પ્રકરણ ૯૪
મહત્ત્વની બે જરૂરિયાતો—પ્રાર્થના અને નમ્રતા
વારંવાર વિનંતી કરતી વિધવાનું ઉદાહરણ
ફરોશી અને કર ઉઘરાવનાર
ઈસુએ અગાઉ પોતાના શિષ્યોને વારંવાર પ્રાર્થના કરવા વિશે ઉદાહરણ આપ્યું હતું. (લુક ૧૧:૫-૧૩) તે સમરૂન કે ગાલીલમાં હતા અને તેમણે ફરીથી પ્રાર્થનામાં સતત મંડ્યા રહેવા પર ભાર મૂક્યો. એ વિશે તેમણે બીજું ઉદાહરણ આપતા કહ્યું:
“એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જેને ઈશ્વરનો ડર ન હતો અને કોઈ માણસ માટે આદર ન હતો. એ શહેરમાં એક વિધવા પણ હતી, જે તેની પાસે વારંવાર જઈને કહેતી, ‘ખાતરી કરજો કે મારા ફરિયાદી સામે મને ન્યાય મળે.’ થોડો સમય તો તે તેને મદદ કરવા તૈયાર ન હતો, પણ પછીથી તેણે મનમાં કહ્યું, ‘ભલે હું ઈશ્વરથી ડરતો નથી કે કોઈ માણસનો આદર કરતો નથી, પણ આ વિધવાએ મને હેરાન-પરેશાન કરી નાખ્યો છે. એટલે, તેને ન્યાય મળે એનું હું ધ્યાન રાખીશ, જેથી તે વારંવાર મારી પાસે ન આવે અને વિનંતીઓ કરી કરીને મારો જીવ ન ખાય.’”—લુક ૧૮:૨-૫.
ઉદાહરણમાંથી બોધપાઠ આપતા ઈસુએ કહ્યું: “ન્યાયાધીશ ખરાબ હોવા છતાં, તેણે જે કહ્યું એના પર ધ્યાન આપો! તો પછી, શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને પોકાર કરે છે? તે તેઓ પ્રત્યે ધીરજ રાખીને જરૂર એમ કરશે.” (લુક ૧૮:૬, ૭) ઈસુ પોતાના પિતા વિશે શું જણાવતા હતા?
ઈસુ કંઈ એવું કહેતા ન હતા કે યહોવા ઈશ્વર પેલા ખરાબ ન્યાયાધીશ જેવા છે. તે આ મુદ્દો શીખવવા માંગતા હતા: વારંવાર વિનંતીઓ કરવાથી જો એક ખરાબ ન્યાયાધીશ પણ જવાબ આપતો હોય, તો એમાં કોઈ શંકા નથી કે ઈશ્વર ચોક્કસ જવાબ આપશે. ઈશ્વર ભલા અને નેક છે; પોતાના ભક્તો પ્રાર્થનામાં મંડ્યા રહે છે ત્યારે તે એનો જવાબ આપે છે. એ હકીકત ઈસુના આ શબ્દોમાં સાફ જોવા મળે છે: “હું તમને જણાવું છું, [ઈશ્વર] તેઓને જલદી જ ન્યાય અપાવશે.”—લુક ૧૮:૮.
સમાજના નીચલા વર્ગના લોકોને અને ગરીબોને મોટા ભાગે ન્યાય મળતો નથી, જ્યારે કે શક્તિશાળી અને ધનવાન લોકોની તરફેણમાં ન્યાય કરવામાં આવે છે. પણ, ઈશ્વર એ રીતે ન્યાય કરતા નથી. યોગ્ય સમય આવશે ત્યારે તે ખરો ન્યાય કરશે; દુષ્ટોને સજા અને પોતાના ભક્તોને હંમેશ માટેનું જીવન આપશે.
એ વિધવા જેવી શ્રદ્ધા કોની પાસે છે? કેટલા લોકો સાચે જ એવું માને છે કે ઈશ્વર “જલદી જ ન્યાય અપાવશે”? ઈસુએ થોડી વાર પહેલાં જ ઉદાહરણથી જણાવ્યું હતું કે વારંવાર પ્રાર્થના કરતા રહેવું જરૂરી છે. હવે, પ્રાર્થનાની તાકાત પર શ્રદ્ધા મૂકવા વિશે તેમણે સવાલ કર્યો: “માણસનો દીકરો આવશે ત્યારે, શું તેને પૃથ્વી પર ખરેખર આવી શ્રદ્ધા જોવા મળશે?” (લુક ૧૮:૮) તે એવું સૂચવતા હતા કે ખ્રિસ્ત આવશે ત્યારે, બહુ થોડા લોકોમાં એવી શ્રદ્ધા જોવા મળશે.
ઈસુને સાંભળનારા અમુકને લાગતું હતું કે તેઓમાં એવી શ્રદ્ધા છે. તેઓ પોતાને નેક, પણ બીજાઓને નીચા ગણતા હતા. એવા લોકો માટે ઈસુએ આ ઉદાહરણ આપ્યું:
“બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા, એક ફરોશી હતો અને બીજો કર ઉઘરાવનાર. ફરોશી ઊભો રહ્યો અને મનમાં પ્રાર્થના કરવા લાગ્યો, ‘હે ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા બધા જેવો નથી; જુલમથી પૈસા પડાવનાર, બેઇમાન, વ્યભિચારી અથવા આ કર ઉઘરાવનાર જેવો પણ નથી. અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું; મને જે મળે છે એ બધી વસ્તુઓનો દસમો ભાગ હું આપું છું.’”—લુક ૧૮:૧૦-૧૨.
પોતે નેક છે, એવો દેખાડો કરવા માટે ફરોશીઓ જાણીતા હતા. તેઓ બીજાઓ પર સારી છાપ પાડવા એમ કરતા હતા. ઉપવાસ કરવા તેઓ મોટા ભાગે સોમવાર અને ગુરુવાર પસંદ કરતા, કેમ કે એ દિવસોમાં બજારમાં સેંકડો લોકો આવતા. બધા તેઓને જુએ એ માટે તેઓ પોતે એ દિવસો પસંદ કરતા. તેઓ સામાન્ય શાકભાજીનો દસમો ભાગ પણ ચીવટથી આપતા. (લુક ૧૧:૪૨) થોડા મહિનાઓ પહેલાં જ તેઓએ આમ કહીને સામાન્ય લોકો માટે પોતાનો ધિક્કાર બતાવ્યો હતો: “નિયમશાસ્ત્ર ન જાણનારું [ફરોશીઓની નજરે] આ ટોળું તો શાપિત છે.”—યોહાન ૭:૪૯.
ઈસુએ ઉદાહરણમાં આગળ જણાવ્યું: “પરંતુ, કર ઉઘરાવનાર દૂર ઊભો હતો; તે આકાશ તરફ નજર ઊંચી કરવા પણ તૈયાર ન હતો, પણ તે છાતી કૂટતા કહેતો હતો: ‘હે ઈશ્વર, મારા જેવા પાપી પર કૃપા કરો.’” કર ઉઘરાવનારે નમ્ર બનીને પોતાની ભૂલો સ્વીકારી. ઈસુએ છેવટે કહ્યું: “હું તમને જણાવું છું, આ માણસ પેલા ફરોશી કરતાં વધારે ન્યાયી સાબિત થઈને પોતાના ઘરે ગયો. કારણ કે જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે, પણ જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”—લુક ૧૮:૧૩, ૧૪.
આમ, ઈસુએ જણાવ્યું કે નમ્ર બનવું કેટલું જરૂરી છે. એ સલાહ ઈસુના શિષ્યો માટે ખૂબ લાભદાયી હતી. તેઓ એવા સમાજમાં ઉછર્યા હતા, જ્યાં પોતાને નેક ગણતા ફરોશીઓ માન-મોભો અને હોદ્દાને ખૂબ મહત્ત્વ આપતા હતા. ઈસુને પગલે ચાલતા બધા લોકો માટે આ બહુ કીમતી સલાહ છે.