શું તમે ખર્ચ ગણો છો?
ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને અનંતજીવનની આશા આપી. પરંતુ, તેમણે એક ખ્રિસ્તી તરીકેની તેઓની કિંમત ગણવાની પણ વિનંતી કરી. તેમણે દૃષ્ટાંતથી પૂછ્યું: “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?” (લુક ૧૪:૨૮) અહીં ઈસુ કયા ખર્ચની વાત કરતા હતા?
સર્વ ખ્રિસ્તીઓ મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. એમાંથી કેટલીક તો કઠિન મુશ્કેલીઓ હોય છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૯; માત્થી ૧૦:૩૬) તેથી, આપણે માનસિક અને આત્મિક રીતે તૈયાર રહેવું જોઈએ જેથી આપણા જીવનમાં સતાવણી કે બીજી સમસ્યાઓ આવે ત્યારે આપણે નાસીપાસ ન થઈ જઈએ. આપણે ખ્રિસ્તના શિષ્યો હોવાથી, એની કિંમત તરીકે આવા પડકારોને પહેલેથી જ ગણી લેવા જોઈએ. કેમ કે આપણે જાણીએ છીએ કે એના બદલારૂપે આપણને પાપ અને મરણમાંથી છુટકારો મળશે જે આ જગત આપણને આપી શકે એનાથી ક્યાંય વધારે મૂલ્યવાન છે. હા, આપણે પરમેશ્વરની સેવામાં લાગુ રહીશું તો, તે ચાલવા દે છે એવી કોઈ પણ બાબત, અરે મરણ પણ આપણને હંમેશ માટે નુકસાન કરી શકશે નહિ.—૨ કોરીંથી ૪:૧૬-૧૮; ફિલિપી ૩:૮.
તો પછી, એ માટે આપણે કઈ રીતે વિશ્વાસમાં મજબૂત થઈ શકીએ? આપણે ખરો નિર્ણય લઈએ, ખ્રિસ્તી સિદ્ધાંતો માટે મક્કમ સ્થાન લઈએ અને ખાસ કરીને દબાણોનો સામનો કરતી વખતે પણ પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં કાર્ય કરીએ ત્યારે, આપણો વિશ્વાસ ઉત્તરોત્તર દૃઢ થાય છે. આપણે વફાદાર રહીને પોતે યહોવાહના આશીર્વાદનો અનુભવ કરીએ છીએ ત્યારે, આપણો વિશ્વાસ વધુ દૃઢ અને ગહન બને છે. આ રીતે આપણે ઈસુ, તેમના પ્રથમ શિષ્યો અને માનવજાતના ઇતિહાસથી વિશ્વાસુ રહેનાર સ્ત્રી-પુરુષોનાં ઉદાહરણને અનુસરીએ છીએ જેઓએ પરમેશ્વરની સેવા કરવાની કિંમતને બરાબર ‘ગણી હતી.’—માર્ક ૧:૧૬-૨૦; હેબ્રી ૧૧:૪, ૭, ૧૭, ૨૪, ૨૫, ૩૨-૩૮.
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
તમને મુલાકાત ગમશે?
આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.