થોડાકના હાથે ઘણાને જમાડવા
‘ઈસુએ રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી.’—માથ. ૧૪:૧૯.
૧-૩. સમજાવો કે બેથસૈદામાં ઈસુએ કઈ રીતે ટોળાને જમાડ્યું. (શરૂઆતનું ચિત્ર જુઓ.)
એક બનાવનો વિચાર કરો. (માથ્થી ૧૪:૧૪-૨૧ વાંચો.) એ બનાવ સાલ ૩૨ના પાસ્ખાપર્વ પહેલા બન્યો હતો. ઈસુ અને તેમના શિષ્યોની સાથે ૫,૦૦૦ પુરુષો ઉપરાંત સ્ત્રીઓ અને બાળકો એક વેરાન જગ્યાએ ભેગાં થયાં હતાં. એ જગ્યા ગાલીલ સમુદ્રના ઉત્તરીય કાંઠે આવેલાં બેથસૈદા ગામ પાસે હતી.
૨ ટોળાને જોઈને ઈસુને તેઓ પર દયા આવી. તેથી, તેઓમાંના માંદાઓને ઈસુએ સાજા કર્યાં અને ઈશ્વરના રાજ્ય વિશે ઘણી બાબતો શીખવવા લાગ્યા. સાંજ પડવા લાગી તેમ શિષ્યોએ ઈસુને અરજ કરી કે લોકોને જવા દે, જેથી એ લોકો નજીકના ગામમાં જઈ ખાવા માટે કંઈક ખરીદી શકે. પરંતુ, ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે તેઓને ખાવાનું આપો.” એ શબ્દોએ કદાચ શિષ્યોને મૂંઝવણમાં મૂકી દીધા હશે. કારણ, તેઓ પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી હતી.
૩ લોકો પર દયા આવી હોવાથી ઈસુએ એક ચમત્કાર કર્યો. એ જ એક એવો ચમત્કાર છે, જે સુવાર્તાનાં ચારેય પુસ્તકોમાં નોંધાયેલો છે. (માર્ક ૬:૩૫-૪૪; લુક ૯:૧૦-૧૭; યોહા. ૬:૧-૧૩) ઈસુએ શિષ્યોને જણાવ્યું કે ટોળાને ૫૦ અને ૧૦૦ના સમૂહમાં બેસવાનું કહે. પ્રાર્થના કર્યા પછી, ઈસુએ માછલીઓના અને રોટલીઓના ભાગ કર્યા. એ ખોરાક સીધેસીધો લોકોને આપવાને બદલે, ઈસુએ ‘શિષ્યોને આપ્યો અને શિષ્યોએ લોકોને આપ્યો.’ હવે, ખોરાક એટલો હતો કે બધા ધરાઈને ખાઈ શકે. કેટલું અદ્ભુત કે, થોડાકના હાથે ઈસુએ હજારોને જમાડ્યા!a
૪. (ક) ઈસુને મન શું વધારે મહત્ત્વનું હતું? શા માટે? (ખ) આ અને આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૪ લોકોને ઈશ્વર વિશે સત્ય શીખવવું ઈસુને મન વધારે મહત્ત્વનું હતું. ઈસુ જાણતા હતા કે લોકો શાસ્ત્રમાંથી સત્ય જાણશે તો જ તેઓને હંમેશ માટેનું જીવન મળશે. (યોહા. ૬:૨૬, ૨૭; ૧૭:૩) લોકો પર દયા આવવાને કારણે ઈસુએ તેઓને ખોરાક આપ્યો હતો. એ જ કારણને લીધે ઈસુએ તેઓને સંદેશો જણાવવામાં પણ ઘણા કલાકો આપ્યા. (માર્ક ૬:૩૪) ઈસુ જાણતા હતા કે અમુક સમય પછી તે પાછા સ્વર્ગમાં જવાના છે. (માથ. ૧૬:૨૧; યોહા. ૧૪:૧૨) સ્વર્ગમાં ગયા પછી, ઈસુ પૃથ્વીના લોકોને કઈ રીતે ઈશ્વરનું શિક્ષણ આપતા રહેશે? અગાઉ જેમ થોડાકના હાથે ઘણાને જમાડ્યા હતા, એવી જ ગોઠવણથી તે એમ કરવાના હતા. એ થોડાક કોણ હશે? ચાલો જોઈએ કે, પહેલી સદીમાં થોડાકનો ઉપયોગ કરીને કઈ રીતે ઈસુએ ઘણા અભિષિક્તોની ભક્તિની ભૂખ દૂર કરી. આવતા લેખમાં જોઈશું કે, એ થોડાક કોણ છે, જેઓ દ્વારા ઈસુ આપણને સત્યનું શિક્ષણ આપે છે.
ઈસુ થોડાકની પસંદગી કરે છે
૫, ૬. (ક) ઈસુએ કયો મહત્ત્વનો નિર્ણય લીધો, જેથી પોતાના મરણ પછી પણ ભક્તોને સત્યનું શિક્ષણ મળતું રહે? (ખ) ઈસુએ કઈ રીતે પોતાના પ્રેરિતોને તૈયાર કર્યાં, જેથી તેઓ ખાસ જવાબદારી ઉપાડી શકે?
૫ કુટુંબના જવાબદાર શિર ગોઠવણ કરશે કે, પોતાના મૃત્યુ પછી પણ કુટુંબીજનોનું ભરણપોષણ થતું રહે. એ જ રીતે, ઈસુ જે ખ્રિસ્તી મંડળના શિર બનવાના હતા, તેમણે પણ ધ્યાન રાખ્યું કે પોતાના મૃત્યુ પછી શિષ્યોને માર્ગદર્શન અને સૂચનો મળતાં રહે. (એફે. ૧:૨૨) દાખલા તરીકે, ઈસુએ પોતાના મરણનાં બે વર્ષ પહેલાં એક મહત્ત્વનો નિર્ણય લીધો. તેમણે એવા થોડાકની પસંદગી કરી જેઓ ઘણાને જમાડવાના એટલે કે, સત્યનું શિક્ષણ આપવાના હતા. ચાલો જોઈએ કે શું બન્યું.
૬ આખી રાત પ્રાર્થના કર્યા પછી, ઈસુએ પોતાના શિષ્યોને ભેગા કર્યા અને તેઓમાંના બારને પ્રેરિતો તરીકે પસંદ કર્યા. (લુક ૬:૧૨-૧૬) પછીનાં બે વર્ષ ઈસુએ બાર પ્રેરિતો પર ખાસ ધ્યાન આપ્યું અને પોતાનાં વાણી-વર્તનથી તેઓને શીખવવા લાગ્યા. ઈસુ જાણતા હતા કે પ્રેરિતોએ ઘણું શીખવાનું છે. એટલે જ તેઓ “શિષ્યો” તરીકે ઓળખાતા હતા. (માથ. ૧૧:૧; ૨૦:૧૭) ઈસુ તેઓને મહત્ત્વની સલાહ અને પ્રચારકાર્યમાં ઉપયોગી થાય એવી ઘણી તાલીમ આપતા હતા. (માથ. ૧૦:૧-૪૨; ૨૦:૨૦-૨૩; લુક ૮:૧; ૯:૫૨-૫૫) જોઈ શકાય છે કે, ઈસુ પ્રેરિતોને ખાસ જવાબદારી માટે તૈયાર કરી રહ્યા હતા, જેથી ઈસુના મરણ અને સ્વર્ગમાં ગયા પછી પ્રેરિતો એ જવાબદારી સારી રીતે નિભાવી શકે.
૭. પ્રેરિતો કઈ મુખ્ય જવાબદારી નિભાવશે, એ વિશે ઈસુએ શું જણાવ્યું હતું?
૭ પ્રેરિતોએ કઈ જવાબદારી નિભાવવાની હતી? વર્ષ ૩૩નો પેન્તેકોસ્ત નજીક આવી રહ્યો હતો તેમ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે, પ્રેરિતો મંડળમાં આગેવાની લેશે. (પ્રે.કૃ. ૧:૨૦) પરંતુ, તેઓની મુખ્ય જવાબદારી કઈ હશે? ઈસુએ સજીવન થયા પછી પ્રેરિત પીતરને કહેલા શબ્દોમાં આપણને એ સવાલનો જવાબ મળે છે. (યોહાન ૨૧:૧, ૨, ૧૫-૧૭ વાંચો.) બીજા પ્રેરિતોની સામે ઈસુએ પીતરને કહ્યું: “મારાં ઘેટાંને પાળ.” એ શબ્દો બતાવે છે કે, થોડાકનો ઉપયોગ કરી ઈસુ ઘણાને સત્યનું શિક્ષણ આપવાના હતા. એ થોડાકમાં પ્રેરિતોનો સમાવેશ થાય છે. ઈસુના શબ્દો એ પણ બતાવે છે કે, તે પોતાના “ઘેટાંને” ઘણો પ્રેમ કરે છે.b
પેન્તેકોસ્તના દિવસથી ઘણાને સત્યનું શિક્ષણ પૂરું પાડ્યું
૮. નવા ખ્રિસ્તીઓએ પેન્તેકોસ્તના દિવસે કઈ રીતે બતાવ્યું કે ખ્રિસ્ત કોનો ઉપયોગ કરી રહ્યા હતા એ તેઓ જાણે છે?
૮ સજીવન થયેલા ઈસુ ખ્રિસ્તે વર્ષ ૩૩ના પેન્તેકોસ્તથી અભિષિક્તોને સત્યનું શિક્ષણ આપવા પ્રેરિતોનો ઉપયોગ કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧, ૪૨ વાંચો.) એ દિવસે, યહુદીઓમાંથી અને યહુદી બનેલા લોકોમાંથી, જેઓ અભિષિક્ત ખ્રિસ્તીઓ બન્યા હતા, તેઓ સહેલાઈથી પારખી શક્યા કે ખ્રિસ્ત કોનો ઉપયોગ કરી રહ્યા હતા. પૂરી શ્રદ્ધાથી ‘તેઓ પ્રેરિતોના બોધમાં દૃઢતાથી લાગુ રહ્યાં.’ નવા બનેલા ખ્રિસ્તીઓ શાસ્ત્રમાંથી સત્ય જાણવા તત્પર હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે એ સત્ય તેઓને કોણ શીખવી શકે છે. ઈસુનાં કાર્યો, તેમની વાતો અને તેમને લાગુ પડતી કલમોને સમજવાં તેઓએ પ્રેરિતોમાં ભરોસો મૂક્યો.c—પ્રે.કૃ. ૨:૨૨-૩૬.
૯. પ્રેરિતોએ કઈ રીતે બતાવ્યું કે તેઓ મહત્ત્વની જવાબદારી ભૂલ્યા નથી?
૯ ઈસુના ઘેટાંને પાળવાની મહત્ત્વની જવાબદારી પ્રેરિતો કદી ભૂલ્યા નહિ. દાખલા તરીકે, નવા સ્થપાયેલા મંડળમાં કુસંપ ફેલાવે એવી સમસ્યા ઊભી થઈ ત્યારે, તેઓએ એને બહુ સારી રીતે હલ કરી. એ સમસ્યા ખોરાકને લગતી હતી. દરરોજના ખોરાકનો હિસ્સો આપતી વખતે ગ્રીક ભાષા બોલતી વિધવાઓનું ધ્યાન રાખવામાં આવતું નહોતું. જ્યારે કે, હિબ્રૂ બોલતી વિધવાઓનું ધ્યાન રાખવામાં આવતું. એ સમસ્યા પ્રેરિતોએ કઈ રીતે હલ કરી? ખોરાકની વહેંચણી યોગ્ય રીતે કરવા જવાબદારી ઉપાડી શકે એવા સાત ભાઈઓ તેઓએ નીમ્યા. ઈસુએ ચમત્કાર કર્યો ત્યારે, ટોળાને જમાડવામાં પ્રેરિતોએ ભાગ લીધો હતો. પરંતુ, હવે તેઓ જાણતા હતા કે મંડળને સત્યનું શિક્ષણ આપવું વધારે મહત્ત્વનું છે. તેથી, તેઓ દરેક રીતે “પ્રભુની વાતની સેવામાં લાગુ” રહ્યા.—પ્રે.કૃ. ૬:૧-૬.
૧૦. ખ્રિસ્તે કઈ રીતે યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોનો ઉપયોગ કર્યો?
૧૦ વર્ષ ૪૯માં, હજી જીવી રહેલા પ્રેરિતોને અમુક જવાબદાર વડીલો સાથ આપવા લાગ્યા. બાઇબલ જણાવે છે કે “યરૂશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો” નિયામક જૂથનો ભાગ હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧, ૨ વાંચો.) મંડળના શિર હોવાથી ખ્રિસ્તે આ જવાબદાર ભાઈઓના નાના જૂથનો ઉપયોગ કર્યો, જેથી ખ્રિસ્તી માન્યતાઓ પર ઉઠાવેલા સવાલોનો હલ લાવી શકાય. તેમ જ, રાજ્યની ખુશખબર ફેલાવવાના કામમાં માર્ગદર્શન આપી શકાય.—પ્રે.કૃ. ૧૫:૬-૨૯; ૨૧:૧૭-૧૯; કોલો. ૧:૧૮.
૧૧, ૧૨. (ક) શાના આધારે કહી શકાય કે પહેલી સદીનાં મંડળોને શિક્ષણ આપવાં ખ્રિસ્તે કરેલી ગોઠવણ પર યહોવાનો આશીર્વાદ હતો? (ખ) ખ્રિસ્તે કરેલી ગોઠવણને લોકો કઈ રીતે પારખી શક્યા?
૧૧ ઈસુએ પહેલી સદીનાં મંડળોને ઈશ્વરનું શિક્ષણ આપવાં જે ગોઠવણ કરી, એને શું યહોવાએ આશીર્વાદ આપ્યો? હા, ચોક્કસ! શાના આધારે કહી શકાય? પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક જણાવે છે, “જે જે શહેરોમાં થઈને તેઓ [પ્રેરિત પાઊલ અને તેમના સાથી પ્રવાસીઓ] ગયા ત્યાંના લોકોને તેઓએ યરૂશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવાને કહ્યું. એ રીતે મંડળીઓનો વિશ્વાસ દૃઢ થતો ગયો, અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ.” (પ્રે.કૃ. ૧૬:૪, ૫) નોંધ કરો કે, જે મંડળોએ યરૂશાલેમના નિયામક જૂથને વિશ્વાસુ રહીને સાથ આપ્યો તેઓની પ્રગતિ થઈ. શું એ બતાવતું નથી કે ઈસુએ જે ગોઠવણ કરી એના પર યહોવાનો આશીર્વાદ હતો? હંમેશાં યાદ રાખીએ કે, યહોવાના આશીર્વાદથી જ ભક્તિમાં પ્રગતિ થાય છે.—નીતિ. ૧૦:૨૨; ૧ કોરીં. ૩:૬, ૭.
૧૨ આપણે જોઈ ગયા કે, લોકોને જમાડવા ઈસુએ એક ગોઠવણ અપનાવી હતી: તેમણે થોડાકના હાથે ઘણાને જમાડ્યા. તેમણે સત્યનું શિક્ષણ આપવા કરેલી આ ગોઠવણને એ સમયના લોકો સાફ પારખી શકતા હતા. જેમ કે, પ્રેરિતો જેઓ નિયામક જૂથના પ્રથમ સભ્યો હતા, તેઓના ચમત્કારોથી દેખાઈ આવતું કે યહોવાનો આશીર્વાદ એ વ્યક્તિઓ પર છે. પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૨ જણાવે છે, “પ્રેરિતોની હસ્તક લોકોમાં ચમત્કારો તથા અદ્ભુત કામો ઘણાં થયાં.”d તેથી, ‘ખ્રિસ્ત કોના દ્વારા ઘેટાંને સત્ય શીખવે છે?’ એ સવાલ ઉઠાવવાનું નવા ખ્રિસ્તીઓ પાસે કોઈ કારણ નહોતું. જોકે, પહેલી સદીના અંતમાં સ્થિતિ બદલાઈ ગઈ.
જ્યારે કડવા દાણા ઘઉં કરતાં વધારે થયા
૧૩, ૧૪. (ક) ખ્રિસ્તી મંડળે વિરોધનો સામનો કરવો પડશે એ વિશે ઈસુએ કઈ ચેતવણી આપી? તેમના એ શબ્દો ક્યારે સાચા પડવા લાગ્યા? (ખ) કઈ બે રીતે મંડળને વિરોધનો સામનો કરવો પડશે? (નોંધ જુઓ.)
૧૩ ઈસુએ ભાખ્યું હતું કે, ખ્રિસ્તી મંડળે વિરોધનો સામનો કરવો પડશે. ઈસુએ જણાવેલા ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંતનો ફરી વિચાર કરીએ. તેમણે ચેતવ્યું હતું કે, વાવેલા ઘઉંના (અભિષિક્ત ખ્રિસ્તીઓ) ખેતરમાં કોઈ કડવા દાણા (નકલી ખ્રિસ્તીઓ) પણ વાવી જશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કાપણી સુધી એટલે કે, ‘જગતના અંતʼના સમયગાળા સુધી સાથે વધશે. (માથ. ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) ઈસુના એ શબ્દો જલદી જ સાચા પડવા લાગ્યા.e
૧૪ પહેલી સદી સુધીમાં અમુક લોકોએ ઈશ્વરના શિક્ષણમાં ભેળસેળ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ, પ્રેરિતો એવાં જૂઠાં શિક્ષણને “અટકાવનાર” બન્યા. તેઓએ ખ્રિસ્તી મંડળ પર એની અસર થતા રોકી. (૨ થેસ્સા. ૨:૩, ૬, ૭) જોકે, છેલ્લા પ્રેરિતોના મરણ પછી, મંડળમાં જૂઠું શિક્ષણ ફેલાવવાં લાગ્યું. આમ, સદીઓ સુધી ઘઉં કરતાં કડવા દાણામાં વધારો થયો. એ સમય દરમિયાન, ભક્તોને સત્યનું શિક્ષણ પૂરું પાડવાની કોઈ ચોક્કસ ગોઠવણ ન હતી. જોકે, એ પરિસ્થિતિ જલદી જ બદલાઈ જવાની હતી. પણ, સવાલ થાય કે ક્યારે?
કાપણી વખતે કોણ શીખવી રહ્યું હશે?
૧૫, ૧૬. બાઇબલ વિદ્યાર્થીઓએ શાસ્ત્રનો ખંતથી અભ્યાસ કર્યો, એના કેવાં પરિણામો આવ્યાં? આપણને કયો સવાલ થઈ શકે?
૧૫ દાણા ઊગવાની મોસમનો અંત આવી રહ્યો હતો તેમ, અમુક લોકો બાઇબલ સત્ય શીખવામાં ઊંડો રસ લેવા લાગ્યા. યાદ કરો કે, ૧૮૭૦ના દાયકામાં અમુક લોકો ભેગા મળીને બાઇબલ સત્ય શોધવા લાગ્યા. તેઓ એ સમયે બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા. તેઓનો એ સમૂહ, કહેવાતા ખ્રિસ્તીઓના ચર્ચ કે એની કોઈ સંસ્થાનો ભાગ ન હતો. આ બાઇબલ વિદ્યાર્થીઓએ નમ્ર બની પ્રાર્થનાપૂર્વક બાઇબલના સત્યનો ઊંડો અભ્યાસ કર્યો.—માથ. ૧૧:૨૫.
૧૬ બાઇબલ વિદ્યાર્થીઓએ શાસ્ત્રનો જે ખંતથી અભ્યાસ કર્યો એનાં સારાં પરિણામો આવ્યાં. એ સ્ત્રીઓ અને પુરુષોએ જૂઠાં શિક્ષણને ખુલ્લું પાડ્યું અને સત્યનું શિક્ષણ ફેલાવવાં લાગ્યાં. એ માટે તેઓ બાઇબલ આધારિત સાહિત્ય બહાર પાડી દુનિયા ફરતે મોકલવાં લાગ્યાં. તેઓનાં કાર્યોએ ઘણાનાં દિલ જીતી લીધાં. જેઓને સત્યની ભૂખ હતી તેઓ એ સાહિત્યની મદદથી સત્ય પારખી શક્યા. આમ, ૧૯૧૪ પહેલાંનાં વર્ષોમાં બાઇબલ વિદ્યાર્થીઓ બાઇબલનું સત્ય ફેલાવવા લાગ્યા. શું એ, પોતાના ઘેટાંને ઈશ્વરનું સત્ય શીખવવા ઈસુએ કરેલી ગોઠવણ હતી? ના. એ તો તેઓની વૃદ્ધિની મોસમ હતી. ઉપરાંત, ઈસુની નજરે સત્યનું શિક્ષણ આપવા હજી તેઓ તૈયાર ન હતા. કડવા દાણા જેવા નકલી ખ્રિસ્તીઓને ઘઉં જેવા સાચા ખ્રિસ્તીઓથી જુદા પાડવાનો હજી સમય આવ્યો ન હતો.
૧૭. વર્ષ ૧૯૧૪થી કેવા મહત્ત્વના બનાવો બન્યા?
૧૭ અગાઉના લેખમાં જોયું તેમ, કાપણીની મોસમ ૧૯૧૪માં શરૂ થઈ. એ વર્ષે કેટલાક મહત્ત્વના બનાવો બન્યા. જેમ કે, ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા. તેમ જ, છેલ્લા દિવસોની શરૂઆત થઈ. (પ્રકટી. ૧૧:૧૫) વર્ષ ૧૯૧૪થી ૧૯૧૯ની શરૂઆતમાં, યહોવા સાથે મળીને ઈસુએ મંદિરની એટલે કે, ઈશ્વરની ભક્તિમાં સેવકો કેવું કરી રહ્યા છે, એની ચકાસણી કરી અને એને શુદ્ધ કર્યું.f (માલા. ૩:૧-૪) ત્યાર બાદ, વર્ષ ૧૯૧૯માં ઘઉં જેવા અભિષિક્તોને ભેગા કરવાનું કામ શરૂ થયું. શું હવે એ સમય આવી ગયો હતો કે, સત્યનું શિક્ષણ આપવા ખ્રિસ્ત એક ખાસ ગોઠવણ કરે? હા. ચોક્કસ!
૧૮. ઈસુએ કઈ ગોઠવણ વિશે ભવિષ્યવાણી કરી હતી? છેલ્લા દિવસો નજીક આવતા ગયા તેમ કયો મહત્ત્વનો સવાલ ઊભો થયો?
૧૮ અંતના સમય વિશેની ભવિષ્યવાણીમાં ઈસુએ જણાવ્યું હતું કે, “વખતસર ખાવાનું આપવા” એટલે કે ઈશ્વરનું શિક્ષણ આપવા તે એક ગોઠવણ કરશે. (માથ. ૨૪:૪૫-૪૭) એ ગોઠવણ કઈ હશે? પહેલી સદીમાં કર્યું તેમ, ઈસુ ફરીથી થોડાકને હાથે ઘણાને પૂરું પાડશે. પરંતુ, છેલ્લા દિવસો નજીક આવતા ગયા તેમ મહત્ત્વનો સવાલ ઊભો થયો કે, એ થોડાક લોકો કોણ હશે? એ અને બીજા સવાલોના જવાબની આવતા લેખમાં ચર્ચા કરીશું.
a ફકરો ૩: બીજા એક સમયે ઈસુએ ચમત્કાર કરીને ૪,૦૦૦ પુરુષો ઉપરાંત સ્ત્રીઓ અને બાળકોને જમાડ્યાં. તેમણે, એ વખતે પણ ખોરાક ‘શિષ્યોને આપ્યો અને શિષ્યોએ પછી લોકોને આપ્યો.’—માથ. ૧૫:૩૨-૩૮.
b ફકરો ૭: પીતરના જીવન દરમિયાન જે “ઘેટાં”ઓને ઈશ્વરનું શિક્ષણ પૂરું પાડવાનું હતું, તેઓને સ્વર્ગની આશા હતી.
c ફકરો ૮: નવા બનેલા ખ્રિસ્તીઓ ‘પ્રેરિતોના બોધમાં દૃઢતાથી લાગુ રહ્યાં.’ એ બતાવે છે કે, પ્રેરિતો તેઓને નિયમિત રીતે શીખવતા હતા. પ્રેરિતોએ શીખવેલી અમુક બાબતો ઈશ્વરની પ્રેરણાથી લખાયેલાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં નોંધવામાં આવેલી છે.
d ફકરો ૧૨: પ્રેરિતોની સાથે સાથે બીજાઓને પણ પવિત્ર શક્તિથી અદ્ભુત બાબતો કરવાનું દાન મળ્યું. ઘણા કિસ્સાઓમાં એ દાન પ્રેરિતોએ સીધેસીધું આપ્યું અથવા પ્રેરિતોની હાજરીમાં આપવામાં આવ્યું.—પ્રે.કૃ. ૮:૧૪-૧૮; ૧૦:૪૪, ૪૫.
e ફકરો ૧૩: પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦માં પ્રેરિત પાઊલના શબ્દો બતાવે છે કે, મંડળ બે રીતે વિરોધનો સામનો કરશે: બહારથી અને મંડળમાંથી. એક તો, સાચા ખ્રિસ્તીઓમાં નકલી ખ્રિસ્તીઓ (“કડવા દાણા”) “દાખલ” થશે. બીજું, “તમારા પોતામાંથી” એટલે કે સાચા ખ્રિસ્તીઓમાંથી અમુક ધર્મભ્રષ્ટ બની “અવળી વાતો બોલશે.”