોટું ટોળું અને અભિષિક્તો બંનેવ, વિશ્વાસુ ચાકરના હાથે સમયસર મળતાં બાઇબલ શિક્ષણનો લાભ મેળવે છે. આજે, વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર નિયામક જૂથના સભ્યોથી બનેલો છે. શું તેઓ ‘ઘરનાʼમાં ગણાય? તેઓને પણ ઈશ્વરના શિક્ષણની જરૂર છે. તેથી, ઈસુના બીજા અનુયાયીઓની જેમ, તેઓ પણ નમ્રતાથી પોતાને એક વ્યક્તિ તરીકે ‘ઘરનાʼમાં ગણે છે.
૧૪. (ક) વિશ્વાસુ ચાકરને કઈ જવાબદારી સોંપવામાં આવી છે અને એમાં શાનો સમાવેશ થાય છે? (ખ) ઈસુએ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને કઈ ચેતવણી આપી? (“જો કોઈ ભૂંડો ચાકર . . .” બૉક્સ જુઓ)
૧૪ ઈસુએ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને મોટી જવાબદારી સોંપી છે. બાઇબલ સમયમાં, વફાદાર ચાકર કે કારભારી તેના માલિકની બધી સંપત્તિની દેખરેખ રાખતો. (લુક ૧૨:૪૨) એવી જ રીતે, ખ્રિસ્તની પૃથ્વી પરની સંપત્તિની દેખરેખ, વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને સોંપવામાં આવી છે. તેઓ આ બાબતોની દેખરેખ રાખે છે: પૈસા, મિલકત, પ્રચારકાર્ય અને સંમેલનનો કાર્યક્રમ. તેમ જ, તેઓ બાઇબલ આધારિત સાહિત્ય તૈયાર કરે છે, જેનો પ્રચારમાં, વ્યક્તિગત અભ્યાસમાં અને સભાઓમાં ઉપયોગ થાય છે. વિશ્વાસુ ચાકર દ્વારા થતી આ બધી ગોઠવણો પર ‘ઘરના’ બધા જ આધાર રાખે છે.
માલિકની બધી સંપત્તિ પર ચાકરને ક્યારે ઠરાવવામાં આવશે?
૧૫, ૧૬. ઈસુ ક્યારે પોતાની બધી સંપત્તિ પર વિશ્વાસુ ચાકરને ઠરાવશે?
૧૫ બીજી બાબત, એટલે કે પોતાની બધી સંપત્તિ પર ઈસુ ક્યારે ચાકરને ઠરાવશે? ઈસુએ કહ્યું હતું, “જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે, તેને ધન્ય છે. હું તમને ખચીત કહું છું, કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.” (માથ. ૨૪:૪૬, ૪૭) નોંધ કરો કે, ઈસુ જ્યારે આવે છે ત્યારે તે ચાકરને ‘એમ કરતો’ એટલે કે ઈશ્વરનું શિક્ષણ વિશ્વાસુ રીતે આપતો જુએ છે. ત્યાર પછી, ઈસુ તેને બીજી બાબત પર, એટલે કે પોતાની બધી સંપત્તિ પર ઠરાવે છે. તેથી, કહી શકાય કે બંનેવ સોંપણી વચ્ચે એક સમયગાળો છે. ઈસુ ક્યારે અને કઈ રીતે પોતાની બધી સંપત્તિ પર ચાકરને ઠરાવશે? એ સમજવા આ સવાલોના જવાબ જાણવાની જરૂર છે: તે ક્યારે આવશે? અને તેમની સંપત્તિમાં શાનો સમાવેશ થાય છે?
૧૬ ઈસુ ક્યારે આવશે? માથ્થી ૨૪મા અધ્યાયની શરૂઆતની કલમો એનો જવાબ આપે છે. એ કલમો ઈસુના ‘આવવા’ વિશે જણાવે છે. અંતના દિવસોમાં ઈસુ ન્યાય કરવા અને એને અમલમાં મૂકવા આવશે, ત્યારે તેમનું ‘આવવું’ થશે.d (માથ. ૨૪:૩૦, ૪૨, ૪૪) તેથી, કહી શકાય કે વિશ્વાસુ ચાકરના દૃષ્ટાંતમાં જણાવેલું ઈસુનું ‘આવવું’ મોટી વિપત્તિ વખતે બનશે.
૧૭. ઈસુની “બધી સંપત્તિ”માં શાનો સમાવેશ થાય છે?
૧૭ ઈસુની “બધી સંપત્તિ”માં શાનો સમાવેશ થાય છે? ઈસુની સંપત્તિ ફક્ત પૃથ્વી પર જ નથી. એમાં સ્વર્ગની બાબતો પણ સામેલ છે. ઈસુએ કહ્યું હતું કે, “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.” (માથ. ૨૮:૧૮; એફે. ૧:૨૦-૨૩) તેમની સંપત્તિમાં હવે મસીહી રાજ્ય પણ છે, જે તેમને ૧૯૧૪થી મળ્યું છે. એમાં, તે પોતાના અભિષિક્ત શિષ્યોને ભાગીદાર બનાવશે.—પ્રકટી. ૧૧:૧૫.
૧૮. “પોતાની બધી સંપત્તિ” પર ચાકરને ઠરાવવા ઈસુ શા માટે ખુશ થશે?
૧૮ એના પરથી આપણે શું તારણ કાઢી શકીએ? મોટી વિપત્તિ વખતે દુષ્ટોનો નાશ કરવા ઈસુ આવશે ત્યારે, તે જોશે કે વિશ્વાસુ ચાકર ‘ઘરનાʼને ઈશ્વરનું શિક્ષણ સમયસર આપી રહ્યો છે. એ જોઈને ઈસુ ખુશ થશે. તેથી, તે પોતાની બધી સંપત્તિ પર એ ચાકરને ઠરાવશે. વિશ્વાસુ ચાકરને સ્વર્ગમાં ઈનામ અને ખ્રિસ્ત સાથે રાજ કરવાનો લહાવો મળશે ત્યારે, તેઓને આ સોંપણી મળશે.
૧૯. શું વિશ્વાસુ ચાકરને બાકીના અભિષિક્તો કરતાં સ્વર્ગમાં મોટું ઈનામ મળે છે? સમજાવો.
૧૯ શું સ્વર્ગમાં બાકીના અભિષિક્તો કરતાં વિશ્વાસુ ચાકરને મોટું ઈનામ મળે છે? ના. કોઈ સમયે નાના સમૂહને જે ઈનામનું વચન આપવામાં આવ્યું હોય એમાં પછી બીજાઓનો પણ ભાગ હોઈ શકે. દાખલા તરીકે, મરણની આગલી રાતે ઈસુએ પોતાના અગિયાર વિશ્વાસુ પ્રેરિતોને શું કહ્યું હતું એનો વિચાર કરો. (લુક ૨૨:૨૮-૩૦ વાંચો.) ઈસુએ ભાઈઓના આ નાના સમૂહને વચન આપ્યું કે, તેઓ વફાદાર રહ્યા હોવાથી તેઓને એક સારું ઈનામ મળશે. તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજાઓ બનશે. વર્ષો પછી ઈસુએ જણાવ્યું કે ૧,૪૪,૦૦૦માંના બધા તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે. (પ્રકટી. ૧:૧; ૩:૨૧) એવી જ રીતે, માથ્થી ૨૪:૪૭માં જણાવ્યું છે તેમ, ઈસુએ પોતાની બધી સંપત્તિ પર અભિષિક્ત ભાઈઓના નાના સમૂહને એટલે કે વિશ્વાસુ ચાકરને ઠરાવવાનું વચન આપ્યું હતું. પરંતુ છેવટે, ખ્રિસ્તની બધી સંપત્તિ પર ૧,૪૪,૦૦૦માંના બધાને ઠરાવવામાં આવશે.—પ્રકટી. ૨૦:૪, ૬.
૨૦. ઈસુએ શા માટે વિશ્વાસુ ચાકરને ઠરાવ્યો છે? તમારો નિર્ણય શું છે?
૨૦ પહેલી સદીમાં ઈસુએ થોડાકના હાથે ઘણાને જમાડ્યા હતા. આજે વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરનો ઉપયોગ કરીને તે એવી જ રીત અપનાવે છે. અંતના દિવસોમાં અભિષિક્ત અને બીજાં ઘેટાંને ઈશ્વરનું શિક્ષણ સમયસર મળતું રહે માટે ઈસુએ વિશ્વાસુ ચાકરને ઠરાવ્યો છે. તેથી ચાલો, અભિષિક્તોથી બનેલા વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને પૂરો સાથ-સહકાર આપવાનો આપણે મક્કમ નિર્ણય કરીએ.—હિબ્રૂ ૧૩:૭, ૧૭.
a ફકરો ૨: પહેલા પણ ઈસુએ એવું જ દૃષ્ટાંત આપ્યું હતું, જેમાં તેમણે “ચાકર”ને “કારભારી” કહ્યો હતો.—લુક ૧૨:૪૨-૪૪.
b ફકરો ૬: માથ્થી ૨૪:૪૨, ૪૪માં ‘આવશે’ શબ્દ ગ્રીક શબ્દ ‘એરખોમીયાʼમાંથી ભાષાંતર થયો છે. જ્યારે કે, માથ્થી ૨૪:૩, ૨૭, ૩૭, ૩૯ કલમોમાં ‘આવવું’ શબ્દ ગ્રીક શબ્દ ‘પરોસીયાʼમાંથી ભાષાંતર થયો છે. તેથી, કહી શકાય કે દુષ્ટોનો નાશ કરવા ઈસુ આવશે (એરખોમીયા) એ પહેલા, તેમની હાજરી (પરોસીયા) શરૂ થશે.
d ફકરો ૧૬: આ અંકનો લેખ “એ બધું ક્યારે થશે, એ અમને જણાવો!”ના ફકરા ૧૪-૧૮ જુઓ. એ પાન ૭-૮ ઉપર છે.