ઈસુ ખ્રિસ્ત કોણ છે?
વિચાર કરો કે આંદ્રિયા નામના યહુદી જુવાને પહેલી વાર નાઝારેથના ઈસુને બોલતા સાંભળ્યા ત્યારે તેને કેવું લાગ્યું હશે. બાઇબલ કહે છે કે તે હોંશે હોંશે તેના ભાઈને કહેવા ગયો, “મસીહ (જેનો અર્થ ખ્રિસ્ત છે તે) અમને મળ્યો છે.” (યોહાન ૧:૪૧) હેબ્રી અને ગ્રીક ભાષામાં “મસીહ” અને ‘ખ્રિસ્તનો’ અર્થ “અભિષિક્ત” થાય છે. એટલે કે, રાજ કરવા પસંદ કરેલા. (યશાયાહ ૫૫:૪) બાઇબલના પહેલા ભાગમાં ઈશ્વરે જણાવ્યું હતું કે તે મસીહને મોકલશે. ઈશ્વરે તેમના વિષે ઘણી માહિતી આપી હતી જેથી લોકો તેમને ઓળખી શકે. એટલે એ જમાનાના યહુદીઓ મસીહની વાટ જોતા હતા.—લુક ૩:૧૫.
આપણે કેવી રીતે જાણી શકીએ કે પરમેશ્વરે ઈસુને જ રાજા તરીકે પસંદ કર્યા છે? વિચાર કરો કે ૨૯ની સાલમાં, ઈસુ ૩૦ વર્ષના હતા ત્યારે શું થયું. તે યરદન નદીમાં બાપ્તિસ્મા લેવા યોહાન બાપ્તિસ્મક પાસે જાય છે. બાઇબલ કહે છે: “અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો; અને જુઓ, તેને સારૂ આકાશ ઉઘડાયું, ને દેવના આત્માને કબૂતરની પેઠે ઊતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ, એવી આકાશવાણી થઈ, કે આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.” (માત્થી ૩:૧૬, ૧૭) આ શબ્દો સાંભળીને યોહાનને પૂરી ખાતરી થઈ કે પરમેશ્વરે ઈસુને જ રાજા તરીકે પસંદ કર્યા છે. યહોવાહે પોતાના પવિત્ર આત્મા કે શક્તિથી ઈસુને અભિષેક કર્યા. એટલે કે તેમના આવનાર રાજ્યના રાજા તરીકે ઈસુને પસંદ કર્યા. આમ ઈસુ, ખ્રિસ્ત એટલે કે પસંદ કરાયેલા બન્યા. પરંતુ, ઈસુને શા માટે પરમેશ્વરના દીકરા કહેવામાં આવે છે? તે ક્યાંથી આવ્યા?
ઈસુની શરૂઆત ક્યારે થઈ?
ઈસુના જીવનને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ. પહેલા ભાગની શરૂઆત તે પૃથ્વી પર જન્મ્યા એના ઘણા સમય અગાઉ હતી. મીખાહ ૫:૨ કહે છે, “જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.” ઈસુ પોતે કહે છે, “હું ઉપરનો છું” એટલે કે તે સ્વર્ગમાંથી છે. (યોહાન ૮:૨૩) હા, ધરતી પર આવ્યા પહેલાં તે સ્વર્ગમાં એક શક્તિશાળી દૂત હતા.
સર્જન કરેલી દરેક વસ્તુઓની એક શરૂઆત હતી. બધું સર્જન કરવામાં આવ્યું એ પહેલાં યહોવાહ પરમેશ્વર, અગણિત સમય સુધી એકલા જ હતા. પછી બધી વસ્તુઓની સૃષ્ટિ કરીને તે સરજનહાર બન્યા. સૌથી પહેલાં તેમણે કોનું સરજન કર્યું? બાઇબલનું છેલ્લું પુસ્તક જણાવે છે કે, ઈસુ “દેવની સૃષ્ટિનું આદિકરણ છે,” એટલે કે ઈસુ સૃષ્ટિનું પહેલું સરજન છે. (પ્રકટીકરણ ૩:૧૪) ઈસુ “સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત છે.” કઈ રીતે? “કેમ કે તેનાથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદૃશ્ય છે.” હા, પરમેશ્વરે ઈસુ દ્વારા બીજું બધું બનાવ્યું. (કોલોસી ૧:૧૫, ૧૬) યહોવાહે ફક્ત ઈસુનું જ પોતાના હાથે સર્જન કર્યું હતું. એટલે તે પરમેશ્વરનો “એકાકીજનિત દીકરો” તરીકે ઓળખાય છે. (યોહાન ૩:૧૬) આ દીકરાને “શબ્દ” તરીકે પણ ઓળખવામાં આવે છે. (યોહાન ૧:૧૪) શા માટે? કારણ કે પૃથ્વી પર માણસના રૂપમાં જન્મ લીધા પહેલાં, તે સ્વર્ગમાં પરમેશ્વરનો સંદેશો બીજાઓને જણાવતા હતા.
“આદિએ” અથવા શરૂઆતમાં યહોવાહે “આકાશ તથા પૃથ્વી” બનાવ્યા ત્યારે “શબ્દ” કે ઈસુ યહોવાહ સાથે હતા. યહોવાહે તેમને કહ્યું હતું કે “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ.” (યોહાન ૧:૧; ઉત્પત્તિ ૧:૧, ૨૬) યહોવાહના પ્રથમ દીકરા ઈસુ, તેમની સાથે જ હતા. હા, યહોવાહના બધા કામમાં ઈસુ તેમને સાથ આપતા હતા. નીતિવચનો ૮:૨૨-૩૧માં આપણે ઈસુના આ શબ્દો વાંચીએ છીએ, “ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેને સંતોષ આપતું હતું, સદા હું તેની આગળ હર્ષ કરતું હતું.”
યહોવાહ અને ઈસુ, સાથે સાથે કામ કરવાથી કેટલી સારી રીતે એક બીજાને ઓળખી શક્યા હશે! અબજો વર્ષો યહોવાહ સાથે સંગત રાખવાથી ઈસુ પર કેવી ઊંડી અસર પડી હશે! આ વહાલો દીકરો, તેના પિતા યહોવાહ જેવો જ હતો. તેથી કોલોસી ૧:૧૫ ઈસુ વિષે કહે છે, ‘તે અદૃશ્ય દેવની પ્રતિમા છે.’ આપણી મનની ઇચ્છા છે કે આપણે સરજનહારને સારી રીતે ઓળખીએ. એમ કરવાથી આપણે પૂરા દિલથી ઈશ્વરભક્તિની આપણી ભૂખ સંતોષી શકીશું. એ માટે મહત્ત્વનું છે કે આપણે ઈસુને પણ સારી રીતે ઓળખીએ. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે યહોવાહની ઇચ્છા પ્રમાણે જ કર્યું હતું. તેથી ઈસુને ઓળખવાથી, આપણે યહોવાહને પણ ઓળખીશું. (યોહાન ૮:૨૮; ૧૪:૮-૧૦) હવે સવાલ થાય છે કે ઈસુ કઈ રીતે પૃથ્વી પર આવ્યા?
માણસ બનીને જીવ્યા
ઈશ્વરે ઈસુને પૃથ્વી પર મોકલ્યા ત્યારે તેમના જીવનનો બીજો ભાગ શરૂ થયો. તે આ પૃથ્વી પર કઈ રીતે આવ્યા? યહોવાહે એક ચમત્કાર દ્વારા ઈસુનું જીવન સ્વર્ગમાંથી પૃથ્વી પર બદલી નાખ્યું. તેમણે ઈસુનું જીવન એક ઈશ્વર ભક્ત સ્ત્રી મરિયમના ગર્ભમાં મૂક્યું. આમ, ઈસુમાં કોઈ નબળાઈ કે પાપ ન હતું, કારણ કે તેમના કોઈ માનવ પિતા ન હતા. યહોવાહની શક્તિથી મરિયમ ચમત્કારિક રીતે ગર્ભવતી થઈ. (લુક ૧:૩૪, ૩૫) મરિયમે એક સંપૂર્ણ બાળકને જન્મ આપ્યો. ઈસુના સાવકા પિતા યુસફ એક સુથાર હતા. એ કારણથી ઈસુ એક ગરીબ કુટુંબમાં મોટા થયા. પછી, તેમને ઘણા સાવકા ભાઈબહેનો પણ થયા.—યશાયાહ ૭:૧૪; માત્થી ૧:૨૨, ૨૩; માર્ક ૬:૩.
ઈસુના બાળપણ વિષે બહુ ઓછું જણાવવામાં આવ્યું છે. તોપણ તેમના બાળપણનો એક બનાવ નોંધપાત્ર છે. ઈસુ ફક્ત ૧૨ વર્ષના હતા ત્યારની આ વાત છે. ઈસુના માબાપ, દર વર્ષની જેમ એ વર્ષે પણ યરૂશાલેમમાં પાસ્ખાપર્વ ઊજવવા ઈસુને પોતાની સાથે લઈ જાય છે. ત્યાં ઈસુ ‘મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેસે છે, અને તેઓનું સાંભળવામાં તથા તેઓને સવાલો પૂછવામાં’ ઘણો સમય વિતાવે છે. “જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી વિસ્મિત થયા.” હા, બાળ ઈસુ ધર્મ વિષે ફક્ત ઊંડા ઊંડા પ્રશ્નો જ પૂછતા ન હતા, પરંતુ તે ધર્મગુરૂઓના પ્રશ્નોના જોરદાર જવાબો પણ આપતા હતા. એ જોઈને લોકો સાચે જ વિસ્મય પામી ગયા. (લુક ૨:૪૧-૫૦) ઈસુનો ઉછેર નાઝારેથ શહેરમાં થયો હતો. ત્યાં તે પાલક પિતા યુસફ પાસેથી સુથારી કામ શીખ્યા.—માત્થી ૧૩:૫૫.
ઈસુ ૩૦ વર્ષના થયા ત્યાં સુધી નાઝારેથમાં જ રહેતા હતા. ત્યાર પછી તે યોહાન પાસે બાપ્તિસ્મા પામવા ગયા. બાપ્તિસ્મા પછી તે ઈશ્વર સેવામાં પૂરા જોશથી લાગી ગયા. સાડા ત્રણ વર્ષ સુધી ઈસુએ પોતાના શહેરમાં, એક છેડેથી બીજા છેડે સુધી ઈશ્વરરાજની ખુશખબરી ફેલાવી. તેમણે એ પણ સાબિતી આપી કે યહોવાહે તેમને મોકલ્યા હતા. કઈ રીતે? તેમણે અનેક ચમત્કારો કર્યા. આ એવા ચમત્કારો હતા જે કોઈ માણસ પોતાની શક્તિથી કરી જ ન શકે.—માત્થી ૪:૧૭; લુક ૧૯:૩૭, ૩૮.
ઈસુ લોકોને ખૂબ ચાહતા હતા. બીજાઓ સાથે ઈસુ જે રીતે વર્ત્યા, એમાં તેમની કરુણા દેખાઈ આવતી. તેમની હૂંફ અને દયાને લીધે લોકો તેમના તરફ ખેંચાઈ આવતા હતા. ઈસુના સ્વભાવને લીધે બાળકો પણ તેમની ગોદમાં આવી જતા. (માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુના સમયમાં અમુક લોકો સ્ત્રીઓને ઊતરતી ગણતા હતા, પરંતુ ઈસુ તેઓ સાથે પણ આદરથી વર્તતા. (યોહાન ૪:૯, ૨૭) જેઓ દુઃખી, કચડાયેલા અને લાચાર હતા, તેઓને પણ ઈસુએ ‘વિસામો આપ્યો.’ (માત્થી ૧૧:૨૮-૩૦) તેમની શીખવવાની કળા પણ સહેલી, સાદી અને મદદરૂપ હતી. ઈસુએ જે શીખવ્યું, એનાથી જોઈ શકાય છે કે લોકો યહોવાહ, સાચા પરમેશ્વરને ઓળખે એ જ તેમના દિલની તમન્ના હતી.—યોહાન ૧૭:૬-૮.
બીમાર અને પીડિત લોકોને જોઈને ઈસુને તેઓ પર તરસ આવી જતી. યહોવાહની શક્તિથી ઈસુએ તેઓને સાજા પણ કર્યા. (માત્થી ૧૫:૩૦, ૩૧) દાખલા તરીકે, એક વાર ઈસુ પાસે એક કોઢિયો આવ્યો. તેણે ઈસુને કહ્યું: “જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે.” ઈસુએ શું કર્યું? તે પોતાનો હાથ લંબાવી કોઢિયાને અડક્યા. પછી તેમણે કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા. અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો.”—માત્થી ૮:૨-૪.
ઈસુની દયા વિષે બીજા એક બનાવનો વિચાર કરો. એક વાર ઈસુનો ઉપદેશ સાંભળવા આવેલા હજારો લોકો ત્રણ દિવસ ભૂખ્યા રહ્યા. ઈસુને તેઓ પર ખૂબ દયા આવી. તેથી તેમણે ચમત્કાર કરીને ‘સ્ત્રી-છોકરાં ઉપરાંત ચાર હજાર પુરુષોને’ ખવડાવ્યું. (માત્થી ૧૫:૩૨-૩૮) બીજા એક સમયે, તેમના મિત્રો હોડીમાં હતા, અને ભારે તોફાન આવ્યું. ઈસુએ સમુદ્રના તોફાનને શાંત પાડીને તેઓને બચાવ્યા. (માર્ક ૪:૩૭-૩૯) તેમણે કેટલાક લોકોને મરણની ઊંઘમાંથી પણ સજીવન કર્યા.a (લુક ૭:૨૨; યોહાન ૧૧:૪૩, ૪૪) એટલું જ નહિ, આપણા માટે ઈસુએ પોતાના સંપૂર્ણ જીવનનું બલિદાન આપી દીધું. આમ કરવાથી માણસજાતને હંમેશ માટે સુખ શાંતિમાં રહેવાની આશા મળી છે. સાચે જ ઈસુને લોકો માટે ખૂબ ઊંડો પ્રેમ હતો!
ઈસુ આજે ક્યાં છે?
ઈસુ સાડા તેત્રીસ વર્ષના હતા ત્યારે તેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા.b પરંતુ, એનાથી કંઈ ઈસુના જીવનનો અંત આવી ગયો ન હતો. ત્રણ દિવસ પછી, યહોવાહે તેમના દીકરાને સ્વર્ગદૂત તરીકે સજીવન કર્યા ત્યારે, ઈસુના જીવનનો ત્રીજો ભાગ શરૂ થયો. ઈસુએ સજીવન થયા પછી એ સમયના ઘણા લોકોને દર્શન દીધું. (૧ કોરીંથી ૧૫:૩-૮) ઈસુ ત્યાર પછી ‘ઈશ્વરની જમણી બાજુએ બિરાજ્યા’ અને પોતાને રાજા બનાવવામાં આવે એની રાહ જોવા લાગ્યા. (હેબ્રી ૧૦:૧૨, ૧૩) પછી એ સમય આવ્યો ત્યારે, ઈસુએ સ્વર્ગમાં રાજ કરવાનું શરૂ કર્યું. તો પછી, આજે આપણે ઈસુ વિષે વિચારીએ તો મનમાં કેવું ચિત્ર ઊભું થાય છે? શું આપણે આજે પણ તેમને પીડા ભોગવતી વ્યક્તિ તરીકે જોવા જોઈએ, જેમને ખૂબ તડપાવીને મારી નાખવામાં આવ્યા હતા? કે પછી તેમને પરમેશ્વર માનીને ભક્તિ કરવી જોઈએ? ના. ઈસુ હવે માણસ નથી, અને તે પરમેશ્વર પણ નથી. તે સ્વર્ગમાં એક શક્તિશાળી દૂત છે, જેમના હાથમાં રાજસત્તા છે. હવે બહુ જ જલદી ઈસુ મુશ્કેલીઓથી ભરેલી આ દુનિયા પર રાજ કરશે.
પ્રકટીકરણ ૧૯:૧૧-૧૬ લાક્ષણિક ભાષામાં બતાવે છે કે ઈસુ, રાજા તરીકે એક શ્વેત ઘોડા પર ન્યાય કરવા આવે છે. દુષ્ટ જગત સામે તે યુદ્ધ કરે છે. ‘તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે, કે જે વડે તે વિદેશીઓને મારે.’ હા, દુષ્ટ લોકોનો નાશ કરવા ઈસુ તેમની મહાશક્તિ વાપરશે. પણ જેઓ ઈસુને પગલે ચાલવા ભરપૂર કોશિશ કરે છે, તેઓનું શું થશે? (૧ પીતર ૨:૨૧) ઈસુ અને તેમના પિતા યહોવાહ તેઓને ‘મહાન દિવસની લડાઈમાંથી’ બચાવશે. આ દિવસ, હાર-માગેદોન તરીકે ઓળખાય છે. પછી તેઓને પરમેશ્વરના સ્વર્ગીય રાજ્યની પ્રજા બનીને આ પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો મોકો મળશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪; ૧૬:૧૪, ૧૬; ૨૧:૩, ૪.
ઈસુના રાજમાં ચોમેર શાંતિ પથરાયેલી હશે ત્યારે, તે સર્વ માણસજાત માટે કેવા ચમત્કારો કરશે? (યશાયાહ ૯:૬, ૭; ૧૧:૧-૧૦) તે બીમારી અને મરણનું નામનિશાન મિટાવી દેશે. યહોવાહની શક્તિથી તે અબજો લોકોને મરણની ઊંઘમાંથી ઉઠાડશે, જેથી તેઓને હંમેશ માટે પૃથ્વી પર જીવવાનો મોકો મળે. (યોહાન ૫:૨૮, ૨૯) આજે આપણે કલ્પના પણ કરી શકતા નથી કે ઈસુના રાજમાં આપણે કેટલા સુખી હોઈશું. આપણને એ જિંદગી જોઈતી હોય તો, એ કેટલું જરૂરી છે કે આપણે બાઇબલનું જ્ઞાન લેતા રહીએ અને ઈસુને સારી રીતે ઓળખીએ!
[ફુટનોટ્સ]
a ઈસુએ કરેલા ચમત્કારો વિષે બધા જ જાણતા હતા. જેઓ તેમનો વિરોધ કરતા હતા, તેઓએ પણ કબૂલ કર્યું કે ઈસુ “ઘણા ચમત્કારો કરે છે.”—યોહાન ૧૧:૪૭, ૪૮.
b ઈસુ વધસ્તંભ પર મર્યા હતા કે પછી ક્રોસ પર, એ જાણવા માટે દેવ આપણી પાસે શું માંગે છે? બ્રોશરના પાન ૨૩ પર છઠ્ઠો ફકરો જુઓ. આ પુસ્તિકા યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.
[પાન ૭ પર બોક્સ]
શું ઈસુ પરમેશ્વર છે?
ઘણા ધાર્મિક લોકો માને છે કે ઈસુ પરમેશ્વર છે. અમુક કહે છે કે પરમેશ્વર ત્રૈક્ય છે. ત્રૈક્યની માન્યતા એ છે કે, “પરમેશ્વર પિતા છે, પરમેશ્વર દીકરો છે, અને પરમેશ્વર પવિત્ર આત્મા છે. તોપણ તેઓ ત્રણ નહિ, પણ એક પરમેશ્વર છે.” માનવામાં આવે છે કે આ ત્રણેયની “ન કોઈ શરૂઆત છે, કે ન કોઈ અંત છે. તેઓ એક સમાન છે.” (ધ કૅથલિક એન્સાયક્લોપેડિયા) શું આ માન્યતા સાચી છે?
બાઇબલ જણાવે છે કે આખી સૃષ્ટિના સર્જનહાર યહોવાહ છે. (પ્રકટીકરણ ૪:૧૧) તે સર્વશક્તિમાન છે. જેમ તેમની કોઈ શરૂઆત નથી, તેમ અંત પણ નથી. (ગીતશાસ્ત્ર ૯૦:૨) પણ ઈસુનો વિચાર કરીએ તો, તેમની શરૂઆત હતી. (કોલોસી ૧:૧૫, ૧૬) પરમેશ્વરને પિતા ગણાવતા તે કહે છે, “પિતા મારા કરતાં મહાન છે.” (યોહાન ૧૪:૨૮, IBSI) ઈસુએ એમ પણ સમજાવ્યું કે અમુક બાબતો વિષે તેમને કે બીજા સ્વર્ગદૂતોને પણ ખબર નથી. એ વિષે ફક્ત યહોવાહ, તેમના પિતા જ જાણે છે.—માર્ક ૧૩:૩૨.
બીજું, ઈસુએ પ્રાર્થનામાં તેમના પિતા યહોવાહને કહ્યું કે, ‘મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’ (લુક ૨૨:૪૨) ઈસુ કોને પ્રાર્થના કરતા હતા? શું એ ખરું નથી કે તે તેમના પરમ પિતા સાથે વાત કરતા હતા, જે તેમનાથી પણ મહાન છે? ઈસુ મરણની ઊંઘમાં હતા, ત્યારે પરમેશ્વરે જ તેમને ફરી જીવતા કર્યા હતા. તે કંઈ જાતે સજીવન થયા ન હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨) હા, આપણે જોઈ શકીએ છીએ કે ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે, અને પછી તે પૃથ્વી પર હતા ત્યારે પણ તેમના પિતા યહોવાહ સમાન ન હતા. પણ સવાલ ઊભો થાય છે કે, ઈસુ સજીવન થયા પછી સ્વર્ગમાં ગયા ત્યારે શું તે અને તેમના પિતા એક થઈ ગયા? ના. પહેલો કોરીંથી ૧૧:૩ કહે છે કે, “ખ્રિસ્તનું શિર દેવ છે.” તેથી દીકરો તેમના પિતા, પરમેશ્વરને હંમેશા આધીન રહેશે. (૧ કોરીંથી ૧૫:૨૮) આમ, બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે ઈસુ સર્વશક્તિમાન પરમેશ્વર નથી, પણ પરમેશ્વરનો દીકરો છે.
ત્રૈક્યની માન્યતા પ્રમાણે, પવિત્ર આત્મા પણ વ્યક્તિ છે. પણ એ સાચું નથી. ગીતશાસ્ત્રના એક કવિએ કહ્યું: ‘તું તારો પવિત્ર આત્મા મોકલે છે એટલે તેઓ ઉત્પન્ન થાય છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૦) આ પવિત્ર આત્મા કંઈ પરમેશ્વર નથી, પણ તેમની શક્તિ છે. પરમેશ્વર પોતાની શક્તિથી બધું જ કામ સફળ કરે છે. તારામંડળો, પૃથ્વી, તેમ જ સર્વ જીવંત વસ્તુઓ પરમેશ્વરની શક્તિની જ કરામત છે. (ઉત્પત્તિ ૧:૨; ગીતશાસ્ત્ર ૩૩:૬) પરમેશ્વરે તેમની પવિત્ર શક્તિની પ્રેરણાથી જ મનુષ્યો પાસે બાઇબલ લખાવ્યું. (૨ પીતર ૧:૨૦, ૨૧) તો પછી, ત્રૈક્યની માન્યતા બાઇબલમાંથી નથી.c બાઇબલ કહે છે: “યહોવાહ આપણો દેવ તે એકલો જ યહોવાહ છે.”—પુનર્નિયમ ૬:૪.
[ફુટનોટ]
c વધુ માહિતી માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ? બ્રોશર જુઓ.
[પાન ૫ પર ચિત્ર]
ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે, યહોવાહે તેમને સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા
[પાન ૭ પર ચિત્ર]
ઈસુએ યહોવાહ તરફથી મળેલું કામ પૂરું મન લગાડીને કર્યું
[પાન ૭ પર ચિત્ર]
આજે ઈસુ એક શક્તિશાળી રાજા છે