પ્રકરણ ૯૩
માણસના દીકરાને પ્રગટ કરવામાં આવશે
રાજ્ય તેઓની વચ્ચે છે
ઈસુને પ્રગટ કરવામાં આવશે ત્યારે શું બનશે?
ઈસુ હજી સમરૂન કે ગાલીલમાં હતા ત્યારે, ફરોશીઓએ તેમને આવનાર રાજ્ય વિશે પૂછ્યું. તેઓ ધારતા હતા કે રાજ્ય વાજતે-ગાજતે આવશે. પણ ઈસુએ કહ્યું: “ઈશ્વરનું રાજ્ય સાફ જોઈ શકાય એવી અજોડ રીતે આવતું નથી; તેમ જ, લોકો નહિ કહે કે ‘જુઓ, એ અહીં છે!’ અથવા ‘એ ત્યાં છે!’ કેમ કે જુઓ! ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે.”—લુક ૧૭:૨૦, ૨૧.
અમુકને લાગશે કે ઈશ્વરનું રાજ્ય ભક્તોના દિલમાં રાજ કરે છે, એવું ઈસુ કહેતા હતા. પરંતુ, એવું બની ન શકે. ઈસુ જે ફરોશીઓ સાથે વાત કરતા હતા, તેઓના દિલમાં એ રાજ્ય હતું જ નહિ. જોકે, એ રાજ્ય તેઓની વચ્ચે હતું, એ અર્થમાં કે ઈશ્વરના રાજ્ય માટે પસંદ કરાયેલા રાજા, ઈસુ પોતે તેઓની વચ્ચે હતા.—માથ્થી ૨૧:૫.
કદાચ ફરોશીઓ જતાં રહ્યા પછી, ઈસુએ પોતાના શિષ્યોને આવનાર રાજ્ય વિશે વધુ માહિતી આપી. રાજ્યમાં પોતાની હાજરી વિશે તેમણે પહેલા આ જણાવ્યું: “એવા દિવસો આવશે કે જ્યારે તમે માણસના દીકરાનો એક દિવસ જોવા ચાહશો, પણ તમે એ જોશો નહિ.” (લુક ૧૭:૨૨) ઈસુ કહેતા હતા કે માણસનો દીકરો ઈશ્વરના રાજ્યમાં રાજ કરે, એ ભાવિમાં બનવાનું હતું. પણ, એ સમય પહેલાં, અમુક શિષ્યો કદાચ એને જોવાની ઝંખના રાખશે. પરંતુ, ઈશ્વરે નક્કી કરેલા સમયે માણસનો દીકરો આવે ત્યાં સુધી તેઓએ રાહ જોવાની હતી.
ઈસુએ આગળ જણાવ્યું: “લોકો તમને કહેશે, ‘ત્યાં જુઓ!’ અથવા ‘અહીં જુઓ!’ ત્યારે બહાર જતા નહિ કે તેઓની પાછળ દોડતા નહિ; કેમ કે જેમ વીજળી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ચમકે છે, તેમ માણસનો દીકરો તેના દિવસે હશે.” (લુક ૧૭:૨૩, ૨૪) ખોટા મસીહ પાછળ ઈસુના શિષ્યો ન જાય માટે તેઓનું કઈ રીતે રક્ષણ થશે? ઈસુએ કહ્યું કે સાચા મસીહનું આવવું જાણે વીજળીના ચમકારા જેવું હશે, જે દૂર દૂર સુધી જોઈ શકાય છે. ઈશ્વરના રાજ્યમાં ઈસુ રાજા બન્યા છે, એનો પુરાવો લોકો સ્પષ્ટ રીતે જોઈ શકશે.
પછી, ઈસુએ જણાવ્યું કે ભાવિમાં એ સમયે લોકોનું વલણ કેવું હશે. તેમણે જૂના જમાનામાં બનેલા બનાવો સાથે સરખામણી કરતા કહ્યું: “જેવું નુહના દિવસોમાં થયું, તેવું માણસના દીકરાના દિવસોમાં પણ થશે . . . એવું જ લોતના દિવસોમાં પણ થયું: તેઓ ખાતા હતા, પીતા હતા, વેચાતું લેતા હતા, વેચતા હતા, રોપતા હતા અને બાંધતા હતા. પરંતુ, જે દિવસે લોત સદોમથી બહાર નીકળ્યા ત્યારે, આગ અને ગંધક આકાશમાંથી વરસ્યા અને એ બધાનો નાશ કર્યો. માણસના દીકરાને પ્રગટ કરવામાં આવશે, એ દિવસે એવું જ થશે.”—લુક ૧૭:૨૬-૩૦.
ઈસુ એવું કહેવા માંગતા ન હતા કે નુહ અને લોતના દિવસોમાં લોકો રોજિંદા જીવનમાં ડૂબેલા હતા એટલે તેઓનો નાશ થયો, જેમ કે ખાવું, પીવું, ખરીદવું, વેચવું, રોપવું અને બાંધવું. નુહ અને લોતના કુટુંબે પણ એમાંની અમુક બાબતો કરી હતી. પરંતુ, બીજા લોકો ઈશ્વરની ઇચ્છા પર જરાય ધ્યાન આપતા ન હતા અને તેઓ જે સમયમાં જીવતા હતા એને નજરઅંદાજ કરતા હતા. એટલે, ઈસુએ શિષ્યોને સલાહ આપી કે તેઓ ઈશ્વરની ઇચ્છા પર ધ્યાન આપે અને એને પૂરી કરવા બનતું બધું જ કરે. આમ, ઈશ્વર ભાવિમાં વિનાશ લાવે ત્યારે, એમાંથી બચી જવાનો માર્ગ ઈસુએ બતાવ્યો.
શિષ્યોએ સાવચેત રહેવાનું હતું કે આસપાસની વસ્તુઓ તેઓનું ધ્યાન ફંટાવી ન દે. ઈસુએ કહ્યું: “એ દિવસે જે માણસ ધાબા પર હોય પણ તેનો સામાન ઘરમાં હોય તો, એને લેવા નીચે ન ઊતરવું. એવી જ રીતે, જે માણસ ખેતરમાં હોય તેણે વસ્તુઓ લેવા પાછા ન જવું. લોતની પત્નીને યાદ રાખો.” (લુક ૧૭:૩૧, ૩૨) તે મીઠાનો થાંભલો બની ગઈ હતી.
માણસનો દીકરો રાજ કરશે ત્યારે, સંજોગો કેવા હશે એ વિશે વધારે જણાવતા ઈસુએ શિષ્યોને કહ્યું: “એ રાતે બે જણ એક પલંગ પર હશે; એક લેવાશે, પણ બીજો પડતો મુકાશે.” (લુક ૧૭:૩૪) આમ, અમુકનો ઉદ્ધાર થશે, પણ બીજાઓ પોતાનું જીવન ગુમાવશે.
શિષ્યોએ પૂછ્યું: “પ્રભુ, એ ક્યાં થશે?” ઈસુએ જણાવ્યું: “જ્યાં મડદું હોય છે, ત્યાં ગરુડો ભેગા થવાના જ.” (લુક ૧૭:૩૭) હા, અમુકની નજર ગરુડ જેવી તેજ હશે. એવા શિષ્યો સાચા ખ્રિસ્ત, માણસના દીકરા પાસે ભેગા થશે. ભાવિમાં એ સમયે, ઈસુ પોતાના વિશ્વાસુ શિષ્યોને જીવન બચાવનારું સત્ય જણાવશે.