પ્રકરણ ૬૯
તેઓના પિતા—ઈબ્રાહીમ કે શેતાન?
યહુદીઓએ દાવો કર્યો કે ઈબ્રાહીમ પોતાના પિતા છે
ઈસુ તો ઈબ્રાહીમ પહેલાંથી છે
ઈસુ માંડવાના તહેવાર માટે હજી પણ યરૂશાલેમમાં જ હતા. તેમણે મહત્ત્વના સત્ય વિશે શીખવવાનું ચાલુ રાખ્યું. તહેવારમાં હાજર અમુક યહુદીઓએ થોડી વાર પહેલાં તેમને કહ્યું હતું: “અમે ઈબ્રાહીમના વંશજો છીએ અને કદી પણ કોઈના ગુલામ બન્યા નથી.” ઈસુએ એનો જવાબ આપ્યો: “હું જાણું છું કે તમે ઈબ્રાહીમના વંશજો છો. પણ, તમે મારું શિક્ષણ સ્વીકારતા નથી, એ કારણે તમે મને મારી નાખવા માંગો છો. હું મારા પિતા સાથે હતો ત્યારે મેં જે જોયું હતું એ જણાવું છું, પણ તમે તમારા પિતા પાસેથી જે સાંભળ્યું, એ કરો છો.”—યોહાન ૮:૩૩, ૩૭, ૩૮.
ઈસુનો મુદ્દો સીધોસાદો હતો: ઈસુના પિતા યહુદીઓના પિતા કરતાં અલગ હતા. ઈસુના કહેવાનો અર્થ જાણ્યા વગર તેઓએ ફરીથી દાવો કર્યો: “અમારા પિતા તો ઈબ્રાહીમ છે.” (યોહાન ૮:૩૯; યશાયા ૪૧:૮) ઈબ્રાહીમના વંશજો હોવાથી, યહુદીઓને લાગતું કે તેઓમાં પણ ઈશ્વરના મિત્ર ઈબ્રાહીમ જેવી જ શ્રદ્ધા છે.
ઈસુએ તેઓને આઘાત લાગે એવો જવાબ આપ્યો: “જો તમે ઈબ્રાહીમનાં બાળકો હોત, તો તમે ઈબ્રાહીમ જેવાં કામો કરતા હોત.” દીકરો પોતાના પિતાને પગલે ચાલે એ દેખીતું છે. ઈસુએ આગળ કહ્યું: “ઈશ્વર પાસેથી સાંભળેલું સત્ય મેં તમને જણાવ્યું, પણ તમે તો મને મારી નાખવા માંગો છો. ઈબ્રાહીમે કદી પણ એવું કર્યું ન હોત.” પછી, ઈસુએ મૂંઝવણમાં મૂકે એવી વાત કહી: “તમે તમારા પિતા જેવાં કામો કરો છો.”—યોહાન ૮:૩૯-૪૧.
યહુદીઓ હજી સમજ્યા નહિ કે ઈસુ કોની વાત કરતા હતા. તેઓએ આમ કહેતા દાવો કર્યો કે પોતે કાયદેસરના દીકરાઓ છે: “અમે વ્યભિચારથી જન્મેલા નથી; અમારા એક જ પિતા છે, ઈશ્વર.” પરંતુ, શું ઈશ્વર ખરેખર તેઓના પિતા હતા? ઈસુએ કહ્યું: “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મને પ્રેમ કર્યો હોત, કેમ કે હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને તેમના લીધે હું અહીં છું. હું પોતાની મરજીથી આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.” પછી, ઈસુએ સવાલ પૂછ્યો ને પોતે જ એનો જવાબ આપ્યો: “હું જે કહું છું એ તમે કેમ સમજતા નથી? કારણ કે તમે મારું શિક્ષણ સહી શકતા નથી.”—યોહાન ૮:૪૧-૪૩.
ઈસુએ એ બતાવવાનો પ્રયત્ન કર્યો કે તેમને ન સ્વીકારવાનાં કેવાં પરિણામો આવશે. પણ, હવે તેમણે સીધેસીધું કહ્યું: “તમે તમારા પિતા શેતાનના છો અને તમે તમારા પિતાની ઇચ્છા પ્રમાણે કરવા ચાહો છો.” તેઓનો પિતા કેવો છે? ઈસુએ તેની સ્પષ્ટ ઓળખ આપી: “તે શરૂઆતથી જ ખૂની હતો અને તે સત્યમાં ટકી રહ્યો નહિ, કારણ કે તેનામાં સત્ય નથી.” તેમણે આગળ જણાવ્યું: “જે ઈશ્વરનો છે, તે ઈશ્વરની વાતો સાંભળે છે. તમે એટલા માટે નથી સાંભળતા, કારણ કે તમે ઈશ્વરના નથી.”—યોહાન ૮:૪૪, ૪૭.
એ સાંભળીને યહુદીઓ ગુસ્સાથી ભડકી ઊઠ્યા. તેઓએ કહ્યું: “શું અમે સાચું નથી કહેતા કે, ‘તું સમરૂની છે અને તને દુષ્ટ દૂત વળગ્યો છે’?” ઈસુને “સમરૂની” કહીને યહુદીઓએ તેમનું અપમાન કર્યું. પરંતુ, ઈસુએ તેઓના આરોપ પર ધ્યાન ન આપતા કહ્યું: “મને દુષ્ટ દૂત વળગ્યો નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો.” ઈશ્વરની નજરે એ કેટલો મોટો ગુનો હતો, એ ઈસુના નવાઈ પમાડતા આ શબ્દોમાં જોવા મળે છે: “હું તમને સાચે જ કહું છું કે જો કોઈ મારું શિક્ષણ સ્વીકારે, તો તે કદી મરશે નહિ.” તેમના કહેવાનો અર્થ એવો ન હતો કે પ્રેરિતો અને તેમને પગલે ચાલનારા ક્યારેય મરશે નહિ. પણ તે કહેતા હતા કે તેઓ હંમેશ માટેનો વિનાશ, “બીજું મરણ” જોશે નહિ, જેમાંથી સજીવન થવાની કોઈ આશા નથી રહેતી.—યોહાન ૮:૪૮-૫૧; પ્રકટીકરણ ૨૧:૮.
પરંતુ, યહુદીઓએ ઈસુની વાત શાબ્દિક રીતે લેતા કહ્યું: “હવે તો અમને ખાતરી થઈ છે કે તને દુષ્ટ દૂત વળગ્યો છે. ઈબ્રાહીમ મરણ પામ્યા અને પ્રબોધકો પણ; પરંતુ, તું કહે છે કે, ‘જો કોઈ મારું શિક્ષણ સ્વીકારે તો તે કદી મરશે નહિ.’ શું તું અમારા પિતા ઈબ્રાહીમ, જે મરણ પામ્યા, તેમના કરતાં મહાન છે? . . . તું પોતાને શું સમજે છે?”—યોહાન ૮:૫૨, ૫૩.
દેખીતું છે કે ઈસુ પોતે મસીહ છે એમ કહેવા માંગતા હતા. પણ, પોતાની ઓળખ વિશેના સવાલનો સીધેસીધો જવાબ આપવાને બદલે, તેમણે કહ્યું: “જો હું પોતાને મહિમા આપું તો એ મહિમાની કોઈ કિંમત નથી. મને મહિમા આપનાર તો મારા પિતા છે, જેમને તમે તમારા ઈશ્વર કહો છો. તોપણ, તમે તેમને જાણતા નથી, પણ હું જાણું છું. અને જો હું કહું કે તેમને જાણતો નથી તો હું તમારા જેવો જૂઠો છું.”—યોહાન ૮:૫૪, ૫૫.
ઈસુએ હવે તેઓના શ્રદ્ધાળુ પૂર્વજનો દાખલો આપતા કહ્યું: “મારો સમય જોવા મળશે એ આશાને લીધે તમારા પિતા ઈબ્રાહીમને ઘણો આનંદ થયો હતો અને તેમણે એ સમય જોયો પણ ખરો અને ઘણા ખુશ થયા.” ઈબ્રાહીમે તો ઈશ્વરના વચનમાં ભરોસો મૂકીને આવનાર મસીહની રાહ જોઈ હતી. યહુદીઓએ ચોંકીને કહ્યું: “તું તો હજુ ૫૦ વર્ષનો પણ નથી અને તેં ઈબ્રાહીમને જોયા છે?” ઈસુએ જવાબ આપ્યો: “હું તમને સાચે જ કહું છું કે ઈબ્રાહીમનો જન્મ થયો એ પહેલાંથી હું છું.” ઈસુ પૃથ્વી પર આવ્યા અગાઉ સ્વર્ગમાં શક્તિશાળી દૂત હતા, એની વાત કરતા હતા.—યોહાન ૮:૫૬-૫૮.
ઈસુએ દાવો કર્યો કે પોતે ઈબ્રાહીમના પહેલાંથી જીવે છે. એટલે, યહુદીઓ ગુસ્સાથી લાલપીળા થઈને ઈસુને પથ્થરે મારવા તૈયાર થઈ ગયા. પણ, ઈસુ ત્યાંથી સહીસલામત નીકળી ગયા.