પ્રકરણ ૮૨
પેરીઆમાં ઈસુનું સેવાકાર્ય
સાંકડા બારણેથી અંદર જવા સખત મહેનત
ઈસુને યરૂશાલેમમાં મારી નાખવામાં આવશે
યહુદિયા અને યરૂશાલેમમાં ઈસુ લોકોને શીખવતા હતા અને સાજા કરી રહ્યા હતા. પછી, તે યરદન નદી પાર કરીને પેરીઆ જિલ્લામાં ગયા, જેથી ત્યાં શહેરે-શહેર ખુશખબર ફેલાવી શકે. પરંતુ, જલદી જ તે યરૂશાલેમ પાછા જવાના હતા.
ઈસુ પેરીઆમાં હતા ત્યારે, એક માણસે તેમને પૂછ્યું: “પ્રભુ, શું ઉદ્ધાર પામનારા બહુ થોડા છે?” થોડા લોકો ઉદ્ધાર પામશે કે ઘણા, એ વિશે ધાર્મિક આગેવાનોમાં ચર્ચાઓ થતી હતી. કદાચ આ માણસ એ વિશે જાણતો હશે. પણ, કેટલા લોકો ઉદ્ધાર પામશે એ વિશે જણાવવાને બદલે ઉદ્ધાર પામવા શું કરવું જોઈએ, એના પર ઈસુએ વધારે ભાર મૂક્યો. તેમણે કહ્યું, “સાંકડા બારણેથી અંદર જવા તમે સખત મહેનત કરો.” હા, એ માટે સંઘર્ષ, સખત મહેનત જરૂરી છે. શા માટે? ઈસુએ એનું કારણ જણાવ્યું: “હું તમને જણાવું છું કે ઘણા જવા માંગશે પણ જઈ શકશે નહિ.”—લુક ૧૩:૨૩, ૨૪.
સખત મહેનત કેમ જરૂરી છે, એ સમજાવતા ઈસુએ કહ્યું: “જ્યારે ઘરમાલિક ઊભો થઈને બારણું બંધ કરશે, ત્યારે તમે બહાર ઊભા રહીને બારણું ખખડાવતા કહેશો, ‘પ્રભુ, અમારા માટે બારણું ખોલો.’ . . . પરંતુ, તે તમને કહેશે, ‘તમે ક્યાંથી આવ્યા છો એ હું જાણતો નથી. દુષ્ટ કામો કરનારાઓ, તમે બધા મારી પાસેથી દૂર જાઓ!’”—લુક ૧૩:૨૫-૨૭.
અહીંયા ઈસુ એવા માણસની હાલત વિશે જણાવે છે, જે પોતાના અનુકૂળ સમયે આવ્યો હોવાથી મોડો પડ્યો છે; તે જુએ છે કે દરવાજો બંધ છે. તેણે તો વહેલા આવવું જોઈતું હતું, પછી ભલેને તેના માટે અઘરું હોય. તેની જેમ બીજા ઘણા લોકોએ પણ સુંદર તક ગુમાવી હતી. તેઓ આગળ ખુદ ઈસુ પાસેથી શીખવાની તક હતી. તેઓએ સાચી ભક્તિને જીવનનો મુખ્ય ભાગ બનાવવાની તક ગુમાવી હતી. ઉદ્ધાર માટે ઈશ્વરે કરેલી ગોઠવણનો સ્વીકાર ન કરવાનું તેઓએ કેવું પરિણામ ભોગવવું પડશે? ઈસુએ જણાવ્યું કે તેઓને બહાર ફેંકી દેવામાં આવશે અને ત્યારે તેઓ ‘રડશે અને દાંત પીસશે.’ ઈસુએ આમ પણ કહ્યું, બધી પ્રજાના લોકો, ‘પૂર્વ અને પશ્ચિમના, ઉત્તર અને દક્ષિણના લોકો ઈશ્વરના રાજ્યમાં મેજને ટેકવીને બેસશે.’—લુક ૧૩:૨૮, ૨૯.
ઈસુએ એ વિશે સમજાવતા કહ્યું: “અમુક જેઓ છેલ્લા [યહુદી ન હોય એવા લોકો અને સત્તા નીચે કચડાયેલા યહુદીઓ] છે તેઓ પહેલા થશે અને અમુક જેઓ પહેલા [ઈબ્રાહીમના વંશજ હોવાને લીધે અભિમાન કરતા યહુદી ધાર્મિક આગેવાનો] છે તેઓ છેલ્લા થશે.” (લુક ૧૩:૩૦) “તેઓ છેલ્લા થશે” શબ્દોનો અર્થ એ થાય કે, કદર ન કરનારા આવા લોકો ઈશ્વરના રાજ્યમાં જઈ શકશે નહિ.
કેટલાક ફરોશીઓ પછી ઈસુ પાસે ગયા અને તેમને કહ્યું: “બહાર નીકળો, અહીંથી જતા રહો, કારણ કે હેરોદ [અંતિપાસ] તમને મારી નાખવા માંગે છે.” કદાચ, રાજા હેરોદે આ અફવા ફેલાવી હતી, જેથી ઈસુ એ પ્રદેશમાંથી નાસી જાય. યોહાન બાપ્તિસ્મા આપનારની હત્યામાં હેરોદનો હાથ હતો. એટલે, કદાચ તે ડરતો હતો કે બીજા પ્રબોધકની હત્યામાં પણ તેનું નામ ન સંડોવાય. પણ, ઈસુએ ફરોશીઓને કહ્યું: “જાઓ અને એ શિયાળને કહો, ‘જો, આજે અને કાલે હું દુષ્ટ દૂતો કાઢું છું અને લોકોને સાજા કરું છું અને ત્રીજા દિવસે હું મારું કામ પૂરું કરીશ.’” (લુક ૧૩:૩૧, ૩૨) હેરોદને “શિયાળ” કહીને ઈસુ આડકતરી રીતે તેની લુચ્ચાઈ તરફ ધ્યાન દોરતા હતા. જોકે, ઈસુ હેરોદ કે બીજા કોઈની વાતોમાં આવી જવાના ન હતા કે ડરીને નાસી જવાના ન હતા. પિતાએ સોંપેલું કાર્ય તે પૂરું કરવાના હતા, એ પણ ઈશ્વરે નક્કી કરેલા સમયે, નહિ કે માણસોએ નક્કી કરેલા સમયે.
ઈસુએ યરૂશાલેમની મુસાફરી ચાલુ રાખી, કેમ કે તેમણે કહ્યું હતું, “યરૂશાલેમની બહાર પ્રબોધકને મારી નાખવામાં આવે એવું બની ન શકે.” (લુક ૧૩:૩૩) બાઇબલની કોઈ ભવિષ્યવાણી જણાવતી નથી કે મસીહ યરૂશાલેમમાં મરણ પામશે, તો પછી ઈસુએ કેમ એમ કહ્યું? કારણ કે, યરૂશાલેમ રાજધાની હતું. ત્યાં ૭૧ સભ્યોની યહુદી ઉચ્ચ અદાલત (સાન્હેડ્રીન) હતી. જેઓ પર જૂઠા પ્રબોધક હોવાનો આરોપ હોય, તેઓ પર ત્યાં મુકદ્દમો ચાલતો. વધુમાં, એ શહેરમાં પ્રાણીઓનું બલિદાન અપાતું હતું. એટલે, ઈસુને ખબર હતી કે યરૂશાલેમ સિવાય બીજે ક્યાંય તેમનું મરણ થાય, એવું તો બની જ ન શકે.
ઈસુ પોકારી ઊઠ્યા, “યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર અને તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર; જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પરંતુ, તમે એવું ચાહ્યું નહિ. જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.” (લુક ૧૩:૩૪, ૩૫) ઇઝરાયેલ પ્રજાએ ઈશ્વરના દીકરાનો નકાર કર્યો હતો અને તેઓએ એનાં માઠાં પરિણામો ભોગવવાનાં હતાં.
ઈસુ યરૂશાલેમ પહોંચે એ પહેલાં, ફરોશીઓના એક આગેવાને તેમને સાબ્બાથના દિવસે પોતાને ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું. ત્યાં આવેલા મહેમાનોનું ધ્યાન ઈસુ પર હતું. તેઓને તાલાવેલી હતી કે ત્યાં હાજર બીમાર માણસને ઈસુ સાજો કરે છે કે નહિ. એ માણસ જલોદરની બીમારીથી (પગ અને પગના પંજાઓમાં પાણી ભરાવાથી થતો રોગ) પીડાતો હતો. ઈસુએ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોને પૂછ્યું: “સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ પ્રમાણે બરાબર છે કે નહિ?”—લુક ૧૪:૩.
કોઈએ જવાબ આપ્યો નહિ. ઈસુએ બીમાર માણસને સાજો કર્યો અને પછી તેઓને પૂછ્યું: “તમારામાંથી એવો કોણ છે, જેનો દીકરો અથવા બળદ સાબ્બાથના દિવસે કૂવામાં પડી જાય તો, તે એને તરત બહાર ખેંચી નહિ કાઢે?” (લુક ૧૪:૫) એ ચોટદાર દલીલનો તેઓ પાસે આ વખતે પણ કોઈ જવાબ ન હતો.