અજાણ્યા લોકોથી દૂર રહો!
“અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમકે અજાણ્યાઓનો સાદ તેઓ ઓળખતાં નથી.”—યોહાન ૧૦:૫.
મરિયમ માગદાલેણ ઈસુના શિષ્યોમાંની એક હતી. (લુક ૮:૧-૩) થોડા સમય પછી ઈસુનું મરણ થાય છે. મરિયમ તેમની કબરે જાય છે. પણ ખાલી કબર જોઈને તે પોક મૂકીને રડી પડે છે. ઈસુ સજીવન થયા છે પણ મરિયમને એ ખબર નથી. ઈસુ તેની પાસે આવીને પૂછે છે: “બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે?” મરિયમ તેમને ઓળખતી નથી, એટલે તે કહે છે: “સાહેબ, જો તેં તેને અહીંથી ઉઠાવી લીધો હોય, તો તેં તેને ક્યાં મૂક્યો છે એ મને કહે, એટલે હું તેને લઈ જઈશ.” ઈસુએ તેને નામથી બોલાવી. તરત જ મરિયમને ભાન થાય છે કે આ તો ઈસુ છે. ‘ગુરુજી,’ કહીને તે ખુશીના આંસુ સાથે તેમને ભેટી પડે છે.—યોહાન ૨૦:૧૧-૧૮.
૨ આ બનાવ શું બતાવે છે? એ જ કે ઈસુના શિષ્યો તેમનો અવાજ ઓળખશે. આ વિષે ઈસુએ એક વાર્તા કહી. એમાં તેમણે કહ્યું કે ઘેટાં પોતાના પાળકનો અવાજ ઓળખીને તેમની પાસે જશે. (યોહાન ૧૦:૩, ૪, ૧૪, ૨૭, ૨૮) ઈસુએ કહ્યું કે તે પોતે પાળક છે અને તેમના શિષ્યો ઘેટાં છે. એટલે શિષ્યો ઈસુનો સાદ ઓળખશે અને તેમની નજીક આવશે.—યોહાન ૧૦:૧૬; ૧૩:૧૫; ૧ યોહાન ૨:૬; ૫:૨૦.
૩ ઘેટાં તરત જ પારખે છે કે એ અવાજ પાળકનો છે કે શિકારીનો છે. આપણે પણ આ આવડત શીખવી જોઈએ કેમ કે આપણી ફરતે ઘણા શિકારીઓ છે. તેઓ કોણ છે? તેઓ શા માટે આપણને પકડવા ચાહે છે? તેઓ કેવા ફાંદાઓ વાપરે છે? આપણે કઈ રીતે તેઓથી દૂર રહી શકીએ? ઈસુ આ પ્રશ્નોના જવાબ આપે છે. ચાલો આપણે જોઈએ.
‘જે બારણામાંથી પેસતા નથી’
૪ ઈસુએ કહ્યું: “બારણામાંથી જે પેસે છે, તે ઘેટાંપાળક છે. દરવાન તેને સારૂ ઉઘાડે છે; અને ઘેટાં તેનો સાદ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે, અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. જ્યારે તે પોતાના સર્વ ઘેટાંને બહાર કાઢે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે, અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે. પણ અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમકે અજાણ્યાઓનો સાદ તેઓ ઓળખતાં નથી.” (યોહાન ૧૦:૨-૫) આ કલમોમાં ઈસુ બે વાર પાળકના સાદ વિષે વાત કરે છે. પણ ત્રીજી વાર તે ‘અજાણ્યાના સાદ’ વિષે વાત કરે છે.
૫ ઈસુનો કહેવાનો શું અર્થ હતો? એવું નથી કે કોઈ પણ અજાણ્યા સાથે વાત ન કરવી કે કોઈ મહેમાનને બોલાવવા નહિ. (હેબ્રી ૧૩:૨) ના, ઈસુએ એ વાર્તામાં કહ્યું, કે આ અજાણ્યો “ચોર તથા લૂંટારો” છે. તે ‘બારણામાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી ચઢે છે.’ (યોહાન ૧૦:૧) એટલે અહીં ઈસુએ ચેતવણી આપી કે આ અજાણ્યો, જે ચોર અને લુટારો છે, એનાથી આપણે દૂર રહીએ. પણ આ કોણ છે? બાઇબલ કહે છે કે એ શેતાન છે. આપણે ઉત્પત્તિના પુસ્તકમાં તેના વિષે વધુ જાણી શકીએ.
અજાણ્યાઓ સાદ ક્યારે સંભળાયો?
૬ ઉત્પત્તિ ૩:૧-૫માં અજાણ્યાનો સાદ પહેલી વાર સંભળાય છે. ત્યાં એક સ્વર્ગદૂતે પ્રથમ સ્ત્રી હવાને છેતરી. તેનાં કાર્યોથી તે ‘અજાણ્યો’ અથવા શેતાન તરીકે ઓળખાયો. ચાલો આપણે એ વિષે જોઈએ.
૭ ઈસુએ વાર્તામાં સમજાવ્યું કે શિકાર કરતી વખતે આ અજાણ્યો ચોરી-છૂપીથી ઘેટાંની પાછળથી આવે છે. એવી જ રીતે, શેતાને ચાલાકીથી એક સર્પ દ્વારા હવા સાથે વાત કરી. ઈસુએ એમ પણ કહ્યું કે આ અજાણ્યો ફક્ત ચોરી કરવા આવતો નથી. પણ તે ઘેટાંને “મારી નાખવા તથા નાશ કરવા” આવે છે. (યોહાન ૧૦:૧૦) શેતાન એવો જ છે. તેણે હવાની શ્રદ્ધા ઝૂંટવી લીધી, અને તેનો જાન પણ લીધો. શેતાન ખરેખર ખૂની છે!
૮ શેતાન ખૂબ લુચ્ચો પણ છે. તે હવાને પૂછે છે: ‘શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું જોઈએ?’ પછી તે કહે છે: “દેવ જાણે છે કે તમે [ફળ] ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે.” શેતાન જાણે આમ કહેતો હતો: ‘યહોવાહની આજ્ઞા કેટલો મોટો બોજ છે. સાચે જ તે તમારું લોહી પીએ છે! હું યહોવાહને જાણું છું. તેમને તમારી કંઈ પડી નથી.’ શેતાને બરાબર મરચું-મીઠું ઉમેરીને વાત બદલી નાખી હતી. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૧, ૫) દુઃખની વાત છે કે હવા અને આદમ પણ સાવ છેતરાઈ ગયા. તેઓ આ “અજાણ્યાનો સાદ” પારખી શક્યા નહિ. પણ તેનું સાંભળીને તેની પાછળ ગયા. આ રીતે ફક્ત પોતાના પર જ નહિ, પણ સર્વ પર મોત લાવ્યા.—રૂમી ૫:૧૨, ૧૪.
૯ આજે પણ શેતાન એવી જ ચાલકીથી યહોવાહના ભક્તોને છેતરવાની કોશિશ કરે છે. (પ્રકટીકરણ ૧૨:૯) તે “જૂઠાનો બાપ” છે! અરે, આજે પણ શેતાનના ચેલાઓ બધે જ છે. (યોહાન ૮:૪૪) આજે શેતાન કઈ રીતે આપણને છેતરે છે? ચાલો આપણે જોઈએ.
અજાણ્યાઓ કોણ છે?
૧૦ ખોટા શિક્ષણથી દૂર રહો. પ્રેષિત પાઊલે કહ્યું: ‘તમને સારા માર્ગોમાંથી દૂર લઈ જાય એવા શિક્ષણથી સાવચેત રહો.’ (હિબ્રૂ ૧૩:૯, પ્રેમસંદેશ) આ ‘શિક્ષણો’ આપણી શ્રદ્ધાને કોરી ખાઈ શકે છે. પણ એ ક્યાંથી આવે છે? પાઊલે કહ્યું: “તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૦) પાઊલના દિવસોમાં અમુક ખ્રિસ્તીઓ ‘અવળી વાતો બોલતા’ હતા. આજે પણ અમુક વ્યક્તિઓ જૂઠાં શિક્ષણો શીખવે છે. પણ જેમ ખોટા સિક્કાની કોઈ કિંમત નથી, તેમ આ લોકોની વાતોમાં કંઈ માલ નથી. એટલે પ્રેષિત પીતરે કહ્યું કે તેઓ ‘કપટી વાતો બોલે’ છે. (૨ પીતર ૨:૩) ધ્યાન રાખો, આ વ્યક્તિઓ તમારો શિકાર કરવા માગે છે!
૧૧ ઈસુએ કહ્યું હતું કે ચોર “બારણામાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી ચઢે છે.” આજે ભ્રષ્ટ ખ્રિસ્તીઓ મંડળમાં ચોરી-છુપીથી “નાશકારક” ભાગલા પાડે છે. (૨ પીતર ૨:૧, ૩; ગલાતી ૨:૪; યહુદા ૪) પીતરે કહ્યું હતું કે તેઓ આપણી શ્રદ્ધાને ઝૂંટવી લેવા માગે છે. એટલું જ નહિ પણ, તેઓ આપણો “નાશ કરવા” માગે છે. (યોહાન ૧૦:૧૦) ચાલો આપણે આ દુશ્મનોથી દૂર રહીએ!
૧૨ ખરાબ સોબતથી દૂર રહો. આજે બધા જ લોકો યહોવાહના ભક્તો નથી. તેથી, આપણે બધાએ અને ખાસ કરીને યુવાનોએ ધ્યાન રાખવું જોઈએ. (૧ કોરીંથી ૧૫:૩૩) ફરીથી હવાનો વિચાર કરો. તે આદમ કરતાં ઉંમરમાં નાની હતી. એટલે શેતાને પહેલાં તેને નિશાન બનાવી. તેની વાતોથી છેતરાઈને હવાને લાગ્યું કે યહોવાહે તેઓને પાંજરામાં પૂરી રાખ્યા છે. શું આ સાચું હતું? ના, યહોવાહે તો આદમ અને હવાને ખૂબ આશીર્વાદો આપ્યા હતા. (યશાયાહ ૪૮:૧૭) આજે, સ્કૂલ કે કૉલેજમાં તમારા મિત્રો કહેશે કે, ‘તમારા મમ્મી પપ્પા તો બધી વાતમાં ના, ના અને ના જ પાડે છે.’ આપણી એક યુવાન બહેન આ ચાલાકીની જાળમાં ફસાઈ ગઈ. તેણે કહ્યું: ‘બીજા યુવાનો ઘડી ઘડી કહેતા કે “તારા ધર્મમાં આવું બધું? એના કરતાં તો તું સાધુ બની જા.” તેઓના લીધે મારી શ્રદ્ધા ઠંડી પડી ગઈ હતી.’ યુવાનો, હવાની માફક છેતરાઈ ન જાવ. તમારા માબાપ તમારું ભલું જ ચાહે છે. એટલે પારકા લોકોને ન સાંભળો!
૧૩ ખરાબ સોબત વિષે દાઊદે કહ્યું: “દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ.” (ગીતશાસ્ત્ર ૨૬:૪) એદન બાગમાં, શેતાને પોતાની અસલિયત છુપાવી અને એક સર્પ દ્વારા બોલ્યો. આજે પણ ખરાબ લોકો તેઓનો અસલ રંગ બતાવતા નથી. ઇંટરનેટ પર લોકોને છેતરવા બધું સારું સારું કહે છે. પણ તેઓ પોતાની વાસના સંતોષવા માંગે છે. ચેટરૂમમાં અમુક લોકો યુવાન હોવાનો ઢોંગ કરે છે અને બીજા યુવાનને લલચાવે છે. તો યુવાનો ચેતો, ઇંટરનેટ પર ખૂબ ધ્યાન રાખો. નહિ તો, તમારો જીવ અને શ્રદ્ધા જોખમમાં છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૧; નીતિવચનો ૨૨:૩.
૧૪ જૂઠા રિપોર્ટથી ચેતો. અમુક વાર રેડિયો, ટીવી કે છાપામાં સાક્ષીઓ વિષે સારા રિપોર્ટ હોય છે. પણ ઘણી વખતે લોકો આપણા વિષે જૂઠાણું ફેલાવે છે. દાખલા તરીકે, એક રિપોર્ટે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં સાક્ષીઓએ હિટલરને ટેકો આપ્યો હતો. બીજા રિપોર્ટે કહ્યું કે સાક્ષીઓ ચર્ચને નુકસાન કરતા હતા. અનેક દેશોમાં એક રિપોર્ટ ફેલાયો કે સાક્ષીઓ તેઓના બાળકોને હૉસ્પિટલમાં સારવાર લેવા દેતા નથી. એ રિપોર્ટ એમ પણ કહે છે કે સાક્ષીઓ બાળકો પર અત્યાચાર કરે છે. (માત્થી ૧૦:૨૨) પણ જેઓ સાક્ષીઓને ઓળખે છે તેઓ જાણે છે કે આ રિપોર્ટ સાક્ષીઓનું નામ બદનામ કરવા માટે છે. એ રિપોર્ટ સાચા નથી.
૧૫ એવા સંજોગમાં આપણે શું કરવું જોઈએ? નીતિવચનો ૧૪:૧૫ સલાહ આપે છે: “મૂર્ખ માણસ [કોઈ પણ] વાત માની લે છે, પણ બુદ્ધિમાન માણસ જોઇ વિચારીને આગળ વધે છે.” (IBSI) આપણે જે રિપોર્ટ સાંભળીએ, એને તરત જ માની લેવું જોઈએ નહિ. ખરું કે અમુક રિપોર્ટ ખરા હશે, પણ ઘણા બનાવટી હશે. કદી ભૂલો નહિ, ‘આખું જગત દુષ્ટની સત્તામાં છે.’—૧ યોહાન ૫:૧૯.
શું આ શિક્ષણ યહોવાહ પાસેથી છે?
૧૬ ઈસુએ કહ્યું કે તેમના ઘેટાં તેમનો ‘સાદ ઓળખશે.’ (યોહાન ૧૦:૪) ચાલો આપણે એ વાર્તા વિષે ફરીથી જોઈએ. એક ઘેટાંપાળકને એક ટુરીસ્ટે કહ્યું: ‘ઘેટાં તો તમારા કપડાં જોઈને તમારી પાછળ ચાલતા આવે છે.’ ઘેટાંપાળકે સમજાવ્યું કે ‘ના, તે મારો અવાજ ઓળખીને આવે છે.’ છેવટે ટુરીસ્ટે આ ઘેટાંપાળકના કપડાં પહેર્યા અને ઘેટાંને બોલાવવા માંડ્યો. પણ ઘેટાં બસ ચરતા જ રહ્યા. પછી ઘેટાંપાળકે તેઓને બોલાવ્યા. તરત જ તેઓ અવાજ ઓળખીને તેમની નજીક આવવા માંડ્યા. આ વાર્તામાં ઘેટાંએ પોતાના પાળકનો અવાજ ઓળખ્યો. તેમ જ આપણે પણ યહોવાહનો અવાજ પારખવો જોઈએ. એટલે બાઇબલ કહે છે: “પહેલાં ખાતરી કરો કે એ સંદેશો ઈશ્વર તરફથી છે કે નહિ.” (૧ યોહાન ૪:૧, IBSI; ૨ તીમોથી ૧:૧૩) પણ આપણે કઈ રીતે યહોવાહનો અવાજ ઓળખી શકીએ?
૧૭ બાઇબલ કહે છે: “તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશાયાહ ૩૦:૨૧) આપણી પાછળથી આવતી “વાત” કોની છે? એ યહોવાહની છે. બાઇબલ એ વિષે જણાવે છે. આપણે બાઇબલ વાંચીએ ત્યારે જાણે આપણે યહોવાહનો અવાજ સાંભળીએ છીએ. (ગીતશાસ્ત્ર ૨૩:૧) ચાલો આપણે બાઇબલને સરસ રીતે પચાવીએ જેથી ફક્ત યહોવાહના જ કહેવા પ્રમાણે આપણે ચાલીએ. પછી, આપણે કોઈ પણ ‘અજાણ્યાનો સાદ’ તરત જ પારખી લઈશું.—ગલાતી ૧:૮.
૧૮ યશાયાહ ૩૦:૨૧ કહે છે: “માર્ગ આ છે, તે પર તમે ચાલો.” બાઇબલ વાંચવાથી આપણે યહોવાહની સલાહ સાંભળીએ છીએ. પણ એટલું જ બસ નથી. જો આપણે એ પ્રમાણે જીવીએ તો આપણે ખરેખર યહોવાહને સાંભળીએ છીએ. (પુનર્નિયમ ૨૮:૧) યહોવાહ એમ પણ કહે છે કે આપણે ઈસુનો અવાજ સાંભળીએ અને માનીએ. (માત્થી ૧૭:૫) તેથી, ચાલો આપણે ઈસુએ કહ્યું એ પ્રમાણે શિષ્યો બનાવીએ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરફથી સત્ય દિલમાં ઉતારીએ. (માત્થી ૨૪:૪૫; ૨૮:૧૮-૨૦) ઈસુનો અવાજ સાંભળવાથી આપણે કાયમ માટે સુખી થઈશું!—પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૩.
‘તેની પાસેથી તેઓ નાસી જશે’
૧૯ ઈસુએ કહ્યું: “અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે.” (યોહાન ૧૦:૫) મૂળ બાઇબલ અનુવાદ કહે છે કે આપણે કદીયે એટલે કદીયે અજાણ્યાઓ પાછળ ચાલીશું નહિ. (માત્થી ૨૪:૩૫; હેબ્રી ૧૩:૫) બીજું કે આપણે તેઓથી દૂર ‘નાસી જઈશું.’ જો કોઈ વ્યક્તિ સત્યની વિરુદ્ધમાં કંઈ બોલવા લાગે, તો આપણે તરત જ કાન બંધ કરી દઈએ.
૨૦ ચાલો આપણે બધા આ સલાહ પાળીએ: “જે બોધ તમને મળ્યો છે તેથી વિરૂદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.” (રૂમી ૧૬:૧૭; તીતસ ૩:૧૦) યુવાનો, પાઊલની આ સલાહ યાદ રાખો: ‘જે બાબતોથી તને વારંવાર ભૂંડા વિચારો આવે છે તેવી બાબતોથી તું દૂર નાસી જા.’ (૨ તિમોથી ૨:૨૨, IBSI) જો ટીવી, રેડિયો કે છાપું આપણા વિષે ખોટો રિપોર્ટ આપે, તો આ કલમ યાદ રાખો: “[દુનિયાના લોકો] કલ્પિત વાતો તરફ ફરશે. પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે.” (૨ તીમોથી ૪:૩-૫) ભલે કોઈ મીઠી મીઠી વાતો બોલે, આપણે કદીયે તેઓનું માનવું ન જોઈએ. નહિતર, તેઓ આપણી શ્રદ્ધા ઝૂંટવી લેશે.—ગીતશાસ્ત્ર ૨૬:૫; નીતિવચનો ૭:૫, ૨૧; પ્રકટીકરણ ૧૮:૨, ૪.
૨૧ યહોવાહનો અવાજ સાંભળવાથી કેવા આશીર્વાદો મળશે? સ્વર્ગમાં જવા પસંદ થયેલાને ઈસુએ કહ્યું: “ઓ નાની ટોળી, બીહો મા; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે.” (લુક ૧૨:૩૨) બીજા શિષ્યોને ઈસુએ કહ્યું: “મારા બાપના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારૂ તૈયાર કરેલું છે તેનો વારસો લો.” (યોહાન ૧૦:૧૬; માત્થી ૨૫:૩૪) તો ચાલો આપણે ‘અજાણ્યા’ લોકોથી દૂર રહીએ અને યહોવાહના આશીર્વાદ મેળવીએ!
તમને યાદ છે?
• ઈસુ શા માટે શેતાનને ‘અજાણ્યો’ ગણે છે?
• આજે અજાણ્યા લોકો કોણ છે?
• આપણે કઈ રીતે અજાણ્યા લોકોનો અવાજ ઓળખી શકીએ?
• અજાણ્યાઓનો સાદ સાંભળીને આપણે શું કરવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) ઈસુએ મરિયમને નામથી બોલાવી ત્યારે તેણે શું કર્યું? આ શું બતાવે છે? (ખ) ઈસુના શિષ્યો તેમનો સાદ સાંભળીને શું કરશે?
૩. આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?
૪. ઈસુની વાર્તા પ્રમાણે ઘેટાં કોની પાછળ ચાલે છે અને કોની પાછળ ચાલતા નથી?
૫. યોહાન ૧૦:૧ પ્રમાણે અજાણી વ્યક્તિ શું કરે છે?
૬, ૭. શા માટે શેતાન ‘અજાણ્યો’ અને ચોર છે?
૮. શેતાને કઈ રીતે આખી વાત બદલાવી નાખી?
૯. શું આજે પણ શેતાન આપણને છેતરે છે?
૧૦. ખોટું શિક્ષણ ક્યાંથી આવે છે?
૧૧. આજે ૨ પીતર ૨:૧, ૩ પ્રમાણે ભ્રષ્ટ ખ્રિસ્તીઓ શું કરે છે?
૧૨. (ક) આપણે કેવી સોબત ન રાખવી જોઈએ? (ખ) દુનિયાના લોકો આજે કઈ રીતે શેતાન જેવા જ છે?
૧૩. દાઊદે શું કહ્યું અને આપણે કઈ રીતે એ પાળી શકીએ?
૧૪. રેડિયો, ટીવી કે છાપામાં શું સાંભળવા મળે છે?
૧૫. મિડિયા વિષે બાઇબલ કઈ સલાહ આપે છે? આપણે શું યાદ રાખવું જોઈએ?
૧૬. (ક) યોહાન ૧૦:૪ શું કહે છે અને એક ટુરીસ્ટનો અનુભવ એ કઈ રીતે સાબિત કરે છે? (ખ) બાઇબલ આપણને કઈ સલાહ આપે છે?
૧૭. (ક) આપણે કઈ રીતે યહોવાહનો સાદ ઓળખી શકીએ? (ખ) આપણે કઈ રીતે અજાણ્યાનો સાદ પારખી શકીશું?
૧૮. (ક) યહોવાહનો અવાજ સાંભળીને આપણે શું કરવું જોઈએ? (ખ) માત્થી ૧૭:૫ પ્રમાણે આપણે શા માટે ઈસુનું પણ સાંભળવું જોઈએ?
૧૯. જો કોઈ સત્યની વિરુદ્ધમાં બોલે તો આપણે શું કરવું જોઈએ?
૨૦. (ક) રૂમી ૧૬:૧૭ શું કહે છે? (ખ) યુવાનોએ કોનાથી નાસી જવું જોઈએ? (ગ) ખોટા રિપોર્ટ સાંભળીને આપણે શું કરવું જોઈએ?
૨૧. ‘અજાણ્યા’ લોકોથી દૂર રહેવાથી આપણને શું મળશે?
[પાન ૧૫ પર ચિત્ર]
મરિયમ ઈસુનો અવાજ તરત જ ઓળખી ગઈ
[પાન ૧૬ પર ચિત્ર]
ચોર કે લુટારો ઘેટાંની નજર આગળ ચાલતો નથી
[પાન ૧૮ પર ચિત્ર]
અજાણ્યાનો સાદ સાંભળીને આપણે કાન બંધ કરી દઈએ