પ્રકરણ ૮૬
ખોવાયેલો દીકરો પાછો ફરે છે
ખોવાયેલા દીકરાનું ઉદાહરણ
ઈસુ કદાચ યરદન નદીની પૂર્વે પેરીઆમાં હતા ત્યારે, તેમણે ખોવાયેલા ઘેટા અને ખોવાયેલા સિક્કાનાં ઉદાહરણો આપ્યાં હતાં. બંને ઉદાહરણોનો બોધપાઠ એ હતો કે પાપી પસ્તાવો કરીને ઈશ્વર તરફ ફરે ત્યારે આપણે આનંદ કરવો જોઈએ. ઈસુ એવા પાપી લોકોને આવકારતા હોવાથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ તેમની ટીકા કરતા હતા. પણ, શું તેઓ ઈસુનાં બે ઉદાહરણોમાંથી કંઈ શીખ્યા હતા? શું તેઓ સમજ્યા હતા કે પાપીઓ પસ્તાવો કરે ત્યારે, આપણા સ્વર્ગમાંના પિતાને કેવું લાગે છે? હવે, એ મહત્ત્વના બોધપાઠને વધારે ચમકાવવા ઈસુએ દિલને સ્પર્શી જતું એક ઉદાહરણ આપ્યું.
તેમણે ઉદાહરણમાં એક પિતા વિશે જણાવ્યું, જેમને બે દીકરા હતા. નાનો દીકરો એનું મુખ્ય પાત્ર છે. નાના દીકરા વિશે ઈસુએ જે જણાવ્યું, એમાંથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ તથા બીજા સાંભળનારાઓ પણ બોધપાઠ લઈ શકતા હતા. એટલું જ નહિ, ઈસુના ઉદાહરણમાં પિતા અને મોટા દીકરાએ જે વલણ બતાવ્યું, એમાંથી પણ ઘણું શીખવા મળે છે. ચાલો, ઈસુ ઉદાહરણ જણાવે તેમ, એમાંના ત્રણેય માણસો પર ધ્યાન આપીએ.
ઈસુએ શરૂઆત કરતા કહ્યું, “એક માણસને બે દીકરા હતા. અને નાના દીકરાએ તેના પિતાને કહ્યું: ‘પિતાજી, મિલકતનો મારો ભાગ મને આપી દો.’ એટલે, તેણે પોતાની મિલકત બંને દીકરાઓને વહેંચી આપી.” (લુક ૧૫:૧૧, ૧૨) ધ્યાન આપો, નાનો દીકરો પિતાના મરણને લીધે વારસો માગતો ન હતો. તેના પિતા હજી જીવતા હતા. પણ, એ દીકરાને તો હમણાં જ પોતાનો ભાગ જોઈતો હતો, જેથી તે સ્વતંત્ર રહી શકે અને પોતાની મરજી પ્રમાણે એને વાપરી શકે. તેણે શું કર્યું?
ઈસુએ આગળ જણાવ્યું, “અમુક દિવસો પછી, નાના દીકરાએ પોતાની બધી વસ્તુઓ ભેગી કરી અને દૂર દેશ ગયો અને મન ફાવે એમ જીવીને પોતાની મિલકત ઉડાવી દીધી.” (લુક ૧૫:૧૩) તેના પિતા કુટુંબની સારી દેખરેખ રાખતા હતા અને બધી જરૂરિયાતો પૂરી પાડતા હતા. તોપણ, તેમની છાયામાં રહેવાને બદલે, એ દીકરો બીજા દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે બધી ધનસંપત્તિ પોતાની જાતીય ઇચ્છાઓ સંતોષવા ઉડાવી દીધી. પછી, તેના માટે કપરો સમય શરૂ થયો. એ વિશે ઈસુએ આગળ કહ્યું:
“તેણે પોતાનું બધું ખર્ચી નાખ્યું એવા સમયે, આખા દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી. અરે, તેણે એ દેશના રહેવાસીઓમાંના એકની પાસે જઈને પોતાને મજૂરીએ રાખવા કાલાવાલા કર્યા; એ માણસે તેને પોતાનાં ખેતરોમાં ભૂંડો ચરાવવા મોકલ્યો. અને ભૂંડો જે શિંગો ખાતાં હતાં એ ખાવાનું તેને ખૂબ મન થયું, પણ કોઈ માણસ તેને કંઈ આપતું નહિ.”—લુક ૧૫:૧૪-૧૬.
ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે ભૂંડ અશુદ્ધ પ્રાણી હતું, છતાં નાના દીકરાએ ભૂંડો ચરાવનારા તરીકે કામ કરવું પડ્યું. તેને એવી કકડીને ભૂખ લાગી કે, ભૂંડો ખાતા હતા એ ખોરાક ખાવાની ઇચ્છા થઈ ગઈ. એવો ખોરાક જે ફક્ત જાનવરો ખાતા હોય છે. એવા કપરા સંજોગોમાં “તેની અક્કલ ઠેકાણે આવી.” તેણે શું કર્યું? તેણે વિચાર્યું, “મારા પિતાના ઘણા મજૂરો છે જેઓને જરૂર કરતાં વધારે રોટલી મળે છે, જ્યારે કે હું અહીં ભૂખે મરું છું! હું ઊઠીને મારા પિતા પાસે જઈશ અને તેમને કહીશ: ‘પિતાજી, મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે, હું તમારો દીકરો ગણાવાને લાયક રહ્યો નથી. મને તમારા મજૂરોમાંના એકના જેવો રાખો.’” પછી, તે ઊભો થયો અને પિતા પાસે ગયો.—લુક ૧૫:૧૭-૨૦.
દીકરાને જોઈને પિતાએ શું કર્યું? શું તે ગુસ્સે થઈ ગયા? દીકરાએ ઘર છોડીને જે મૂર્ખામી કરી હતી, એ માટે શું તેને ખખડાવ્યો? શું પિતા તેને જોઈને નાખુશ થયા, મોઢું ચઢાવ્યું? એ પિતાની જગ્યાએ તમે હોત તો, શું કર્યું હોત? જો તમારા દીકરા કે દીકરીએ એવું કર્યું હોત, તો તમને કેવું લાગ્યું હોત?
ખોવાયેલો દીકરો પાછો મળ્યો
દીકરાને જોઈને પિતાને કેવું લાગ્યું અને તેમણે શું કર્યું, એ વિશે ઈસુએ કહ્યું: “હજુ તો [દીકરો] ઘણો દૂર હતો ત્યારે, તેના પિતાએ તેને જોયો અને તેનું દિલ કરુણાથી ભરાઈ આવ્યું, તે દોડ્યો અને તેને ભેટી પડ્યો અને તેને પ્રેમથી ચુંબન કર્યું.” (લુક ૧૫:૨૦) બની શકે કે પિતાએ દીકરાના લંપટ જીવન વિશે સાંભળ્યું હશે, તોપણ તેમણે તેને દિલથી આવકાર્યો. યહુદી આગેવાનો બડાઈ કરતા હતા કે તેઓ યહોવાને સારી રીતે જાણે છે અને તેમને ભજે છે. પણ, શું તેઓ આ ઉદાહરણથી સમજી શક્યા કે પસ્તાવો કરનાર પાપીઓ વિશે સ્વર્ગમાંના પિતા કેવું અનુભવે છે? શું તેઓ એ જોઈ શક્યા કે ઈસુ પણ પિતાની જેમ એવા લોકોને આવકારી રહ્યા છે?
દીકરાનો દુઃખી અને ઉદાસ ચહેરો જોઈને પિતા તરત સમજી ગયા કે તેને પોતાનાં બૂરાં કામો માટે ઘણો પસ્તાવો છે. તોપણ, પિતાએ પ્રેમથી તેનો આવકાર કર્યો હોવાથી, તે સહેલાઈથી પોતાનાં પાપોની કબૂલાત કરી શક્યો. ઈસુએ ઉદાહરણમાં આગળ જણાવ્યું: “ત્યારે દીકરાએ તેને કહ્યું, ‘પિતાજી, મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તમારો દીકરો ગણાવાને લાયક રહ્યો નથી.’”—લુક ૧૫:૨૧.
પિતાએ ચાકરોને હુકમ કર્યો: “જલદી કરો! સૌથી સારો ઝભ્ભો લાવો અને તેને પહેરાવો, તેના હાથમાં વીંટી અને પગમાં ચંપલ પહેરાવો. તેમ જ, તાજોમાજો વાછરડો લાવો, એને કાપો અને ચાલો આપણે ખાઈએ તથા આનંદ કરીએ, કેમ કે આ મારો દીકરો મરણ પામ્યો હતો, પણ તે જીવતો થયો છે; તે ખોવાઈ ગયો હતો અને મળ્યો છે.” પછી, તેઓ “આનંદ કરવા લાગ્યા.”—લુક ૧૫:૨૨-૨૪.
આ બધું થયું ત્યારે, મોટો દીકરો ખેતરમાં હતો. ઈસુએ તેના વિશે કહ્યું: “તે પાછો આવ્યો અને ઘરની નજીક પહોંચ્યો ત્યારે, તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો. તેથી, તેણે ચાકરોમાંના એકને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે શું ચાલી રહ્યું છે. તેણે તેને કહ્યું, ‘તારો ભાઈ આવ્યો છે અને તારા પિતાએ તાજોમાજો વાછરડો કપાવ્યો, કેમ કે તે તેને સાજોસમો પાછો મળ્યો છે.’ પરંતુ, મોટો દીકરો ગુસ્સે થયો અને તે અંદર જવા રાજી ન હતો. પછી, તેનો પિતા બહાર આવ્યો અને તેને મનાવવા લાગ્યો. જવાબમાં તેણે પોતાના પિતાને કહ્યું, ‘જુઓ! આટલાં બધાં વર્ષો મેં તમારી ગુલામી કરી અને ક્યારેય તમારી એક પણ આજ્ઞા તોડી નથી, છતાં તમે કદી મને મિત્રો સાથે મજા કરવા એક લવારું પણ આપ્યું નથી. પણ, તમારો આ દીકરો, જેણે તમારી મિલકત વેશ્યાઓ પર ઉડાવી દીધી એ આવ્યો ત્યારે, તમે તેના માટે તાજોમાજો વાછરડો કપાવ્યો.’”—લુક ૧૫:૨૫-૩૦.
ઉદાહરણમાંના મોટા દીકરા જેવું કોણ હતું? શાસ્ત્રીઓ અને ફરોશીઓ. ઈસુએ સામાન્ય લોકો અને પાપીઓ માટે દયા બતાવી અને તેઓ તરફ ધ્યાન આપ્યું. આમ, તેમણે પાપીઓને આવકાર્યા. એ વાતની શાસ્ત્રીઓ અને ફરોશીઓએ ટીકા કરી. એટલે, આ ઉદાહરણ આપવાની જરૂર ઊભી થઈ હતી. એટલું જ નહિ, ઈશ્વર જે રીતે દયા બતાવે છે, એમાં વાંધો ઉઠાવનાર દરેકે એમાંથી બોધપાઠ લેવો જોઈએ.
ઈસુના ઉદાહરણમાં છેલ્લે શું થયું? મોટા દીકરાને વિનંતીભર્યા સૂરે પિતાએ કહ્યું: “મારા દીકરા, તું હંમેશાં મારી સાથે છે અને મારી બધી વસ્તુઓ તારી જ છે. પરંતુ, આપણે ઉજવણી કરીને ખુશી મનાવવી જોઈએ, કેમ કે તારો ભાઈ મરણ પામ્યો હતો, પણ જીવતો થયો છે; તે ખોવાઈ ગયો હતો અને મળ્યો છે.”—લુક ૧૫:૩૧, ૩૨.
મોટા દીકરાએ પછી શું કર્યું, એ વિશે ઈસુએ કંઈ જણાવ્યું નથી. પણ, ઈસુ મરણ પામ્યા અને ફરીથી જીવતા થયા એ પછી, “ઘણી મોટી સંખ્યામાં યાજકો પણ શ્રદ્ધા મૂકવા લાગ્યા.” (પ્રેરિતોનાં કાર્યો ૬:૭) કદાચ એમાંના અમુકે ખોવાયેલા દીકરાનું અસરકારક ઉદાહરણ ઈસુ પાસેથી સાંભળ્યું હશે. હા, તેઓ માટે પણ ભાનમાં આવવું, પસ્તાવો કરવો અને ઈશ્વર તરફ પાછા ફરવું શક્ય હતું.
એ દિવસથી ઈસુના શિષ્યો આ સુંદર ઉદાહરણમાંથી મહત્ત્વના બોધપાઠ દિલમાં ઉતારી રહ્યા છે અને તેઓએ હજી એમ કરતા રહેવાની જરૂર છે. એક બોધપાઠ એ છે કે, ‘દૂર દેશમાં,’ એટલે કે લલચામણી ઇચ્છાઓ પાછળ ભટકવાને બદલે ઈશ્વરના લોકો વચ્ચે રહેવામાં જ સાચી સમજદારી છે. કારણ કે, આપણા ઈશ્વરપિતા આપણને પ્રેમ કરે છે અને આપણી જરૂરિયાતો પૂરી પાડે છે.
બીજો બોધપાઠ આ છે: જો આપણામાંથી કોઈ ઈશ્વરના માર્ગેથી ભટકી જાય, તો તેણે નમ્ર બની ઈશ્વર પાસે પાછા આવવું જોઈએ, જેથી તેમની રહેમનજર હેઠળ ફરીથી રહી શકે.
ઉદાહરણમાં પિતાએ ખુલ્લા દિલે દીકરાને માફી આપી, જ્યારે કે મોટા દીકરાએ અક્કડ બનીને ભાઈને સ્વીકારવાની ના પાડી. તેઓ બંનેના વલણમાંથી પણ એક બોધપાઠ મળે છે. જો ઈશ્વરના માર્ગેથી ભટકી જનાર દિલથી પસ્તાવો કરે અને યહોવા ‘પિતાના ઘરે’ પાછો ફરે, તો ઈશ્વરભક્તોએ તેને માફ કરીને આવકાર આપવો જોઈએ. આપણો જે ભાઈ ‘મરણ પામ્યો હતો, પણ જીવતો થયો,’ ‘ખોવાઈ ગયો હતો અને મળ્યો છે,’ એના લીધે આપણે આનંદ કરવો જોઈએ.