પ્રકરણ ૧૪
ઈસુ શિષ્યો બનાવવાનું શરૂ કરે છે
ઈસુના શરૂઆતના શિષ્યો તેમની સાથે જાય છે
ઈસુએ વેરાન પ્રદેશમાં ૪૦ દિવસ વિતાવ્યા હતા; હવે, ગાલીલ તરફ જાય એ પહેલાં, તે બાપ્તિસ્મા આપનાર યોહાન પાસે પાછા ગયા. ઈસુને પાસે આવતા જોઈને યોહાને તેમની તરફ હાથ લંબાવ્યો અને પાસે ઊભા રહેલાને ઉત્સાહથી કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું, જે દુનિયાનું પાપ દૂર કરે છે! આ એ જ છે જેમના વિશે મેં કહ્યું હતું: ‘મારા પછી એક માણસ આવે છે, જે મારી આગળ નીકળી ગયા છે, કારણ કે મારા પહેલાંથી તે જીવે છે.’” (યોહાન ૧:૨૯, ૩૦) યોહાન ઉંમરમાં ઈસુ કરતાં થોડા મોટા હતા. તેમ છતાં, યોહાન જાણતા હતા કે પોતાના જન્મ પહેલાંથી ઈસુ સ્વર્ગમાં દૂત હતા.
અમુક અઠવાડિયાં પહેલાં ઈસુ બાપ્તિસ્મા લેવા યોહાન પાસે ગયા હતા. એ સમયે યોહાનને પૂરી ખાતરી ન હતી કે ઈસુ જ મસીહ છે. યોહાને કબૂલ્યું: “ભલે હું તેમને ઓળખતો ન હતો, પણ તે ઇઝરાયેલ આગળ જાહેર થાય એ માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.”—યોહાન ૧:૩૧.
ઈસુના બાપ્તિસ્મા વખતે જે બન્યું, એનું વર્ણન કરતા યોહાને પોતાનું સાંભળનારા લોકોને કહ્યું: “મેં આકાશમાંથી કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિને ઊતરતી જોઈ અને એ તેમના પર રહી. હું પણ તેમને ઓળખતો ન હતો, પરંતુ, પાણીથી બાપ્તિસ્મા આપવા માટે મને મોકલનારે કહ્યું હતું: ‘તું જેના પર પવિત્ર શક્તિ ઊતરતી અને રહેતી જુએ, તે જ પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપનાર છે.’ મેં એ જોયું છે અને મેં એવી સાક્ષી આપી છે કે તે ઈશ્વરના દીકરા છે.”—યોહાન ૧:૩૨-૩૪.
એના બીજા દિવસે, યોહાન પોતાના બે શિષ્યો સાથે હતા ત્યારે, ઈસુ ફરીથી તેમની પાસે ગયા. યોહાને કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું!” (યોહાન ૧:૩૬) એ સાંભળીને યોહાન બાપ્તિસ્મા આપનારના બે શિષ્યો ઈસુની પાછળ પાછળ ગયા. એ બે શિષ્યોમાંના એક આંદ્રિયા હતા. બીજા શિષ્ય મોટા ભાગે આ અહેવાલ લખનાર પોતે હતા, જેમનું નામ પણ યોહાન હતું. એવું લાગે છે કે આ યોહાન ઈસુના મસિયાઈ ભાઈ હતા, કેમ કે તે શલોમીના દીકરા હતા. કદાચ તે મરિયમની બહેન હતી અને શલોમીના પતિ ઝબદી હતા.
ઈસુએ ફરીને જોયું તો આંદ્રિયા અને યોહાન તેમની પાછળ પાછળ આવતા હતા. તેમણે પૂછ્યું: “તમે શું શોધો છો?”
તેઓએ તેમને પૂછ્યું: “રાબ્બી, તમે ક્યાં રહો છો?”
ઈસુએ જવાબ આપ્યો: “તમે પોતે આવીને જુઓ.”—યોહાન ૧:૩૭-૩૯.
એ સમય બપોરના ચારેક વાગ્યાનો હતો; આંદ્રિયા અને યોહાન બાકીનો આખો દિવસ ઈસુ સાથે રહ્યા. આંદ્રિયાને ઘણી જ ખુશી થઈ; એટલે, તેમણે પોતાના ભાઈ સિમોન, જે પીતર પણ કહેવાતા હતા, તેમને મળીને જણાવ્યું: “અમને મસીહ મળ્યા છે!” (યોહાન ૧:૪૧) આંદ્રિયા તરત પીતરને ઈસુ પાસે લઈ ગયા. પછીના બનાવો સૂચવતા હતા કે યોહાને પણ એ જ રીતે પોતાના ભાઈ યાકૂબને મળીને જણાવ્યું અને તેમને ઈસુ પાસે લઈ ગયા. પરંતુ, યોહાને એ માહિતી પોતાના અહેવાલમાં જણાવી નથી.
ઈસુ એ પછીના દિવસે ફિલિપને મળ્યા, જે બેથસૈદા શહેરના હતા. એ ગાલીલના સરોવરના ઉત્તર કિનારાની નજીક આવેલું હતું; આંદ્રિયા અને પીતર પણ એ જ શહેરના હતા. ઈસુએ ફિલિપને કહ્યું: “મારો શિષ્ય થા.”—યોહાન ૧:૪૩.
પછી, નથાનિયેલ જે બર્થોલ્મી પણ કહેવાતા, તેમને ફિલિપે શોધી કાઢ્યા અને કહ્યું: “મુસાના નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોનાં લખાણોમાં જેમના વિશે લખવામાં આવ્યું છે, તે અમને મળ્યા છે, એટલે કે નાઝરેથના ઈસુ, યુસફના દીકરા.” નથાનિયેલને શંકા થઈ અને તેમણે ફિલિપને કહ્યું: “શું નાઝરેથમાંથી કંઈ પણ સારું આવી શકે?”
ફિલિપે તેમને અરજ કરી: “તું પોતે આવીને જો.” ઈસુએ નથાનિયેલને આવતા જોયા અને કહ્યું: “જુઓ, એક સાચો ઇઝરાયેલી, જેનામાં કંઈ કપટ નથી.”
નથાનિયેલે પૂછ્યું: “તમે મને કેવી રીતે ઓળખો છો?”
ઈસુએ જવાબ આપ્યો: “ફિલિપે તને બોલાવ્યો એ પહેલાં, તું અંજીરના ઝાડ નીચે હતો ત્યારે મેં તને જોયો હતો.”
નથાનિયેલ નવાઈ પામીને બોલી ઊઠ્યા: “ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો, તમે ઇઝરાયેલના રાજા છો.”
ઈસુએ તેમને પૂછ્યું: “મેં તને અંજીરના ઝાડ નીચે જોયો હતો, એવું મેં કહ્યું એટલે તું મારામાં ભરોસો મૂકે છે? આના કરતાં ઘણાં મોટાં કામ તું જોશે.” પછી, ઈસુએ વચન આપ્યું: “હું તમને બધાને સાચે જ કહું છું, તમે સ્વર્ગ ખૂલી ગયેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરાની પાસે ઊતરતા અને ચઢતા જોશો.”—યોહાન ૧:૪૫-૫૧.
થોડા જ સમય પછી, ઈસુ પોતાના નવા શિષ્યો સાથે યરદનનો વિસ્તાર છોડીને ગાલીલ તરફ જવા નીકળી પડ્યા.