આપણા તારણ માટે યહોવા આપણું રક્ષણ કરે છે
“જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે, તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે.”—૧ પીત. ૧:૪, ૫.
તમારો જવાબ શું છે?
ઈશ્વરે કઈ રીતે આપણને તેમની ભક્તિ કરવા ખેંચ્યા છે?
યહોવાના માર્ગદર્શનથી આપણે કઈ રીતે દોરાઈ શકીએ?
યહોવા કઈ રીતે આપણને ઉત્તેજન આપે છે?
૧, ૨. (ક) અંત સુધી ટકી રહેવા ઈશ્વર આપણને કેવી ખાતરી આપે છે? (ખ) યહોવા આપણને કેટલી સારી રીતે જાણે છે?
“અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.” (માથ. ૨૪:૧૩) ઈસુના આ શબ્દો સાફ બતાવે છે કે જો આપણે અંત સુધી યહોવાને વફાદાર રહીશું, તો જ શેતાનની દુનિયાના વિનાશમાંથી બચીશું. જોકે, યહોવા એમ ધારતા નથી કે આપણે ફક્ત પોતાની બુદ્ધિ અને શક્તિથી વિશ્વાસમાં ટકી રહીએ. બાઇબલ ખાતરી આપતાં જણાવે છે કે ‘માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે એ સહન કરી શકો એ માટે છુટકારાનો માર્ગ પણ રાખશે.’ (૧ કોરીં. ૧૦:૧૩) આ કલમમાંથી આપણે શું શીખી શકીએ?
૨ આપણે સહી ન શકીએ એવી કસોટી યહોવા આવવા દેતા નથી. બાઇબલ જણાવે છે કે ઈશ્વર આપણામાંના દરેક વિષે બધું જ જાણે છે. તે જાણે છે કે આપણે કેવા પ્રકારના વ્યક્તિ છીએ. તેમ જ, આપણે કેટલી હદ સુધી તકલીફો સહી શકીશું. આપણા રોજિંદા કામો અને ટેવો વિષે પણ તે જાણે છે. અરે તેમને ખબર છે કે આપણા દિલોદિમાગમાં શું ચાલે છે!—ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૬ વાંચો.
૩, ૪. (ક) દાઊદના કિસ્સા પરથી કેવી રીતે સાબિતી મળે છે કે યહોવા આપણામાં રસ લે છે? (ખ) યહોવા કઈ રીતે આપણામાં રસ લે છે?
૩ વિશ્વના સરજનહાર શું મનુષ્યોમાં ખરેખર રસ લે છે? આ સવાલ પર ઈશ્વરભક્ત દાઊદે વિચાર કર્યો હતો. તેમણે યહોવાને કહ્યું: ‘આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તેં ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરું છું; ત્યારે હું કહું છું, કે માણસ તે કોણ છે, કે તું તેનું સ્મરણ કરે છે?’ (ગીત. ૮:૩, ૪) યહોવાએ દાઊદમાં રસ લીધો હતો, એટલે જ તેમને આ સવાલ થયો હશે. દાઊદ યિશાઈના સૌથી નાના દીકરા હતા. તે હજી તો જુવાન ગોવાળિયા જ હતા, તોપણ યહોવાના ‘મનગમતા’ વ્યક્તિ હતા. તેમ જ, યહોવાએ તેમને “ઈસ્રાએલ પર અધિકારી થવા” પસંદ કર્યાં. (૧ શમૂ. ૧૩:૧૪; ૨ શમૂ. ૭:૮) દાઊદના નાના હતા ત્યારથી જ ઈશ્વર તેમના વિચારો અને લાગણીઓ જાણતા હતા. જ્યારે દાઊદને એની ખબર પડી હશે, ત્યારે તેમણે કેવું લાગ્યું હશે!
૪ એ કેટલી અદ્ભુત બાબત છે કે યહોવા આપણામાં રસ લે છે! યહોવા ‘સર્વ પ્રજાઓʼમાંથી પોતાના ભક્તો પસંદ કરે છે, જે તેમના માટે ઘણા ‘કીમતી’ છે. (હાગ્ગા. ૨:૭) યહોવા કઈ રીતે વિશ્વાસમાં અડગ રહેવા આપણને મદદ કરે છે? એનો જવાબ મેળવતા પહેલા ચાલો આનો વિચાર કરીએ: યહોવા ઈશ્વર કઈ રીતે લોકોને ભક્તિ કરવા પોતાની તરફ ખેંચે છે?
ઈશ્વર આપણને ખેંચે છે
૫. યહોવા કઈ રીતે લોકોને પોતાના દીકરા પાસે ખેંચી લાવે છે? દાખલો આપો.
૫ ઈસુએ કહ્યું: ‘મારા પિતાએ મને મોકલ્યો છે અને તેમના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી શકતો નથી.’ (યોહા. ૬:૪૪) આ શબ્દો બતાવે છે કે ઈસુના શિષ્ય બનવા, ઈશ્વરની મદદ જરૂરી છે. યહોવા કઈ રીતે નમ્ર દિલના લોકોને પોતાના દીકરા પાસે ખેંચી લાવે છે? તે પોતાની શક્તિ દ્વારા અને પ્રચાર કામ દ્વારા એમ કરે છે. દાખલા તરીકે, પાઊલ અને તેમના મિશનરી સાથીદારો ફિલિપી શહેરમાં હતા, ત્યારે તેઓ લુદિયા નામની એક સ્ત્રીને મળ્યા. બાઇબલ જણાવે છે કે જ્યારે તેઓએ તેને સંદેશો જણાવ્યો, ત્યારે ‘યહોવાએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું, કે તેણે પાઊલની કહેલી વાતો ધ્યાનમાં લીધી.’ યહોવાએ પોતાની શક્તિ દ્વારા લુદિયાને સંદેશો સમજવા અને સ્વીકારવા મદદ કરી. એના પરિણામે લુદિયા અને તેના આખા કુટુંબે બાપ્તિસ્મા લીધું.—પ્રે.કૃ. ૧૬:૧૩-૧૫.
૬. ઈશ્વરે કઈ રીતે આપણને તેમની ભક્તિ કરવા ખેંચ્યા છે?
૬ શું એવું ફક્ત લુદિયા સાથે જ થયું હતું? ના જરાય નહિ. જો તમે યહોવાને પોતાનું જીવન સમર્પણ કર્યું હોય, તો તમે પણ સાચી ભક્તિ કરવા ઈશ્વરથી દોરાયા છો. આપણા ઈશ્વરે લુદિયાના દિલમાં કંઈ ખાસ જોયું હતું, એવું જ કંઈક સારું આપણામાં પણ જોયું છે. તમે જ્યારે સંદેશો સાંભળ્યો ત્યારે એને સમજવા અને સ્વીકારવા યહોવાની શક્તિએ તમને મદદ કરી હતી. (૧ કોરીં. ૨:૧૧, ૧૨) તમે બાઇબલમાંથી જે શીખ્યા એને જીવનમાં લાગુ પાડવા પ્રયત્નો કર્યા ત્યારે, યહોવાએ તમારા પ્રયત્નોને આશીર્વાદ આપ્યા. જ્યારે તમે પોતાનું જીવન તેમને સમર્પણ કર્યું ત્યારે તે ઘણાં ખુશ થયા. હકીકતમાં તો જ્યારે તમે પહેલી વાર યહોવાની ભક્તિ શરૂ કરી ત્યારથી લઈને આજ સુધી, તેમણે તમને મદદ કરી છે અને કરતા રહેશે.
૭. કઈ રીતે જાણી શકીએ કે યહોવા આપણને વફાદાર રહેવા મદદ કરશે?
૭ યહોવા આપણને તેમની ભક્તિ કરવા મદદ કરે છે. એટલે ખાતરી રાખી શકીએ કે તેમને વફાદાર રહેવા તે જ મદદ કરશે. તે જાણે છે કે જેમ આપણે પોતાની જાતે સત્યમાં આવ્યા નથી, તેમ પોતાની જાતે સત્યમાં ટકી શકીશું નહિ. પ્રેરિત પીતરે અભિષિક્ત ખ્રિસ્તીઓને લખ્યું હતું કે “જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી, ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે.” (૧ પીત. ૧:૪, ૫) પીતરે જે કહ્યું એ આપણામાંના દરેકને લાગુ પડે છે. યહોવા કઈ રીતે આપણને સંભાળી રાખે છે? આ પ્રશ્નનો જવાબ મેળવવો જરૂરી છે. કારણ કે યહોવાને વફાદાર રહેવા આપણને તેમની મદદની જરૂર છે.
ઈશ્વર આપણને ભૂલ કરતા રોકે છે
૮. કેમ આપણાથી મોટી ભૂલ થઈ જઈ શકે?
૮ આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. તેમ જ આપણા દરેકથી ભૂલ કે પાપ થઈ જાય છે. યહોવા જે રીતે બાબતો જુએ છે, એ રીતે આપણે જોઈ શકતા નથી. એટલે આપણે અમુક વાર અજાણતા મોટી ભૂલ કરી બેસીએ છીએ. (ગલાતી ૬:૧ વાંચો.) દાઊદ સાથે પણ એવું જ કંઈક થયું હતું.
૯, ૧૦. મોટી ભૂલ કરતા કઈ રીતે યહોવાએ દાઊદને રોક્યા? યહોવા આજે આપણા માટે શું કરે છે?
૯ રાજા શાઊલ જ્યારે દાઊદને મારી નાંખવા પાછળ પડ્યા હતા, ત્યારે દાઊદે પોતા પર ઘણો સંયમ રાખ્યો હતો. અરે શાઊલને મારી નાખવાની દાઊદ પાસે તક હતી તોપણ, તેમણે બદલો લીધો નહિ. (૧ શમૂ. ૨૪:૨-૭) પરંતુ થોડા જ સમય પછી દાઊદે સંયમ ગુમાવી દીધો. એક વાર તેમને પોતા માટે અને પોતાના માણસો માટે ખાધા-ખોરાકી જોઈતા હતા. એટલે તેમણે નાબાલ નામના એક ઈસ્રાએલી પાસે મદદ માટે વિનંતી કરી. પરંતુ નાબાલે દાઊદનું અપમાન કર્યું અને મદદ આપવાની ના પાડી. એટલે દાઊદ બહુ ગુસ્સે ભરાયા. તેમણે બદલો લેવા માટે નાબાલ અને તેના બધા માણસોને મારી નાખવાનું નક્કી કર્યું. દાઊદે જરા પણ વિચાર કર્યો નહિ કે જો તે નિર્દોષ લોકોને મારી નાખશે, તો યહોવા તેમને ગુનેગાર ગણશે. પરંતુ નાબાલની પત્ની અબીગાઈલે દાઊદને એવી મોટી ભૂલ કરતા રોક્યા. પછી દાઊદને ખ્યાલ આવ્યો કે તેમનું રક્ષણ કરવા યહોવાએ અબીગાઈલનો ઉપયોગ કર્યો હતો. તેથી દાઊદે અબીગાઈલને કહ્યું: ‘ઈસ્રાએલના ઈશ્વર યહોવા જેમણે તને આજ મને મળવા મોકલી તેમને ધન્ય હો; વળી તારી ચતુરાઈને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમ કે તેં મને આજ ખૂનના દોષથી તથા મારે પોતાને હાથે મારું વેર વાળવાથી અટકાવ્યો છે.’—૧ શમૂ. ૨૫:૯-૧૩, ૨૧, ૨૨, ૩૨, ૩૩.
૧૦ આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ? યહોવા આપણને કોઈ મોટી ભૂલ કરતા અટકાવે છે. જોકે, આપણે એવી આશા રાખતા નથી કે જ્યારે કોઈ મોટી ભૂલ કરવા જઈએ, ત્યારે યહોવા કોઈને મોકલીને આપણને અટકાવશે. તેમ જ, આપણે જાણતા નથી કે કોઈ ખાસ સંજોગમાં યહોવા કેવી રીતે વર્તશે અથવા તે પોતાનો હેતુ પૂરો કરવા કેવી બાબતો ચાલવા દેશે. (સભા. ૧૧:૫) પણ એક વાતની આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણા સંજોગો હંમેશા જાણે છે. આપણે તેમને વિશ્વાસુ રહી શકીએ એ માટે તે હંમેશા મદદ કરે છે. તે આપણને વચન આપે છે કે “હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” (ગીત. ૩૨:૮) યહોવા આપણને કઈ રીતે શીખવે છે? તેમના બોધથી આપણને શું લાભ થાય છે? તેમ જ, કેવી રીતે ખાતરી રાખી શકીએ કે યહોવા આજે પોતાના લોકોને દોરે છે? ચાલો આ સવાલોના જવાબ આપણે પ્રકટીકરણના પુસ્તકમાંથી મેળવીએ.
યહોવાની સલાહ આપણું રક્ષણ કરે છે
૧૧. દુનિયાભરના મંડળોમાં શું થઈ રહ્યું છે, એ વિષે યહોવા કેટલી હદે જાણે છે?
૧૧ પ્રકટીકરણના બીજા અને ત્રીજા અધ્યાયમાં એક દર્શન વિષે જણાવ્યું છે. એમાં ઈસુ ખ્રિસ્ત એશિયા માયનોરના સાત મંડળોમાં શું થઈ રહ્યું છે, એ જણાવે છે. તેમ જ એ મંડળોના અમુક વ્યક્તિઓ વિષે જણાવે છે. ઈસુ એ મંડળોને જરૂરિયાત પ્રમાણે શાબાશી અને ઠપકો પણ આપે છે. આ દર્શનનો આપણા માટે શું અર્થ રહેલો છે? આ સાત મંડળો ૧૯૧૪ પછી અભિષિક્ત ખ્રિસ્તીઓને રજૂ કરે છે. ખરું કે ઈસુએ આમ તો એ સલાહ અભિષિક્ત ખ્રિસ્તીઓને આપી હતી. પરંતુ, એનો ફાયદો આજે આખી દુનિયાના મંડળોને થઈ રહ્યો છે. તેથી આપણે કહી શકીએ કે યહોવા આજે પોતાના દીકરા દ્વારા પોતાના ભક્તોને દોરે છે. યહોવાના માર્ગદર્શનથી આપણે કેવી રીતે લાભ મેળવી શકીએ?
૧૨. યહોવાના માર્ગદર્શનથી આપણે કઈ રીતે દોરાઈ શકીએ?
૧૨ વ્યક્તિગત અભ્યાસ કરવાથી આપણે યહોવાના માર્ગદર્શન પ્રમાણે દોરાઈએ છીએ. વિશ્વાસુ અને શાણા ચાકર વર્ગ તરફથી મળતા સાહિત્ય દ્વારા યહોવા આપણને સલાહ આપે છે. (માથ. ૨૪:૪૫) જો આપણે એ સલાહમાંથી લાભ મેળવવો હોય, તો પહેલા સમય કાઢીને એનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાર બાદ, જે શીખ્યા હોય એને જીવનમાં લાગુ પાડવું જોઈએ. વ્યક્તિગત અભ્યાસ કરવાથી યહોવા આપણને ‘ઠોકર ખાતાં બચાવે’ છે. (યહુ. ૨૪) શું તમને કદી આપણા સાહિત્યમાંથી વાંચ્યા બાદ એવું થયું છે કે આ તો તમારા માટે જ લખાયું છે? જો એમ હોય, તો એને યહોવા તરફથી શિખામણ તરીકે સ્વીકારો. જેમ તમારો મિત્ર કોઈ બાબત પર તમારું ધ્યાન ખેંચવા કદાચ હળવેથી ખભા પર હાથ મૂકશે, તેમ યહોવા પણ આપણા વાણી-વર્તનમાં સુધારો કરવા પોતાની શક્તિથી આપણું ધ્યાન દોરે છે. જ્યારે આપણે પવિત્ર શક્તિનું માર્ગદર્શન સ્વીકારીએ છીએ ત્યારે યહોવાના હાથે દોરાવા તૈયાર થઈએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪ વાંચો.) ચાલો, હવે તપાસીએ કે આપણે અભ્યાસ માટે કેટલો સમય આપીએ છીએ અને કેટલી મહેનત કરીએ છીએ.
૧૩. વ્યક્તિગત અભ્યાસ માટે કેટલા સમય-શક્તિ આપીએ છીએ, એના પર કેમ વિચાર કરવો જોઈએ?
૧૩ જો આપણે ઘણો સમય મનોરંજનમાં આપીશું, તો વ્યક્તિગત અભ્યાસ માટે પૂરતો સમય નહિ મળે. એક ભાઈ જણાવે છે: ‘મનોરંજનમાં વધારે સમય કાઢવો ખૂબ સહેલું છે. આજે મનોરંજન ખૂબ જ સહેલાઈથી અને સસ્તી રીતે મેળવી શકાય છે. એ અઢળક પ્રમાણમાં ટીવી, કૉમ્પ્યુટર અને ફોન જેવા સાધનો પર આસાનીથી મળી રહે છે. આપણી ચારેય બાજુ મનોરંજન છે.’ જો ધ્યાન નહિ રાખીએ તો વધારે સમય મનોરંજનની પાછળ આપવા લાગીશું. પછી વ્યક્તિગત અભ્યાસ માટે પૂરતો સમય જ નહિ રહે. (એફે. ૫:૧૫-૧૭) તેથી, આપણે આ સવાલ પર વિચાર કરવો જોઈએ: ‘બાઇબલમાંથી ઊંડો અભ્યાસ કરવામાં હું કેટલો સમય આપું છું? શું કોઈ ટૉક કે સભાની તૈયારી કરવાની હોય ત્યારે જ સમય આપું છું?’ વ્યક્તિગત અભ્યાસ માટે અથવા કુટુંબ તરીકેની ભક્તિમાં આપણે સમયનો સારો ઉપયોગ કરીએ. જેમ ખજાનો શોધવા આપણે મન લગાવીશું, તેમ બાઇબલમાંથી યહોવાનું જ્ઞાન શોધવા પણ મન લગાવીએ. આ જ્ઞાન આપણને રક્ષણ આપશે અને અંત સુધી યહોવાને વિશ્વાસુ રહેવા મદદ કરશે.—નીતિ. ૨:૧-૫.
ટકી રહેવા ઉત્તેજન મદદ કરે છે
૧૪. કઈ રીતે ખબર પડે છે કે યહોવા આપણી લાગણીઓ ધ્યાનમાં લે છે?
૧૪ દાઊદના જીવનમાં ઘણી દુઃખી-તકલીફો આવી હતી. (૧ શમૂ. ૩૦:૩-૬) બાઇબલ જણાવે છે કે દાઊદની લાગણીઓ વિષે યહોવા જાણતા હતા. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮; ૫૬:૮ વાંચો.) એવી જ રીતે, યહોવા આપણી પણ લાગણીઓ જાણે છે. “આશાભંગ થએલાઓ”ની જેમ જ્યારે આપણું મન દુઃખી હોય ત્યારે, યહોવાને એની ખબર હોય છે. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે! આ હકીકતથી દાઊદને પણ દિલાસો મળ્યો હતો. એટલે જ તેમણે યહોવા વિષે ગીતમાં લખ્યું: ‘હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ; કેમ કે તમે મારું દુઃખ જોયું છે; તમે મારી વિપત્તિઓ જાણી છે.’ (ગીત. ૩૧:૭) યહોવા આપણા મુશ્કેલ સંજોગો જાણે છે. એ ઉપરાંત, તે એનો સામનો કરવા દિલાસો અને ઉત્તેજન પણ આપે છે. પણ એ ક્યાંથી મળે છે? એક તો મંડળની સભાઓમાંથી એ મળે છે.
૧૫. આસાફના અનુભવમાંથી આપણે શું શીખી શકીએ?
૧૫ આસાફનો અનુભવ બતાવે છે કે શા માટે મંડળની સભાઓમાં નિયમિત જવું મહત્ત્વનું છે. આસાફ વારંવાર વિચારતા હતા કે શા માટે ન્યાયીઓને સહેવું પડે છે અને દુષ્ટ લોકો જીવનમાં સફળ થાય છે. આમ વિચારીને તે નિરાશ થઈ ગયા હતા. અરે તેમને એવું લાગ્યું કે યહોવાની ભક્તિ કરવાનો કોઈ અર્થ નથી. તે પોતાની લાગણીઓ આ રીતે વ્યક્ત કરે છે: “મારું હૃદય વ્યાકુળ થયું, અને મારું અંતઃકરણ દાઝ્યું.” આસાફ યહોવાની ભક્તિ બંધ કરવાની અણીએ જ હતા. પરંતુ તેમણે પોતાના વિચારો સુધાર્યા. એમ કરવા તેમને ક્યાંથી મદદ મળી? તેમણે કહ્યું: ‘હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો.’ ત્યાં જઈને બીજા ઈશ્વરભક્તો સાથે હળવા-મળવાથી તેમને પોતાના વિચાર સુધારવા મદદ મળી. ત્યાર પછી જ તે જોઈ શક્યા કે દુષ્ટોની સફળતા થોડા સમય પૂરતી જ હોય છે. તેમ જ યહોવા ચોક્કસ તેઓનો ન્યાય કરશે. (ગીત. ૭૩:૨, ૧૩-૨૨) અમુક વખતે આપણને પણ આસાફ જેવું લાગી શકે. શેતાનની દુનિયામાં થતા અન્યાયને લીધે આપણે કદાચ તણાવ અનુભવીએ અથવા નિરાશ થઈ જઈએ. પણ જ્યારે આપણે ભાઈ-બહેનો સાથે હળીએ-મળીએ, ત્યારે આપણને હિંમત અને મદદ મળે છે. એનાથી આપણે યહોવાની ભક્તિ ખુશીથી કરતા રહી શકીએ છીએ.
૧૬. હાન્નાનો દાખલો આપણને કઈ રીતે મદદ કરી શકે?
૧૬ શું મંડળમાં એવા કોઈ સંજોગો ઊભા થયા છે કે જેના લીધે સભામાં જવું તમને અઘરું લાગ્યું હોય? દાખલા તરીકે, મંડળની કોઈ જવાબદારી તમારી પાસેથી લઈ લેવામાં આવી હોય. એના લીધે તમને સભામાં જતા શરમ લાગે. અથવા કોઈ ભાઈ કે બહેન સાથે મતભેદ થયા હોય. જો તમારી સાથે એવું કંઈ બન્યું હોય, તો હાન્નાનો દાખલો તમને મદદ કરશે. (૧ શમૂએલ ૧:૪-૮ વાંચો.) હાન્નાના પતિને પનિન્નાહ નામની બીજી પણ પત્ની હતી. તે અવારનવાર હાન્નાને દુઃખી કરતી. હાન્ના દર વર્ષે પોતાનાં આખાં કુટુંબ સાથે યહોવા માટે બલિદાન ચઢાવવાં શિલોહ જતી. એ વખતે હાન્નાને વધારે દુઃખ સહેવું પડતું. એક વાર તે એટલી દુઃખી થઈ ગઈ કે ‘રડ્યા’ કરતી અને કંઈ “ખાતી નહિ.” પરંતુ, તેણે યહોવાની ભક્તિ કરવાની જગ્યાએ જવાનું બંધ કર્યું નહિ. યહોવાએ તેની શ્રદ્ધા ધ્યાનમાં લીધી અને આશીર્વાદ આપ્યા.—૧ શમૂ. ૧:૧૧, ૨૦.
૧૭, ૧૮. (ક) સભાઓમાં આપણને કઈ રીતે ઉત્તેજન મળે છે? (ખ) યહોવા તમારી પ્રેમાળ સંભાળ રાખે છે, એ વિષે તમને કેવું લાગે છે?
૧૭ આપણે પણ નિયમિત રીતે સભામાં જઈને હાન્નાનો દાખલો અનુસરીએ. આપણે બધાએ અનુભવ્યું છે કે સભામાં જવાથી જોઈતું ઉત્તેજન મળે છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) સભામાં ભાઈ-બહેનોનો પ્રેમ અનુભવવાથી આપણને દિલાસો મળે છે. જેમ કે, સભામાં કોઈની ટૉક કે જવાબમાં એવું કંઈ સાંભળવા મળે, જેનાથી આપણો ઉત્સાહ વધે. તેમ જ, કોઈ ભાઈ કે બહેન આપણું ધ્યાનથી સાંભળે એના લીધે પણ કદાચ સારું લાગે. (નીતિ. ૧૫:૨૩; ૧૭:૧૭) જ્યારે આપણે યહોવા માટે ગીત ગાઈએ છીએ, ત્યારે કેટલી તાજગી અને ઉત્તેજન મળે છે! આપણે જ્યારે નિરાશ હોઈએ ત્યારે જોઈતું ઉત્તેજન સભામાંથી મળે છે. યહોવા આપણને મુશ્કેલીઓનો સામનો કરવા અને તેમને વિશ્વાસુ રહેવા સભા દ્વારા ‘દિલાસો’ આપે છે.—ગીત. ૯૪:૧૮, ૧૯.
૧૮ યહોવા આપણી પ્રેમાળ રીતે સંભાળ રાખે છે. એના લીધે આપણે આસાફ જેવું અનુભવીએ છીએ. તેમણે યહોવા માટે ગાયું કે ‘તમે મારો જમણો હાથ પકડ્યો છે. તમારા બોધથી તમે મને માર્ગ બતાવશો.’ (ગીત. ૭૩:૨૩, ૨૪) આપણે કેટલા આભારી છીએ કે યહોવા આપણને અંત સુધી વિશ્વાસમાં ટકી રહેવા રક્ષણ અને મદદ આપે છે. (w12-E 04/15)
[પાન ૨૯ પર ચિત્ર]
યહોવાએ આપણને પોતાની તરફ ખેંચ્યા છે
[પાન ૩૦ પર ચિત્ર]
ઈશ્વરની સલાહ પાળવાથી દુનિયાની અસરથી રક્ષણ મળે છે
[પાન ૩૧ પર ચિત્ર]
ઈશ્વર તરફથી મળતા ઉત્તેજનથી આપણે ટકી શકીએ છીએ