પ્રકરણ ૭૯
શ્રદ્ધા ન મૂકનારા યહુદીઓનો જલદી જ વિનાશ!
બે કરૂણ ઘટનાઓમાંથી શીખવતા ઈસુ
સાબ્બાથના દિવસે બીમાર સ્ત્રીને સાજી કરવામાં આવે છે
ઈસુએ લોકોને એ વિચારવા ઉત્તેજન આપ્યું હતું કે ઈશ્વર તેઓને કેવી નજરે જુએ છે. એ માટે તેમણે અનેક રીતોથી શીખવ્યું હતું. ફરોશીના ઘરની બહાર લોકો સાથે વાત કર્યા પછી, ઈસુને બીજી એક તક મળી.
અમુક લોકોએ એક કરૂણ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું: “ગાલીલના કેટલાક માણસો બલિદાન ચઢાવતા હતા ત્યારે, [રોમન રાજ્યપાલ પોંતિયુસ] પીલાતે તેઓની કતલ કરી નાખી.” (લુક ૧૩:૧) તેઓ શું કહેવા માંગતા હતા?
કદાચ આ એ જ ગાલીલીઓ હતા, જેઓને પીલાતનો વિરોધ કરવા બદલ મારી નાખવામાં આવ્યા હતા. યરૂશાલેમમાં પાણી લાવવા માટે પીલાત નહેર બંધાવતો હતો. એના ખર્ચને પહોંચી વળવા તે મંદિરના ખજાનામાંથી પૈસા વાપરતો હતો. તેણે એ પૈસા કદાચ મંદિરના અધિકારીઓના સહકારથી મેળવ્યા હતા. હજારો યહુદીઓએ એ પૈસાનો ઉપયોગ કરવા સામે વિરોધ કર્યો હતો. આ કરૂણ ઘટના વિશે જણાવનારાઓને લાગ્યું હશે કે દુષ્ટ કામો કરવાને લીધે ગાલીલીઓની આવી દશા થઈ હતી. પણ, ઈસુ તેઓ સાથે સહમત ન હતા.
તેમણે પૂછ્યું: “તેઓની આવી દશા થઈ, એટલે શું તમને એમ લાગે છે કે એ ગાલીલીઓ બીજા બધા ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા?” ઈસુએ કહ્યું કે એવું ન હતું. પછી, તેમણે યહુદીઓને ચેતવણી આપતા કહ્યું: “જો તમે પસ્તાવો નહિ કરો, તો તમારા બધાનો પણ તેઓની જેમ નાશ થશે.” (લુક ૧૩:૨, ૩) ઈસુએ બીજી એક કરૂણ ઘટનાનો ઉલ્લેખ કર્યો, જે કદાચ થોડા સમય પહેલાં જ બની હતી અને નહેરના બાંધકામ સાથે સંકળાયેલી હતી. તેમણે કહ્યું:
“શું તમે એમ વિચારો છો કે જે ૧૮ લોકો પર શિલોઆહમાં બુરજ પડ્યો અને તેઓને મારી નાખ્યા, તેઓ યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે દોષિત હતા?” (લુક ૧૩:૪) ટોળાને લાગતું હશે કે એ લોકો પોતાનાં ખોટાં કામોને લીધે માર્યા ગયા હતા. આ વખતે પણ ઈસુ સહમત ન હતા. તે જાણતા હતા કે, “સમય અને સંજોગોને” લીધે આવી અણધારી ઘટનાઓ થઈ શકે છે. (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) પરંતુ, લોકોએ એ ઘટનામાંથી બોધપાઠ લેવાનો હતો. ઈસુએ કહ્યું: “જો તમે પસ્તાવો નહિ કરો, તો તમારા બધાનો પણ તેઓની જેમ નાશ થશે.” (લુક ૧૩:૫) પણ, ઈસુ હવે કેમ એ બોધપાઠ પર ભાર મૂકતા હતા?
ઈસુ પોતાના સેવાકાર્યમાં જે મુકામે પહોંચ્યા હતા, એની સાથે એ સંકળાયેલું હતું. એ સમજાવવા તેમણે એક ઉદાહરણ આપ્યું: “એક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીરનું એક ઝાડ રોપેલું હતું અને તે એના પર ફળ જોવા આવ્યો, પણ તેને એકેય ન મળ્યું. ત્યાર બાદ, તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘ત્રણ વર્ષથી હું આ અંજીરના ઝાડ પરથી ફળ શોધતો આવ્યો છું, પણ એકેય મળ્યું નથી. એને કાપી નાખ! એ જમીન કેમ નકામી રોકે છે?’ જવાબમાં તેણે તેને કહ્યું, ‘માલિક, હજુ એક વર્ષ એને રહેવા દો, ત્યાં સુધી હું એની આસપાસ ખોદું અને એમાં ખાતર નાખું. જો ભાવિમાં એને ફળ આવે તો ઘણું સારું; પણ જો એમ ન થાય તો પછી કપાવી નાખજો.’”—લુક ૧૩:૬-૯.
ઈસુ ત્રણેક વર્ષથી યહુદીઓમાં શ્રદ્ધા સિંચવા પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ, તેઓમાંથી અમુક જ તેમના શિષ્યો બન્યા હતા. એ ઈસુની મહેનતનું ફળ કહી શકાય. હવે, ઈસુ સેવાકાર્યના ચોથા વર્ષમાં પૂરજોશથી મહેનત કરી રહ્યા હતા. તેમણે યહુદિયામાં અને પેરીઆમાં લોકોને પ્રચાર કર્યો અને શીખવ્યું. એ જાણે અંજીરના ઝાડની આસપાસ ખોદીને એમાં ખાતર નાખવા જેવું હતું. એનું શું પરિણામ આવ્યું? અમુક યહુદીઓએ જ ઈસુનું સાંભળ્યું. મોટા ભાગના યહુદીઓએ એક પ્રજા તરીકે પસ્તાવો કરવાનો નકાર કર્યો અને હવે તેઓને માથે વિનાશ આવી પડવાનો હતો.
થોડા સમય પછી, સાબ્બાથના દિવસે ફરીથી દેખાઈ આવ્યું કે મોટા ભાગના યહુદીઓ પર ઈસુના શિક્ષણની કોઈ જ અસર થતી ન હતી. ઈસુ સભાસ્થાનમાં શીખવી રહ્યા હતા. ત્યાં તેમણે એક સ્ત્રીને જોઈ, જેને દુષ્ટ દૂત વળગેલો હોવાથી ૧૮ વર્ષથી બીમાર હતી અને વાંકી વળી ગઈ હતી. ઈસુને તેના પર દયા આવી અને કહ્યું: “હે સ્ત્રી, તને તારી બીમારીમાંથી સાજી કરવામાં આવે છે.” (લુક ૧૩:૧૨) ઈસુએ પોતાનો હાથ તેના પર મૂક્યો. તરત તે સીધી ઊભી થઈ ગઈ અને ઈશ્વરને મહિમા આપવા લાગી.
એનાથી સભાસ્થાનનો મુખ્ય અધિકારી રોષે ભરાયો. તેણે કહ્યું: “છ દિવસો છે જ્યારે કામ કરવું જોઈએ; એટલે એ દિવસોમાં આવો અને સાજા થાઓ, સાબ્બાથના દિવસે નહિ.” (લુક ૧૩:૧૪) સાજા કરવાની ઈસુની શક્તિ પર એ અધિકારીને કોઈ શંકા ન હતી. પણ, તે તો સાબ્બાથના દિવસે સાજા થવા આવવા બદલ લોકોને દોષિત ઠરાવી રહ્યો હતો! એટલે, ઈસુએ સરસ દલીલ કરતા કહ્યું: “ઓ ઢોંગીઓ, શું તમારામાંનો દરેક સાબ્બાથના દિવસે ગભાણમાંથી પોતાનો બળદ અથવા પોતાનો ગધેડો છોડીને પાણી પાવા લઈ જતો નથી? આ સ્ત્રી, જે ઈબ્રાહીમની દીકરી છે અને જેને શેતાને ૧૮ વર્ષથી બાંધી રાખી છે, તેને શું સાબ્બાથના દિવસે આ બંધનમાંથી છોડાવવી ન જોઈએ?”—લુક ૧૩:૧૫, ૧૬.
વિરોધીઓ શરમ અનુભવવા લાગ્યા, પણ ઈસુએ કરેલાં મહિમાવંત કામો જોઈને ટોળું આનંદ કરવા લાગ્યું. પછી, ગાલીલ સરોવરમાં ઈસુએ હોડીમાંથી જે બે ઉદાહરણો જણાવ્યાં હતાં, એ તેમણે યહુદિયામાં ફરીથી જણાવ્યાં. એ ઉદાહરણો રાજ્ય વિશે હતાં, જે ભાવિમાં પૂરાં થવાનાં હતાં.—માથ્થી ૧૩:૩૧-૩૩; લુક ૧૩:૧૮-૨૧.